આળસના થશો ન દાસ



 
કરોળિયાએ તેના પરિવારને કહ્યું, ‘ક્યાં સુધી આમ નાના-નાના જીવજંતુઓને પકડીને ખાવાની મથામણ કર્યા કરીશું. હવે આ માથાકૂટ છોડૉ. આપણે બધાં જ તાંતણાના જોરે આ દૂધીયાને ઝાડ પર ખેંચી લઇએ તો કેવું?’

દૂધીયો હાથી ખૂબ રૂપાળો. એના રૂપથી અંજાઇને જ એ ગમે ત્યાં બેઠો હોય તો પણ સૌ તેને ખોરાક આપી જાય. તેને કશુંય કામ કર્યા વિના ખોરાક મળી જતો. આ કારણે દૂધીયો આળસુનો પીર બની ગયો હતો. આમ પણ હાથીભાઇ જાડાને... મફતનું ભોજન પછી પૂછવુંય શું? ને... કહેવું ય શું?... અવાવરું ગુફા સમજી એક કબૂતરે દૂધીયાના કાનમાં માળો બાંધ્યો. આમ તો કબૂતરનો માળો એટલે સાવ ગંદો. ગંધથી ખદબદતો. કબૂતરીએ એમાં ઇંડાં મૂક્યાં. ગંદકીથી ખદબદતા દૂધીયાના કાનમાં અસંખ્ય જીવજંતુઓ ફરતા થયા. પરંતુ આળસૂડો તે આનું નામ. આળસૂડો દૂધીયો કાન હલાવવાની પણ તસ્દી ન લે.

એક દિવસ એક જંગલી કરોળિયાની નજર દૂધિયાના કાને પડી અને તે આનંદથી બોલી ઊઠ્યો. ‘અરે! અહીં તો ખોરાક જ ખોરાક છે, તો બીજે શા માટે ફાંફા મારવા?’ સૌપ્રથમ એણે દૂધીયાના કાનની આસપાસ આંટા માર્યા. ત્યાર પછી એ ખંતીલાએ ઘર બાંધવાનું કામ શરૂ કર્યું. એને ક્યાં પાયો પૂરવાનો કે ધાબું ભરવાનું હતું. જોતજોતામાં તો તાંતણા ફેલાવી દીધા ને સુંદર રહેઠાણ બનાવી દીધું. દૂધીયાને તો માત્ર ખાવું, પીવું ને ઊંઘવું. બસ, એની જિંદગીની કમાણી અને ધ્યેય તે માત્ર આળસ.

આ બાજુ કરોળિયાને ભરપેટ ભોજન મળી રહેતું. એટલે એની તંદુરસ્તી વધવા માંડી. જ્યારે આ તરફ દૂધીયાના કાને ભાર વધતો ચાલ્યો. પરંતુ ‘હશે હવે... હુંય બેઠો છું તે ભલેને કોઇ બેસતું.’ આમ, દૂધીયો કાન હલાવવાનીય મહેનત કર્યા વિના બેસી જ રહેતો. દિન-પ્રતિદિન કરોળિયો તો મોટો થતો ચાલ્યો ને... એના ભારથી હાથીનું માથું એક તરફ ઢળવા લાગ્યું. છતાં... આળસૂડો ન જાગ્યો તે ન જ જાગ્યો. જંગલી કરોળિયાએ ત્યાં એનો સંસાર વસાવ્યો. તેનો આખો પરિવાર હવે ત્યાં જ રહેતો.

એક દિવસ લાગ જોઇ કરોળિયાએ તેના પરિવારને જણાવ્યું, ‘ક્યાં સુધી આમ નાના-નાના જીવજંતુઓને પકડીને ખાવાની મથામણ કર્યા કરીશું. હવે આ માથાકૂટ છોડૉ. આપણે બધાં જ તાંતણાના જોરે આ દૂધીયાને ઝાડ પર ખેંચી લઇએ તો કેવું?... પછી એને મોટી ડાળી સાથે બાંધી દઇએ. આપણને સહુને કેટલાય દિવસો સુધી ખોરાક શોધવાની તો નિરાંત.’ ને બધાંએ એક અવાજે કરોળિયાની વાત વધાવી લીધી. મજબૂત તાંતણાના જોરે કરોળિયાઓએ હાથીને ઉપાડ્યો, ને ઝાડની મજબૂત ડાળી સાથે બાંધ્યો.

આળસુ દૂધીયો હજુ એવું જ વિચારતો હતો કે, ‘ખોરાક તો અહીં પણ મળી રહેશે. મારે વળી ચિંતા શી?’ એટલામાં એક શાણો વાંદરો આવ્યો. તેણે દૂધીયાને કહ્યું, ‘ઓ દૂધીયા મહારાજ, જાગો... જાગો હવે તો આળસ ખંખેરો. તમારું શરીર બંધાઇ રહ્યું છે. ધીમે ધીમે ચારે પગ બંધાઇ જશે ને છેલ્લે સૂંઢ પણ. ખાવાની વાત તો બાજુ પર રહેશે ને ભૂખ્યા મરવું પડશે. એથીય વિશેષ આ કરોળિયાઓ તમારું લોહી પી જશે. જીવતા જીવે આ વેદના કેવી રીતે સહન થશે?... તમને ખબર નથી કે આ તમારી આળસ એ તો જીવતી લાશ છે. આજે આખું શરીર છે તો તાકાત છે. સમય જતાં અહીં તમારું હાડપિંજર લટકશે હાડપિંજર.’

શાણા વાંદરાની સલાહથી દૂધીયો સફાળો જાગ્યો. તેણે જોર કરી પોતાની સૂંઢ આજુબાજુ ગુમાવી. પરંતુ પેલા તાંતણા સૂંઢની આસપાસ સખત ચોંટી ગયા હતા. વાંદરો બોલ્યો, ‘તમારા થાંભલા જેવા પગમાં આભને હેઠું લાવી દેવાનું જોર છે. એનાથી કામ લો...’ દૂધીયાએ લાત મારી ડાળી તોડી નાખી ને નીચે આવી પડ્યો. આળસ ખંખેરી એ બેઠો થયો. થડ સાથે પીઠ ઘસડી બધા જ તાંતણાઓ તોડી નાખ્યા અને તે આઝાદ થયો. શાણી શિખામણ આપનાર પરોપકારી વાંદરાનો આભાર માની એ ત્યાંથી ચાલતો થયો. ચાલતાં-ચાલતાં ગાવા લાગ્યો.’

આળસ છે લાશ,
કોઇ થશો ના એના દાસ,
શાણાની શીખ લેવી ખાસ,
પળપળ જીવનમાં અજવાસ.

Comments