ડૉ.શરદ ઠાકર: એટલે તો જિંદગીથી છે મમત એમ લાગે તું જ છે સાથે સતત



 
ના, એમ નહીં. તારે મને વચન આપવું પડશે. તારાં આ તમામ કાળાં કુકર્મો કાયમ માટે ત્યજી દેવાં પડશે. 

પપ્પા...’ આટલું બોલીને ઝરમર નીચે જોઇ ગઇ, પછી થયું કે જે વાત કહેવા માટે એ આવી છે તે પૂરી કરવી જ પડશે, એટલે ઊંચું જોઇને બોલી ગઇ, ‘હું કોઇના પ્રેમમાં છું, પપ્પા. મને એ ગમે છે. હું એની સાથે લગ્ન કરવા માગું છું.’ચંદ્રકાન્તભાઇએ આ તબક્કે કોઇ પણ બાપ પૂછે એ જ સવાલો પૂછી લીધા, ‘છોકરો કોણ છે? એનું નામ? એનાં મા-બાપ? ખાનદાન? એ કેટલું ભણેલો છે? કામકાજ? નોકરી-ધંધો? કમાણી?’

ઝરમરના ગોરા ગાલો ઉપર ગુલાબી શેરડા પડ્યા, ‘એનું નામ અક્કી છે. આપણી સોસાયટીની બહાર જ એની શોપ...’ચંદ્રકાન્તભાઇ સળગી ગયા. એમનું બોલવું અવાજને બદલે ગર્જના બની ગયું, ‘તું કોની વાત કરે છે?! પેલા બદમાશ અક્કીડાની? પેલો મવાલી? લબાડ? જે સાત ચોપડી પણ પૂરી ભણ્યો નથી... અને આખો દિવસ લુખ્ખાગીરી કરતો રહે છે... મારામારી કરવી એ જેના માટે ‘બ્રશ’ કરવા જેવી રોજિંદી ઘટના છે અને જગતનું એક પણ અંધારી આલમનું કામ એવું નહીં હોય જેના પર એણે હાથ નહીં અજમાવ્યો હોય! એ અક્કીની વાત કરે છે તું?’

‘પપ્પા, તમે આવું ન બોલો. એની પોતાની શોપ છે અને...’

‘શોપ? એ અડ્ડાને તું શોપ કહે છે? અરે, સાંજે જ્યાં શરાબ વેચાય છે, રાતે જ્યાં જુગારની મહેફિલો જામે છે અને દિવસ આખો આ શહેરના નવરાધૂપ ટપોરીઓ જ્યાં બેસીને બ્લેકમેઇલિંગ, ચોરી-ચપાટી અને મારામારીની યોજનાઓ વિચારતા હોય છે એ જગ્યાને તું શોપ કહે છે?’

ઝરમર ખામોશ બનીને સાંભળી રહી. દલીલબાજી માટે કોઇ અવકાશ જ ક્યાં હતો? એના પપ્પાની વાત સાવ સાચી હતી. અક્કી આ વિસ્તારનો છકેલ બદમાશ હતો. પણ એ હતો હેન્ડસમ. છ ફીટ ઊંચો અને ગોરો અક્કી એની દુકાનમાં બદમાશ મંડળી વચ્ચે બેઠો હોય અને આવતી-જતી છોકરીઓની છેડછાડ પુરબહારમાં જામેલી હોય, ત્યાં અચાનક ઝરમર પસાર થાય એટલે કોલાહલભરી કોર્ટમાં જજ સાહેબ પધાર્યા હોય તેવી શાંતિ પ્રસરી જાય.

એકાદ સાગરીત આ રૂપસુંદરીને જોઇને આદત મુજબ સીટી મારી બેસે ત્યાં તો એના માથે ટપલીઓનો વરસાદ વરસે, ‘એ... ઇ., બીડુ! ઇસકો નહીં છેડનેકા! માલૂમ નહીં. યે અક્કીભાઇ કા માલ હૈ...’

‘સચ?!’ સીટીમાસ્ટર પૂછી બેસે.

અક્કી માથું હલાવે, ‘માલ નહીં પણ મિસિસ કહે! મને એ છોકરી ખરેખર ગમે છે. મા કસમ, એ જો હા પાડે તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.’

‘ક્યા બાત હૈ, અક્કીભાઇ? તબ તો વો અપૂનકી ભાભી હુઇ! એ... ઇ... ભાભી...!’ બીજો ટપોરી નાચી ઊઠ્યો. એના મોંએથી આ સંબોધન સાંભળીને ઝરમર ચોંકી ઊઠી. પહેલીવાર એને લાગ્યું કે મામલો ગરબડવાળો છે. પછી એની નજર અક્કીની ઉપર પડી. લુખ્ખામંડળીની વચ્ચે એ એક માત્ર સજ્જન જેવો લાગતો હતો. નજરની સાથે નજર મળી, પ્રેમની પતંગોના પેચ જામ્યા અને પછી તરત પાછા છુટા પડી ગયા. ઝરમર તો કોલેજની દિશામાં ચાલી ગઇ, પણ અક્કીની છાતી ઉપર કરવત ફેરવતી ગઇ.

છ મહિના નીકળી ગયા. તણખો વધીને ભડકો થઇ ગયો. ઝરમર કોલેજની છેલ્લી પરીક્ષામાં પાસ થઇ ગઇ, ત્યાં સુધીમાં અક્કી ઝરમરની પરીક્ષામાં પાસ થઇ ગયો. એ પછી જ ઝરમરે એના પપ્પા આગળ વાત રજૂ કરી. અક્કીનું નામ સાંભળીને ચંદ્રકાન્ત પળવારમાં સૂર્યકાન્ત બની ગયા. હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ વાર બોલાઇ ચૂકેલો ડાયલોગ એમની જીભ પરથી ટપકી પડ્યો, ‘યે શાદી હરગિજ નહીં હો સકતી!’

ઝરમર અડગ રહી. સમય પસાર થતો ગયો, પિતાએ અનેક છોકરાઓ બતાવી જોયા, સંસ્કારી ખાનદાન, સુશિક્ષિત છોકરો, ધનવાન સાસરિયું, સુખનાં સપનાં હતાં અને સપનાનું સુખ હતું, પણ ઝરમર અડગ રહી.ચંદ્રકાન્તભાઇ રડી પડ્યા, ‘બેટા, તું કંઇક તો સમજ. અક્કી આડા ધંધાનો માણસ છે, આપણે સીધી લાઇનના સજ્જન કહેવાઇએ. એનો અને આપણો મેળ કેવી રીતે ખાય?’ ‘પપ્પા, તમે એ વાતની ચિંતા કરશો જ નહીં. અક્કી એના બધા જ ‘ધંધા’ બંધ કરી દેશે. હું એને મનાવી લઇશ.’

પપ્પા માની ગયા. ઝરમરે અક્કીને મળીને આ વાત કરી, ‘તું જો સુધરી જાય, તો જ મારા પપ્પા તારી સાથે મને પરણાવવાની હા પાડશે.’‘એમાં શું? લે, હું અત્યારથી જ સુધરી ગયો, બસ?’‘ના, એમ નહીં. તારે મને વચન આપવું પડશે. તારાં આ તમામ કાળાં કુકર્મો કાયમ માટે ત્યજી દેવાં પડશે. ભૂખે મરી જવું પડે તો મરી જવાનું, પણ આડા મારગે આવેલો એક પૈસો પણ આપણને નહીં ખપે. બોલ, મંજૂર છે?’

અક્કીને હવે જ સમજાયું કે એ રામપુરી ચાકુ હતું, લાલ આંખ હતી, ધાક હતી, ધમકી હતી અને ટપોરીઓની ટોળકી હતી. પૈસા આસાનીથી આવી જતા હતા. આ બધું રાતોરાત છોડી દેવાનું? પણ બદલામાં એની સામે ઝરમર ઊભી હતી. જગત આખું ત્યાગી દેવાની ઇચ્છા થાય તેવી ઝરમર.‘વચન આપું છું, ઝરમર, હવે પછી અક્કીની આજુબાજુમાં એક પણ આડો ધંધો ફરકશેય નહીં.’

સાદગીથી લગ્ન પતી ગયાં. અક્કી મરી ગયો, એની રાખમાંથી આકાશ જીવતો થઇ ગયો. અક્કીના તો હથેળીમાં જ રૂપિયાનું ઝાડ હતું, પણ આકાશને નોકરીયે કોણ આપે?! બે મહિના સુધી ભટક્યા પછી માંડ એક શોપિંગ મોલમાં સેલ્સમેન તરીકેની નોકરી એને મળી શકી. પગારમાં રૂપિયા ચાર હજાર. એ શોપિંગ મોલના મેનેજરના કાને કોઇકે આકાશના ભૂતકાળ વિશે વાત નાખી દીધેલી, એટલે એક સી.સી.ટી.વી. કેમેરા તો આકાશ તરફ ગોઠવી દેવામાં આવ્યો.

ઝરમર ગ્રેજ્યુએટ હતી, એને બાર હજાર રૂપિયાના પગારવાળી નોકરી મળી ગઇ. આકાશે પેલો અડ્ડો ઉર્ફે રસ્તા ઉપરની દુકાન વેચી નાખી. સારા પૈસા મળ્યા. અંદરના ભાગમાં એક રૂમ-રસોડું મળી ગયાં. બદમાશીની બાદશાહી પૂરી થઇ ગઇ, શરાફતનો સંઘર્ષ શરૂ થયો. બે વર્ષ પસાર થઇ ગયાં, એ દરમિયાન અકાશની સામે પૈસા કમાવાની અસંખ્ય તકો આવી, પણ એ બધી કાળાં કામોની કમાણી હતી. ક્યાંક કોઇકને દારૂની પેટી પહોંચાડવાની હતી, તો ક્યાંક કોઇની સુપારી લેવાની હતી. ઉઘરાણી પતાવવા માટે મારામારી કરવાની લોભામણી ઓફર્સ પણ ઓછી ન હતી.

એક દિવસ મોડી રાતે આકાશ ઘરે આવ્યો, ત્યારે એના હાલહવાલ જોઇને ઝરમર ગભરાઇ ગઇ. પૂછી બેઠી, ‘આ શું છે? તમારા કપડાં ફાટી ગયાં છે. નાકમાંથી લોહી નીકળે છે. આંખ ઉપર ચીરો પડ્યો છે. કો’કની સાથે મારામારી કરીને આવ્યા છો કે શું?’‘હા, ઝરમર! મેં તને આપેલું વચન આજે તોડીને આવ્યો છું. બહુ પ્રયત્ન કર્યો સંયમ જાળવવાનો, પણ હું સફળ ન થયો...’ ‘પપ્પા સાચું જ કે’તા હતા કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની! તમે તમારા મૂળ ધંધા પર આવી ગયા ને?’

‘ના, ઝરમર! પૂરી વાત તો સાંભળ, રોજની જેમ રાતે અગિયાર વાગ્યે છુટીને હું ઘર તરફ આવતો હતો, ત્યાં અચાનક એક સૂમસામ અંધારી ઝાડીમાંથી મને તીણી ચીસ સંભળાણી. મેં સાઇકલ ઊભી રાખી. ચાર બદમાશો એક યુવતીની લાજ લૂંટવાની તૈયારીમાં હતા. મેં એમને સમજાવી જોયા. મારી ઇચ્છા મારામારી કરવાની હરગિજ ન હતી, પણ શું કરું? એ લોકો જ મારી ઉપર તૂટી પડ્યા. જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી હું માર ખાતો રહ્યો...’

‘પછી?’

‘પછી શું? પછી એ લોકોનો વારો હતો. ત્રણેય જણાને તોડી નાખ્યા. યુવતીને એની ગાડી સુધી પહોંચાડીને પછી ઘરે આવ્યો છું.’ઝરમર પહેલાં રડી પડી અને પછી આવા શેરદિલ પતિને વળગી પડી. બે દિવસ પછી શોપિંગ મોલના માલિકે આકાશને એમની ઓફિસમાં બોલાવીને કહ્યું, ‘થેન્કસ મિ. આકાશ! તમે મારી દીકરીની ઇજજત બચાવી છે. કાલે મારી સોના અહીં આવી હતી એ તમને ઓળખી ગઇ. હું તમારી બહાદુરી ઉપર ખુશ છું. આવતી કાલથી તમને આખા મોલના સર્વેલન્સની જવાબદારી સોંપું છું. પગારમાં હાલ પૂરતા સાઠ હજાર મળશે ચાલશે ને?’ આકાશના મોંમાંથી નીકળવું જોઇતું હતું: ‘આભાર’ એને બદલે આંખોમાંથી નીકળી પડ્યાં આંસુ! અલબત્ત, ખુશીનાં...!

Comments