ડૉ. શરદ ઠાકર: હું પસ્તાવાને પ્રગટાવી નયનમાં, સુધરવાનો કરું સંકલ્પ મનમાં



એક ર્દશ્ય જોઈને હું અવાક રહી ગયો. ડોક્ટરને બેસવાની ખુરશીની સામે જ એનું ટેબલ હતું. ટેબલ ઉપર પૂરા કદનો લંબચોરસ કાચ મૂકવામાં આવ્યો હતો. કાચની નીચે એક મોટો કાગળ હતો, જેમાં અંગ્રેજીમાં બીમારી તથા ગોળીનાં નામ લખેલાં હતાં. દર્દી આવે એટલે એની ફરિયાદ સાંભળીને ડૉ. પૂર્ણેશ કેસપેપરમાં નોંધવાના બહાને તે કાગળમાંનું સમીકરણ વાંચી લે.

સરકારે તાજેતરમાં બોગસ ડિગ્રીધારી ડોક્ટરો સામે લાલ આંખ કરી છે તેવા સમાચાર અખબારમાં વાંચવા મળ્યા. ભૂતકાળમાં પણ ઘણી વાર આવું બન્યું છે. આમાં બોગસ ડોક્ટરોએ ગભરાઈ જવાની જરા પણ જરૂર નથી. સરકારની લાલ આંખ થોડા જ સમયમાં આપમેળે પાછી સફેદ અને ચોખ્ખી થઈ જશે. જો આમ ન થાય, તો સારું. તાજેતરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એકવીસ જેટલા ડોક્ટરબંધુઓ સરકારશ્રીના હાથે માન્ય ડિગ્રી સિવાયની પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે, પણ આ તો હિમશિલાનું ટોપકું માત્ર છે. વિસ્તારમાં જ આવા બે હજાર જેટલા ગોરખધંધા (સોરી, ધંધો) કરતા મિત્રોને હું પોતે ઓળખું છું. એ બધાં બચી ગયા છે.

પૂ. મોરારિબાપુના મતે ડોક્ટરો ત્રણ પ્રકારના હોય છે: ઊંટવૈદ, જૂઠવૈદ અને લૂંટવૈદ. આમાં સાચી ડિગ્રીવાળા, હોશિયાર અને કાયદા પ્રમાણે પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સિવાયના મિત્રોની વાત કરવામાં આવી છે. આ ત્રણેય પ્રકારો એમનાં નામ પ્રમાણે સ્વયં સ્પષ્ટ છે, પણ આજે હું મારી જિંદગીમાં મેં જોયેલા એક ‘શ્રેષ્ઠ’ ઊંટવૈદ વિશે કેટલીક હળવી વાતો કરવા માગું છું.

નામ એનું પૂર્ણેશ. આવડત સિવાયની બધી બાબતોમાં એ ‘પૂરો’ એટલે કે પૂર્ણ હતો! એસ.એસ.સી.ની પરીક્ષામાં સળંગ ચાર વાર નાપાસ થયો, એટલે એના પપ્પા સમજી ગયા કે એમનો લાડલો જગતના કોઈ પણ વ્યવસાયમાં સાચી રીતે કામ કરીને બે પૈસા રળી શકે તેમ નથી. એટલે પછીની ટ્રાયલે જ્યારે કુંવર પાસ થયો કે તરત એને એક નવી બનેલી તબીબી કોલેજમાં પ્રવેશ અપાવી દીધો.એસ.એસ.સી.માં ચોથા પ્રયત્ને ઉત્તીર્ણ થયેલા આ મહાપુરુષને પ્રવેશ મળ્યો તે કોલેજ કેવી હશે એ આપ સમજી શકો છો. અલબત્ત, એ એલોપથીની મેડિકલ કોલેજ ન હતી; પણ જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં સુધી હું આયુર્વેદ, હોમિયોપથી અને નેચરોપથીનો પણ એટલો જ આદર કરું છું.

જ્યારે પૂર્ણેશ ડોક્ટર બનીને બહાર પડ્યો ત્યારે પણ મેં એને આવું જ કહ્યું હતું, ‘તું જે શાસ્ત્રની જાણકારી અને ડિગ્રી ધરાવે છે તેની જ પ્રેક્ટિસ કરીશ તો આગળ જતાં તારું નામ થઈ જશે. મેં કેટલાક (કેટલાયે નહીં, માત્ર કેટલાક જ) વૈદ્યરાજોને, હોમિયોપથીવાળાઓને અને નેચરોપથીના ડોક્ટરોને પ્રમાણિકતાપૂર્વક પ્રેક્ટિસ કરતા જોયેલા છે અને એ લોકો ખૂબ સારું કમાય છે. એમના ઉંબરે દર્દીઓની લાઈન લાગે છે.’

પણ ડૉ. પૂર્ણેશના ઈરાદાઓ સાવ જુદા જ હતા, ‘ઊંહુ! આજકાલ એલોપથી સિવાયની સારવારમાં દર્દીઓને વિશ્વાસ જ ક્યાં રહ્યો છે? અને અમારી પદ્ધતિમાં સારવારનું પરિણામ મળતાંયે સમય લાગી જાય છે. લોકોને તો ચોવીસ કલાકમાં માંદગીના બિછાનેથી ઊભા થઈ જવું હોય છે. માટે મારે તો એલોપથીની જ સારવાર કરવી છે.’પછી એણે તુક્કો રજુ કર્યો, ‘મારું એક નાનકડું કામ કરી આપો. એક કાગળ ઉપર સાત-આઠ સામાન્ય (કોમન) બીમારીઓનાં નામ અને એની સામે જે દવા અપાતી હોય એનું નામ લખી આપો!’

‘સોરી, હું તારા પાપમાં ભાગીદાર બનવા તૈયાર નથી.’ મેં ના પાડી દીધી. ડૉ. પૂર્ણેશે બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લીધી. એનું રહેવાનું અમદાવાદમાં હતું, પણ એણે નજીકના એક ગામડામાં પ્રેક્ટિસ શરૂ કરવાનું નક્કી કર્યું. ત્રીસેક કિલોમીટર દૂરના ગામડામાં એક વિધવા ડોશીનાં મકાનનો બહારની તરફનો રૂમ ભાડે રાખી લીધો. ટેબલ, ખુરશી, દર્દીને બેસવાનો બાંકડો અને દવાઓ મૂકવાનો ઘોડો, આટલા અસબાબ સાથે એણે ‘દુકાન’ ચાલુ કરી દીધી.

ક્લિનિકના ઉદ્ઘાટનમાં તો હું ન જઈ શક્યો, પણ પછી ડૉ. પૂર્ણેશના અતિ આગ્રહથી એક વાર હું એની સાથે બાઇક ઉપર બેસીને ગામડામાં ગયો. ત્યાં એક ર્દશ્ય જોઈને હું અવાક રહી ગયો. ડોક્ટરને બેસવાની ખુરશીની સામે જ એનું ટેબલ હતું. ટેબલ ઉપર પૂરા કદનો લંબચોરસ કાચ મૂકવામાં આવ્યો હતો. કાચની નીચે એક મોટો કાગળ હતો, જેમાં અંગ્રેજીમાં બીમારી તથા ગોળીનાં નામ લખેલાં હતાં. દર્દી આવે એટલે એની ફરિયાદ સાંભળીને ડૉ. પૂર્ણેશ કેસપેપરમાં નોંધવાના બહાને કાચ નીચેના કાગળમાંનું સમીકરણ વાંચી લે.

આઘાતજનક વાત એ હતી કે એ લખાણ અંગ્રેજીમાં હતું, પણ માત્ર લિપિ જ અંગ્રેજી હતી, એ શબ્દો ગુજરાતીના હતા. જેમ કે ઝાડા માટે ડાયેરિયા નહીં, પણ ‘ઝેડ એ ડી એ’ લખેલું હતું! માથાના દુખાવા માટે ‘એમ એ ટી એચ એ એન ઓ...’! સમજી ગયા ને? હું ખળભળી ઊઠ્યો. બોર્ડની અને યુનિવર્સિટીની પરીક્ષાઓમાં વર્ષભર રાતોની રાતો જાગીને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ લીધા પછી, અંગ્રેજી માધ્યમમાં સાડા ચાર વર્ષ લોહી-પાણી એક કર્યા પછી, માનવશરીરનાં અદ્ભુત અને ગહનતમ રહસ્યોનો તાગ મેળવ્યા પછી, ફાર્મેકોપિયાની હજારો દવાઓની રચના, કામગીરી, એની સાઈડ ઇફેકટ્સ અને અનટોવર્ડ ઇફેકટ્સની તલસ્પર્શી જાણકારી મેળવ્યા પછી, દર્દીની ફરિયાદ સાંભળ્યા પછી, એની શારીરિક તપાસ કર્યા પછી, એનું અચૂક અને અફર નિદાન કર્યા પછી હજારો ઉપલબ્ધ દવાઓમાંથી કોઈ એક કે બે ઉપર પસંદગી ઉતારવાની આવડત ક્યાં અને આમ કાચની નીચે દબાયેલા કાગળમાંથી વાંચીને આઠ જાતની ગોળીઓમાંથી કોઈ પણ એકને ફટકારી દેવાનું કપટ ક્યાં?!?એ દિવસે મેં બીજી એક બાબત પણ નોંધી હતી.

હું ત્યાં બે કલાક જેટલું બેઠો હોઈશ,એ દરમિયાન જેટલા દર્દીઓ પૂર્ણેશની પાસે આવ્યા, એ બધાને એણે દસ ફીટ દૂર મૂકેલા બાંકડા ઉપર જ બેસાડી રાખ્યા. માત્ર ‘શું થાય છે?’ એટલું જ પૂછવાનું. દર્દી જે જવાબ આપે તેની જ સારવાર આપવાની. ન તો એને બીજો કોઈ પૂરક પ્રશ્ન પૂછવાનો, ન એની નાડી પકડવાની, ન તાવ માપવાનો! સ્ટેથોસ્કોપ તો વાપરવાનો સવાલ જ પેદા થતો ન હતો. મેં એને સૂચન કર્યું, ‘દોસ્ત, દર્દીને તાવ હોય, ત્યારે તું એટલું તો પૂછ કે તાવની સાથે ટાઢ ચડે છે કે નહીં?’એ હસ્યો, ‘એનાથી શો ફરક પડે છે? આવું પૂછવાથી મારું નિદાન થોડું બદલાઈ જવાનું છે?’ હું મનોમન બબડી રહ્યો, ‘ક્યારેક તું મરી જવાનો છે!’

***

ગામના સરપંચનો જુવાન દીકરો. અચાનક ખેતરમાં એને છાતીનો દુખાવો ઊપડ્યો. ઘોડા પર બેસીને ‘તબડીક-તબડીક’ કરતો ડૉ. પૂર્ણેશના ક્લિનિકમાં આવી પહોંચ્યો. બાંકડા પર બેસી પડ્યો.‘શું થાય છે?’ ડૉ. પૂર્ણેશનો કાયમી, એક માત્ર સવાલ. પછી જવાબ સાંભળીને એણે કાચ નીચેના કાગળ તરફ જોયું. પેલી આઠની યાદીમાં ક્યાંય ‘છાતીનો દુખાવો’ સામેલ ન હતો. પેટનો દુખાવો, માથાનો દુખાવો વગેરે હતા, પણ આ બીમારી ડૉ. પૂર્ણેશના સિલેબસમાં હાજર ન હતી. પૂર્ણેશે દિમાગ કસ્યું. વહેવારુ બુદ્ધિને કામે લગાડી, ‘દરબાર! તમને કશું જ નથી. ખાલી શરદી જેવું છે. ઘરે જઈને ‘વિકસ-બિકસ’ ચોપડી દેજો. પણ એ પહેલાં એક કામ કરો. મારી સામે ત્રીસ વાર ઊઠ-બેસ કરો. શરીરમાં કસરતના લીધે ગરમાવો આવી જશે. શરદી ભાગી જશે.’

જવાને ઊઠબેસ શરૂ કરી. એક, બે, ત્રણ...પાંચ, છ, સાત...દસ...’ અને પછી બસ! એ દુખાવો હૃદયનો હતો. સખત આરામની સલાહને બદલે ડૉ. પૂર્ણેશે ઊઠબેસ કરાવી. જુવાન ત્યાં જ ઢળી પડ્યો. મેં ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્ણેશ ક્યારેક મરવાનો છે. એને બદલે દર્દી મરી ગયો. પૂર્ણેશ સમજી ગયો કે સરપંચ હવે એને જીવતો નહીં જવા દે, એ દર્દીના જ ઘોડા ઉપર બેસી ગયો. વહેલું આવે અમદાવાદ!આજે આ સત્ય ઘટનાને ઘણાં વર્ષો થઈ ગયાં. પૂર્ણેશ એનું ફર્નિચર લેવા પૂરતોયે એ ગામડે ગયો નથી. ઘોડો બીજા કોઈના દ્વારા મોકલી આપ્યો. અત્યારે ડૉ. પૂર્ણેશ અમદાવાદમાં જ પ્રેક્ટિસ કરે છે. તાજેતરની કાર્યવાહીમાં એ ઝડપાયો નથી.

ફરીથી એટલું કહીશ કે જે મિત્રો જે ડિગ્રી ધરાવે છે અને એ જ સારવાર પદ્ધતિ પ્રમાણે ‘પ્રેક્ટિસ’ કરે છે એ બધાને હું સલામ કરું છું. મેં પોતે મારી અંગત બીમારીઓ માટે હોમિયો, નેચરો અને આયુર્વેદ એ ત્રણેય ચિકિત્સા પદ્ધતિનો સહર્ષ અને સફળ લાભ લીધેલો છે.

(શીર્ષક પંક્તિ: કિસ્મત કુરેશી) 

Comments