રાઘવજી માધડ: તૃપ્તિ કરતાં તરસની પણ એક લિજ્જત હોય છે

પ્રિયા! તારું મોસમના પહેલા વરસાદ જેમ તોફાન અને વા-વંટોળ સાથે ધસી આવવું, અનરાધાર વરસવું અને પછી ચાલ્યા જવું પ્રતીક્ષાની લોહઝાણ પીડા આપીને...!આ સાલ એમ જ થયું છે. વરસાદ વહેલો વરસીને હવે ખોવાઇ ગયો છે. ધરતી અતૃપ્ત અવસ્થામાં ધલવલે છે. તે વખતે કોલેજનો બીજો કે ત્રીજો દિવસ હતો. વરસાદ તોફાન સાથે તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા ભયંકર મેઘગર્જના, હાથ પડ્યો હાથ ન સૂઝે તેવો વંટોળ... આ આંધી વચ્ચે દરેક સ્ટુડન્ટ્સ પોતાની જાતને બચાવવા જ્યાં ત્યાં આડશ લઇને ઊભા રહી ગયા હતા. 

તું ડરના લીધે ક્યાંય દોડવાના બદલે મને જ વળગી પડી હતી, વેલી વૃક્ષને વીંટળાઇ વળે એમ. પછી તો બીજું તોફાન શરૂ થયું હતું. આ એક આકસ્મિક ઘટના હતી. આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. કોઇ યુવતી સાથે અજાણતા અથડાઇ જવું, મદદ બદલ થેંકસ સાથે સ્માઇલ મળવું... આવા ઘણા અનુભવો થતા હોય છે, પણ તેમાં ક્યાંક પ્રેમનો વહેમ ઉદ્ભવે છે અને પછી સમસ્યાઓની વણજાર શરૂ થાય છે.

કોલેજો શરૂ થઇ ગઇ છે. ધોરણ બાર સુધી શેરડીના સાંઠા જેમ પિલાતો અને પિસાતો વિદ્યાર્થી કોલેજની મુક્ત હવા માણી રહ્યો છે. તેણે સમણાં અને ભ્રમણા સાથે કોલેજના પ્રાંગણમાં પદરવ કર્યો છે. હવે એ શોધે છે પોતાની ઝંખનાનું પાત્ર. તેમાં આવો કોઇ બનાવ બની જાય તો, ફ્રેન્ડશિપ માટેનું એક નિમિત્ત પૂરું પાડે. ઘણા આવા બનાવો હાથે કરીને ઊભા કરતા હોય!

એકાદ લેકચર બાકી હતું અને બહાર વરસાદ વરસવો શરૂ થયો હતો. તેં ઇશારો કરીને કહ્યું હતું: ‘વર્ગમાં વરસાદની કવિતા ભણવા કરતાં ચાલને બહાર જઇ પલળીએ!’ બંક મારીને બહાર નીકળી ગયાં હતાં. પલળ્યાં પછી તેં મને કહ્યું હતું: ‘આપણે ક્યાં પલળ્યાં છીએ, પલળ્યાં છે માત્ર કપડાં!’ હું તો તારા ભીના ચહેરા સામે તાકી રહ્યો હતો. તેં પછી કહ્યું હતું: ‘કપડાંને પણ પલળવાની સજા રૂપે ઊંધા માથે લટકાવી દઇએ છીએ, સૂકવવાની દોરી પર!’પલળવું એટલે ભીતરથી ભીંજાવું. 

વરસાદનો પહેલો છાંટો પડે અને ત્વચાની આરપાર ઊતરી હૃદયને તરબોળ કરી દે. પણ વરસાદ પૂર્વે જ છત્રી અને રેઇનકોટની દુકાનો ઉભરાવા લાગે છે... કોઇને આમ ક્યાં પલળવું હોય? આવાં સાધનો માણસને પલળતાં બચાવે છે પણ વરસાદને રોકી શકતા નથી. મેં પછી કહી જ દીધું હતું: ‘તું ગમે છે, તારી સાથે ફરવું આમ ફાવે છે.’ તું કશો જ પ્રતિઉત્તર આપ્યા વગર મૌન અને ગંભીર બની ગઇ હતી. મને પણ પસ્તાવા સાથેની અકળામણ થવા લાગી હતી.

ગમવું એટલે શું? સ્વભાવે સરળ પણ અંદરથી ભારે અઘરો સવાલ છે.. શું ગમે છે... સામેના પાત્રનું વ્યક્તિત્વ કે સામિપ્ય ગમે છે! ક્યારેક તો ગમવાનું કારણ માત્ર યુવાવયનું આકર્ષણ જ હોય છે. દરેકને પોતાની પસંદ હોય છે. વળી વ્યક્તિની કોઇ સારી બાબત ગમી જાય એ ઉમદા બાબત છે. પણ એ પ્રેમ નથી. યુવા કે યુવતીને કશુંક ગમવાને. જ્યારે પ્રેમનું લેબલ લગાડી દેવામાં આવે છે ત્યાં પ્રશ્નોની પરંપરા સર્જાય છે.

પ્રિયા... આપણે નિકટ આવ્યાં, એકબીજાનો પર્યાય બની ગયાં આમ છતાં કશી કબૂલાત કે એકરાર કરવાનો પ્રશ્ન જ પેદા થયો નહોતો. આઇ લવ યુ શબ્દને હું કે તું ફૂલની માફક એકબીજા પર ફેંકી કે ઉછાળી શક્યા હોત. પણ આ બાબતે બંને સ્પષ્ટ હતાં. પ્રેમ એ કહેવાનો નહીં, પામવાનો વિષય છે. લેવાનો નહીં પણ દેવાનો વિષય છે. અનુભૂતિનો અમૂલ્ય અવસર છે. અને આમ કહેવા માત્રથી પ્રેમનો સાક્ષાત્કાર થોડો થાય છે? અંતરથી અનુભવવું પડે. ધોમધખતા તાપમાં તારી પડખે ચાલવું મને શીતળ છાંયડા જેવું લાગ્યું છે. 

શિયાળાની કડકડતી ઠંડીમાં તારું સામિપ્ય હૂંફાળું લાગ્યું છે અને ઝરમર વરસાદમાં એકબીજાની ઓથમાં ભીંજાવું તે હૃદયથી તરબતર થવા જેવું અનુભવાયું છે. પ્રિયા... આપણાં વચ્ચે ક્યારેક બર્થડે કે એવા ખાસ પ્રસંગે અભિનંદનની આપ-લે કે શુભેચ્છાઓની લહાણી થઇ નથી. વળી, ગિફ્ટમાં કોઇ વસ્તુ લેવા-દેવાની વાત જ આવી નથી. આપણો આ સંબંધ જ ગોડ ગિફ્ટ છે. ઘણા લોકો સંબંધને ટકાવવા કે નિભાવવા આવું કરતા હોય છે પણ ટકાવવો પડે તે સંબંધ શું કામનો?ગુલાબ ઉદ્યાનનાં એ દ્રશ્યો હજુ પણ મારા મનના કમેરામાં કેદ છે. ઝાડ પછવાડે કે ખૂણે ખાંચરે... જ્યાં નજર કરો ત્યાં પ્રેમીયુગલ જ નજરે પડે. 

વળી, કલ્પનામાં ન આવે તેવી સ્થિતિમાં બેઠાં હોય. આપણે આવું ક્યારેય કરી ન શક્યાં, સાચું-ખોટું બોલીને ઘર કે કોલેજ બહાર આમ નીકળી ન શક્યાં... પણ એક દિવસ તું એ બગીચામાં મને ખેંચી લાવી હતી. ક્યાંય સુધી આપણે મૌન રહીને સહઅસ્તિત્વને માણતાં રહ્યાં હતાં. એકાદ કલાકની બેઠક બાદ તું બોલી હતી: ‘રવિ! હવે આપણે આમ ક્યારેય મળીશું નહીં! મેં ઘડીભર તો સાંભળ્યું-અણસાંભળ્યું કર્યું પણ તું બરાબર બોલી હતી. કેમ!?’ એકદમ પ્રશ્ન કર્યો તો સામે રડવા જેવું હસવા લાગી હતી. પછી થયું હતું કે આ પ્રશ્ન પૂછવા જેવો જ નહોતો. 

એક નહીં ને એક દિવસ આમ બનવાનું જ હતું. વળી, અમે કોઇ એવા વચને પણ બંધાયા નહોત.!તે ઘડી અને આજનો દિવસ... પ્રિયા, તું ક્યાં છો? કેવી સ્થિતિમાં છો... કશી જ ખબર નથી. પગેરું લેવાનો પ્રયાસ કરી પ્રશ્નો પેદા કરવાનો કોઇ ઇરાદો નહોતો. તૃપ્તિ કરતા તરસની પણ એક લિજ્જત હોય છે. તને લખેલો આ પત્ર સરનામા વગર ક્યાં પોસ્ટ કરું!? થાય છે કે નદીના પ્રવાહમાં વહેતો મૂકી દઉં પણ વરસાદ નથી, નદીમાં પાણી નથી!

Comments