રાઘવજી માધડ: મને તારી સાથે રહેવું ગમશે!



  
સૂરજનું પહેલું કિરણ પ્રગટે એ પહેલાં રેનીસાને પોતાનો નિર્ણય જણાવી દેવાનો હતો. ભીની ભીની લાગણીથી સર્જાયેલા સંબંધ અંગે સ્પષ્ટતા કરી એક દ્રિધાભરી સ્થિતિમાંથી સાચો રસ્તો કાઢવાનો હતો. કેનેડામાં સ્થિર થયેલાં માબાપની પુત્રી રેનીસા ઇન્ડિયા આવી છે. સ્થાપત્યકળામાં તેને ખૂબ રસ છે. તેથી ગુજરાતમાં સૂર્યમંદિર, રાણીની વાવ, ચાંપાનેરનો કિલ્લો, ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી વગેરે સ્થળોને બહુ ઝીણવટથી તેણે જોયાં છે, એટલું જ નહીં પણ તેનો ઊંડો અભ્યાસ કર્યો છે.

ગુજરાતના આવા ભવ્ય વારસાથી અને ભાતીગળ ઈતિહાસથી પ્રભાવિત થઈ તે એક ક્ષણે તો બોલી ઊઠી હતી, ‘મુંજાલ! તું લક્કી છો; તારો બર્થ અહીં થયો. આવી વિરાસત વચ્ચે તું રહે છે!’ ત્યારે વાતને પામી જઈ મુંજાલે કહ્યું હતું, ‘રેનીસા! ઈતિહાસને હંમેશાં ચવાયેલા અને ગવાયેલા ભૂતકાળ સાથે સંબંધ હોય છે જ્યારે જિંદગીને ભવિષ્ય સાથે જોવાની હોય છે. તારું ભવિષ્ય તો ત્યાં જ...’ તે વખતે ભલે મુંજાલનું કહેવું તેને સમજાયું નહોતું, પણ બંનેની આંખોમાં એક તારો ચમકી ગયો હતો. નજર બદલાઈ ગઈ હતી. માત્ર પંદર દિવસનું સાંનિધ્ય જુગ જુગનું હોય તેવો અહેસાસ મનને પજવવા લાગ્યો.

રેનીસા હૈયાની વાત હાથમાં રાખી શકી નહોતી એટલે મુંજાલને સીધું જ કહી દીધું હતું : ‘મને તારી સાથે રહેવું ગમશે.’ રેનીસાનું કહેવું સાંભળી મુંજાલ, રણ અને ઝરણની વચ્ચે ઊભો રહી, શું કરવું અને શું કહેવું તેની મથામણ કરવા લાગ્યો હતો. સવાલ નાજુક અને વિચારણા માગી લે તેવો હતો. આવી સ્થિતિમાં દિલ અને દિમાગ સાથે રહે તો જ યોગ્ય રસ્તો મળે. ક્યારેક ઉતાવળીયો નિર્ણય પારાવાર પસ્તાવાનું પડીકું સામે ધરીને ઊભો રહેતો હોય છે.

મુંજાલ હિસ્ટરી સબ્જેકટમાં પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. સામાન્ય પરિવારનો પુત્ર હોવાથી પાર્ટટાઇમ જોબ કરી થોડું કમાઈ લે છે. જે યુવાન જાતે કમાતો થાય તેને રૂપિયા અને મહેનતનું મૂલ્ય બરાબર સમજાતું હોય છે. દિવાળી પછીનો માહોલ હોવાથી મુંજાલ ખિસ્સાખર્ચ નીકળે તેવા હેતુથી અને એક મુરબ્બીની ભલામણથી રેનીસા સાથે ગાઇડ તરીકે જોડાયો છે. પહેલા દિવસે ભારે લોચા પડ્યા હતા. રેનીસા ગુજરાતીમાં બોલવાનો પ્રયાસ કરતી હતી અને મુંજાલ અંગ્રેજીમાં. પણ પછી રેનીસાએ જ ચોખવટ કરતાં કહ્યું હતું, ‘મને સારી રીતે ગુજરાતી બોલતાં આવડે છે. ઘરમાં અમે માતૃભાષાનો જ યુઝ કરીએ છીએ.

અમારે ત્યાં ગુજરાતી પાઠશાળા પણ છે.’ કોઈ બિનગુજરાતી વ્યક્તિ આપણી સાથે શુદ્ધ ગુજરાતીમાં વાત કરે તો પણ આપણે સાચી અને ખોટી રીતે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તેમાં સાચું સમજવાનો ભય ભારોભાર હોય છે, પણ અહીં તો બંને વચ્ચે સ્પષ્ટતા થઈ ગઈ હતી પછી સંવાદની કોઈ સમસ્યા રહી નહોતી. ક્યારેક તો મુંજાલના હોઠ ફફડે તે પૂર્વે રેનીસા સઘળું સમજી જતી હતી. વાણીને હૃદયનો સ્પર્શ થઈ ગયો હતો. અંતરના દ્વાર પર પ્રેમના પાર્ષદો ગોઠવાઈ ગયા હતા.

સવારનો પહોર હતો. હેમંતના મંદમંદ પવનમાં ગુલાબી ઠંડીનો ચમકારો વરતાતો હતો. સૂરજનાં કોમલ કિરણો ધરતી પર સોનેરી ચાદર બિછાવી રહ્યાં હતાં. રેનીસા પાટણમાં રાણીની વાવના કાંઠે ઊભી હતી. તેણે ટીશર્ટ-જીન્સ પહેર્યા હતાં. ખુલ્લા વાળ હતા. નીલરંગી આંખો પર ગોગલ્સ હતાં અને ખભા પર કીમતી કેમેરા ઝૂલતો હતો. ઊંચી, ગોરી અને સાગના સોટા જેવું સૌષ્ઠવ ધરાવતી રેનીસા, સુંદરતાનો અસબાબ ઓઢીને ઊભી હોય તેવી લાવણ્યમય લાગતી હતી. ઝીણી નજરે જોનારાની આંખો ચાર થઈ જાય તેવું રૂપ ઊઘડી આવ્યું હતું. સાથે ભોળપણ પણ ભારોભાર ભર્યું હતું. જાણે નિર્દોષતાની મૂર્તિ હોય!

મુંજાલ બરાબર સમજે છે કે આર્થિક સ્થિતિ સુધારી લેવાની અને જિંદગી બનાવવાની આ ઉત્તમ તક છે. લોકો લાખો રૂપિયા ખર્ચે પછી પરદેશ જવા મળે છે ત્યારે આ તો ઘેર બેઠાં લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. બાથરૂમમાં મોં ધોવા જવાય નહીં. બીજી બાજુ એમ પણ થાય છે કે ત્યાં ધારી લ્યો કે બધું જ મળશે પણ માબાપની હૂંફ નહીં મળે. ભલે શ્રવણ ન થઈ શકાય, પણ તેમની સાથે રહી સહારો તો બની શકાય.

લોહીના સગપણની આ એક જવાબદારી હોય છે. પરદેશની અઢળક કમાણી ભૌતિક સગવડ આપી શકે છે, અગવડ દૂર કરી શકે પણ સુખની ગેરંટી આપી શકે નહીં. જે યુવાનમાં દૈવત છે, આવડત છે તેના માટે કમાવું તે ડાબા હાથનો ખેલ છે. આમ મુંજાલ નનૈયો ભણે છે પણ મનમંદિરમાં રેનીસાના નામની ઝાલર વાગ્યા કરે છે.

છેલ્લે અડાલજની વાવ જોઈ પછી ગાંધીનગરની એક હોટલમાં રોકાયા છે. રેનીસાને બે દિવસ પછીની ફ્લાઇટ છે. તેના આંતરજગતમાં કોઈ એવું તત્વ પ્રવેશી ગયું છે જેણે તેને છિન્નભિન્ન કરી, વ્યાકુળ અને વહિ્વળ કરી મૂકી છે. છતાંય આ સ્થિતિ ગમે છે તેની ખુદને નવાઈ લાગે છે. પ્રણયના સાક્ષાત્કારની કદાચ ચરમસીમા હતી, પણ રેનીસાને એમ ખ્યાલ આવતો નહોતો. સાંજના સમયે બંને પુનિતવનમાં ફરવા આવ્યાં.

એક બાંકડા પર થોડી જગ્યા રાખીને બેઠાં. ખુલ્લા આકાશમાં સંધ્યારાણીનું સૌંદર્ય પ્રસરી રહ્યું હતું. રંગબેરંગી ફૂલછોડ અને આંખોમાં સમાય નહીં તેટલી વનરાજી વાતાવરણને પ્રફુલ્લિત કરી રહી હતી. ક્યાંય સુધી બંને મૌનનો આસવ પીતાં રહ્યાં. વળતાં ‘ ચ’ રોડ પર થઈ વિધાનસભા પાસેથી પસાર થયાં ત્યારે નગરરચનાનો અદ્ભુત નજારો જોઈ રેનીસા તો આનંદની અનુભૂતિમાં ગરકાવ થઈ બોલી ઊઠી હતી : ‘પ્લીઝ મુંજાલ... અહીં જ બેસી રહેવું છે!’ મુંજાલ કશી પ્રતિક્રિયા આપ્યા વગર મોડી રાત સુધી સાથે બેઠો હતો. પછી હોટલ પર આવી અલગ અલગ રૂમમાં પુરાઈ પથારીમાં તરફડિયાં મારવા લાગ્યાં હતાં.

મુંજાલ ઊઠીને રેનીસા પાસે આવ્યો પછી હૃદય પર પથ્થર રાખીને બોલ્યો : ‘સોરી રેનીસા, તારી સાથે કેનેડા ક્યારેય આવી નહીં શકું. આ મારો આખરી નિર્ણય છે.’ રેનીસા વિસ્મયભરી નજરે મુંજાલ સામે જોતી રહી પછી ભીના અને ધીમા સ્વરે બોલી : ‘હું અહીં રહેવાની વાત કરું છું, તેમાં વચ્ચે કેનેડા ક્યાંથી આવ્યું!’ મુંજાલની આંખોમાં જાણે સોનેરી ઉજાસ પથરાઈ ગયો!
 

Comments