રાઘવજી માધડ: વેદના અને સંવેદનાનો અનુભવ



 
યુવતી પોતાની સામે જુએ છે તેવો યુવાને ખ્યાલ આવતાં તે થોડો ટટ્ટાર અને સતર્ક થયો. પછી ચાનક ચઢયું હોય એમ રોફ સાથે ઊંચા અવાજે બોલ્યો: સારા કંપાર્ટમેન્ટ ડર્ટી હૈ ઔર તુમ ફીડબેક લેને આયે હો... 

ચારુતા અર્ધનિદ્રામાં હતી. ટ્રેનનું લયબદ્ધ આંદોલન માતા તેના બાળકને થપથપાવીને સુવડાવે તેવી ગતિ આપી રહ્યું હતું. ધાબળાની હૂંફમાં ઢબુરાઇ રહેવાની મઝા આવતી હતી પણ કર્કશ અવાજ કાને અથાડાતા તે સફાળી બેઠી થઇ ગઇ. જોયું તો સામેની સીટમાં બેઠેલો જાડિયો યુવાન, કશીક માથાકૂટ કરી રહ્યો હતો. તેના હાથમાં એક ફોર્મ હતું અને તે સ્વીપર સામે ઘૂરકી રહ્યો હતો. બીજા પ્રવાસીઓ પણ તાલ વગરનો તમાશો જોવા તત્પર થયા હતા. ચારુતા કપડાં સરખાં કરી ખેલ જોવા બેઠી હોય તેમ પગ તાણીને બેઠી.

કારણ કે આ યુવાને નજરના તીર વડે પોતાને ત્રોફીને તંગ કરવામાં કશી કમી રાખી નથી. તેથી હવે તેનો વારો હતો. શરમિંદો થઇ સૂઇ જાય અથવા તો પોતાની ડંફાસ બંધ કરે, કારણ કે મહેસાણાથી બેઠો ત્યારનો બકબક કરે છે. અમારે ત્યાં આમ હોય અને તેમ હોય...! ચારુતાના કાન પાકી ગયા હતા. એક ક્ષણે તો મોંએ આવી ગયું હતું કે, ત્યાં તેવું હતું તો અહીં શું કરવા આવ્યો, ત્યાં જ રહેવું હતું ને! આમ પણ ઊંઘ આવતી નહોતી તેથી ટાઇમપાસ માટે આ તમાશો નકામો નહોતો!

યુવતી પોતાની સામે જુએ છે તેવો યુવાનને ખ્યાલ આવતાં તે થોડો ટટ્ટાર અને સતર્ક થયો. પછી ચાનક ચઢયું હોય એમ રોફ સાથે ઊંચા અવાજે બોલ્યો: સારા કંપાર્ટમેન્ટ ડર્ટી હૈ ઔર તુમ ફીડબેક લેને આયે હો... ઐસા નહીં ચલેગા સમજે...! ક્ષણભર સન્નાટો છવાઇ ગયો. સામે તદ્દન ધીમા અને લાચારભાવે સ્વીપરે કહ્યું: સર... મૈંને બાર બાર સફાઇ કી હૈ, આપ વો તો લીખ શકતે હોના! અહીં બંને યુવાન આમ તો સાચા હતા. સ્વીપર સફાઇ કરે છે પણ પરદેશના જેવી નથી. દરેક સમસ્યાને સ્થળ અને સ્થિતિ સાથે સંબંધ હોય છે.

ચારુતા ઝીણી આંખો કરીને બરાબર જુએ છે. યુવાન બરાબર રંગમાં આવે છે અને બોલે છે: જાઓ યહાં સે વરના... સામેનો યુવાન સ્વીપર પણ ગાંજયો જાય એમ નહોતો. તે વિવેક ચૂકયો નહોતો પણ સ્થિતિ વણસી એટલે એટલી જ ત્વરાથી સામે કહ્યું: વરના... ક્યા? અવાજ ચાબુકના જેમ વીંઝાયો. ઘણાની નજર ખેંચાઇ. હવે એનઆરઆઇ યુવાન ઉર્ફે રોકી બરાબરનો સપડાયો. તેની પાસે મૌન રહેવા સિવાયનો કોઇ માર્ગ રહ્યો નહોતો.

આમ પણ પ્રવાસમાં કમ ખાના ઔર ગમ ખાના સૂત્રને આત્મસાત્ કરીને જ ચાલવું પડે. પણ જેમ વાર્તાકાર પોતાની વાર્તા જ્યાં પૂરી કરે ત્યાંથી તે વાર્તા વાચકના ચિત્તપ્રદેશમાં શરૂ થઇ વિહાર કરતી હોય છે એમ આ આખી ઘટના ચારુતાના ચિત્તમાં વંટોળની માફક ફૂંકાઇને ચોતરફ વહિરવા લાગી... દરેક યુવાને અસુવિધા કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જ જોઇએ પણ ક્યાં અને કોના સામે તેનો ખરો ખ્યાલ હોવો જોઇએ. પોચું ભાળીને આંગળી ખૂંપાડવી તે વાજબી નથી. વળી રોકીના મનમાં સ્વીપરના કામ પ્રત્યેનો તુચ્છકારભાવ હતો. ક્યારેક કામ થકી વ્યક્તિ ઊજળો લાગતો હોય છે ને ક્યારેક વ્યક્તિ થકી કામ ઊજળું લાગતું હોય છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, પોતાનું મનગમતું કામ તો મોટા મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ બુદ્ધિશાળી તો તે કહે જે દરેક કામને મનગમતું બનાવી શકે. કોઇપણ કામ હલકું કે સાધારણ નથી. ચારુતાએ રોકીના સામે જોવાનો પ્રયત્ન કર્યો પણ તે શરમ અનુભવતો હોય એમ મોં ફેરવી લીધું. આમ તો રોકી ગમી જાય અને દિલમાં વસી જાય તેવો સોહામણો યુવાન છે. આછા અજવાળાના માદક અને નીરવ વાતાવરણ વચ્ચે યુવાદિલમાં પ્રેમનું બાકોરું પડતા વાર લાગે નહીં. વળી આવી ક્ષણો ભારે લોભામણી અને લપસણી હોય છે. ચારુતાએ પોતાની જાતને સંભાળી લીધી. સામે રોકી નજર ચોરીને પણ ચારુતા સામે જોઇ લેવાનું ચૂકતો નહોતો. એકબીજાની નજર રીતસરની સંતાકૂકડી રમી રહી હતી.

રોકી સાથે તેનાં મમ્મી પણ છે. મૂળ ગુજરાતી પણ વરસોથી પરદેશમાં સ્થાયી થયાં છે. રોકીનો જન્મ પણ ત્યાં થયો છે. ઇન્ડિયન કલ્ચરથી અવગત કરાવતા રહેવાનો તેનાં મમ્મીનો અથાગ પ્રયત્ન રહ્યો છે. આમ છતાં અહીંની સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ ન આવે તે સ્વાભાવિક છે. પણ ત્યાં સારું છે ને અહીં બધું ખરાબ છે તે વાત ચારુતાને દિલમાં વાગે છે. દરેક પોતપોતાના ઠેકાણે સારા અને સાચા હોય છે. જીવનમાં પણ સરખામણી કરવા બેસો તો દુ:ખ અને સમસ્યા સિવાય કશું જ હાથમાં નહીં આવે.

ચારુતાએ સંવાદ સાધવાના હેતુથી રોકી સામે જોયું. તેને તંગ કરવાનો ઇરાદો રાતના માફક ગળવા લાગ્યો હતો. વળી કઇક નવું જાણવા મળશે. વાતો કરવામાં બીજું શું ગુમાવવાનું છે? ચારુતાએ કહ્યું: ચારુતા... કમિંગ ફ્રોમ રાજકોટ...! રોકી તો જાણે રાહ જોઇને જ બેઠો હોય તેમ વાતને હસ્તગત કરતાં કહ્યું: યા...! હવે શું બોલવું તે બંને માટે કોયડો બની ગયું. ભીની અને લાગણીશીલ ક્ષણો પગ ખોડીને ઊભી રહી.

સફાઇ તો બરાબર કરવી જોઇએને! રોકીના દિમાગમાં હજુ સ્વીપર છવાયેલો હતો. ચારુતાએ તક ઝડપી લઇ સામે સવાલ કરતાં કહ્યું: તેની શું સ્થિતિ હશે તે આપણે જાણીએ છીએ? તેની પાસે લાયકાત કે આવડત ઓછી ન હોય છતાંય ગરીબીના લીધે આ કામ કરવું પડતું હોય...! રોકી અણધાર્યા સવાલથી થોડો અકળાઇ ગયો. સામેની વ્યક્તિની સ્થિતિ કે વેદના સમજાય, સંવેદન અનુભવાય તો ઘણા પ્રશ્નોનું નિવારણ થઇ જાય. બાજુમાં સૂઇ રહેલાં રોકીનાં મમ્મી તેની સ્થૂળ કાયાને મહામહેનતે સંભાળીને બેઠાં થયાં. તેણે રોકી અને ચારુતાનો સંવાદ સાંભળ્યો હતો તેથી કહ્યું: બેટા...! સફાઇનું કામ કરવું મનથી અને તનથી ભારે અઘરું હોય છે.

તેનો મને જાત અનુભવ છે. પણ મમ્મીની વાતને વચ્ચેથી કાપીને રોકીએ કહ્યું: મોમ તું વચ્ચે ના બોલીશ. મારો અધિકાર છે. તેને શું ફીડબેક આપવો તે! મમ્મીના મોંએ આવી ગયું કે, તને તે વખતે સ્તનપાન કરાવવું કે નહીં તે પણ મારો અધિકાર હતો! રોકીનાં મમ્મીથી સહેવાયું કે રહેવાયું નહીં. તેમને રોકીનો વ્યવહાર ગમ્યો નહોતો. અસુવિધા સામે સવાલ કરાય પણ કોઇ કામ પ્રત્યે તુચ્છકારભાવ ન રખાય. સફાઇ કરનારનો મોભો માતા કરતાં સહેજ પણ ઓછો નથી.

ગાંધીજી કહેતા: ઇશ્વરે સોંપેલાં કામમાં કોઇ કામ નાનું કે કોઇ કામ મોટું નથી. તેમણે કહ્યું: રોકી! અમે અહીંથી ત્યાં ગયાં ત્યારે શું કામ કરતાં હતાં તેની તને ખબર છે? રોકી મોં વકાસીને તેનાં મમ્મી સામે જોઇ રહ્યો. અમે મોટેલમાં વાસણ માંજવાનું અને સાફ-સફાઇનું કામ કરતાં હતાં! રોકી પળાર્ધમાં સઘળું પામી ગયો. તેણે મમ્મીને કહ્યું: સોરી મોમ. રોકીની નિખાલસતા જોતાં ચારુતાને થયું કે હવે આની સાથે ઉજાગરો નહીં પણ જાગરણ કરવું પડશે. તેણે ફરી રોકી સાથે વાતનો તંતુ જોડ્યો... રોકી રાજી રાજી થઇ ગયો! 

Comments