રાઘવજી માધડ: હું તને શું કરવા ગમું છું!



 
મારે તારી વાત શા માટે સ્વીકારવી તેનાં કારણો આપ. પછી તેનાં તારણો મને ગળે ઊતરશે તો એક મિનિટની પણ વાર નહીં લગાડું તને અને તારી વાતને સ્વીકારવામાં.

અર્ષાનો સવાલ તદ્દન વાજબી છે, એક કરતાં વધારે યુવાનો પ્રેમની પ્રતીક્ષામાં હોય ત્યારે પોતાને જ પસંદ કરવાનાં સક્ષમ કારણો આપવાં પડે. 

થેંક્યુ, મને આમ પ્રપોઝ કરવા બદલ અર્ષાએ વિચારીને હેતપૂર્વક કહ્યું હતું, પરંતુ મારે તારી વાત શા માટે સ્વીકારવી તેનાં કારણો આપ. પછી તેનાં તારણો મને ગળે ઊતરશે તો એક મિનિટની પણ વાર નહીં લગાડું તને અને તારી વાતને સ્વીકારવામાં. આવું સાંભળ્યા પછી સહદેવ માથું ખંજવાળવા સિવાય કશું કરી શક્યો નહોતો. પોતાના વિશે સારી બે બાબતો કહી શકે તેવી સૂઝ જ તેનામાં નથી અથવા તો પોતાનામાં સારું શું છે તેની તેને ખબર જ નથી.

જનરલ નોલેજના નામે જગતનું જાણનારો યુવાન પોતાના વિશે જ સાવ અજાણ હોય એવું બને છે! તે વખતે અર્ષાએ જવાબ આપવાનું ટાળીને માત્ર લુચ્ચું સ્મિત આપ્યું હતું. ક્યાં, કશી ઉતાવળ હતી? પણ અહીં તો તત્કાળ જવાબ આપવાનો હતો. ઇન્ટરવ્યૂની પેનલમાંથી એક સભ્યે સવાલ કર્યો હતો: મિ. સહદેવ! અમારે તમને જ નોકરીમાં શા માટે રાખવા તેનાં બે-ત્રણ કારણો આપો. સહદેવ બાઘાની જેમ મોં વકાસીને જોઇ રહ્યો હતો.

તેથી બીજા સભ્યે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું: તમને નોકરીએ રાખવાથી અમારી કંપનીને શું ફાયદો થશે તે જણાવો! અહીં પણ સહદેવ પાસે માથું ખંજવાળવા સિવાયનો કોઇ વિકલ્પ નહોતો. સહદેવ ગ્રેજ્યુએટ થયેલો બેકારીમાં સબડતો યુવાન છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો, પણ કલ્પના બહારના સવાલે તે મૂંઝાઇ ગયો હતો.

મનમાં થયું કે પોતે જે તૈયારી કરીને આવ્યો છે તે પૂછ્યું નહીં અને જે તૈયાર નથી કર્યું તે પુછાયું! સાલ્લું ખરું છે આ નોકરી અને છોકરીનું, ધાર્યા બહારના પ્રશ્નો પૂછી પૂછીને મૂંઝવી નાખે છે!આજે જીવવું હરામ કરી દે તેવી કાળઝાળ મોંઘવારી વચ્ચે બેકારીનો સવાલ બિહામણી રીતે યુવાવર્ગની સાથે સૌ કોઇને પજવી રહ્યો છે.

ભણેલો યુવાન નોકરીની શોધમાં આમથી તેમ આથડી રહ્યો છે. કામ અને તેણે મેળવેલી લાયકાતને કોઇ સ્નાનસૂતક ન હોય તેમ બંને વચ્ચે પ્રેમ થવાનું તો એક બાજુ રહ્યું, મેળ પણ બેસતો નથી. સંત વિનોબા ભાવે કહેતા કે નોકરી અને ડિગ્રી વચ્ચેનો ભેદ દૂર થવો જોઇએ, પણ ઘણા યુવાનો તો યોગ્ય માર્ગદર્શનના અભાવે અથવા તો જ્યાં એડમશિન મળ્યું ત્યાં એમ જ ભણતા રહ્યા છે. શું કરવા ભણવું છે? તો તેનો જવાબ માત્ર એટલો જ છે કે, મારે વ્હાઇટકોલર જોબ કરવી છે! જેથી પોતાની સૂઝ કે આવડત અને મેળવેલી ડિગ્રી વચ્ચે અણબનાવ રહે અને પરિણામે બેકારોની ફોજ ખડકાતી રહે છે.
સહદેવ પણ બેકાર છે, નોકરીની સખત જરૂર છે. દરરોજ છાપાની જાહેરાતો વાંચીને તે ત્યાં પહોંચી જાય છે. જે કામ મળે તે... મહિને પગાર મળવો જોઇએ. ટપાકા નહીં પણ રોટલા સાથે કામ છે. તેમાં નોકરી મળે તો સૌથી પહેલા અર્ષાને કહેવાનું છે, કારણ કે તે છોકરી ગમે છે, તેના પ્રત્યે ચાહત છે. ચાહવું તે કોઇ ગુનો નથી! એમ સમજીને તે અર્ષાને જીવનભર પામવાના પ્રયાસમાં છે પણ સામે સણસણતો સવાલ કરીને તે ઊભી રહી છે. વળી, ઓછામાં પૂરું હોય તેમ આ નોકરીવાળા પણ પ્રશ્ન પૂછીને ઊભા રહ્યા કે તમને સિલેકટ કરવાથી કંપનીને ફાયદો શું? બધા પોતાના ફાયદાનું જ વિચારે છે, મને સાવ નવરા બેસવાથી કેટલો ગેરફાયદો થઇ રહ્યો છે અથવા તો બેકારીના લીધે જે સમસ્યા સર્જાય છે તે વિશે તો કોઇ વિચારતું જ નથી! અર્ષા અને સહદેવ કલાસમેટ હતાં.

વળી દરરોજ એકસાથે જ સિટી બસમાં અપડાઉન કરતાં હતાં. ભીડના લીધે સહદેવ હંમેશાં અર્ષાની જગ્યા રોકી રાખતો હતો અને એમ સાથે પણ ભીંસાઇને બેસવા મળતું હતું. મુશ્કેલીમાં મદદ કરનાર વ્યક્તિ માટે સ્ત્રીનું મન હંમેશાં ખુલ્લું અને લાગણીસભર રહેતું હોય છે. તેણે સહદેવની આવી ભીંસ સહજભાવે સ્વીકારી લીધી હતી. આમ પણ કોલેજિયનો માટે આ સાવ સામાન્ય બાબત છે અને હોવી પણ જોઇએ. કશા જ કારણ વગર જીવનભર મદદ કરનારા માણસો પણ છેવટ સુધી મગનું નામ મરી નથી પાડી શકતા પણ સહદેવે તો કહી જ દીધું કે, તું મને ગમે છે.

મારી તારી સાથે મેરેજ કરવાની ઇચ્છા છે, બાકીનું હવે તારે વિચારવાનું છે! પણ અર્ષાએ સામે સવાલ કરી બોલ ઉછાળી દીધો હતો. હવે પ્રશ્નાર્થ હતો સહદેવ માટે શું કરવું? શું જવાબ આપવો? તે કોઇપણ સંજોગોમાં અર્ષાને ખોવા કે ગુમાવવા નથી માગતો. તે અર્ષાના સવાલને સમજયા વગર નોકરીની ચિંતામાં અટવાયો છે. મેરેજ માટે અનિવાર્ય શરત છે કે પગભર હોવું. પણ નોકરી અને છોકરી બંનેના સવાલનો સહદેવ પાસે કોઇ જ જવાબ નથી. બેકારીનો ભોગ બનેલા દરેક યુવાનને આ સવાલ એટલો જ લાગુ પડે છે.

આજે અનેક યુવાનો નોકરી મેળવવાની લાઇનમાં ઊભા હોય ત્યારે તમને જ શા માટે સિલેકટ કરવા? તેનાં સચોટ અને નક્કર કારણો આપવાં પડે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ક્યારેક એવું પણ બને છે કે નોકરી મળ્યા પછી માણસ સાવ નિષ્ક્રિય બની જાય છે અને એમ કહેતો ફરે છે કે મારા લાયક આ નોકરી નથી. તમારા લાયક ખરેખર શું છે? તેની તો તમને પણ ખબર નથી, પછી બીજા પાસે તો અપેક્ષા રાખી જ કેમ શકાય! જીવનમાં કોઇ મનગમતાં પાત્રને પામી કે મેળવી ન શકીએ તેનો રંજ જીવનભર રહે પણ તેનો અર્થ એ નથી જ કે જિંદગી ખતમ થઇ ગઇ.

ખરેખર તો તેને મેળવ્યા પછી ગુમાવી બેસીએ તો કદાચ જિંદગી માટે પૂર્ણવિરામ મુકાઇ જાય! ન મળે ત્યાં સુધી લબડતાં હોઇએ છીએ અને મળ્યા પછી નાટક કરવામાં નપિુણતા દાખવીએ છીએ! અર્ષાનો સવાલ તદ્દન વાજબી છે, એક કરતાં વધારે યુવાનો પ્રેમની પ્રતીક્ષામાં હોય ત્યારે પોતાને જ પસંદ કરવાનાં સક્ષમ કારણો આપવાં પડે. માણસ પોતાની સારી અને નબળી બાબતોનું સરવૈયું કાઢતા શીખે તો તદ્દન ઓછી આપદાનો સામનો કરવો પડે.

સહદેવ ભારે અવઢવમાં હતો ત્યાં જ અર્ષાનો સેલફોન આવ્યો અને પૂછ્યું: મારા સવાલના જવાબ જડી ગયા હોય તો આપણે મળીએ. મળવાની તો બહુ જ ઇચ્છા હતી છતાંય તે ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યો. ત્યાં અર્ષાએ કહ્યું: સાંજે બરાબર છ વાગ્યે બસસ્ટેશન પર મળીએ તો! સહદેવે તુરત જ હા પાડી દીધી, કારણ કે ભાવતું હતું અને વૈદે કહ્યું તેમ થયું હતું. ભીડની વચ્ચે પણ બંને એક જગ્યા એ ઊભાં રહ્યાં.

થોડીવારે મૌન તોડીને અર્ષાએ કહ્યું: જવાબ નહીં જડે... ત્યાં સહદેવ સહેજ ઠરડાઇને બોલ્યો: કેમ? અર્ષા ત્વરિત બોલી: મારા તરફ આકર્ષનારા કોઇને જવાબ નથી જડ્યો... સહદેવ આવું સાંભળીને એકદમ સાવધ થઇ ગયો. તેનો ચહેરો બદલાઇ ગયો, પણ અર્ષા તેને વધારે પજવવા માગતી નહોતી તેથી તેનો હાથ ઝાલીને કહે: હું શું કરવા ગમું છું, તેનાં કારણો તો આપી શકીશ ને!? થોડી ક્ષણો બાદ બંનેની હથેળીઓ વચ્ચે ભીંસ અને હૂંફ પ્રસરવા લાગી. 

Comments