રાઘવજી માધડ: પ્રેમના પથ પર પુષ્પો બિછાવી પ્રતીક્ષા કરી રહ્યું છે...


યુવાનને ભારે આઘાત લાગ્યો હતો. રાતોની રાતો ઊંઘી શક્યો નહોતો. મનમાં હથોડાની જેમ અફળાયા કરતું હતું: ના...લા...ય...ક!

છેલ્લે તો સાવ સ્પષ્ટ લખ્યું હતું કે, મારી જગ્યાએ તમે હો તો શું કરો!? દિલ પર હાથ રાખીને કહેજો. બાકી સલાહ આપવી સહેલી છે પણ તેનો અમલ અઘરો હોય છે કારણ કે વાસ્તવિકતા વસમી હોય છે. પાટાનો બાંધનારો પીડાને સમજી શકે પણ અનુભવી ન શકે અને આ તો પ્રેમની પીડા...!! આ સમયમાં કોઇ પત્ર લખે તે નવાઇભર્યું લાગે. આમ છતાં લાંબો અને વિગતવાર નનામો પત્ર લખ્યો હતો. પત્રલેખનની એક અલગ દુનિયા છે. તેમાં પણ પ્રિયજનના પ્રેમપત્રોનો લહાવો લીધા જેવો છે.

આ યુવાન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી ટ્યૂશન દ્વારા મહિને બે-ત્રણ હજાર રૂપિયા રળી લે છે. ઘણા વાલી ઘેર આવી ટ્યૂશન કરાવવાનો આગ્રહ રાખે છે. છોકરીઓને ટાણેકટાણે ટ્યૂશનમાં બહાર મોકલવા કરતાં આમ ઘેર આવી નજર સામે જ ભણાવી જાય તે સારું અને સલામતીભર્યું રહે છે. દૂરના એક સંબંધીની ધોરણ બારમા અભ્યાસ કરતી છોકરીનું આ યુવાન ટ્યૂશન કરાવવા જતો હતો.

ઘરમાં ઉપરના અલાયદા ઓરડામાં એકાંત વચ્ચે અભ્યાસ થતો હતો પણ યુવાનીમાં પ્રવેશ પામી ચૂકેલી છોકરીનું ચિત્ત ચોંટતું નહોતું. અભ્યાસ કરતાં અડપલાં કરવામાં તે વધારે રત રહેતી. સમય પૂરો થવા આવે ત્યારે જ પ્રશ્નો પૂછીને વિલંબ કરે, ક્યારેક સમય પહેલાં મોબાઇલ કરીને બોલાવી લે... આવી હરકતો છતાં યુવાનને કશો અંદાજ આવ્યો નહોતો પણ એક વખત તો હાથ પકડી હથેળીમાં જ લખી દીધું: ‘આઇ લવ યુ...’

બસ અહીંથી સામાજિક સંબંધનું મૃત્યુ થયું અને એક ટાળી કે ખાળી ન શકાય તેવી સમસ્યાનો જન્મ થયો. યુવાન માટે આ અણધારી ઘટના હતી. આ નાજુક સ્થિતિને સંભાળવી કે પંપાળવી મુશ્કેલ હતી. ટ્યૂશન છોડી દે તો તર્ક-વિતર્ક થાય, કાગનો વાઘ થઇને ઊભો રહે. વળી સંબંધી હોવાના લીધે આમ અધવચ્ચે છોડી ન શકાય. યુવાનની સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ સર્જાણી હતી.

યુવાન તન-મનથી ડહોળાઇ ગયો હતો. એક નવતર પીડા પજવવા લાગી હતી પણ સામે ચિંતા હતી છોકરીની-તેનું વરસ ન બગડે તે જોવાનું હતું. મા-બાપની તો ઇચ્છા હતી કે, મેરિટ સારું લાવે તો પી.ટી.સી.માં પ્રવેશ મળી જાય! પણ અહીં તો વરસ નહીં, જિંદગી બગડે તેવી વિકરાળ સ્થિતિ સામે આવીને ઊભી રહી છે. એક દિવસની ઘટના છે.

છોકરીનું ચિત્ત ચકરાવે ચઢ્યું છે. તનનો આવેગ ઉછાળા મારે છે. યુવાન કંઇ કહે તે પહેલાં જ છોકરી યુવાનના ખોળામાં માથું ઢાળી જાય છે... આ ર્દશ્ય છોકરીનાં મમ્મી જોઇ જાય છે. તે ચા-નાસ્તો લઇને ઉપર આવ્યાં હતાં. આંખો પર વિશ્વાસ બેસતો નહોતો. પણ પછી તાડૂકી ઊઠ્યાં હતાં: ‘નાલાયક! શરમ નથી આવતી? જરાક તો વિચાર કરવો’તો સંબંધનો...!’

યુવાનને તો ભોં ભારે થઇ પડી હતી. મોત આવે તો ક્ષણનોય વિલંબ કર્યા વગર મરી જવું હતું. તે કશી જ ચોખવટ કર્યા વગર મોં સંઘરીને નીકળી ગયો હતો. આ ઘટના અહીં સમાપ્ત થઇ જવી જોઇતી હતી પણ થઇ નહોતી. યુવાનને ભારે આઘાત લાગ્યો હતો. ચિત્તતંત્ર ખોરવાઇ ગયું હતું. રાતોની રાતો ઊંઘી શક્યો નહોતો. મનમાં હથોડાની જેમ અફળાયા કરતું હતું: ના...લા...ય...ક! ઊર્મિઓ અને સંવેદનાસભર યુવાદિલ ભારે આઘાત અનુભવતું હોય છે. કશો જ દોષ નથી છતાંય હાડોહાડ અપમાનિત થવું પડ્યું. સમાજમાં વગોવણી થઇ અને ટ્યૂશનો બંધ થયાં તે નફામાં!

યુવાનને થયું કે જે થવાનું હતું તે થઇ ગયું હવે શું? મારે પણ છોકરીને પ્રત્યુત્તરમાં કહેવું જોઇએ: યસ, હું પણ તને ચાહું છું! કારણ કે જ્યારથી તે છોકરીએ આઇ લવ યુ કહ્યું હતું ત્યારથી તેના પ્રત્યેની નજર જ બદલાઇ ગઇ હતી. ઊઘડતી કળીની સુવાસ તન-મનને તરબતર કરવા લાગી હતી. યૌવનનો માદક સ્પર્શ લોહીમાં ઊછળવા લાગ્યો હતો અને ન કહી શકાય તેવી પીડા શરીરને પજવવા લાગી હતી.સામાજિક સંબંધોના આટાપાટા ભારે ગૂંચવાળા હોય છે. છુટ્ટે નહીં અને તૂટે પણ નહીં. છતાંય તે મૂલ્યો અને સંસ્કારને ઉજાગર કરનારા છે.

હા, પત્રમાં ઘૂંટીને લખ્યું હતું કે મારી જગ્યાએ તમે હો તો શું કરો? દોસ્ત! ઘણા સંબંધોને તોડવા અને છોડવા જ પડે. વળી ઘણા સંબંધોને કોઇ વળાંક પર ત્યજી દેવા પડે... કારણ કે કોઇ નવો સંબંધ જીવનભર સાથ નિભાવવાની તૈયારી સાથે પથ પર પ્રેમપુષ્પો બિછાવીને પ્રતીક્ષા કરી રહ્યો હોય છે...

Comments