રાઘવજી માધડ: હૈયું, મસ્તક ને હાથ, તેં બહુ દઇ દીધું નાથ...



  
અનુગના હૂંફાળા હાથનો સ્પર્શ મારા સાથે ભીનો ભીનો સંવાદ કરતો હોય એવું મને થતું હતું. હાથમાંથી પ્રગટતી ઊર્જા મારા અણુએ અણુમાં પ્રસરી નવતર ચેતનાનો સંચાર કરી રહી હતી. 

મારી સામે જ અનુગ ઊભો હતો તેથી મેં કોલ કટ કરી, બે ડગલાં આગળ ચાલી તેનો હાથ ઝાલી લીધો. પછી ક્ષણભર અટકી ઋજુતાથી કહ્યું: અનુગ! હું પરાગી છું... આપને રીસિવ કરવા માટે આવી છું. અનુગ થેંક્યુ બોલી ન શક્યો પણ તેનો રાજીપો અને અંતરની ખુશી હાથની હથેળીમાં છલી વળ્યાં હતાં. હાથમાં ઊભરાતી આહ્લાદક ઉષ્માને લીધે સાવ નવતર અનુભૂતિ થતી હતી. કોઇ યુવાનનો આમ હાથ ઝાલીને ચાલી હોઉં તે મારા જીવનનો નવો અને પ્રેમાળ અનુભવ હતો.

કોઇનો હૂંફાળો હાથ અને સુંવાળો સાથ મળે તો જીવવાની લજિજત આવે... આવું મનમાં થયું હતું અને થયું હતું કે જીવનમાં એક સાથીદાર તો હોવો જોઇએ. બાકી તો દિલનાં દ્વાર ખુલ્લાં જ ક્યાં રાખ્યાં હતાં!?આપણે કઇ તરફ જઇ રહ્યાં છીએ? અનુગના ચાબખા જેવા સવાલે હું ચોકીને સાવધ થઇ ગઇ હતી. મેં તુરંત જ કહ્યું હતું: આપણે સ્ટુડિયો પર જવાનું છે પણ ગાડી પાર્કિંગમાં છે એટલે... અનુગ પાછો મૌન થઇ ગયો હતો, પણ તેના હૂંફાળા હાથનો સ્પર્શ મારા સાથે ભીનો ભીનો સંવાદ કરતો હોય એવું મને થતું હતું. હાથમાંથી પ્રગટતી ઊર્જા મારા અણુએ અણુમાં પ્રસરી નવતર ચેતનાનો સંચાર કરી રહી હતી. હું તરબતર થઇને સ્નેહના સરોવર માફક ઊભરાઇને છલી વળી હતી.

ત્રીસ મિનિટનો ઇન્ટરવ્યૂ છે? અનુગે કહ્યું હતું: તમે શું પૂછવાના છો? તેનો સવાલ વાજબી હતો પણ મારા માટે અણધાર્યો હતો. તેથી મેં ઊભા રહી તેના સામે જોયું હતું. તેના રતુંબડા ચહેરા પર બાળક જેવી નિર્દોષતા રમતી હતી. આંખો અને હોઠ બંને હસતાં હતાં. મેં ઝાંખીને ક્યારેય કોઇ પુરુષ સામે આમ જોયું નહોતું. તે ભૂલનો અહેસાસ મને સાવ ઓછા સમયમાં થઇ ગયો હતો.

સ્ટુડિયો પર જ ચર્ચા કરી લઈશું. મેં કહ્યું હતું: કારણ કે લાઇવ ટેલિકાસ્ટ થવાનું છે એટલે...એક ન્યૂઝ ચેનલ પર ઇન્ટરવ્યૂ માટે અનુગને ખાસ તો વિકલાંગોની સમસ્યા અને તેની વૈકલ્પિક પ્રવૃત્તિઓની જાણકારી માટે નિમંત્રિત કરવામાં આવ્યો હતો. તે ખુદ બ્લાઇન્ડ છે. પણ તેનાં આંતરચક્ષુ દિવ્ય અને પાવરફુલ છે. મારા મનમાં હતું કે આંખો પર કાળાં ગોગલ્સ પહેર્યાં હશે અને હાથમાં વોકસ્ટિક... પણ મારી ધારણા સાવ પોકળ નીવડી હતી.

ઊંચો, ગોરો, ફ્રેન્ચકટ દાઢી અને માંજરી આંખો... કોઇને કલ્પનામાં પણ ન આવે કે આ માણસ સાથે કુદરતે આવી ક્રૂર મજાક કરી છે! મેં મૂળ વાત કરતાં કહ્યું હતું: અનુગ! વિકલાંગ વ્યક્તિની સમસ્યાઓના સરળ નિરાકરણ માટેની પબ્લિકમાં અવેરનેસ આવે તેવો હેતુ છે અને તેમાં આપ રોલ મોડલ છો...થેંક યુ... થેંક્યુ... કહી તેણે મારો હાથ પકડી લીધો હતો. પછી આ અંગે અમે થોડી ચર્ચા કરી એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. વિકલાંગ હોવાનાં કારણો અનેક હોઇ શકે પણ તેનાથી જીવન સાવ પાંગળું બની જતું નથી. તેમાં પોતાની વિશેષતાઓ ઉમેરીને જીવવાની રીતો બદલવી પડે.

ઘણી વિકલાંગ વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિ કરતાં પણ ઉત્તમ પ્રેરણારૂપ રીતે જીવતી હોય છે. ત્યારે વિશ્વકવિ ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ સાંભરે: હૈયું, મસ્તક ને હાથ તેં બહુ દીધું નાથ... આ ત્રણ વાનાં ઇશ્વરે આપ્યાં હોય પછી સમસ્યા શેની? અનુગ સાથે ઇન્ટરવ્યૂમાં મજા આવી હતી. અમે બંને બરાબર ખીલ્યાં હતાં. અંતરથી ઉદ્ભવતા સવાલોના તે સડસડાટ જવાબો આપતો હતો. છેલ્લે તેમણે કહ્યું તે હૃદયમાં ચોંટી જાય તેવું હતું: અમને કોઇના દયા-ધરમ કે ઉપકારની જરૂર નથી, જરૂર છે અમારી લાગણી, ભાવના, સંવેદના અને સ્થિતિને સમજવાની... આમ કહેતો હતો ત્યારે મારી સામે જોઇ મને આરપાર વીંધતો હોય એવું લાગતું હતું.

પછી કહે, અમારો તો કલરવનો દેશ, અમે સ્પર્શની દુનિયાના પંખી... સ્પર્શ માત્રથી પામી જનારા... એ વખતે મારું હૈયું ધબકારો ચૂકી ગયું હતું. આમ મને જ કહ્યું હોય એમ મારા હૃદયને ચોંટી ગયું હતું. મનમાં એક પ્રકારની હલચલ મચી ગઇ હતી. તેને વળાવ્યા પછી એમ થવા લાગ્યું હતું કે મારામાંથી કશુંક છુટ્ટંુ પડી ગયું છે, ખુદ વિકલાંગ થઇ ગઇ છું અને સાવ ઓશિયાળી હોઉં તેવું અનુભવવા લાગી હતી.અનુગના મળ્યા તેનાથી મારામાં નવો અવતાર થયો હોય એવું લાગે છે.

અનુગ સાથે મોબાઇલ પર વાત કરી તો કહે, તમે આમ મારી સાથે વાત કરશો તેવો મને અંદાજ હતો. શું કરવા વાત કરું? આવું મેં પૂછ્યું તો કહે, એ તમારા દિલને પૂછો! હું તો તમારા સ્પર્શને પામી ગયો હતો! મારા મોંમાંથી હાયકારો નીકળી ગયો હતો. પછી બહુ ગંભીરતાથી કહે: હાથ પકડીને રસ્તો બતાવવો અને જીવનભરનો સાથ નિભાવવો બંને વચ્ચે જમીન-આસમાન જેવો તફાવત છે. હું સામે કશું બોલી નહીં તો કહે: તમારી લાગણી, માનવતા, સંવેદના... શિરોમાન્ય પણ દયાનો એક કણ પણ ખપતો નથી.

વાત તદ્દન સાચી હતી. દયાથી પ્રેરાઇને કોઇ આમ પગલું ભરે તે અનુગને પસંદ નહોતું. મેં કહ્યું: ના, દયાનો ભાવ મનમાં આવ્યો નથી અને આવશે નહીં, પણ તમારા આમ મળ્યા પછી મારામાં બદલાવ આવવા લાગ્યો છે. એકાંકી અને અતડું જીવન સુખ અને આનંદથી સભર થવા લાગ્યું છે. મારામાં કશુંક પાંગરવા અને પ્રગટવા લાગ્યું છે... થાય છે કે તમારો હાથ અને સાથ મળે તો... સામે અનુગે ગંભીરતાથી કહ્યું: ‘તમારામાં કશુંક પાંગરવા લાગ્યું છે એ પૂરતું છે બાકી હાથ અને સાથ તો કોઇપણનો હોઇ શકે?’ સામે મારાથી બોલાઇ જવાયું કે, કોઇપણનો એટલે કોનો!’ મોં પર સ્મિત લહેરાવીને કહે: મનગમતા માણસનો! 

Comments