ડો. શરદ ઠાકર:આથી વધુ શું જોઈએ અવસાન પર?



 
‘આવો, લાલજીભાઈ! બેસો!’ જે માણસને જોવાનું પણ મન ન થાય એને મેં આવો ભર્યો ભર્યો આવકાર આપ્યો. સાથે એની પત્ની પણ હતી. હું એનેય ઓળખતો હતો. મારા ઘરથી થોડેક દૂર બંને જણાં બાળકો માટેનું નાનું ચકડોળ ચલાવતાં હતાં. એ બાજુથી હું પસાર થતો ત્યારે મારી નજર એમની ઉપર અચૂક પડી જતી હતી. લાલજીને મેં ક્યારેય કામ કરતા જોયો ન હતો. બાળકોને ચકડોળમાં બેસીને હાથથી ઘુમાવવાનું કામ એની ઘરવાળી જ કરતી હતી. મંગી ઉર્ફે મંગળા એનું નામ.

લાલજી અતિશય ગંદો હતો. શરીર સાફ રાખવા માટે રોજ પાણીથી સ્નાન કરવું જોઈએ. એ વાત હજુ કોઈએ એને જણાવી ન હતી. આ દુનિયામાં સાબુની શોધ થઈ ચૂકી છે એની પણ હજુ એને ખબર પડી ન હતી. માથાના વાળ, કાંસકો અને તેલ આ ત્રણ ચીજોના સંગમ સાથે એને કશી જ લેવાદેવા ન હતી. એ જ્યાં ઊભો હોય ત્યાં આસપાસમાં દુર્ગંધનું કુંડાળું વ્યાપી જતું, પણ એનું કેન્દ્રબિંદુ એ પોતે હતો એવી માહિતી એને કોણ આપે? એની સરખામણીમાં મંગી હજાર ગણી સારી દેખાતી હતી. ગરીબ ખરી, પણ ગંદી નહીં. એનાં કપડાં ભલે થીગડાંવાળાં હોય, પણ એ સાફસૂથરાં હોય.

મેં લાલજીને પ્રેમપૂર્વક આવકાર્યો એની પાછળનું કારણ એક જ હતું, એ મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો હતો. સાથે એની પત્નીને લઈને આવ્યો હતો. અને મંગીનું ઊપસેલું પેટ ચાડી ખાતું હતું કે ખૂબ ટૂંકા સમયમાં જ લાલજીના ઘરમાં ઘોડિયું બંધાવાનું હતું.‘સાહેબ, તપાસ કરાવવા આવ્યાં છીએ.’ લાલજીએ મુખ્ય મુદ્દાથી જ વાતની શરૂઆત કરી, ‘મંગીને સાતમો જાય છે અને...’‘એક મિનિટ!’ મેં એને અટકાવીને વચમાં પૂછી લીધું, ‘હજુ સાતમો જ જાય છે? પેટ તો એવું કહે છે નવમો પૂરો થવા આવ્યો.’

‘એ તમે જાણો, સાહેબ! તપાસ કરીને જે લાગે તે કહો.’ લાલજીએ બધું મારી ઉપર છોડી દીધું. મેં મંગીને તપાસવાના ટેબલ પર લીધી. મને બીજી એક વાતની શંકા પડી, મંગીના પેટમાં ‘ટિ્વન્સ’ તો નથી ?! એ સાતમો અધૂરો છે એમ કહેતી હતી, જ્યારે મને પૂરા મહિના જેવું પેટ જણાતું હતું. વળી બાળકના હાથ-પગ અને બીજાં અંગો પણ ભરચક લાગતાં હતાં. જાણે બેને બદલે ચાર હાથ અને ચાર પગ ન હોય!‘લાલજી, સોનોગ્રાફી કરાવવી પડશે.’ મેં નેપ્કિનથી હાથ લૂછતાં સમજાવ્યું, ‘મને શંકા છે કે મંગીનાં પેટમાં એક્સાથે બે ગર્ભ વિકસી રહ્યા છે.

લાલજીની આંખો ચમકી ઊઠી. ચહેરો ખીલી ઊઠ્યો. એનાં લગ્ન થયે સાત-આઠ વર્ષ થઈ ગયાં હતાં. મંગીએ પહેલી વાર જ પેટ માંડ્યું હતું અને પહેલી જ વારમાં બબ્બે બાળકો? ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકર દેતા હૈ! ‘સાહેબ!’ લાલજીનો ચહેરો અચાનક પલટાઈ ગયો, ‘સોનોગ્રાફીવાળા ડોક્ટરને કે’જો ને કે બાબો છે કે બેબી એ પણ જોઈ આપે.’‘ના, એ નહીં બને.’ મેં સાફ ના પાડી દીધી, એવું કરવાની કાયદો ના પાડે છે.’ મારા અવાજમાં કડકાઈ હતી એ લાલજી પામી ગયો હશે, માટે જ એણે વધારે જીદ ન કરી, પણ એના મુખ ઉપરની ચિંતા હું જોઈ શકતો હતો.

એકાદ કલાકમાં લાલજી અને મંગળા સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને હાજર થયાં. મારું ડાયગ્નોસિસ સાચું પડ્યું હતું. મંગળાના પેટમાં ‘ટ્વિન્સ’ હતાં. રિપોર્ટમાં લખ્યું હતું : બંને ઓળ જુદી જુદી છે. આનો અર્થ એ કે બંને બાળકો બાબા હોઈ શકે, બંને બેબીઓ હોઈ શકે અથવા એક બાબો અને એક બેબી એવું પણ હોઈ શકે.મારે મન બાબા-બેબીનું મહત્વ ન હતું, મારે તો બેય બાળકો પૂરા મહિને જન્મે અને તંદુરસ્ત હોય એ જ મહત્વની બાબત હતી. મેં લાલજીને ચેતવ્યો, ‘આજથી મંગળાને આરામ આપજે. મહેનત પડે એવું કામ નહીં કરવા દેતો. ચકડોળ તું જ ઘુમાવજે.’ મેં દવાઓ આપીને બેયને વિદાય કર્યા.

એ પછી એક વાર મારે એમની દિશામાંથી પસાર થવાનું બન્યું ત્યારે અનાયાસ મારી નજર ચકડોળની તરફ ફંટાઈ ગઈ, મને આઘાત લાગ્યો. મંગળા હાંફતી હાંફતી ચકડોળ ઘુમાવી રહી હતી. લાલજી બાજુમાં કોથળો પાથરીને એની ઉપર પડ્યો પડ્યો ખાખી બીડીની લિજજત માણી રહ્યો હતો. મારાથી બબડી જવાયું, હે ઈશ્વર! મંગળાનાં બંને બાળકોને સલામત રાખજે! ક્યાંક એને પ્રિ-મેચ્યોર ડિલિવરી ન થઈ જાય તો સારું.’

ભગવાનેય કેટલા લોકોની કેટલી પ્રાર્થનાઓ સાંભળે ?! કદાચ મારી પ્રાર્થના વખતે એનું ‘નેટવર્ક’ બિઝી હશે. અઠવાડિયામાં જ વહેલી સવારે મંગળા પ્રસૂતિની પીડા લઇને આવી ચડી. મેં ‘ચેક અપ’ કર્યું. પ્રસવની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી, એને અટકાવી શકાય તેમ ન હતી. બંને બાળકો વજનમાં અને કદમાં અપરિપકવ અને નાનાં હતાં એટલે પ્રસૂતિ ઝડપથી પતી ગઈ.મેં બધું પત્યા પછી બહાર આવીને લાલજીને સમાચાર આપ્યા, ‘એક બાબો છે, દોઢ કિ.ગ્રા. વજનનો! અને એક બેબી છે, સવા કિ.ગ્રા.ની. બંનેને એમ ને એમ તો બચાવવા મુશ્કેલ છે. બાળકોને નર્સિંગ હોમમાં કાચની પેટીમાં રાખવાં પડશે.’

લાલજી ચિંતામાં પડી ગયો, ‘કાચની પેટીમાં? ખર્ચો કેટલો થશે?’‘રોજના લગભગ પંદરસોથી બે હજાર રૂપિયા. પછી યાદ આવ્યું એટલે ઉમેર્યું એક બાળકનાં.’‘હેં ?! બેયને એક જ પેટીમાં ન રખાય?’ લાલજી પૂછી રહ્યો.‘ના, આ અમદાવાદની સ્કૂલરિક્ષા નથી કે એમાં દસબાર બાળકોને ભરી દેવાય!’‘તો પછી એવું કરીએ, સાહેબ! લાલજીની આંખોમાં શિયાળને પણ શરમાવે તેવી લુચ્ચાઈ તરી આવી, ‘બાબાને પેટીમાં મુકાવી દઈએ. બેબી તો પથરો કે’વાય! નહીં જીવે તો અફસોસ નથી. દીકરો તો ઘરનો વારસદાર ગણાય.’મને ભયંકર આઘાત લાગ્યો. નફરત પણ છુટી.

મેં મારી ત્રણ દાયકાની પ્રેક્ટિસમાં એક વાત ભારપૂર્વક નોંધી છે કે ગરીબ માણસોની ‘સોચ’ પણ ગરીબ હોય છે. મારી પાસે એવાં અગણિત ધનવાન અને સુશિક્ષિત યુગલો આવી ગયાં છે જેમને માત્ર એક જ સંતાન ખપતું હોય અને જ્યારે એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે, ત્યારે એમના આખા પરિવારે એને ‘લક્ષ્મી પધાર્યા’ કહીને ખુશી વ્યક્ત કરી છે. માત્ર કહેવા ખાતર નહીં, સાચા હૃદયપૂર્વક. ઘણાએ તો ભવિષ્યમાં બીજું બાળક ન થાય એ માટેના ઉપાયો પણ અપનાવી લીધા છે, પણ હજુ સુધી મેં એવા એક પણ અભણ કે ગરીબ દંપતીને નથી જોયું જેણે દીકરીનો જન્મ થયો હોય ત્યારે કટાણું મોં ન કર્યું હોય.

ધનવાનો બધી રીતે ખરાબ નથી હોતા અને ગરીબો બધી રીતે સારા નથી હોતા! મેં લાલજીની દરખાસ્તને માન આપીને નવજાત દીકરાને એક પીડિયાટ્રિશિયનના નર્સિંગ હોમમાં મોકલાવી આપ્યો. ત્યાંના ડોક્ટરનો મારા પર ફોન આવ્યો, ‘સાહેબ, બાબાનું વજન એ કંઈ એટલો મોટો અવરોધ નથી, પણ એની પ્રિમેચ્યોરિટી ચિંતાજનક છે. એમાં બચવાની તકો પાંચ-દસ ટકાથી વધુ નથી. શું કરું?’‘પ્રયત્ન કરો ! એક ગરીબ માણસનો વારસદાર તમારા હાથમાં છે. બિલની ચિંતા હાલ પૂરતી ન કરશો. જો બાબો બચી જશે તો હું રાહત માટે વિનંતી કરીશ.’

દીકરો ન બચ્યો. ડોક્ટરે ખરા દિલથી મહેનત કરી, પૈસાનો વિચાર બાજુ પર રાખીને મહેનત કરી, તેમ છતાં ચોથા દિવસે બાબો ઊડી ગયો. આ બાજુ ઓછા વજનવાળી બેબી કશી જ વિશેષ સારવાર વગર બચી ગઈ. લાલજીના અફસોસનો પાર ન રહ્યો. ઘરે જતી વખતે એનું દુ:ખ સપાટી પર આવી ગયું, ‘ભગવાન પણ કેવો ક્રૂર છે, સાહેબ? મારા ઘરનો દીવો એણે બુઝાવી નાખ્યો! આ પથરાને જીવતો રાખ્યો.

હવે આને મોટી કરીને શો ફાયદો?’મેં બાજુમાં બેઠેલી મંગળા તરફ જોયું. એની ગોદમાં સૂતેલી અભાગી છોકરી સામે જોયું. પછી કેટલાયે સમયથી મનમાં ઘૂમરાતો ધૂંધવાટ આ રીતે મારા શબ્દો વાટે બહાર નીકળી પડ્યો, ‘બદમાશ! આવું વિચારતાં તને શરમ નથી આવતી ! એટલે જ ભગવાને તારી સાથે આવું કર્યું છે. જો તારો દીકરો જીવતો રહ્યો હોત તો મોટો થઈને શી ધાડ મારવાનો હતો! પડ્યો રહેત ફૂટપાથ ઉપર અને ફૂંક્યા કરત તારી જેમ બીડીઓ! આ છોકરી તો મોટી થઈને સાસરે જશે અને તારા જેવા ગંદા, આળસુ, પુરુષનું ઘર ચલાવશે. આ મંગીની જેમ!’ મારો પુણ્ય પ્રકોપ જોઈને લાલજી ડઘાઈ ગયો. મંગીને મેં પહેલી વાર હસી પડતી જોઈ!

(શીર્ષકપંક્તિ: હિતેન આનંદપરા)

Comments