‘પ્રભુ રામના કામમાં આનંદ આવે છે... પણ આ પેટનું શું?’ એક વાનરે કહ્યું.
સીતાજીને રાવણ ઉપાડી ગયો, હનુમાનજીએ આ જાણ્યું. પરંતુ... લંકાનગરીએ પહોંચવું શી રીતે?... વચ્ચે મોટો સાગર. વળી, સાગરની પેલે પાર લંકા. ના તરીને જવાય, ના ઊડીને. એટલે શક્તિશાળી હનુમાને લાંબો વિચાર કરી સેતુબંધ બાંધવા વિચાર્યું અને એમાં આખી વાનરસેના કામે લગાવી.બાળમિત્રો, નાના-મોટા, કાળા-ધોળા, ઘરડા-જુવાન, જાડા-પાતળા એમ બધા વાનરો એમની શક્તિ પ્રમાણે પથ્થરો ઊંચકીને દરિયામાં પધરાવે. એમ કરતાં-કરતાં સેતુબંધ બંધાયો. પરંતુ... પથ્થરો ઊંચકતા વાનરોને ભૂખ લાગી. ને બધા વાનરો એકબીજા સામે જોવા લાગ્યા.
એક વાનરે બીજા વાનરને કહ્યું, ‘પ્રભુ રામના કામમાં આનંદ આવે છે... પણ આ પેટનું શું?‘પેટ તો માગે જ ને!’ બીજા વાંદરાએ ટાપશી પૂરી. ત્યાં તો ત્રીજો વાંદરો ઊઠ્યો... ‘ચાલો ફરી વળીએ... જે મળે તે ખાઇ લઇએ...’ હૂપાહૂપ હનુમાન સેના ઉપડી ખોરાકની શોધમાં.હનુમાનજીએ આ જાણ્યું. એમણે સૌની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બધા વાનરોને આસપાસનાં ઝાડ બતાવી કહેવા લાગ્યા... આ આસપાસ રામફળ ને સીતાફળના અનેક ઝાડ છે. તમારે ફળની શોધમાં આમ તેમ રખડવાની જરૂર નથી.
ત્યાં તો વાનરો હનુમાનજીના પગમાં પડ્યા ને બોલ્યા, ‘ભૂખે મરવાનું પસંદ કરીશું. પરંતુ... આપણા આરાધ્યદેવ શ્રીરામ અને માતા સીતાજીનું નામ જે ફળ સાથે જોડાયું હોય તેને ખવાય જ કેમ?... તમે આપેલું શિક્ષણ અમે ભૂલ્યા નથી. જાત ભલે ચંચળ રહી, પણ... આ નિયમમાં અડગ છીએ.’મિત્રો, શું ખાવું ન ખાવું... કેવી સમજ વાનરો પાસે છે. તમને આ વાતની જાણ છે ખરી?... રામફળ ને સીતાફળ વાનરો ક્યારેય ખાતા નથી.
Comments
Post a Comment
Thanx For Comment