જિન્સ પહેરું એ બોયફ્રેન્ડને પસંદ નથી!



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારું નામ અંજલિ છે. હું સુરત જિલ્લામાં રહું છું. મારો પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ નથી. હું ઘરની નબળી સ્થિતિને કારણે બારમું ધોરણ પાસ કર્યા પછી કોલેજ કરી શકી નથી. મારે કમાવું જરૂરી હોવાથી મેં એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી છે. ગામથી ૨૦ કિલોમીટર દૂર શહેરમાં નોકરી કરવા જવાનું હોવાથી રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવું પડે છે.
એક દિવસ મારે ઘરેથી નીકળવામાં મોડું થઈ જતાં મારી રોજની ટ્રેન ચૂકી ગઈ. હું સ્ટેશન પર બીજી ટ્રેનની રાહ જોતી બેઠી હતી ત્યારે અમારા ગામનો છોકરો વારંવાર મને જોયા કરતો હતો. સ્ટેશન પર અમારે વારંવાર મળવાનું થતાં અમારી વચ્ચે ફ્રેન્ડશિપ થઈ. અમારી વચ્ચે મૈત્રી થયા પછી મને ખબર પડી કે તેણે મારી સાથે ફ્રેન્ડશિપ કર્યા પહેલાં મારા વિશે બધી માહિતી મેળવી હતી. અમારા સંબંધો દિવસે દિવસે ગાઢ થતા જતા હતા. અમારી દોસ્તી ધીમે ધીમે પ્રેમનો રંગ પકડતી જતી હતી. તેણે એક દિવસ મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને મેં હા પણ પાડી.
જોકે, સમસ્યા પછી ઊભી થઈ. એક દિવસ હું જિન્સનું પેન્ટ પહેરીને રેલવે સ્ટેશન પર ઊભી હતી ત્યારે તેણે મને ટોણો માર્યો કે, “પેન્ટ પહેરવાથી કે જોબ કરવાથી છોકરી છોકરો બની જતી નથી. છોકરીએ તો આખરે ઘરનું કામ જ કરવાનું હોય છે.” મેં ત્યારે તો વાતને મજાકમાં લીધી અને બહુ ગણકારી નહીં, પણ પછી હું જ્યારે જ્યારે જિન્સ કે એવાં કપડાં પહેરતી ત્યારે તે મને આવું જ કંઈક કહ્યા કરતો હતો. એક-બે વાર તો હું કંઈ ન બોલી, પણ પછી મને બહુ ખરાબ લાગવા માંડયું. મેં ફોન પર તેની સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું. મારા બદલાયેલા વર્તનથી તેને અંદાજ આવી ગયો કે હવે હું તેનામાં બહુ રસ લેતી નહોતી. તેણે મને કહ્યું કે, “મારા જેવો પ્રેમ કરવાવાળો તને બીજો કોઈ મળશે. હું તારાથી દૂર ચાલ્યો જઈશ. કદી વાત નહીં કરું.” તે દિવસે તેણે ટ્રેનમાં મારી સામે જ સીમકાર્ડ તોડી નાખ્યું અને હવે અમારી વાત બિલકુલ બંધ થઈ ગઈ છે. મને હવે એના વગર ગમતું નથી. તેના જ વિચાર આવ્યા કરે છે. મને કોઈ ઉપાય બતાવો.                  
- લિ. અંજલિ
પ્રિય અંજલિ,
તમારું દિલ જેના પર ઢળ્યું છે, એ યુવક બધી રીતે કદાચ યોગ્ય હશે, પણ તેણે તમને જે ટોણો માર્યો છે, તેના પરથી તેની સંકુચિત માનસિકતા વ્યક્ત થઈ ગઈ છે. તમે પણ આ વાત સારી રીતે સમજી ગયા છો કે તેના મનમાં સ્ત્રી એટલે ઘરકામ કરનારી વ્યક્તિ,એવું જ છે. તે પણ સામાન્ય પુરુષોની જેમ એવું જ વિચારે છે કે પુરુષ તો કંઈક વિશેષ હોય છે, જ્યારે સ્ત્રી એટલે સાવ તુચ્છ. પુરુષ કરતાં પણ અનેક બાબતે ચડિયાતી સ્ત્રી માટે આપણા સમાજમાં આવો જ અભિગમ જોવા મળે છે. આધુનિક સ્ત્રીઓએ પોતાની તાકાતના પરચા બતાવી દીધા હોવા છતાં આજે પણ આપણા પુરુષપ્રધાન સમાજની સ્ત્રી અંગેની માનસિકતા સંકુચિત જોવા મળે છે. સમાજે કાયમ સ્ત્રીને પુરુષ કરતાં ઊતરતી જ ગણી છે.
તમે જેના પ્રેમમાં છો, એ યુવક પણ આવી સંકુચિત માનસિકતા ધરાવે છે, એ વાત તમે જાણી ચૂક્યા છો અને કદાચ એટલે જ તમે તેની સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું અને એવી સ્થિતિ ઊભી કરી દીધી કે પેલા યુવકને સમજાઈ ગયું કે અહીં મારી દાળ ગળવાની નથી. હવે એ યુવક તમને નથી બોલાવી રહ્યો, એનો તમને અફસોસ અને દુઃખ છે. તમે એને સાચો પ્રેમ કરો છો એટલે તમને એનો વિરહ સતાવી રહ્યો છે. તમે એની યાદમાં દુઃખી દુઃખી થઈ રહ્યા છો. તમારી લાગણીઓ એના તરફ ખેંચાય છે, પણ તમારે સ્ત્રી અંગે નીચો અભિપ્રાય ધરાવનારી વ્યક્તિને પ્રેમને લાયક ન ગણવો જોઈએ. તમને કદાચ મારો જવાબ આકરો લાગી શકે,પણ યાદ રાખજો કે જે પુરુષને સ્ત્રી માટે માન નથી હોતું તે પોતાની માતા, બહેન, પત્ની કે પુત્રીને ક્યારેય સાચા હ્ય્દયથી સન્માની શકતો નથી, તેમને ચાહી શકતો નથી. આપણા સમાજમાં દીકરીને પોતાના ઘરમાં કે લગ્ન પછી સાસરીમાં જે તકલીફો પડે છે, તેનાં મૂળમાં સ્ત્રી પ્રત્યેના સન્માનનો અભાવ જ રહેલો છે.
જેને તમારી શક્તિની-વ્યક્તિત્વની કદર ન હોય, જે પત્નીને માત્ર ઘરકામ કરતું અને રાતે દિલ ખુશ કરતું એક સજીવ યંત્રથી વિશેષ માની શકે એમ ન હોય, એવા યુવકને તમારે દિલ પર પથ્થર રાખીને પણ ભૂલી જવો જોઈએ. હા, એ યુવકને પોતાની ભૂલ સમજાય, તેને પોતે મારેલા ટોણા માટે પસ્તાવો થાય અને તે પોતાની માનસિકતા બદલીને તમારી પાસે ભૂલ સ્વીકારી લે તો તમારે હકારાત્મક વિચારવું જોઈએ, બાકી સામેથી તેની સાથે સંબંધ બાંધશો તો તમે એક પ્રકારની ગુલામી જ સ્વીકારી રહ્યા છો, એવું માનજો.

Comments