ડૉ. શરદ ઠાકર: એટલે તો બધાંને ગમી જાઉં છું...!



 
‘જુઓ, ભાઈ! એમ તો મારી બાઈકને પણ નુકસાન થયું છે.’ ‘તારી બાઇકની તો અસી કી તૈસી!’ કહીને પેલો ફરીથી સુબાહુને મારવા ગયો; પણ આ વખતે સુબાહુએ એનો હાથ પકડી લીધો. હવામાં ઊઠેલો હાથ એણે પોતાની ફૌલાદી પકડમાં જકડી લીધો.

અમદાવાદના મણિનગર વિસ્તારની ઘટના. પચીસ વર્ષનો સુબાહુ મણિકર્ણીકેશ્વર મહાદેવના મંદિરમાંથી ભગવાનનાં દર્શન કરીને બહાર નીકળ્યો. આ એનો રોજિંદો ક્રમ. રોજ સવારે ઓફિસમાં નોકરી પર જતી વખતે મહાદેવનાં દર્શન કરવાં જ પડે. આવું કરવાથી આખો દિવસ સારો જાય છે તેવી એની માન્યતા. પણ આજે એવું ન થયું. દિવસની શરૂઆત જ બગડી ગઇ. મંદિરની બહાર એનું બાઇક પડ્યું હતું એના પર બેસીને એણે ‘કિક’ મારી. ટર્ન લઈને રસ્તા પર આવ્યો.

મુખ્ય પ્રવાહમાં ભળતાં પહેલાં એણે જમણી-ડાબી દિશામાં જોઇ લીધું. ‘સબ સલામત’ની ખાતરી કરીને પછી જ એણે બાઇકને ડાબા હાથે વાળી લીધું. ત્યાં જ અચાનક સામેથી હોન્ડાસિટી કાર અચાનક જાણે હવામાંથી પ્રગટ થઇ હોય તેમ પૂરપાટ વેગે દોડી આવતી જોવા મળી. કારની ઝડપ શહેરના ટ્રાફિક માટે અત્યંત વધુ હતી એ એક વાત અને બીજી વાત એ કે એ ખોટી દિશામાં આવી રહી હતી. સુબાહુ કંઈ વિચારે કે કરે એ પહેલાં તો ગાડી સીધી એની ઉપર જ ધસી આવી. સારું થયું કે છેક છેલ્લી ક્ષણે સુબાહુની પરાવર્તી ક્રિયાને કારણે બાઇકનું હેન્ડલ એક દિશામાં વળી ગયું, એટલે એ ચગદાઈ જતાં બચી ગયો, પણ એ ફેંકાઈ તો ગયો જ.

એ સાથે જ કારચાલકે જોરદાર ‘બ્રેક’ મારીને હોન્ડા ઊભી રાખી દીધી. બારણું ઉઘાડીને બહાર નીકળ્યો. ક્રોધના કારણે લાલ-પીળો થઈને એ ગાળો બકવા માંડ્યો. લોકોનું ટોળું જમા થઈ ગયું. સદ્ભાગ્યે સુબાહુને વધુ વાગ્યું ન હતું, પણ પગમાં ઊઝરડા પડ્યા હતા. સુબાહુ સંસ્કારી યુવાન હતો; એણે પેલાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, ‘ભાઈ, મને શા માટે ગાળો કાઢો છો? વાંક તો તમારો હતો. તમારી ગાડી રોંગ સાઇડમાં...’ ‘રોંગ સાઇડની ક્યાં માંડે છે?’ કાર ચાલક વિફર્યો અને પછી ગુસ્સામાં પાગલ બની જઇને એણે જમણો હાથ હવામાં વીંઝ્યો, ‘આ લે ત્યારે રાઇટ સાઇડ...!’ સટ્ટાક કરતોકને એક જોરદાર તમાચો એણે સુબાહુના ગાલ પર ઠોકી દીધો.

સુબાહુ પોતે મજબૂત હતો. નોકરી તો હજુ હમણાં બે મહિનાથી શરૂ કરી હતી; એ પહેલાં રોજ એ જિમમાં જતો હતો અને બેત્રણ કલાક પરસેવો પાડતો હતો. એણે જો ધાર્યું હોત તો ગાડીવાળાના ગાલ ફાડી નાખ્યા હોત; પણ કંઈક એના માબાપના સંસ્કાર આડા આવી ગયા અને કંઈક એના મનની બીક. સુબાહુ મોટી ને મોંઘી કાર જોઈને ડરી ગયો હતો. આવી કાર લઈને નીકળેલો માલિક મોટો માણસ જ હોવો જોઈએ. કંઈ જોયા-જાણ્યા વગર એના પર હાથ ઉપાડવામાં પાછળથી પસ્તાવાનો વારો આવે. એટલે એ ગમ ખાઈ ગયો. જમા થયેલી ભીડ પણ અંજાઈ ગઈ હતી. કારનો માલિક પાંત્રીસેક વર્ષનો દેખાવડો, પૈસાદાર પુરુષ લાગતો હતો.

ફિલ્મના હીરો જેવી હેરકટ, ટ્રેન્ડી પેન્ટ-શર્ટ, જમણા હાથમાં સાંકળ જેવી જાડી સોનાની લક્કી, શર્ટનું ઉપલું બટન ખુલ્લું અને એ ખુલ્લું રાખવાનું કારણ ગળામાં પહેરેલી સોનાની જાડી ચેઇન.બધું કીમતી હતું, માત્ર એની વાણી સસ્તી હતી. સસ્તી અને છીછરી, ‘ગાડીની હેડલાઇટ તૂટી ગઈ છે એ સરખી કરાવવાનો ખર્ચ કોણ આપશે? તારો બાપ?’‘જુઓ, ભાઈ! આમ સીધા મારા ફાધર સામે ન જાવ, પ્લીઝ! એમ તો મારી બાઈકને પણ નુકસાન થયું છે.’‘તારી બાઇકની તો અસી કી તૈસી!’ કહીને પેલો ફરીથી સુબાહુને મારવા ગયો; પણ આ વખતે સુબાહુએ એનો હાથ પકડી લીધો. હવામાં ઊઠેલો હાથ એણે પોતાની ફૌલાદી પકડમાં જકડી લીધો.

પછી શાંતિથી છતાં દ્રઢતાપૂર્વક કહી દીધું, ‘મિસ્ટર, તમે ભલે ગમે તે હો, પણ કાયદો મારા પક્ષે છે. તમે ગાળાગાળી અને મારામારી કરવાનું બંધ કરી દો. વાંક કોનો છે એ પોલીસ અને અદાલતને નક્કી કરવા દો. આપણાં વાહનોની સ્થિતિ અને દિશા જોઈને પોલીસ સમજી જશે કે નિયમ કોણે તોડ્યો છે.’‘પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું; પૈસા આપી દે નહીંતર...!’‘સોરી, પૈસા હું ખિસ્સામાં લઈને ફરતો નથી. મારી બાઈકનો થર્ડ પાર્ટી વીમો ઊતરાવેલો છે. જો મારે દંડ કે વળતર ચૂકવવાનો વારો આવશે, તો એ રકમ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવશે.

આપણે હવે પોલીસને ફોન કરીએ. સુબાહુએ ઠંડે કલેજે આટલું કહીને મોબાઇલ ફોન દ્વારા પોલીસને બોલાવી લીધી. પોલીસે આવીને કાયદેસર કાગળિયાં શરૂ કરી દીધાં. ત્યારે સુબાહુને ખબર પડી કે કારમાલિકનું નામ અમર ખોખાણી હતું અને એનો અમદાવાદના પોશ વિસ્તારમાં ટી.વી.નો શો રૂમ હતો. માલદાર પાર્ટી હતી. એટલે જ આટલી ગરમી બતાવી રહી હશે. એક કલાક બગડી ગયો. સુબાહુનો ‘મૂડ’ પણ બગડી ગયો. પણ એણે મન વાળી લીધું. આવું તો થયા કરવાનું.

અમદાવાદ જેવાં શહેરોમાં આટલા ટ્રાફિકમાં આખી જિંદગી વાહન ચલાવવાનું હોય તો બેપાંચ અકસ્માતો તો થવાનાં જ; પણ આમ વિના વાંકે થપ્પડ ખાવી પડે એ કલ્પના બહારની વાત કહેવાય. હશે! તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ! આવું વિચારીને સુબાહુ શાંત થઈ ગયો. આ ઘટનાને હજુ તો પંદર જ દિવસ થયા હશે, ત્યાં સુબાહુના મોબાઇલ નંબર પર ‘રિંગ’ આવી. શહેરની ખાનગી બ્લડ બેન્કમાંથી ડોક્ટર બોલી રહ્યા હતા, ‘સુબાહુભાઈ ત્રિવેદી બોલે છે? હું ડૉ. શાહ. યાદ છે? એક વાર તમે બ્લડ ડોનેશન માટે આવ્યા હતા!’
‘હા, સર! યાદ છે.

તે વખતે તમે કહ્યું હતું કે મારું બ્લડ ગ્રૂપ એ-નેગેટિવ પ્રકારનું છે અને તે ખૂબ ‘રેર’ કહી શકાય તેવું છે. તમે મારું નામ, સરનામું અને મોબાઇલ નંબર પણ નોંધી લીધો હતો. મને બરાબર યાદ છે. ફરમાવો, શું કામ પડ્યું?’‘કામમાં તો બીજું શું હોય, ભાઇ! એક પાંચ વર્ષના બાળકની જિંદગી જોખમમાં છે; ઊભાઊભ આવી જાવ!’ ડૉ. શાહે વિનંતી કરી. સુબાહુ બધાં કામ પડતાં મૂકીને બ્લડ બેન્કમાં પહોંચી ગયો. ડૉ. શાહે એને પોતાની ઓફિસમાં બોલાવ્યો, ‘આવો, બેપાંચ મિનિટ બેસો; ત્યાં સુધીમાં અમારી ટેક્નિશિયન છોકરી તમારું બ્લડ ટેપ કરવાની તૈયારી પૂરી કરી લે.’ પછી એ માહિતી આપી રહ્યા, ‘કોઈ એક્સિડેન્ટ કેસ છે.

અમર ખોખાણી નામના ભાઈ દારૂ ઢીંચીને બેફામપણે ગાડી ચલાવતા હતા. એમાં સ્ટિયરિંગ પરનો કાબુ ગૂમાવી બેઠા. રસ્તાની સાઇડ પર ટ્રક ઊભો હતો એની સાથે કાર ટકરાવી દીધી. એ પોતે તો બચી ગયા, પણ બાજુમાં બેઠેલી એમની પત્ની અને દીકરો... પાંચ વર્ષના દીકરાનું લિવર ફાટી ગયું છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. પણ એનું બ્લડ ગ્રૂપ એ-નેગેટિવ છે...’સુબાહુ તો નામ સાંભળીને જ સમજી ગયો હતો કે આ અમર ખોખાણી એ જ પેલો બદમિજાજ માણસ છે; પણ એણે સવાલ પૂછયો તે સાવ અલગ હતો, ‘છોકરાના પિતાનું બ્લડ ગ્રૂપ...?’

‘હા, એ પણ એ-નેગેટિવ જ છે; પણ એ તો અત્યારે ઢીંચેલી હાલતમાં છે. પોલીસે એને એરેસ્ટ કરી લીધો છે. કદાચ ઓપરેશનના સમયે એને હાજર રહેવાની છુટ આપે, તો પણ એનું બ્લડ છોકરાના કામમાં આવી શકે તેમ નથી. શરાબ... યુ નો?!’ ‘વાંધો નહીં, સર! મને તો જિંદગીમાં પાણી સિવાય બીજાં એક પણ પીણાનું વ્યસન નથી. તમે મારું બ્લડ ટેપ કરી શકો છો, પણ મારે એક વાર અમર ખોખાણીને મળવું અવશ્ય છે.’

સુબાહુએ પાટ ઉપર સૂતાં કહ્યું. છોકરાનું ઓપરેશન ચાલુ હતું. પોલીસમેન અમરને લઈને ત્યાં થિયેટરની બહાર બેઠા હતા. બ્લડ બોટલ સાથે સુબાહુ પહોંચી ગયો. એને જોઈને અમર ચોંકી ગયો. પછી તરત જ મામલો પારખી ગયો. શરાબ હજુ પણ એની નસોમાં મૌજુદ હતો, પણ દિમાગમાંથી નશો ગાયબ હતો. એ રડી પડ્યો, ‘ભાઈ, મને માફ કરી દો! મેં તને માર્યો, તો પણ તે મારા દીકરાનો જીવ...’‘આવું નાટક કરવાની જરૂર નથી.

તે મને માર્યો એ તારી દાનવતા હતી, મેં જે કંઈ કર્યું તે મારી માનવતા છે. હું તને એટલું જ કહેવા આવ્યો છું કે દુષ્ટતાનું પરિણામ હંમેશાં ખરાબ જ હોય છે; એ પોતાના દીકરાને પણ મૃત્યુના દ્વાર સુધી લઈ જઈ શકે છે. અને સજજનતાનું પરિણામ હંમેશાં સારું જ હોય છે, એ બીજાના દીકરાને મોતના ઊંબરેથી પાછો લાવી શકે છે. બાય, હું બ્લડના બદલામાં કોઈ સોદાબાજી કરવા નથી આવ્યો. મળીશું ક્યારેક અદાલતમાં, અકસ્માતનો કેસ હજુ ક્યાં પૂરો થયો છે?’

(શીર્ષક પંક્તિ: બી. કે. રાઠોડ) 

Comments