એમાં શું થઈ ગયું? તું તો ઉપવનને પાત્ર છે, આ તો એક જ પુષ્પ છે. જિંદગીમાં જો તક મળશે તો મઘમઘતાં ગુલાબોનો આખો બગીચો તને નજરાણામાં આપી દઇશ.
ટેબલ ટેનિસની ફાઇનલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડનો છેલ્લો પોઇન્ટ પશ્મિનાએ મેળવ્યો એ સાથે જ ત્યાં હાજર હતા એ તમામ દર્શકો ઝૂમી ઊઠ્યા. પશ્મિના પાઠક યુનિવર્સિટી પ્લેયર હતી. છેલ્લાં ત્રણ વરસથી એ જ ચેમ્પિયન બનતી આવી હતી. આ વરસે એનો મુકાબલો ગાંધીનગરની રેશમા જોડે હતો. રેશમા ઊભરતી ખેલાડી હતી, પણ એનો અનુભવ કાચો પડ્યો. પશ્મિનાના હોશની સામે રેશમાનું જોશ હારી ગયું. પશ્મિનાને સૌથી પહેલા અભિનંદન રેશમાએ આપ્યાં. પછી બંને સ્પર્ધકોએ રેફરીની સાથે હાથ મિલાવ્યા અને પછી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી.
પરસેવાના બુંદ ઝામેલો ગોરો-ગોરો ચહેરો, પોનીમાં બંધાયેલા વાળ, ભર્યાં-ભર્યાં સૌંદર્યને ઢાંકતું સફેદ ટી-શર્ટ અને એક હાથરૂમાલમાંથી સીવી કાઢ્યું હોય એવું લાલ રંગનું ટૂંકું સ્કર્ટ. એમાંથી નીકળતા બે ગોરા-ગોરા ઘાટીલા પગ. પશ્મિના સુંદર હતી, ટેબલ-ટેનિસ રમતી ત્યારે વધારે સુંદર લાગતી હતી. એના ચાહકોમાં છોકરીઓ પણ એટલી જ હતી, જેટલા છોકરાઓ હતા. ફરક માત્ર આટલો હતો, પશ્મિના જ્યારે છટાદાર રીતે રમી રહી હોય ત્યારે કોલેજની છોકરીઓની નજર એની રમત તરફ રહેતી હતી અને છોકરાઓની નજર જ્યાં હોવી જોઇએ ત્યાં રહેતી હતી.
એમાં પણ બે યુવાનો તો પશ્મિનાની પાછળ પાગલ હતા. એક હતો પાર્થેશ અને બીજો પર્જન્ય. પાર્થેશ ચબરાક અને બોલકો હતો, પર્જન્ય શાંત, ગંભીર હતો. જેવી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી, એવો જ પાર્થેશ એની સામે દોડી ગયો. ‘કોંગ્રેચ્યુલેશન્સ!’ કહીને એના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દીધું. પછી આજના યુવાનોની જેમ ફિલ્મી ઢબે એને ‘હગ’ કરી લીધું. આજકાલ આવી ફેશન ચાલી છે. જે છોકરી સામાન્ય સંજોગોમાં એની સાથે ભણતા યુવાનના પડછાયાથી પણ પાંચ પગલાં છેટે રહેતી હોય, એ છોકરીને ‘હગ’ કરવાને બહાને એનું સ્પર્શસુખ પામી શકાય છે.
આવા યુવાનોની એક વાત નોંધપાત્ર છે, એ લોકો ક્યારેય મોટી ઉંમરની કે કદરૂપી યુવતીઓને ‘હગ’ કરવાની ભૂલ સપનામાંયે નથી કરતા હોતા. પશ્મિનાને ‘હગ’ કરીને પાર્થેશ ધન્ય થઇ ગયો. એણે ગર્વિષ્ઠ નજરે પાછળ ઊભેલા ટોળા તરફ જોયું. બધાંની આંખોમાં ઇષૉ જ ઇષૉ હતી, એક માત્ર પર્જન્યના અપવાદને બાદ કરતાં! પર્જન્યની આંખોમાં ફક્ત નજીકથી જ જોઇ શકાય તેવી ભીનાશ હતી. મેચ જોવા આવેલાં તમામ છોકરા-છોકરીઓએ પશ્મિનાને અભિનંદન આપ્યા, પણ મેદાન તો મારી ગયો એકલો પાર્થેશ. પશ્મિના ક્યાંય સુધી એણે આપેલું ગુલાબનું ફૂલ સૂંઘતી રહી અને બધાની સાથે વાતો કરતી રહી. છેક છેલ્લે એની નજર પર્જન્યની ઉપર પડી.
‘અરે, પર્જન્ય! તારી આંખોમાં આંસુ?! તું રડે છે કે શું? હું જીતી ગઇ એનાથી તું દુ:ખી તો નથી ને?’‘એવું તે હોતું હશે? તું જીતે એના માટે તો મેં ભગવાનને કેટલી બધી પ્રાર્થના કરી છે! આ આંસુ થોડાંક તારી જીતની ખુશીનાં છે અને થોડાંક...’‘થોડાંક શેનાં છે? કહી નાખને! અટકી કેમ ગયો?’‘સાચું કહું, પશ્મિના? આ ત્રણ સેટની મેચ જીતવામાં તને જે તકલીફ પડી ને... એ મારાથી...’ પર્જન્ય નીચું જોઇ ગયો, ‘હું તારું દુ:ખ જોઇ નથી શકતો.’ પર્જન્યની વાતે વાતાવરણ જરાક ગંભીર બનાવી દીધું.
પાર્થેશે પશ્મિનાનો હાથ પકડી લીધો, ‘ચાલ, પશ્મિ! આ બોચિયાને તો આવી આદત પડી ગઇ છે, ફુલાવેલા ફુગ્ગામાં ટાંકણી ભોંકવાની એને ટેવ છે. યસ, ઇટ વોઝ અ ટફ મેચ. હું સ્વીકારું છું કે રેશમાએ સારી ‘ફાઇટ’ આપી, પણ છેવટે જીત તો તારી જ થઇ છે ને! ઇઝન્ટ ઇટ એન ઇનફ રીઝન ટુ સેલિબ્રેટ? ચાલો, આપણે વિજયની ઉજવણી કરીએ.’ પશ્મિનાએ કપડાં ચેન્જ કરી લીધાં, અને એ પછી દસેક છોકરીઓ અને પાંચ-સાત છોકરાઓ ત્યાંથી સીધા ‘પિંક રોઝ’ રેસ્ટોરાંમાં ઉજવણી માટે ઊપડી ગયાં. બાકી રહી ગયો પર્જન્ય. એને કોઇએ કહ્યું જ નહીં કે તું પણ ચાલ સાથે. પર્જન્ય મૂર્ખ હતો, એને સમજાયું નહીં કે જગતમાં ફૂલ જીતે છે અને આંસુ હારે છે.
રોજ સવારે સાત વાગે કોલેજ શરૂ થતી હતી. છોકરાઓ લગભગ સવા છ વાગ્યાથી કોલેજના મુખ્ય દરવાજા પાસે પોતાની ‘પોઝિશન’ લઇ લેતા હતા. એક-એક ઇંચની જગ્યા માટે ધિંગાણુ ખેલાઇ જાય તેવી હાલત હતી. સૌથી મોકાની જગ્યા પાર્થેશની હતી. સાથે એના ચમચાઓનું ટોળું હોય. ‘ગુરુ! તું કમાલ કરે છે. તે દિવસે પશ્મિના ટેબલ ટેનિસમાં જીતી ગઇ ત્યારે એને ગુલાબનું ફૂલ આપીને તો તે ગજબ કરી નાખ્યો. સાલા, તારી ખોપડીમાં આવો અફલાતૂન આઇડિયા આવે છે ક્યાંથી?’ એક ચમચાએ જાણવા માગ્યું.
‘એ વિચાર અફલાતૂન છે, પણ મારો નથી. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યાં આપણે ન બોલી શકીએ ત્યાં ફૂલોને બોલવા દો. લેટ ધી ફ્લાવર્સ સ્પીક. આ એક એવો જાદુ છે, જે ક્યારેય નિષ્ફળ જતો નથી. જો ખાતરી કરવી હોય તો અત્યારે ફરીથી સાબિત કરી આપું...’ પાર્થેશ આટલું બોલીને અટકી ગયો, સામેની દિશામાં જોઇ રહ્યો. કોલેજના ઝાંપામાંથી શબનમી કાયા લઇને સુગંધની રાજકુંવરી પશ્મિના આવી રહી હતી. પાર્થેશે આજુબાજુમાં જોયું. ગુલાબ કે મોગરાના છોડ ક્યાંય દેખાયા નહીં. બાજુમાં કરેણનું ઝાડ ઊભું હતું. પાર્થેશે તરત જ કરેણનું એક પીળું ફૂલ તોડી લીધું. જેવી પશ્મિના એની નજીકથી પસાર થઇ ગઇ કે તરત પાર્થેશે ફૂલ એની સામે ધરી દીધું. પશ્મિના ખુશ થઇ ગઇ, ‘ઓહ, પાર્થેશ! સો નાઇસ ઓફ યુ.’
‘એમાં શું થઇ ગયું? તું તો ઉપવનને પાત્ર છે, આ તો એક જ પુષ્પ છે. જિંદગીમાં જો તક મળશે તો મઘમઘતાં ગુલાબોનો આખો બગીચો તને નજરાણામાં આપી દઇશ.’એ આખો દિવસ પશ્મિના કરેણનું પીળું ફૂલ માથાના વાળમાં ખોસીને ફરતી રહી. પર્જન્ય ઉદાસ બનીને જોતો રહ્યો, એકાદવાર પશ્મિનાએ એની સામે જોઇને પૂછ્યુંયે ખરું, ‘અરે, પર્જન્ય, તારી આંખોમાં આંસુ? કોઇ તકલીફ તો નથી ને તને?’ પર્જન્ય વધારે રડી પડ્યો. આ વખતે તો પશ્મિના જ ચાલી ગઇ. રોતલ મિત્ર કોને ગમે? પર્જન્ય ભોળો હતો, એને ખબર ન હતી કે અહીં માત્ર પુષ્પોની જ જીત થાય છે અને અશ્રુનો પરાભવ.
યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પશ્મિનાએ રંગ રાખી દીધો. એણે સાબિત કરી આપ્યું કે એ માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં, સ્ટડીમાં પણ ચેમ્પિયન છે. જેટલા ગોલ્ડમેડલ્સ અપાતા હતા, એ તમામ પશ્મિના મેળવી ગઇ, પણ પશ્મિનાનું દિલ મેળવી ગયો પાર્થેશ. સુવર્ણચંદ્રક પ્રદાન સમારંભ સમાપ્ત થયો કે તરત જ પાર્થેશ મંચ ઉપર ધસી ગયો. એક ફૂલ નહીં, પણ એકસો ગુલાબોનો મઘમઘતો ‘બૂકે’ લઇને. ખાસ્સી પાંચેક મિનિટ સુધી ‘હગ’ કરવાને બહાને એ પશ્મિનાને વળગી પડ્યો. એની પાછળ જ પર્જન્ય ઊભો હતો, ભીની આંખ લઇને.
પશ્મિનાને આશ્ચર્ય થયું, ‘પર્જન્ય, આજે પણ તું રડે છે?’‘આ આંસુ ખુશીનાં છે, સાથે એક વિચાર મારા મનમાં એ પણ આવે છે કે આવું જવલંત પરિણામ પ્રાપ્ત કરવા માટે તારે કેટલી મહેનત કરવી પડી હશે? કેટલી રાતોના ઉજાગરા વેઠવા પડ્યા હશે? આવું વિચારીને હું જરાક લાગણીભીનો થઇ ગયો...’પાર્થેશ ખીજાઇ ઊઠ્યો, ‘ચાલ, પશ્મિ! જો અહીં અડધી મિનિટ પણ વધારે ઊભી રહીશ, તો આ રોતલને જોઇને તું પણ રડવા માંડીશ. ધીસ ઇઝ એ ટાઇમ ફોર બિગ સેલિબ્રેશન... લેટ અસ મૂવ!’ ફરી વાર ફૂલો જીત્યાં, આંસુ હારી ગયાં.
*** *** ***
એ રાત્રે છુટા પડ્યા પછી પશ્મિનાને અકસ્માત થયો. પાર્થેશને તો ચોવીસ કલાક પછી જાણ થઇ. એ હાથમાં ‘બૂકે’ લઇને હોસ્પિટલના આઇ.સી.યુ.માં પહોંચી ગયો. પશ્મિનાને ‘બૂકે’ આપીને બોલ્યો, ‘ગેટ વેલ સૂન.’ પશ્મિનાએ ફિક્કું હસીને પૂછ્યું, ‘છેક અત્યારે આવ્યો, પાર્થેશ? આ પર્જન્ય તો રાતભર મારી પથારીની બાજુમાં બેસીને રડતો રહ્યો છે. ડોક્ટર જે કંઇ મંગાવે તેના માટે દોડતો રહ્યો છે. આજે મને સમજાયું કે ફૂલો માત્ર ખુશાલીના સાથીદાર હોય છે, તમારા કપરા સમયમાં તો માત્ર આંસુઓ જ સહારો આપી જાણે છે.’ આટલું કહીને પશ્મિનાએ પર્જન્યનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. પહેલીવાર આંસુઓ ખીલી ઊઠ્યાં અને ફૂલો રડી પડ્યાં.
Comments
Post a Comment
Thanx For Comment