‘એ ...ઇ...! સાંભળો છો? ઊઠો ને...!’ અદાએ જાણે પતિના કાનમાં પીંછું ફેરવતી હોય એવી મુલાયમિયતથી કહ્યું. જવાબમાં આસવ કંઇક અસ્પષ્ટ ગણગણાટ કરીને પડખું ફરી ગયો.અદાએ હવે થોડીક વધારે હિંમત એકઠી કરી, પતિના કપાળ ઉપર માખણ જેવી સ્નિગ્ધ હથેળી ફેરવીને એને નીંદરમાંથી જગાડ્યો, ‘કહું છું, જાગો ને! આજે આપણે અંબાલાલકાકાના ઘરે જવાનું છે. કાકીનો પગ ભાંગ્યો છે. આજકાલ કરતાં એમના ઓપરેશનને પણ પંદર દિવસ થઇ ગયા.’
શનિવારની બપોર હતી. ચાર વાગ્યા હતા. આજે ઓફિસમાં અડધા દિવસની રજા હોવાથી આસવ ભરપેટ ભોજન જમીને પથારીમાં પડ્યો હતો. ત્યાં અચાનક આ ખલેલ પડી એટલે એ અકળાયો. પથારીમાં બેઠો થઇને બરાડ્યો, ‘હાથ ધોઇને મારી પાછળ શું કામ પડી ગઇ છે? મને અઠવાડિયામાં એક વાર તો બપોરે ઊંઘવા દે!’‘પણ મારાં કાકી...!’‘કાકી જીવતાં છે ને? મરી તો નથી ગયાં ને?’ ‘પણ એમના પગમાં ફ્રેકચર...’‘એમાં મને શું કામ હેરાન કરે છે? તારી કાકીને મેં ધક્કો માર્યો હતો? મને તો એ જ સમજાતું નથી કે તારે સગાંવહાલાં કેટલાં છે! દર અઠવાડિયે કો’ક મરે છે, કાં માંદું પડે છે.
કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઇ-ફુવા, ભાઇઓ, બહેનો, ભાભીઓ, બનેવીઓ, ભાણિયાઓ, ભત્રીજાઓ! આ બધાંની સંખ્યા એક-એક ડઝનથી ઓછી નહીં! એમાંથી એકાદને તો દર અઠવાડિયે કંઇક તકલીફ હોય જ. મારા કેલેન્ડરમાંથી જાણે શનિવારનું પાનું ફાટી ગયું છે! જો, આજે છેલ્લી વાર કહું છું, તારા પિયરપક્ષના આવા બધા વહેવારો તારે એકલીએ સાચવી લેવાના. મને એમાં નહીં નાખવાનો! નહીંતર...’ અદા હેબતાઇ ગઇ. આ ‘નહીંતર’ શબ્દ એવી રીતે બોલ્યો હતો કે જાણે છંછેડાયેલો વાઘ ઘૂરકાટ ન કરતો હોય?! એ અપમાનિત બનીને બેડરૂમની બહાર નીકળી ગઇ. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં.
એ પોતાની જાતને પૂછી રહી! ‘શું આ એ જ આસવ છે જે કોલેજમાં એના માટે પાંપણની બિછાત પાથરતો હતો? એની એક નજર પામવા માટે કોલેજ શરૂ થવાના અને છુટવાના સમયે ‘ગેટ’ આગળ ઊભો રહીને ધ્રુવની જેમ તપ કરતો હતો! પોતે સિટી-બસની પ્રતીક્ષા કરતી હોય ત્યારે બાઇક ઉપર બસ સ્ટોપની ફરતે ચક્કર મારતો હતો!’ અદાની તમામ ફરિયાદો સાચી હતી.
આસવે એને પામવા માટે કોલેજિયન છોકરાઓની એક પણ તરકીબ અજમાવવાનું બાકી રાખ્યું નહોતું. પપ્પાની આર્થિક સ્થિતિ મધ્યમ હોવા છતાં એણે હઠ કરીને બાઇક ખરીધ્યું હતું, એ આશાએ કે ક્યારેક સિટી બસની રાહ જોઇને થાકેલી અદા એના બાઇક ઉપર લિફ્ટ લેવા માટે તૈયાર થઇ જશે! જાણી-જોઇને આસવ કલાસમાં ગેરહાજર રહેતો હતો અને પછી બીજા દિવસે અદાને રોકીને કહેતો હતો, ‘મને તારી નોટ્સ આપીશ? કાલે હું ‘લોજિક’ના પિરિયડમાં એબ્સન્ટ હતો.’
રોઝ ડે ઉપર આસવ હંમેશાં અદાને લાલ રંગનું ગુલાબ આપતો હતો. પછી ભોળો બનીને કહેતો હતો, ‘મને ખબર નથી કે જુદા-જુદા રંગનાં ગુલાબોનું જુદું-જુદું મહત્વ હોય છે. હું તો તને લાલ રંગનું ગુલાબ એટલા માટે આપું છું કે... કે... કે... આઇ લવ...’ પછી અદાની આંખોમાં ગુલાબના રંગ જેવી જ લાલશ જોઇને એ વાક્યોનો અંત બદલાવી નાખતો, ‘આઇ લવ રેડ રોઝ!’ફ્રેન્ડશિપ ડેની વાટ તો આસવ દિવાળી કરતાંયે વધારે જોતો હતો. એ દિવસે અચૂક એ મનમોહક બેલ્ટ લઇને અદા પાસે પહોંચી જતો. અદા એનો ફ્રેન્ડશિપ બેલ્ટ કચવાતાં મન સાથે સ્વીકારી લેતી. કોઇનું આ દિવસે અપમાન કરવાનો કોલેજમાં રિવાજ ન હતો.
આમ ને આમ વેલેન્ટાઇન ડે આવી પહોંચ્યો. રિસેસમાં આસવ પહોંચી ગયો. અદા એકલી પડે એની જ વાટ એ જોતો હતો. ચૂપચાપ એક મોટું ગ્રીટિંગ્ઝ કાર્ડ આસવે અદાના હાથમાં થમાવી દીધું.પરબીડિયામાંથી કાર્ડ બહાર કાઢીને જોયું તો અદા આભી જ બની ગઇ, ‘વાઉ! વ્હોટ એ બ્યુટિફુલ કાર્ડ!’‘હજું તો તેં ફકત બહારથી જ જોયું છે, એને ખોલ તો ખરી! આસવ થડકતા દિલે બોલી ગયો.’
અદાએ ફોલ્ડર ટાઇપનું કાર્ડ ઉઘાડ્યું એ સાથે જ અંદરથી પ્રિ-રેકોર્ડેડ રોમેન્ટિક સૂરાવલીઓ ગુંજી ઊઠી. કર્ણમંજુલ સંગીતની સાથે એક ઘેરો પૌરુષી અવાજ એને પૂછી રહ્યો હતો, ‘વિલ યુ બી માય વેલેન્ટાઇન, પ્લીઝ? વિલ યુ બી માય વેલેન્ટાઇન, પ્લીઝ? વિલ યુ બી માય...?’ અદા મંત્રમુગ્ધ બની ગઇ. સામે ઊભેલો આસવ તો ખામોશ હતો, આ પડઘાતો સવાલ ઘેરા મરૂન રંગના ચમકતા કાર્ડમાંથી ઊઠી રહ્યો હતો.‘બ્યુટફિુલ!!’ અદાએ સ્મિત વેર્યું.
‘એન્ડ વેરી એક્સેપેન્સિવ ટુ!’ આસવે ઉમેર્યું, ‘પૂરા એક હજાર રૂપિયા ચૂક્વીને ખાસ ડિઝાઈનર કાર્ડ બનાવડાવ્યું છે. મારા અવાજમાં આ સવાલ રેકોર્ડ કરાવવાનો અલગ ચાર્જ ચૂકવ્યો છે. પૂરા હિન્દુસ્તાનમાં આવું બીજું કાર્ડ જોવા નહીં મળે!’ અદાને ખબર હતી કે આસવના ઘરની આર્થિક હાલત એટલી સધ્ધર ન હતી. આ કાર્ડ પાછળ એક હજાર રૂપિયા ખર્ચવા માટે કદાચ એણે આખા મહિનાનો પોકેટમની જતો કર્યો હશે. કદાચ અઠવાડિયા માટે બાઇકમાં એ પેટ્રોલ નહીં પુરાવે. કદાચ આ વરસે એક જોડી કપડાં એ નહીં ખરીદે. કદાચ... કદાચ... કદાચ...! શક્યતાઓની સરહદ સમાપ્ત થઇ અને પ્રશ્નોનો પરીઘ ખેંચાવા માંડ્યો.
‘આ બધું શા માટે? શા માટે? શા માટે?’ સવાલોના વર્તુળની બરાબર વચ્ચે કેન્દ્રબિંદુમાં જવાબ લખાયેલો હતો: ‘મારા માટે... મારા માટે... મારા માટે!’ આસમાનમાંથી કોઇ ગેબી અવાજ એને કહી રહ્યો હતો: ‘પરણી જા, અદા! આ પુરુષ તને સુખી કરશે, કારણ કે એ તને ચાહ છે. વેલેન્ટાઇન ડે ઉપર આટલું મોંઘું ગ્રીટિંગ કાર્ડ એ વગર કોઇ તને આપે જ નહીં.’એ દિવસે પહેલીવાર અદાએ એની મધુશાલા જેવી આંખોમાંથી આસવનો જામ ભરીને સામે ઊભેલા આસવની તરફ લંબાવ્યો, ‘થેન્ક યુ ફોર સચ એ બ્યુટફિુલ વિશ, આસવ! હેપ્પી વેલેન્ટાઇન ડે!’એ કોલેજનું છેલ્લું વર્ષ હતું. છેલ્લી પરીક્ષા પછી છેલ્લા વેકેશનમાં અદા અને આસવ પરણી ગયાં.
લગ્ન થયાં ને ‘હનિમૂન’ પત્યું એ સાથે જ રૂપના પબ્લિક ઇસ્યુમાં લાગણી નામના શેરના ભાવ ગગડીને તિળયે જઇ બેઠા. આસવ એનો નવો ધંધો જમાવવામાં ડૂબી ગયો. પત્નીનું મહત્વ દિવસે એની થાળી સાચવવા અને રાત્રે એની પથારી સાચવવા પૂરતું રહી ગયું. અદાની સવાર રોજ છણકા સાથે અને રાત અપમાન સાથે પડતી હતી.ક્યારેક એણે સિનેમાની ટિકિટો મંગાવી રાખી હોય. હૈયાના ફલક ઉપર અરમાનોના ફટાકડા ફૂટતા હોય, ત્યાં આસવ આવીને સૂરસૂરિયું કરી નાખે, ‘તમને બૈરાંઓને સિનેમા સિવાય બીજું કશું સૂઝતું નથી? ઓફિસમાં કામ કરીને મારી ‘ફિલ્લમ’ ઊતરી જાય છે... ને... તારે આવી બકવાસ ફિલ્મ જોવા જાવું છે?!’મહિનામાં એકાદ વાર અદા વાત મૂકે, ‘આજે રવિવાર છે.
ઘણા દિવસથી આપણે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયાં નથી. આજે...?’‘તું તો કેવું પ્રાણી છો એ જ મને સમજાતું નથી. અરે, કામની ધમાલમાં હું લંચટાઇમમાં ટિફિન ખોલવાનુંયે ભૂલી જાઉં છું. ત્યારે તને જીભના ચટાકા ઊપડે છે?’ આસવનો ઘૂરકાટ સાંભળીને અદા ઠિંગરાઇ જતી.લગ્નનું એક વર્ષ તો માંડ પૂરું થયું. અદા નિસ્તેજ આંખે અને ફિક્કા ચહેરે જિંદગીના બોજને સહન કરતી રહી. ત્યાં ફરી પાછી ચૌદમી ફેબ્રુઆરીનો ‘પવિત્ર’ દિવસ આવી પહોંચ્યો. અદા સવારના પહોરમાં ઊઠી ત્યાં જ એની નજર બાજુના ટેબલ પર પડી. ત્યાં એક સુંદર ગ્રીટિંગ-કાર્ડ પડ્યું હતું.
ભાંગેલા હાથે એણે કાર્ડ ઉઘાડ્યું. અંદરથી કર્ણમંજુલ સ્વરો ગુંજી ઊઠ્યા: ‘યુ આર માય વેલેન્ટાઇન, જાનૂ! આઇ લવ યુ એન્ડ આઇ વિલ કિન્ટન્યુ ટુ લવ યુ ફોરએવર, માય સ્વીટહાર્ટ!’અદા રડી પડી. એણે ખુશીથી ઊછળી પડવાનું હતું, ખોટું-ખોટું ઊંઘી રહેલા પતિને પ્રેમથી વળગી પડવાનું હતું, એના કાનમાં મધ જેવો અવાજ ઢોળી દેવાનો હતો અને ગણગણવાનું હતું: ‘થેન્કસ, આસવ! ઇટ્સ એ બ્યુટિફુલ કાર્ડ! આઇ લવ યુ!’ પણ એ બોલી ન શકી ને રડતી જ રહી. વીતેલા ત્રણસો ચોસઠ દિવસની કાળઝાળ ગરમી અને તરસ આ એક દિવસના વરસાદથી શમે એમ ન હતી.
(શિર્ષક પંક્તિ : અનિલ ચાવડા)
Comments
Post a Comment
Thanx For Comment