ડો.શરદ ઠાકર:‘મરીઝ’ ચૂકવું બધાંનું દેણ જો અલ્લાહ ઉધાર દે!



 
માણસની આંકણી એનાં કપડાં કે જૂતાં પરથી નહીં પણ એના સદગુણોથી થાય છે...

‘પપ્પા, મારે નવા શૂઝ લેવા છે. જૂના બૂટ ફાટી ગયા છે.’ પંદર વર્ષના આર્યને એના પિતા પાસે રજૂઆત કરી.‘દીકરા, હું તો આ મહિને તારા માટે કપડાં ખરીદવાનું વિચારતો હતો. જો ને, આ તારું શર્ટ કોલર પાસેથી સાવ ઘસાઇ ગયું છે.’ પપ્પાએ પુત્રનું ધ્યાન દોર્યું. એમની વાત સાચી હતી. શર્ટનો કોલર ઘસાયેલો હતો અને ડાબા હાથની બાંય સહેજ ફાટેલી હતી. ખરી જરૂર નવા શર્ટની હતી, પણ આર્યન માને તો ને! એણે પોતાની વાત પકડી રાખી, ‘ના, પપ્પા! આ મહિને શૂઝ, આવતા મહિને કપડાં! શર્ટ ફાટ્યું છે ત્યાં સિલાઇ મરાવીને ચલાવી લેવાશે, પણ ફાટેલા બૂટ સારા નહીં લાગે.’

‘એના કરતાં એમ કેમ નથી કહેતો કે તને જૂતાંનો શોખ છે?!’ પિતાએ હસીને પુત્રનો કાન પકડ્યો, ‘તારું ચાલે તો તું એકલું પેન્ટ પહેરીને ફરે, પણ શર્ટને બદલે એક જોડી જૂતાં વધારે ખરીદે! પણ એટલું યાદ રાખજે દીકરા, કે માણસની શોભા એનાં કપડાં કે જૂતાં પરથી નથી આંકવામાં આવતી, એની આંકણી તો એના સદગુણોથી થાય છે.’

‘એટલે વળી શું પપ્પા?’‘એ તને નહીં સમજાય, દીકરા! તું હજુ નાનો છે. આવતીકાલે પહેલી તારીખ છે. પગાર ઘરમાં આવશે કે તરત આપણે તારા માટે શૂઝ ખરીદવા ઊપડી જઇશું. જા, અત્યારે તારા હોમવર્કમાં ધ્યાન આપ!’ પિતાની વાત સાંભળીને આર્યન એના અભ્યાસમાં ડૂબી ગયો.પરેશભાઇ બેંકમાં નોકરી કરતા હતા, માટે એમની આર્થિક સ્થિતિ સાવ નબળી તો ન કહેવાય, પણ આ ઘટના લગભગ પચીસેક વર્ષ પહેલાંની છે. એ સમયે પગારધોરણ આજના જેટલું ઊંચું ન હતું.

વળી, ઘરમાં સભ્યોની સંખ્યા છ માણસોની હતી. દાદા-દાદી, પપ્પા-મમ્મી અને દીકરો-દીકરી. વડીલોની દવાઓનું બિલ અને બાળકોના શિક્ષણનો ખર્ચ, આ બે પડ વચ્ચે પગારનાં નાણાં ઘંટીમાં દળાતા દાણાની જેમ ભુક્કો બની જતાં હતાં. જરૂરિયાતો માટે ‘હા’ હતી, પણ મોજશોખ માટે મનાઇ હતી.

બીજે દિવસે પરેશભાઇના હાથમાં પગારની રકમ આવી ગઇ. પતિ-પત્નીએ આખા મહિનાનું અંદાજપત્ર વિચારી લીધું હતું. દીકરાના શૂઝ માટે વધુમાં વધુ સાતસો રૂપિયા ફાજલ પડતા હતા.પરેશભાઇએ આર્યનને પોતાની સામે બેસાડીને સ્પષ્ટતા કરી દીધી, ‘બેટા, મેં જિંદગીમાં ત્રણસો-ચારસો રૂપિયાથી વધુ કિંમતનાં બૂટ-ચંપલ ખરીધ્યાં નથી. તારા માટે સાતસો રૂપિયા એ કારણથી ફાળવ્યા છે કે મને તારા શોખ વિશે ખબર છે. હું જાણું છું કે તું નબળી વસ્તુ પસંદ નહીં કરે. એટલું ધ્યાનમાં લેજે કે જૂતાની વેચાણ કિંમત આગળ આપણી ખરીદશક્તિ હારી ન જાય.’ આર્યન સમજી ગયો. બાપ-દીકરો નીકળી પડ્યા.

શહેરની સારી અને પ્રખ્યાત દુકાનમાં પહોંચી ગયા. સેલ્સમેને બૂટનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. જાત-જાતની ડિઝાઈન્સ અને ભાત-ભાતની ગુણવત્તા. આર્યન મૂંઝાઇ ગયો. જે ડિઝાઈનના બૂટ એને પસંદ પડે તેની કિંમત ઊંચી હોય અને જેની કિંમત પરવડતી હોય તે ગમે નહીં.અડધા-પોણા કલાકની લમણાઝીક પછી આર્યનની આંખો એક ડિઝાઈન ઉપર ઠરી. એણે પપ્પાને કહ્યું, ‘મારે આ બૂટ લેવા છે.’ પરેશભાઇએ બૂટના તિળયે ચોંટાડેલા પ્રાઇસ ટેગ ઉપર નજર ફેંકી.

એમના મોંમાંથી ચીસ જેવી કિંમત સરી પડી, ‘અગિયારસો રૂપિયા!!!’ પરેશભાઇએ દીકરા સામે જોયું. આર્યને પિતાની સામે જોયું. બાપની નજરમાં લાચારી છલકાતી હતી, દીકરાની નજરમાં મક્કમતા ભરેલી હતી. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બંનેએ વાત કરી લીધી. આર્યન ઊભો થઇ ગયો, ‘અત્યારે નથી લેવા શૂઝ! ફરી ક્યારેક આવીશું.’ પરેશભાઇ પણ સમજીને ઊભા થઇ ગયા. બંને જણા દુકાનનાં પગથિયાં ઊતરી ગયા.

સારી એવી વારના મૌન પછી પરેશભાઇ માંડ બોલી શક્યા, ‘સોરી, બેટા! મારી પાસે વધારાના ચારસો રૂપિયા ન હતા, નહીંતર હું...’‘હું સમજી શકું છું, પપ્પા! મને એક જ વાત સમજાતી નથી, ભગવાન આવું કેમ કરતો હશે? મને ગમતી દરેક ચીજની કિંમત આપણી શક્તિ કરતાં વધારે શા માટે રાખતો હશે?’પરેશભાઇ આખા રસ્તે એને સમજાવતા રહ્યા, ‘બેટા, સાવ એવુંયે નથી કે આપણી પાસે અગિયારસો રૂપિયાના શૂઝ લેવાની તાકાત નથી, પણ એના માટે મારે ક્યાંક કાપ મૂકવો પડે. દાદાજીની દવાઓમાં કે પછી દૂધ અને શાકભાજીના વપરાશમાં કાતર ફેરવવી પડે. હું માનું છું કે દૂધ કે દવા એ જરૂરિયાત છે, જ્યારે મોંઘાં જૂતાં ‘લકઝરી’ છે. મને આશા છે કે તું મારી વાત સમજી શકીશ.’આર્યને સંમતિમાં માથું હલાવ્યું. વાત ત્યાં આગળ પૂરી થઇ ગઇ.

‘‘‘

વાત જ્યારે પૃથ્વી ઉપર પૂરી થતી હોય છે, ત્યારે આસમાનમાં શરૂ થતી હોય છે. ભગવાન જેવું જો કંઇ હશે તો એણે આ પંદર વરસના દીકરાની ઇચ્છા અને ચાલીસ વરસના બાપની મજબૂરી વાંચી લીધી હશે. માત્ર બે દિવસ પછી એક ઘટના બની ગઇ.આર્યન શાળામાંથી ઘરે પાછો આવ્યો ત્યારે એના હાથમાં સોનાનો એક નાનકડો દાગીનો હતો, ‘પપ્પા, મને આ સ્કૂલના ઝાંપા આગળથી જડ્યું છે. ધૂળમાં પડેલું હતું.’પરેશભાઇએ દાગીનો હાથમાં લીધો. કોઇ મોટું આભૂષણ ન હતું. કાનમાં પહેરવાની સોનાની પાતળી વાળી હતી.

પરેશભાઇએ પૂછ્યું, ‘બેટા, તે તપાસ કરી કે આ કોની હોઇ શકે?’‘હા, પપ્પા! મેં મારા ટીચરને કહ્યું. એમણે હેડમાસ્તરને વાત કરી. દરેક કલાસમાં બધા વિદ્યાર્થીઓને પૂછી જોયું, પણ આ તો સ્ત્રીઓ પહેરે એવી વસ્તુ છે. અમારી સ્કૂલમાં તો...’ ‘ઠીક છે, બેટા! પણ મારું એક સૂચન છે. આવતી કાલે શાળાના નોટિસ-બોર્ડ ઉપર આની જાહેર-સૂચના મુકાવી દેજે. આપણે મૂળ માલિકને શોધવા માટે પૂરતી કોશિશ કરવી જોઇએ.’

એકને બદલે બે સપ્તાહ પસાર થઇ ગયાં. નોટિસ બોર્ડની જાહેરાતનો કોઇ પ્રતિસાદ ન મળ્યો. એકાદ-બે શિક્ષકોએ આર્યનને ફોસલાવવાનો પ્રયત્ન કર્યો, પણ પરેશભાઇએ એમને નિરાશ કરી દીધા, ‘સાહેબો, હું કાયદો જાણું છું. જો ખોવાયેલી વસ્તુનો ખરો માલિક ન મળી આવે તો એના ઉપર બીજા ક્રમની માલિકી એને શોધનારની થાય છે. સોનાની વાળી જડી એ વાતને પંદર દી’ થઇ ગયા. હવે એ આર્યનની ગણાય. છતાં પણ ભવિષ્યમાં જ્યારે અને જે કોઇ અધિકૃત વ્યક્તિ આ વાળી ઉપર દાવો જતાવશે ત્યારે અને તો અમે આ ચીજ એને પરત સોંપવા માટે બંધાઇએ છીએ.

એ વખતે આની જે કિંમત થતી હશે તેટલા રૂપિયા અમે ચૂકવી આપીશું.’ પરેશભાઇ આ એક વાળીનું શું કરે?! સોનીને ત્યાં આપી આવ્યા. પૂરા અગિયારસો રૂપિયા આવ્યા. વળતર સાંભળીને પરેશભાઇની આંખો ચમકી ઊઠી. અગિયારસોનો આંકડો ક્યાંક સાંભળ્યો હોય એવો કેમ લાગતો હતો?!‘આર્યન! બેટા, આ સોનાની વાળી ભગવાને જ તને મોકલી આપી છે. તારા શૂઝ ખરીદવા માટે. ચાલ, આજે જ...’‘ના, પપ્પા! આ રૂપિયા આવી રીતે ન વાપરી શકાય. આખરે આ વસ્તુ આપણી તો ન જ હતી ને! મારી સ્કૂલમાં એક ગરીબ છોકરો ભણે છે. એની પાસે ટર્મ ફી ભરવાના પૈસા નથી. હું આ રકમ એને આપી દઇશ.’ આર્યનના બોલવામાં પવિત્રતા ઝલકતી હતી.

‘અને તારા શૂઝનું શું?’ પરેશભાઇએ પૂછ્યું.‘એમ તો જૂના બૂટ છે જ ને! એને સંધાવીને ચલાવી શકાય તેમ છે. પપ્પા, તમે જ કહ્યું હતું કે માનવીની શોભા એનાં કપડાં કે જૂતાંથી નથી વધતી, પણ એના સદગુણોથી વધે છે. પપ્પા, સદ્ગુણ એટલે આ જ કે બીજું કંઈ?’‘

(સત્ય ઘટના. નામ ફેર સાથે.) 

Comments