પવનપુત્ર સાથે પૂજા



 
હનુમાનજી કહે, ‘પાણી ન હોય તો જીવન જ ન હોય. તરસ લાગે ત્યારે તમે લોકો શું પીશો?’ 

એક સુંદર મજાની દેરી. એ દેરીમાં હનુમાનજી બિરાજે. નાનકડી પૂજા ત્યાંથી પસાર થાય એટલે હનુમાનજીને પગે લાગે. એક વખત પૂજા નિશાળેથી છુટી ઘેર આવતી હતી. ત્યાં હનુમાનજયંતી નજીક આવવાથી દેરી શણગારવાની તૈયારી ચાલતી હતી. પૂજાને તેમાં રસ પડ્યો. તે ઘરે દફતર મૂકી હનુમાનજીની દેરી પાસે જઇ ઊભી. ત્યાં તો, જોરદાર પવન ફૂંકાયો અને ફૂલ-પાંદડા ઊડવા લાગ્યાં. દેરી શણગારવાવાળા જતા રહ્યા.

પૂજા તો હનુમાનજી સાથે વાતો કરવા લાગી, ‘હનુમાનજી, આ પવન કેવો તોફાની છે! અહીં દેરી શણગારાઇ રહી છે તે બધું જ ઊડાડી દે છે! મને પવન નથી ગમતો. હનુમાનજી તમે પવનને કહો ને ચાલ્યો જાય...’ હનુમાનજી મરક... મરક... હસ્યા અને તેમને વાચા ફૂટી. તે કહેવા લાગ્યા, ‘પૂજા, પવન વગર તમારું જીવન ન ચાલે.’ પૂજા તો હું... હું... કહી ‘ના’ પાડવા લાગી, ‘મને તો આવો પવન ન ગમે.’ હનુમાનજી કહે, ‘પવનદેવનો તો હું પુત્ર છું.’

પૂજા બોલી, ‘લે, પવન વળી દેવ, અને તેના તમે પુત્ર...’ હનુમાનજી કહે, ‘હા, પવન ‘દેવ’ છે. જો તમે નાક, મોં બંધ કરો તો શું થાય?’ પૂજાએ નાક-મોં બંધ કરી કહ્યું, ‘હનુમાનજી, મને તો ગૂંગળામણ થાય છે. તમારી બધી વાત સાચી, પણ આમ પવન ધૂળ ઉડાડે એ મને બિલકુલ ન ગમે.’ હનુમાનજી કહે, ‘સાચી વાત છે. ધૂળ, ધુમાડો, રજકણ પવનને ઝેરી બનાવે છે, ફેફસાં બગાડે છે. રોગ થાય છે.’ પૂજાએ છીંક ખાધી. એટલે હનુમાનજી કહે, ‘પૂજા, આમ છીંક આવે પછી શરદી થાય, ખાંસી થાય તો રોગના જીવાણું હવામાં ભળે... હવાને ચોખ્ખી રાખવી જોઇએ.’

પૂજા બોલી, ‘હા, હનુમાનજી, તમને રોજ નવડાવીએ એ રીતે હવાને પણ નવડાવાય, ચોખ્ખી કરાય?’ હનુમાનજી ખડખડાટ હસી પડ્યા. બોલ્યા, ‘પૂજા, આટલું પાણી પણ ક્યાં છે? હવાને ચોખ્ખી રાખવા ધુમાડા, ધૂળ, મળમૂત્ર, થૂંક, ઉઘાડા ના રખાય, જાહેરમાં ન થૂંકાય.’ પૂજા કહે, ‘સાચી વાત છે. ઘરમાં ગરમી થાય એટલે ચોખ્ખી હવા માટે બારી-બારણાં ખુલ્લા રાખીએ છીએ.’ પૂજા કહે, ‘પવનદેવને પણ નમસ્કાર કરવા જોઇએ નહીં!’ એટલામાં પાણીનો લોટો ઢોળાઇ ગયો. એટલે હનુમાનજી બોલ્યા, ‘આમ પાણી ઢોળાતું હશે?’ પૂજાએ તરત કહ્યું, ‘અરે હનુમાનજી, પાણીની ક્યાં તાણ છે? પાણીની તો માણસો પરબ બંધાવે છે.’

હનુમાનજીએ ઊંચા અવાજે કહ્યું, ‘અરે, પાણીને તમે બચાવો તો પાણી તમને બચાવે. સમજયા!’ પૂજાને કશી ખબર ન પડી. તે ખાલી લોટો લઇ પૂછવા લાગી, ‘હનુમાનજી પાણી ન હોય તો?’ હનુમાનજી કહે, ‘પાણી ન હોય તો જીવન ન હોય... તરસ લાગે ત્યારે તમે શું પીશો?’ પૂજા બોલી, ‘નદી, તળાવ, સરોવર, કૂવામાંથી પાણી આવે છે. વરસાદમાં નહાવાની મજા આવે છે.’ હનુમાજી બોલ્યા, ‘તમે લોકો શુદ્ધ પાણી કરીને જ પીઓ છો. પાણીને ગાળીને જ પીવાય, પણ એક વાત બહુ ખરાબ છે.’

પૂજા બોલી, ‘શી વાત?’ ‘તમે લોકો પાણીને ચોખ્ખું રાખવાને બદલે ગંદુ કરો છો! નદી, તળાવમાં વાસણ માંજો છો, કપડાં ધુઓ છો, મળમૂત્ર કરો છો, ઢોરને નવડાવો છો, કચરો નાખો છો. આમ જળાશયોનું પાણી ઝેરી બનાવો છો.’ પૂજા બોલી, ‘એમ ના કરાય નહીં. પાણી તો સૌને પીવા જોઇએ. જંગલને, ખેતીમાં વનસ્પતિને, માણસને અને હનુમાજી તમને પણ ખરંુ ને?’ હનુમાનજીએ લોકોનું ટોળું આવતું જોયું એટલે કહ્યું, ‘પૂજા, હવે હું સૂઇ જાઉં છું. તું પણ ઘરે જા.’ પૂજાએ બે હાથ જોડી છણકો કરતાં કહ્યું, ‘હનુમાનજી, ક્યારેક વાતો કરતા રહો તો મજા આવે તમે તો ભારે ઊંઘણશી છો.’ પવન રહી ગયો એટલે ફરી સૌ દેરી શણગારવા ભેગા થયા. પૂજા મલકાતી મલકાતી ઘર તરફ ચાલવા લાગી. 

Comments