ફેસબુકનો પરિણીત ફ્રેન્ડ બની ગયો છે પ્રેમી



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંપચીસ વર્ષની યુવતી છું. મારું નામ જલ્પા છે. હું અપરિણીત છું છતાં એક પરિણીત પુરુષને પ્રેમ કરી બેઠી છું. આ પ્રેમને કારણે મારી હાલત કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી થઈ ગઈ છે. મારી પ્રેમકહાનીની વાત માંડીને કરું તો અન્ય યુવાઓની જેમ હું પણ ફેસબુક પર એકાઉન્ટ ધરાવું છું. ફેસબુક થકી હું નીરવ નામના એક યુવકના સંપર્કમાં આવી. નીરવ બીજા રાજ્યનો યુવક છે. અમે ફેસબુક ફ્રેન્ડ બન્યાં. અમે માત્ર એકબીજાંના મિત્ર બની રહેવાના ઇરાદાથી જ નેટ પર સંબંધો ધરાવતાં હતાં. હું અને નીરવ એકબીજાંને મિત્ર જ માનતાં હતાં. નીરવનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેને એક બાળક પણ છે એ વાત પણ હું સારી રીતે જાણતી હતી એટલે એ સંબંધોને મૈત્રીથી આગળ વધારવાનો કોઈ મતલબ પણ નથી, એ વાત પણ હું સમજતી હતી. પણ અમને વાતો વાતોમાં ખબર જ ન પડી કે અમે ક્યારે એકબીજાંને ચાહવા લાગ્યાં.
હવે સ્થિતિ એવી થઈ છે કે એકબીજાંની સાથે ફેસબુક પર ચેટિંગ કર્યા વિના કે ફોન પર વાતો કર્યા વિના અમારે ચાલતું નથી. અમે એકબીજાંની એટલી નજીક આવી ગયાં છીએ કે અમારી વચ્ચે એક દિવસ પણ વાત કર્યા વિનાનો કાઢવો મુશ્કેલ બની ગયો છે.
હું જાણું છું કે આ સંબંધો આગળ વધારવાનો કોઈ અર્થ નથી. અમારા સંબંધો આગળ વધે તો માત્ર અમારા બેની જ નહીં, પરંતુ તેની પત્ની અને ખાસ તો તેનાં સંતાનની જિંદગી બરબાદ થઈ શકે એમ છે. હું નથી ઇચ્છતી કે મારે કારણે કોઈ અન્યનો સંસાર છીનવાઈ જાય. મારા પ્રેમ માટે હું કોઈ બાળકનું ભાવિ અંધકારમય બનાવવાનું પાપ વહોરવા માગતી નથી. મારા દિલમાં અજવાળું કરવા માટે હું કોઈના ઘર-જીવનને અંધકારમય બનાવવાનું સપનામાં પણ નથી વિચારતી. ક્યારેક મને પોતાને દુઃખ થાય છે કે હું આ શું કરી બેઠી છું, કેવો સંબંધ બાંધી બેઠી છું, જેને આગળ વધારવામાં પણ સમસ્યાઓ છે અને જેનો અંત આણવામાં પણ પારાવાર પીડા છે.
હું બધું સમજું છું, નીરવ પણ સમજે છે પણ અમે એકબીજાંને રોકી શકતાં નથી. આજ સુધી અમે માત્ર નેટ પર અને મોબાઇલ પર જ મળ્યાં છીએ. વીડિયો ચેટિંગ પર અમે વાતો કરી છે, પણ ફેસ ટુ ફેસ મળવાનું બન્યું નથી એટલે શારીરિક સંબંધો બંધાવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. છતાં અમારી વચ્ચે લાગણીનો તાંતણો અતિ મજબૂત બની ગયો છે, જેને તોડવાની અમારી કોઈની હિંમત ચાલતી નથી.
નીરવ થોડા દિવસ પછી ગુજરાત આવવાનો છે. તેણે કહ્યું છે કે એ મને મળવા આવશે. નીરવને મળવાની તો મને પણ બહુ ઇચ્છા છે પણ ડર એ છે કે અમે મળીશું તો કદાચ અમે બેઉં એકબીજાંથી દૂર નહીં રહી શકીએ. અમારી જાતને રોકી નહીં શકીએ અને કદાચ શરીરસંબંધો પણ બંધાઈ જાય. એક તરફ આ સંબંધનું હું કોઈ ભાવિ જોતી નથી તો બીજી તરફ નીરવને માત્ર એક વાર મળી લેવાની ઝંખનાને શાંત પાડી શકતી નથી.
મારો આત્મા કહે છે કે નીરવ સાથે સંબંધો રાખવા યોગ્ય નથી, પણ મારું દિલ તો નીરવની પાસે જવા જ તડપે છે. હું મારા આત્મા અને દિલની લડાઈમાં ફસાઈ ગઈ છું. મારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ? મારે તેને મળવું જોઈએ? મારે તેની સાથે સંબંધો જાળવી રાખવા જોઈએ? મારે તેને ભૂલી જવાનો હોય તો કઈ રીતે ભૂલવો? નીરવને અનહદ ચાહતા મારા દિલને હું કઈ રીતે રોકી શકીશ?
લિ. જલ્પા
પ્રિય જલ્પા,
નેટ-મોબાઇલથી બંધાતા સંબંધોને વર્ચ્યુઅલ સંબંધો કહી શકાય. વર્ચ્યુઅલ અને વાસ્તવિક સંબંધોમાં આભ-જમીનનો તફાવત હોય છે, કારણ કે વર્ચ્યુઅલ સંબંધો ક્યારેક આભાસી પુરવાર થતા હોય છે. આપણે ત્યાં કહેવત છે, ડુંગરા દૂરથી રળિયામણા. આ કહેવત કોઈ પણ વર્ચ્યુઅલ સંબંધોમાં યાદ રાખવા જેવી છે. નીરવ સાથે તમે દિલથી જોડાયાં છો. તમારી લાગણીઓ પવિત્ર છે અને તમારી પ્રતિબદ્ધતા સામે પણ કોઈ સવાલ થઈ શકે એમ નથી, છતાં લાગણીના આવેગમાં તણાઈ રહ્યા હોઈએ ત્યારે સમજદારીનું ‘લાઇફ જેકેટ’ જ તમારી જિંદગીને સુરક્ષા બક્ષી શકે છે.
તમારા પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે તમે સમજદાર વ્યક્તિ છો. શું યોગ્ય છે અને શું યોગ્ય નથી, તેનાથી તમે વાકેફ છો. તમે નીરવ સાથેનો સંબંધ આગળ વધારવાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ છો ત્યારે હવે માત્ર જરૂર છે, લાગણીઓ પર લગામ ખેંચવાની. નીરવને મળવાથી તમે તમારી જાત પર કાબૂ નહીં રાખી શકો એવો ડર હોય તો તમારે તેને એક વાર મળી લેવાની ઇચ્છા ટાળવી જોઈએ અને જો તમે તેને સદેહે મળવાની-જોવાની ઝંખના ટાળી ન શકો એમ હો તો તેને તમારા ઘરે મિત્ર તરીકે આમંત્રિત કરવો જોઈએ અને પરિવારજનોની હાજરીમાં જ તેને મળવું જોઈએ. એકાંતમાં મળવાની ભૂલ તમારી જિંદગી બરબાદ કરી શકે છે.
તમે નીરવ સાથેના સંબંધો ટકાવી રાખશો અને તમારી લાગણીઓ પર કાબૂ નહીં મેળવી શકો તો તમારે પેટ ભરીને પસ્તાવાના દિવસો ભોગવવા પડશે. હા, નીરવને ભૂલવો તમારા માટે આસાન નહીં હોય, પણ તમારે તમારા દિલને સમજાવવું પડશે. લાગણીઓને અન્ય દિશામાં વાળવી પડશે. નીરવને ભૂલવા તમારે તેની સાથે સંબંધના અંતની વાત કરીને તમામ સંપર્કો કાપી નાખવા જોઈએ અને અભ્યાસ કે કામમાં મન પરોવવું જોઈએ.
આપણે જ્યારે કોઈના અનહદ પ્રેમમાં હોઈએ ત્યારે લાગે કે એને નહીં ભૂલી શકીએ. પ્રિય વ્યક્તિની સ્મૃતિઓને કંઈ કમ્પ્યુટરની ફાઇલની જે ડિલિટ તો કરી શકાતી નથી જ, પરંતુ તમે એ વ્યક્તિ સંબંધી વિચારો જ્યારે પણ આવે ત્યારે મનને બીજે વાળવાની કોશિશ કરશો તો ધીમે ધીમે તેના વિચારો ઓછા આવશે. દિલના એક ખૂણામાં તેની સ્મૃતિ ભલે જળવાઈ રહેશે, પરંતુ એ તમને પજવશે નહીં.

Comments