મારી કલ્પના
વિશ્વપુર નામનું એક સુંદર ગામ હતું. આ ગામમાં કેયા અને ઘટા નામની બે બહેનપણીઓ રહેતી હતી. તેઓ પાસપાસે જ રહેતી હતી. આ બંને જોડે રમતી, જોડે ખાતી તેમજ જોડે શાળાએ જતી હતી.
એક દિવસની વાત છે. રવિવારની રજા હતી અને વાતાવરણ પણ ખુશનુમા હતું. આથી કેયા અને ઘટા પિકનિક પર જવા નીકળ્યા.ગામની નજીકમાં જ પ્રકૃતિથી ભરેલું સરોવર, સુંદર બાગ, પિકનિક માટેનું સુંદર સ્થળ હતું. આ સ્થળનું નામ “વિશ્વવિહાર” હતું.
કેયા અને ઘટાએ પિકનિક માટે “વિશ્વવિહાર” સ્થળ પસંદ કર્યું. તેઓએ ત્યાં સવારમાં ઝૂલા ઝૂલ્યા. સરોવરના કિનારે રમતો પણ રમી. ત્યારબાદ બપોરના સમયે જમવા માટે એક વૃક્ષ નીચે બેઠા. તેઓએ ભોજન કર્યા બાદ કચરો ત્યાં જ નાંખ્યો. અચાનક! એ જ રસ્તેથી તેમના ગુરુજી પસાર થઈ રહ્યા હતા તેઓએ આ દૃશ્ય જોઈ લીધું હતું. ગુરુજી કેયા અને ઘટાની પાસે ગયા. કેયા અને ઘટાએ તેમને વંદન કર્યાં. ત્યાર પછી ગુરુજીએ કહ્યું કે, “બેટા! મેં અહીં જોયું કે તમે પિકનિક મનાવી, કચરો અહીંયાં જ નાંખી દીધો અને ગંદકી ફેલાવી. આ યોગ્ય નથી.” ત્યારે કેયાએ કહ્યું, “ગુરુજી! અમારા આટલા કચરાથી શું થશે?” ત્યારે ગુરુજીએ બંનેને સમજાવતાં કહ્યું કે, “બેટા! ગંદકી એ આપણાં દેશનો રાષ્ટ્રીય રોગ છે. જો તમારી જેમ જ બધાં વિચારે તો કેટલી બધી ગંદકી ફેલાય? ગંદકીથી મચ્છર,માખીઓનો ઉપદ્રવ વધે છે. લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ નિવાસ કરે છે. સ્વચ્છતા રાખવાથી રોગચાળો અટકે છે, વાતાવરણ પવિત્ર રહે છે અને આપણું મન પણ પ્રફુલ્લિત રહે છે. આ સ્વચ્છતાના કાર્યની શરૃઆત આપણાથી જ કરવી જોઈએ. સમજ્યાં બાળકો!” આ વાત કેયા અને ઘટાને બરાબર સમજાઈ ગઈ. બંનેને પોતાની આ ભૂલ પર પશ્ચાતાપ થવા લાગ્યો. તેઓએ ગુરુજી જોડે માફી માંગી અને ત્યારબાદ કેયા અને ઘટાએ સંકલ્પ કર્યો કે, આજથી અમે કચરો કચરાપેટીમાં જ નાંખીશું અને આ વાત અમે અમારા મિત્રો તેમજ વડીલોને પણ સમજાવીશું. ત્યારબાદ ગુરુજી અને બંને બહેનપણીઓ પોતાના ગામ તરફ પાછાં ફર્યાં.
બોધ : મિત્રો, આ વાર્તા પરથી એવો બોધ મળે કે, આપણે કચરો યોગ્ય સ્થાને નાંખી, ગંદકી અટકાવવી. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વાક્યને યાદ રાખી જીવનમાં આગળ ચાલવું જોઈએ.
Comments
Post a Comment
Thanx For Comment