ડો.શરદ ઠાકર: તું પુરાવા ના આપીશ પ્રેમના, ભરોસો થઇ જશે



 
ચેતવવા નહીં, સમજાવવા માટે આવ્યો છું. આ શબ્દ પણ આકરો લાગતો હોય તો માત્ર જાણ કરવા આવ્યો છું કે એષણા તારા હાથમાં આવવાની નથી.

‘આત્મિક, દોસ્ત, એક સલાહ આપું? માનીશ? તું એની પાછળ મોંઘા ભાવનું પેટ્રોલ બાળવાનું બંધ કર!’ કોલેજમાં ભણતા સ્વપ્નિલે મજાકિયા અંદાજમાં ગંભીર વાત કરી નાખી.આત્મિક ચોંકી ગયો; એને થયું કે પોતાના મનની વાત આ મિત્ર કેવી રીતે જાણી ગયો? એણે અજાણ્યા બનવાનો ડોળ કર્યો, ‘તું કોની વાત કરે છે?’‘કોની તે એષણાની. આપણા કલાસમાં પેટ્રોલ બાળવા જેવું બીજું છેય કોણ? એષણા મજમુદારને બાદ કરતાં બાકીની ચાલીસ છોકરીઓ તો એવી કદરૂપી છે કે રાતના બે વાગ્યે ઘનઘોર જંગલમાંથી એકલી પસાર થઇ રહી હોય તોયે જગતનો સૌથી ખરાબ બદચલન છોકરો પણ એની છેડતી કરવાની ઇચ્છા ન કરે!’ સ્વપ્નિલે જે સાચું હતું તે કહી દીધું.

‘હા, તારી વાત સાચી છે, પણ પેલી પેટ્રોલ બાળવાવાળી વાત તદ્દન ખોટી. હા, એટલું કબૂલ કે એષણા ખૂબસૂરત છે. આ દુ:ખોથી ઉભરાતી દુનિયામાં એ સુખનું એકમાત્ર સરનામું છે. આ અમાસ જેવી કાળી જિંદગીમાં એ ધ્રુવના તારા જેવું તેજબિંદુ છે. કોઇ પણ ભાંગી પડેલા યુવાનને જીવવાનું બળ પૂરું પાડે તેવી આશાનું કિરણ છે. મને એને જોવાનું ગમે છે. એ હસે છે ત્યારે એના ગાલમાં પડતા ખાડામાં હું પણ પડી જાઉં છું.

એના અધખુલ્લા હોઠો વચ્ચેથી દેખાતી દંતપંક્તિ મને માનસરોવરના સૂના કાંઠા પર બેઠેલા ધવલ રાજહંસોની પંગત યાદ કરાવી જાય છે. પણ... પણ... બસ, આટલું જ, આનાથી વિશેષ મારા મનમાં બીજું કંઇ જ નથી. તારા મગજમાં ખોટો વહેમ ઘૂસી ગયો છે, સ્વપ્નિલ!’સ્વપ્નિલ હસી પડ્યો, ‘માય ડિયર ફ્રેન્ડ, યુ આર કોન્ટ્રાડિકટિંગ યોર સેલ્ફ. તું હમણાં જે દલીલો કરી ગયો ને એ તારી જ વાતને ખોટી સાબિત કરી આપે છે.’

‘એવું તે હું શું બોલી ગયો?!’‘તું જે બોલ્યો એ ગધ્ય ન હતું, પણ પધ્ય હતું. નરી કવિતા હતી. આ સુખનું સરનામું ને તેજબિંદુ ને આશાનું કિરણ અને માનસરોવરનો કાંઠો આવું બધું યુવાન પુરુષ ક્યારે બોલે એની તને ખબર છે? જ્યારે એ કોઇ યુવતીની પાછળ પાગલ બની જાય ત્યારે અને માટે જ હું તને ચેતવવા આવ્યો છું.’

‘ચેતવવા?’‘અરે... ભાઇ, ચેતવવા નહીં તો સમજાવવા માટે આવ્યો છું. આ શબ્દ પણ જો તને આકરો લાગતો હોય તો માત્ર જાણ કરવા આવ્યો છું કે એષણા તારા હાથમાં આવવાની નથી. એનું મેચ ફિક્સિંગ પેલા મલ્હાર મહેતાની સાથે થઇ ગયું છે. એટલે તું ભણવામાં ધ્યાન આપવા માંડ! મૃગજળની પાછળ ગમે તેટલું દોડ્યા પછી પણ હરણના હાથમાં જળનું એક ટીપુંયે આવતું નથી હોતું. ચાલ, હું જાઉં છું. મારી સલાહ ઉપર વિચાર કરજે.’

સ્વપ્નિલ ગયો; આત્મિકે એની વાત પર વિચારવાનું શરૂ કર્યું. ‘સાવ ખોટ્ટાડો! જુઠ્ઠો! લબાડ! મને ભરમાવવા માટે આવ્યો હતો. એષણા આખી કોલેજમાં કોને નથી ગમતી? સ્વપ્નિલને પણ ગમતી હશે. માટે જ મારો બેટો મને ઊઠાં ભણાવવા આવ્યો હશે. એક હરીફ જે ઓછો થયો તે! પણ હું એમ શેનો ભરમાઇ જાઉં? એષણા ભલે મારી સાથે રોજ વાત નથી કરતી, પણ દિવસમાં એકાદ વાર સામે મળી જાય છે ત્યારે ‘હાય-હેલ્લો’ તો કરી જ લે છે ને! અઠવાડિયામાં એકાદ વાર મારી તરફ જોઇને આછું એવું મલકી પણ લે છે.

ગયા મહિને એને તાવ આવેલો ને એક દિવસ પૂરતી એ કોલેજમાં નહોતી આવી ત્યાર પછીના દિવસે ફિઝિકસની નોટ્સ એણે કોની પાસેથી માગેલી? મારી પાસેથી જ ને? આ બધું પ્રેમ નહીં તો બીજું શું છે? સાલ્લો... સ્વપ્નિલિયો! જલે છે મારાથી...’ આવું આશ્વાસન માંડ બે દિવસ સુધી ટક્યું. પછી ત્રીજા દિવસે અચાનક આત્મિકની નજર રિસેસમાં એક આઘાતજનક ર્દશ્ય ઉપર પડી ગઇ. કેમિસ્ટ્રરીની લેબોરેટરી પાસેના ખૂણામાં એષણા અને મલ્હાર ઊભાં હતાં. પેલો લળી-લળીને વાતો કરતો હતો અને પેલી ઝૂકી-ઝૂકીને શરમાઇ રહી હતી. આત્મિક સુન્ન થઇ ગયો.

એ રાતે એ ઊંઘી ન શક્યો. શું પેલા સ્વપ્નિલની વાત સાચી હશે?એના હૃદયમાંથી જવાબ આવ્યો, ‘ના, ચાલુ કોલેજે ધોળા દિવસે કોઇ યુવાન-યુવતી ખુલ્લામાં ઊભાં રહીને વાત કરતાં હોય એટલે એ બંને પ્રેમીઓ હશે એવું જ ધારી લેવાનું? અરે, ભાઇ! આ તો માણસની જિંદગીનો ચોથો કાળ છે. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને કોલેજકાળ! બે જણાં ખાલી અમથાં વાતો પણ ન કરી શકે? હું આને પ્રેમ નથી ગણતો.’એક અઠવાડિયા પછી મનોજ એની પાસે આવ્યો. એ પણ મિત્ર હતો. મનોજ એનો હાથ પકડીને કેન્ટીનમાં લઇ ગયો, ‘જો, પેલા આઠ નંબરના ટેબલ પર લવ-સીન ભજવાઇ રહ્યો છે એ જોઇ લે! પછી કે’તો નહીં કે અમે ખોટું બોલીએ છીએ.’

એ ટેબલ પાસે મલ્હાર અને એષણા બેઠાં હતાં. એક જ બોટલમાં બે સ્ટ્રો નાખીને કોકા-કોલા પી રહ્યાં હતાં. આત્મિકને તમ્મર ચડી ગયા. એ રાત ફરીથી એણે ઉજાગરામાં વિતાવી દીધી, પણ સવાર સુધીમાં પાછો એ સ્વસ્થ થઇ ગયો. કોલેજમાં જઇને એણે મનોજને સંભળાવીયે દીધું, ‘હું નથી માનતો કે એ બંને પ્રેમમાં છે. પેલો મલ્હાર કંજૂસ-શિરોમણી છે, એટલે એણે એક જ બોટલ મગાવી હશે. એષણા બાપડી શરમમાં ને શરમમાં ના નહીં પાડી શકી હોય.

બાકી એક બોટલ અને બે સ્ટ્રો બરાબર એક દૂઝે કે લિયે એવું સમીકરણ તો કેમિસ્ટ્રરીના પાઠ્યપુસ્તકમાંયે ક્યાંય જોવા નથી મળતું. ઊંહું! આઇ ડોન્ટ બિલીવ ધીસ! હું આને પ્રેમ નથી માનતો...’પાઠ્યપુસ્તકનાં પાનાઓમાં જે જોવા ન મળે તે સિનેમા-હોલના ખૂણાઓમાં જોવા મળી શકે! કોલેજના મિત્રો જ એક સાંજે આત્મિકને થિયેટરમાં ખેંચી ગયા. ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા માટે. અંધારું થયું અને જેવું પિકચર શરૂ થયું કે તરત વિમલે કોણી મારી, ‘તારી જમણી બાજુની પાછળની ખુરશીઓ તરફ નજર ફેંક!’ અંધારામાં પણ આત્મિક જોઇ શક્યો કે પડદા પર ચાલતી ફિલ્મ કરતાં પાછળ ભજવાતી ફિલ્મ વધુ ઉત્તેજક હતી.

બે યુવાન દેહો એકતા સાધવાની કોશિશ કરી રહ્યા હતા. વિમલે કાનમાં બોમ્બ ફોડ્યો, ‘એ બંને મલ્હાર-એષણા છે. હવે તો તું માનીશ કે એ લોકો પ્રેમમાં છે?’ત્યારે તો આત્મિક પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો, પણ રાતભરના ઉજાગરા, ઉચાટ અને ઉધામા પછી બીજા દિવસે એણે દોસ્તોને આ જવાબ આપી દીધો, ‘માન્યું કે એ બંને સારા મિત્રો છે, એટલે તો સાથે ફિલ્મ જોવા માટે આવ્યા હતા. બાકી આપણે જે કંઇ જોયું તે આપણી ભ્રમણા પણ હોઇ શકે. થિયેટરમાં અંધારું હતું એટલે...’

સ્વપ્નિલ ચિડાઇ ગયો, ‘જવા દો મિત્રો! આ વેદિયાશંકર આપણી વાતને નહીં સ્વીકારે. પેલી એષણા મલ્હારની સાથે પરણી જશે અને એક વર્ષ પછી એના ખોળામાં મલ્હારનું બાળક રમતું હશે તોયે આત્મિક તો એવું જ કહેશે કે ઊંહું! આઇ ડોન્ટ બિલીવ ધીસ! હું નથી માનતો કે આને પ્રેમ કે’વાય!’

***

સ્વપ્નિલે કરેલી આગાહી સાચી પડી. અલબત્ત, જરાક જુદી રીતે. મલ્હાર અને એષણાના ગાઢ સંબંધો ક્યારે, ક્યાં, કેટલી મર્યાદા ઓળંગી ગયા એની ખબર તો એક દિવસ સવારના પહોરમાં જ્યારે એષણાને ઊલટી-ઉબકા થવા માંડ્યા ત્યારે જ પડી. શહેરના ખાનગી નર્સિંગ હોમમાં ગાયનેક ડોક્ટરે કહ્યું, ‘તમે પ્રેગ્નન્ટ છો.’ એ સાથે જ મલ્હાર ઊભો થઇ ગયો. કહી દીધું, ‘ડોક્ટર, આ રહ્યા પાંચ હજાર રૂપિયા. તમે કહો ત્યાં સહી કરી આપું. એષણાનો ગર્ભપાત કરી આપો! હું એ વખતે હાજર નહીં રહી શકું. જો આ વાત ‘લીક’ થઇ જશે તો મારી બદનામી થઇ જશે. પછી મારી ન્યાતમાંથી કોઇ સુંદર છોકરી મારી સાથે લગ્ન કરવાની હા નહીં પાડે.’

વાત ક્યાંકથી ‘લીક’ થઇ જ ગઇ. ડોક્ટરનો આગ્રહ હતો કે એબોર્શન વખતે કોઇકે તો દરદીની સાથે હાજર રહેવું જ પડશે. રડતી એષણાની બાજુમાં ઊભા રહેવા માટે માત્ર એક જ મર્દ નીકળ્યો. એ હતો આત્મિક. સંમતિપત્રકમાં સહી કરતી વખતે એક ખાનું આ પણ ભરવાનું હતું: દરદીની સાથે શો સંબંધ છે? આના જવાબમાં આત્મિકે લખી દીધું: હાલમાં પ્રેમી તરીકેનો અને આવતીકાલથી પતિ તરીકેનો!એ પછી આખી જિંદગી એષણા બોલતી રહી, ‘આઇ કાન્ટ બિલીવ ધીસ. પ્રેમ શું આને જ કહેતા હશે?! મલ્હાર જેવા પ્રેમીઓ હજારો હોઇ શકે છે, પુરુષો પણ લાખો હોઇ શકે છે, પણ મારા આત્મિક જેવો મરદ તો એક જ હોઇ શકે.’‘ 

Comments