‘શું જુઓ છો?’ ચાનો કપ પતિના હાથમાં મૂકતાં સરોજબહેને પૂછી લીધું.‘સુખની તસવીર જોઇ રહ્યો છું.’ સુનીલભાઇએ જવાબ આપ્યો.‘પણ આ તો આપણું ફેમિલી આલબમ છે.’‘ના, આલબમમાં તો માત્ર ફોટાઓ હોય, હું જે જોઇ રહ્યો છું એમાં તો વિધાતા નામના ચિત્રકારે સમય લઇને, આપણા પ્રત્યે પક્ષપાત દાખવીને બારીક પીંછી વડે મેઘધનુષ્યના સાતેય રંગો વાપરીને બનાવેલું સુંદર, નયનરમ્ય ચિત્ર છે. જો તું પણ જો, અને કહે કે આ ચિત્ર માટે ફોટોલાઇન મૂકવી હોય તો ‘સુખ’ સિવાય બીજી કઇ હોઇ શકે?’
રવિવારની સાંજ હતી. પતિ-પત્ની બે જ જણાં ઘરમાં હાજર હતાં.
સરોજબહેન પતિની બાજુમાં બેસી ગયાં. આલબમના ઉઘાડા પૃષ્ઠ પરનો ફોટોગ્રાફ નીરખી રહ્યાં. એમાં સરોજબહેન હતાં, સુનીલભાઇ હતા. બંનેની પાછળ બંનેને વળગીને ઊભેલી બે યુવાન દીકરીઓ હતી. એક તરફના છેડે અગિયાર વર્ષનો પુત્ર ઊભેલો હતો, બીજા છેડા પર તાજેતરમાં જ જમાઇ બનેલો એક સોહામણો યુવાન હતો. બંને દીકરીઓ એકબીજાની પ્રતિકૃતિઓ સમી દેખાતી હતી. કેમ ન હોય! એક કારણ તો એ કે બંને સગી બહેનો હતી અને બીજું કારણ એ કે બંને જોડિયા બહેનો હતી. ટિ્વન સિસ્ટર્સ.
સરોજબહેને પણ કબૂલવું પડ્યું, ‘તમારી વાત સાચી છે. આવો ફોટો જોવાનું સદ્ભાગ્ય બધાંનાં નસીબમાં નથી હોતું. મને તો થાય છે કે આ ફોટા ઉપર મેશનું કાળું ટપકું લગાવી દઉં. આપણાં સુખને કોઇની નજર તો ન લાગે.’મધ્યમવર્ગીય પરિવાર હતો. સરોજબે’ન ‘હાઉસ-વાઇફ’ હતાં, પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ચૂકેલાં હતાં. એમના પતિ મોટા સરકારી સંસ્થાનમાં ડાયરેકટરના પદ ઉપર આસીન હતા. અત્યારે પણ છે જ. સુંદર ઘર, સુખી પરિવાર.
ઘરમાં આનંદની દીવાલો હતી, સંતોષની છત હતી અને પ્રેમની બારીઓ હતી. મોટી દીકરી ઇવાને થોડાક મહિના પહેલાં જ પરણાવી હતી. એ એની સાસરીમાં ખૂબ જ સુખી હતી. નાની દીકરી રીવા ભણવામાં અત્યંત તેજસ્વી હતી. વનસ્પતિશાસ્ત્રમાં બી.એ. થયા પછી ગોલ્ડમેડલ સાથે એમ.એ. પાસ થઇ હતી. એનું રઝિલ્ટ જાહેર થયું તે જ દિવસે નોકરીઓની ઓફરનો વરસાદ વરસવા લાગ્યો હતો.
‘પપ્પા, મારે નોકરી નથી કરવી. મારે હજુ આગળ ભણવું છે. બોટનીમાં ડોક્ટરેટ કરવું છે. ભારતમાં જેટલી જાતની વનસ્પતિઓ છે એ બધાં વિશે રિસર્ચ કરવું છે. એક એક છોડનું સૌંદર્ય જાણવું છે. પત્તા પત્તા અને બુટ્ટા બુટ્ટાની લિપિ ઉકેલવી છે. તમે મને ભણવા દેશો ને?’ રીવાએ પપ્પાની ડોકે વળગીને પૂછ્યું.
દીકરી બાપને વળગે એમાં શું જોર હોય! સાચું જોર તો બાપ દીકરીને ભીંસી નાખે એમાં હોય. સુનીલભાઇએ રીવાને છાતી સરસી ચાંપીને વહાલથી ભીંસી નાખી. દીકરીના કાન પાસે હોઠ લઇ જઇને બબડ્યા, ‘બેટા, હું તને ના પાડતો હોઇશ? હું પોતે બુદ્ધિજીવી છું. આટલું ભણ્યો છું ત્યારે તો આ સ્થાન પર પહોંચી શક્યો છું. હું તો ઇચ્છું છું કે તું ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા જેવી મેધાવી બને. માત્ર ડિગ્રીનાં કાગિળયાં નહીં, પણ જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરે. કીર્તિ તારા ગાલને ચૂમે અને પૈસો તારા ભાલને ચૂમે! ફતેહ કર, દીકરી!’રીવાએ ખરેખર ફતેહ કરી બતાવી. વનસ્પતશિાસ્ત્રમાં એણે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી.
હવે એ સામાન્ય સ્તરમાંથી નીકળીને ઉપરના સ્તરમાં આવી ગઇ. એને મળતી નોકરીઓની કક્ષા પણ બદલાઇ ગઇ. પગારધોરણ તગડું બની ગયું. રીવાએ સૌથી સારી લાગી તે ‘જોબ’ સ્વીકારી લીધી. એ એક ખૂબ જાણીતા અને મોટા ફાઉન્ડેશનમાં રિસર્ચની જોબ હતી. એમાં રીવાએ ડાંગ, સાપુતારા, રાજપીપળા અને ગીરનાં અરણ્યોમાં દિવસોના દિવસો સુધી રોકાઇને જાતજાતની વનસ્પતિઓ વિશે સંશોધનનું કાર્ય કરવાનું હતું. પગાર! પગારનો આંકડો જણાવવા જેવો નથી. રખેને કોઇની નજર લાગી જાય!
નજર લાગી જ ગઇ. રીવાના પગારને નહીં, પણ એના ઘરના સભ્યોના ગ્રૂપ ફોટોગ્રાફને વિધાતાની ખુદની નજર લાગી ગઇ. ઘરથી દૂર રહીને બહારનું ખાવા-પીવાનું, એના કારણે રીવાને કમળો લાગુ પડ્યો. તાવ આવ્યો. દવાઓની કે બીજી કોઇ આડ અસરને કારણે એના બોન-મેરોનું ડિપ્રેશન થઇ ગયું. અસ્થિમજજામાં થતું રક્તકણો, શ્વેતકણો અને ત્રાકતંતુઓનું ઉત્પાદન ખોરવાઇ ગયું. તાવ મટ્યો નહીં, એટલે રીવા રજા મૂકીને ઘરે આવી ગઇ. અમદાવાદના હોશિયાર ડોક્ટરે બ્લડ ટેસ્ટ કરાવ્યો. પ્લેટલેટ્સનું અતિશય અલ્પ પ્રમાણ જોઇને ડોક્ટર ચોંકી ઊઠ્યા. રીવાનું હિમોગ્લોબિન પણ ઘણું ઓછું હતું. રીવાને હિમેટોલોજિસ્ટ પાસે ‘રફિર’ કરવામાં આવી.
હિમેટોલોજિસ્ટે એનાં હાડકાંના માવાનો બાયોપ્સી રિપોર્ટ કઢાવ્યો. જે પરિણામ આવ્યું તે ભયંકર હતું. રીવાને એકયુટ માઇલોઇડ લ્યૂકેમિયા નામની જીવલેણ બીમારી હતી. ટૂંકમાં કહું તો અસાધ્ય એવું બ્લડ કેન્સર હતું. એ બુધવારનો દિવસ હતો. સરોજબહેન આજે પણ એ મનહૂસ દિવસને ભૂલી શક્યાં નથી. મારા ક્લિનિકમાં મારી સામે બેસીને એમણે એક જ વાક્યમાં એમની વેદનાને ચીતરી આપી, ‘ઈતિહાસમાં બ્લેક ફ્રાઇડે પ્રખ્યાત છે ને? અમારા માટે આ બ્લેક વેડનેસડે હતો.’
રીવા અત્યંત બુદ્ધિશાળી હતી. એકવીસમી સદીની યુવતી હતી. ‘ઇન્ટરનેટ’ ઉપર રાત અને દિવસ એક કરીને એણે પોતાની બીમારી વિશેની તમામ જાણકારી મેળવી લીધી. ડોક્ટરો હવે એને શું કહેવાના હતા? એ ખુદ પોતાનું ભાવિ ભીંત પરના લખાણની જેમ વાંચી શકતી હતી, પણ મરવું કોને ગમે? રીવાએ કેન્સર સામેનો જંગ આદરી દીધો.કેન્સરના તમામ દર્દીઓ સારવારની શરૂઆત ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલથી કરે છે, પણ આખરી તબક્કામાં બધાએ અમદાવાદની જાણીતી એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલના શરણમાં આવવું પડે છે.
રીવા પણ લડતના અંતિમ દૌરમાં ત્યાં જ આવી પહોંચી. ડો. પંકજ શાહ તે સમયે કેન્સર હોસ્પિટલના નિયામક પદે હતા. પોતના માનવીય અભિગમ માટે જાણીતા આ હોશિયાર તબીબે રીવાને દીકરી સમજીને પાંખમાં લીધી. એના કેશવિહોણા મસ્તક ઉપર હાથ મૂકીને આશ્વાસન આપ્યું, ‘બેટા, ચિંતા ન કરીશ, તું જીવી જઇશ.’ બોલનાર અને સાંભળનાર બંને જાણતાં હતાં કે આ વાક્યમાં સત્ય ઓછું હતું અને આશાવાદ વધારે હતો.
રોજ સવારે ઊઠીને રીવા હોસ્પિટલમાં આંટો મારી આવતી હતી. બારીમાંથી દેખાતાં ફૂલ-છોડને જોઇને એ બોલી ઊઠતી, ‘મમ્મી, મારે મરવું નથી. મારે હજુ કેટલાં બધાં કામ કરવાનાં બાકી છે! મારે જીવવું છે, મમ્મી!’ એની તબિયત જેમજેમ લથડાતી ગઇ, તેમ તેમ એની જિજીવિષા પ્રબળ બનતી ગઇ. હવે એનો મોટા ભાગનો સમય વિષ્ણુસહસ્રનામનો પાઠ અને મહામૃત્યુંજયના મંત્ર રટણમાં પસાર થવા માંડ્યો.
પછી એ દુનિયાથી વિરક્ત બની ગઇ. એણે પોતાના મૃત્યુને વાંચી લીધું. સંસાર પ્રત્યેનો મોહ એણે પાછો ખેંચી લીધો. રોજ રાત્રે એણે અંગત ડાયરી લખવા માંડી. એ ‘ડોક્ટરની ડાયરી’ ન હતી, પણ એક મરણોન્મુખ દરદીની ડાયરી હતી. તા. ૨૨-૨-’૧૦ના દિવસે રીવા આથમી ગઇ. અત્યાર સુધી જે યુવતી એવું કહી રહી હતી કે ‘મારે મરવું નથી’ એ અંતિમ દિવસે આવું લખતી ગઇ : ‘હું જરૂર પાછી આવીશ. હું આટલું બધું ભણી છું એને એળે નહીં જવા દઉં. હું અધૂરાં કામને પૂરાં કરવા માટે જરૂર પાછી આવીશ.’ અને પછી એણે આંખો મીંચી દીધી.બરાબર એક વર્ષ પછી રીવાની મોટી બહેન (આમ તો જોડિયા બહેન) ઇવાએ પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો. રીવાની મૃત્યુની તારીખ અને આ ઢીંગલીની જન્મતારીખ એક જ હતી.
સરોજબે’ન એમનાં વૃદ્ધ પિતાશ્રીને લઇને મને મળવા આવ્યાં, ‘સાહેબ, મારા પપ્પા સિત્તેર હજાર રૂપિયાનું દાન કરવા માગે છે. એ રકમ કઇ સંસ્થાને આપવી તે તમે અમને કહો.’ મેં આંસુ છલકાતી આંખે કહ્યું, ‘બીજે ક્યાં હોય! કેન્સર હોસ્પિટલમાં જ આપો. જ્યાં આપણે કશુંક ખોયું છે ત્યાં જ સુખને ખોળવાનું હોય! તમે કહો તો હું સાથે આવું.’ રીવાનાં મમ્મી રડી પડ્યાં. કેન્સર હોસ્પિટલના ખૂણે ખૂણે રીવાની યાદો પડેલી હતી, ત્યાં ફરીથી પગ મૂકવાની એમનામાં હિંમત ન હતી.
મેં ડો. પંકજ શાહને ફોન લગાડ્યો. સંપૂર્ણ હકીકતનું બયાન કર્યું. ડો. પંકજભાઇએ કહ્યું, ‘દોસ્ત, ચિંતા ન કરીશ. રીવાનાં મમ્મીને કહે કે સરનામું આપે. આપણે એમના ઘરે જઇને ‘ચેક’ લઇ આવીશું.’ પછી તરત જ એમણે ફોન કાપી નાખ્યો. કારણ હું સમજી ગયો. બેલેન્સ ખૂટ્યું હશે, મોબાઇલનું નહીં, પણ એમની હિંમતનું!‘
(સત્ય ઘટના)
Comments
Post a Comment
Thanx For Comment