રાઘવજી માધડ: પ્રેમમાં પ્રશ્નો ઓગળી જવા જોઇએ



 
- પ્રિયા, આપણે કરાર અને સંસ્કાર વચ્ચેનો ભેદ ન સમજી શક્યા અને નિકટના સંબંધને વિકટ બનાવી દીધો.

- ધુમ્મસ, રાઘવજી માધડ


મારા પાસે અંતરની જે અમીરાત છે તે સમેત સર્વસ્વ તને આપ્યું છે. હું જાણું છું પ્રેમ એટલે અર્પણ અને સર્વ સમર્પણ...! વિશાલ, નર્જિન વગડામાં વહેતા વાસંતી વાયરા સાથે વાત કરી રહ્યો છે. તેણે કહ્યું: પ્રેમ વગર જીવી શકાતું નથી અને માત્ર પ્રેમથી જ જીવી શકાય એવું પણ નથી. બંનેને સમજપૂર્વક બેલેન્સ કરવા પડે. તેં અને મેં અનુભવ્યું છે કે, પ્રેમમાં ન હોઇએ ત્યારે જીવનમાં ચોતરફ અંધકાર ભાસે છે, સઘળી દિશાઓ ધૂંધળી અને બિહામણી લાગે છે. પ્રેમ પ્રકાશ છે, શાંતિ છે, ઊંડા અને અગાધ આનંદ તરફ વ્યક્તિને લઇ જાય છે. પ્રેમ એ હૃદયમાં મહોરતી વસંત છે.

આજે વસંતના વાયરા સ્વરૂપે, ફોરમતા ફાગણની સાક્ષીએ એક સુગંધ સ્વરૂપે હાજર થયો છે. રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધીશ, સુગંધને જીવનમાં સ્થાન આપજે...! પ્રિયા, આપણે કરાર અને સંસ્કાર વચ્ચેનો ભેદ ન સમજી શક્યા. પ્રેમને પાંગળો બનાવી દીધો. અંતે આપણો નાતો તૂટ્યો, સંબંધ છુટ્યો, એકબીજાથી મોં ફેરવી લીધું. નિકટના સંબંધને આપણે વિકટ બનાવી દીધો. લાગે છે કે સમજનો અભાવ અને ગેરસમજનો પ્રભાવ ખલનાયક નીવડ્યો. સાથે અહમ્ પણ ટકરાયો. આજે શિક્ષિત કરતાં અશિક્ષિતને અહમ્ની સમસ્યા ઓછી સતાવે છે. યુનિવર્સિટીનું અક્ષરજ્ઞાન હૈયાની ભીતર અજવાળાં પાથરી ન શક્યું.

એક કવિના કહ્યા મુજબ જીવનભર પ્રેમ કરવાના સોગંધ ખાધા હતા પણ પછી તો સોગંદ ખાવા પૂરતો પણ પ્રેમ રહ્યો નહોતો! ખેર , જવા દે એ બધું... ભૂતકાળને ભૂલવો, ભવિષ્યની ચિંતાઓ ન કરવી અને વર્તમાનમાં જીવવું, તેમાં જ જીવનનું સાર્થકય છે. યૌવનકાળ સડસડાટ ચાલ્યો જાય છે. પીઢત્વ પરોઢ ફરીને ઊભું છે. વીતી ગયેલો સમય ક્યારેય પાછો નહીં આવે, અને સઘળું સમજાશે ત્યારે હાથમાં કશું હશે નહીં.

ચકલી ખેતર ચણવાનું ચૂકી જાય પછી પસ્તાવો શું કામનો! સંતને પણ વિચલિત કરી દે તેવી વસંતમાં પ્રણયની આ મોસમ ખીલી છે. પ્રકૃતિએ નવાં કલેવર ધારણ કર્યા છે. કેસૂડો તો જો... કેવો ખીલ્યો છે! તેનાં કેસરી ફૂલોમાં તને જોવાનો પ્રયત્ન કરું છું. વ્યક્તિ સામે હોય ત્યારે તેની સામે જોવાની ફુરસદ હોતી નથી અને ન હોય ત્યારે તેને શોધવાનાં ફાંફાં પડે. પણ મને તારા ન હોવાના કારણે આ બધું સમજાઇને અંતર છલકાઇ ગયું છે.

પ્રિયા, ઋતુની આપણી પ્રકૃતિ પર અસર થવી જોઇએ. ન થાય તો યંત્ર અને માણસમાં કશો ફેર નથી. ઋતુને કેલેન્ડરમાં નહીં જીવનમાં જોવાની હોય છે. મારી પોતાની કહી શકાય તેવી પળોને પામવા આમ વગડામાં આવીને ઊભો છું. હા, ઠંડીએ મુકતપણે વહિરવાની મજા મારી નાખી છે. તેનું રૂપ બદલાયું છે. એ પણ તારા જેમ વીફરી છે. તારું વીફરેલું રૂપ પણ એટલું જ મારકણું લાગતું હતું. એ સમયે મારે શાંત રહી તારા એ નોખા કે અનોખા રૂપને નીરખવાની જરૂર હતી. બીજું પણ એટલું જ જરૂરી છે કે સામેવાળાની લાઇટ ફુલ થાય ત્યારે આપણે, આપણી લાઇટ ડીમ કરી દેવી પડે.

નહીંતર અકસ્માત સર્જાતા વાર ન લાગે! મારું મૌન આ કારણે રહેતું. તારું સાવ સામાન્ય બાબતમાં ઊકળી ઊઠવું ઠીક નહોતું એમ નથી કહેવું પણ તેમાં મારો દોષ પણ ઓછો નહીં હોય એમ સ્વીકારું છું. ક્યારેય એક હાથે તાળી નથી પડતી. વસંતના વહાલપથી વધામણા ન કરી શક્યા, વેલેન્ટાઇન ડે ગયો. આમ જ દિવસો અને જિંદગી જતી રહેશે. મેં તમને આ દિવસે વિશ ન કરી, કંઇ ગિફ્ટ ન આપી તેથી તે મારા નામનું નહાઇ જ નાખ્યું હશે. સામે મળે તો ખબર લઇ નાખું, ફરી વખત આવો કોઇની સાથે ચાળો ન કરે... તેવો ગુસ્સો ચડ્યો હશે. તે હું જાણું છું. ખરેખર તો તારી માગણી સામે મારી લાગણી હારી છે.

માગણીનો ક્યારેય અંત હોતો નથી. તે દાઢીના વાળ જેમ દરરોજ કોંટા કાઢે! હું નથી ઇચ્છતો કે માગણીના મહાસાગરમાં તારું સ્વમાન ડૂબી જાય! ક્યારેક માગવું અને મરવું બંને સરખું હોય છે. હા, તારું કહેવાનું હશે કે, આવા ખાસ દિવસો પ્રેમને પ્રગટ કરવાનું કારણ બને છે. કાર્ડ કે ગિફ્ટ અભિવ્યક્તિનું માધ્યમ બને છે. પણ દિલથી મોટી બીજી કઇ ગિફ્ટ હોઇ શકે! જ્યાં જીવનમાં બે કે ત્રણ વખત મિનિમમ મેરેજ થતાં હોય, તેનો બાપ કોણ છે તે યાદ રાખવું પડતું હોય તેના માટે આવા ડે ઊજવીને યાદ રાખવા તે બરાબર છે, પણ આપણી સંસ્કૃતિને આ સદે કે પરવડે એવું નથી.

આંધળા અનુકરણમાં આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવું થાય છે. વળી ચોક્કસ દિવસે પ્રેમ-સંબંધની સ્વીકૃતિ પછવાડે ઊભેલી કોઇ વિકૃતિ પણ ભારે ભયાવહ નીવડે છે. જેના કિસ્સા ઓછા નથી. પ્રિયા, તારી ઘણી ફ્રેન્ડ પાછળ તેના બોયફ્રેન્ડ પાણીની જેમ પૈસો વાપરતા હશે. પેટ્રોલ, મોબાઇલ કે કટલેરીના કે એવા કોઇ બિલ દિલની દરકાર કર્યા વગર ચૂકવતા હશે. બંને પાત્રો પણ સમજતાં હોય છે કે મોજમજા કરવા સિવાય આગળ કશું જ નથી. કારણ કે જમાનો જુદો છે. પ્રેક્ટિકલ છે, યુઝ એન્ડ થ્રોની બોલબાલા છે. પણ આપણે એ પૈકીનાં ક્યાં છીએ! જીવનમાં સવાલો, સમસ્યા, સમાધાન આ બધું જ હોવાનું, રહેવાનું. તેનો સરવાળો એટલે જિંદગી. મારે મારામાં રહેલી ખામીઓની બાદબાકી કરી, તારી સારપનો સરવાળો કરવો છે.

તું પણ મારા જેવું જ વિચારજે, કારણ કે કોઇ માણસ સર્વગુણસંપન્ન હોતો નથી. હા, તું સુધરે કે હું સધરું એવું કશું જ કહેવાનું નથી. જે બગડેલા છે તેને સુધારવાનું હોય! વળી મારો કોઇ આગ્રહ કે દુરાગ્રહ નહીં હોય. જે હશે તે પ્રેમ અને સમજૂતીનું નવનીત હશે. પ્રેમમાં પ્રશ્નોને ઓગાળી નાખવાની તાકાત રહેલી છે. પ્રિયા, શ્વાસના પ્રત્યેક ધબકારમાં તું સમાયેલી છે. જીવનની એ માણેલી ક્ષણોને યાદ કરી સમયને સજીવન કરતો રહ્યો છું. દિલના દરિયામાં ભરતી અને ઓટની જેમ ક્યારેક ગુસ્સો તો હરખની હેલી ચઢે છે. આમ ન થાય તો બીજું થાય પણ શું! અનુભવ માટે પણ આવો પિરિયડ આવવો જોઇએ.

જેમ મેંદી પિસાઇને ઘૂંટાયા પછી જ સાચો રંગ લાવે તેમ જીવનનું પણ એવું જ છે. આ લહેરાતા ફાગણિયાની ફટકેલી ફોરમ મને વહિ્વળ અને વ્યાકુળ કરી રહી છે. મેં તને મેસેજ મોકલ્યો છે. તેં વાંચ્યો હશે. અહમ્ના પહાડ પ્રેમના ઇજનથી ઓગળી જવા જોઇએ! તું આવીશ તેનો મને પૂર્ણ વિશ્વાસ છે. તું છલકાતી ને મલકાતી આવ... સઘળું ખંખેરીને આવ... પણ એક નાનકડી વાત, પ્લીઝ... એક મુગ્ધાની માફક, પહેલી વખત મળ્યા’તાં એમ જ આવજે, એમ જ મળજે...! વિશાલ જુએ છે, ક્ષિતજિમાંથી કોઇ ઊડતું ઊડતું આવે છે...!

Comments