બાપ કરતાં દીકરો સવાયો



 
પુત્રએ કહ્યું, ‘એ ગ્રાહક કાલે આવશે જ કેમ કે મેં તેમને ડાબા પગના જ બે બૂટ આપ્યા છે.’ 

કાનપુર નામે મોટું શહેર. શહેરના જાણીતા વિસ્તારમાં કપૂરચંદની બૂટની દુકાન ઘણી પ્રખ્યાત હતી. નાનામોટા તમામના બૂટચંપલ મળતાં. જેથી ગ્રાહકોની ભીડ પણ ખૂબ રહેતી. રજાના દિવસોમાં ક્યારેક કપૂરચંદનો છોકરો નીતિન પણ પિતાને મદદ કરવા દુકાને આવતો હતો. પિતાજીની વેચાણકળા જોઇને તે ઘણો ખુશ થતો. નીતિન ભણીગણીને મોટો થયો. પપ્પાને મદદ કરવા નવરાશના સમયે તે હવે દુકાને આવવા લાગ્યો. ઘણીવાર પિતાજીની ગેરહાજરીમાં તે દુકાનનો કારોબાર સંભાળતો. વેચાણકળા પણ તેનામાં ધીમેધીમે આવવા લાગી. કપૂરચંદને પુત્રના કામથી અને દેખરેખથી સંતોષ હતો. તેમણે મનોમન વિચાર્યું, ‘મારી ગેરહાજરીમાં મારો પુત્ર નીતિન અચૂક દુકાન સંભાળશે. એ સારી રીતે ધંધો કરશે. સારી એવી કમાણી પણ કરશે.’

કપૂરચંદને બે-ચાર દિવસ બહારગામ જવાનું થયું. એટલે તેમણે પોતાના પુત્રને દુકાન સંભાળવાનું જણાવ્યું. નીતિનને આ કામ માટે કેટલીક સમજ પણ આપી. કેટલાક સૂચનો પણ કર્યા. નીતિને પિતાજીને જણાવ્યું કે બાપુજી, ‘કોઇ ચિંતા ન કરશો. હું તમારી બધી જ સૂચનાઓનું પાલન કરીશ. હું સારી રીતે દુકાન સંભાળીશ. ચિંતામુકત થઇ તમે તમારા કામ માટે બહારગામ જાઓ.’

કપૂરચંદ પુત્રને દુકાનનો હવાલો સોંપી બહારગામ ગયા. બે-ચાર દિવસ પછી કપૂરચંદ બહારગામથી આવી ગયા. પુત્રની સાથે તેઓ દુકાને આવ્યા. વેચાણ કરેલા બૂટચંપલનો હિસાબ તો બરાબર હતો પણ એક ગ્રાહકને પુત્રએ ઉધાર બુટ આપેલા. પિતાજીએ નીતિનને પૂછ્યું, ‘ક્યા ભાઇને તેં બૂટ ઉધાર આપ્યા છે? તેઓ ઓળખીતા છે ખરા?’ પિતાજીના પ્રશ્નનો જવાબ આપતા પુત્રએ કહ્યું, ‘ગ્રાહક ઓળખીતા તો ન હતા પણ સજજન લાગતા હતા.’

કપૂરચંદે કહ્યું, ‘બેટા નીતિન, વગર ઓળખાણે આમ વેચાણ ન થાય.’ ‘બાપુજી, તમારી વાત તદ્દન સાચી છે પણ તમે હવે મારી વાત સાંભળો. ઉધાર બૂટ લઇ જનાર ગ્રાહક બાકીના પૈસા આપવા માટે કાલે આવશે જ કેમ કે મેં તેમને ડાબા પગના જ બે બૂટ આપ્યા છે. એટલે બૂટ બદલવા માટે તેમને આપણી દુકાને આવવું જ પડશે. બૂટ બદલવા આવશે ત્યારે તે વેચેલા બૂટના બાકીના પૈસા પણ આપણને આપી જશે.’ નીતિને ચોખવટ કરતા બધી જ વાત સમજાવી. પુત્રની વાત સાંભળી કપૂરચંદ મનોમન હરખાયા અને બોલી ઊઠ્યા ‘બાપ કરતાં બેટો સવાયો નીકળ્યો.’

Comments