ડૉ.શરદ ઠાકર: આંખમાં ભીનાશ છે મારા દિવસ સૂના ને રાત ઉદાસ છે



  
ચાર વર્ષનો જેલવાસ ભોગવીને જ્યારે તાજુબી બહાર આવી ત્યારે એ ઓળખી શકાય તેવી રહી ન હતી. રૂપ આથમી ગયું હતું.

તાજુબી આજે બેવડી ખુશીથી ઝૂમી રહી હતી, એક તો આજે એ પોતાની સગાઈ પછી પ્રથમ વાર ત્યાગને મળવા માટે જતી હતી અને બીજું કારણ એ કે આજે એને કોલેજની સૌંદર્યસ્પર્ધામાં ‘મિસ કોલેજ’ ના ખિતાબથી નવાજવામાં આવી હતી. આ સમાચાર એ સૌથી પહેલા પોતાના મંગેતરને જણાવવા માગતી હતી.

નિધૉરિત સમયે અને સ્થળે બંને મળ્યાં. ઉત્સાહના ધોધની જેમ ઊછળતી તાજુબીએ ટ્રોફી બતાવીને પૂછ્યું, ‘બોલ, ત્યાગ! આ મને શાના માટે મળી હશે?’‘તું જ કહી નાખ ને.’ ત્યાગે સહેજ અમથું હસીને કહી દીધું.
‘આજે મારી કોલેજમાં બ્યૂટી કન્ટેસ્ટ હતી. નેવું છોકરીઓને હરાવીને હું ‘મિસ કોલેજ’નો ખિતાબ જીતી ગઈ.’
‘સરસ.’ ત્યાગે ટૂંકો પ્રતિભાવ દર્શાવ્યો.

‘બસ? ખાલી ‘સરસ’ જ?’ તાજુબી ઝંખવાઈ ગઈ, ‘હું પ્રથમ ક્રમે આવી એનાથી તને ખુશી ન થઈ?’‘થઈ ને! પણ મને એનાથી આશ્ચર્ય નથી થયું. તું છે જ એટલી ખૂબસૂરત કે જો તને યોગ્ય તક મળે તો તું ‘મિસ ઈન્ડિયા’ પણ બની શકે અને તારી કોલેજના પસંદગીકારોએ તો આજે તને પ્રથમ નંબર આપ્યો છે, પણ મેં તો તારી પસંદગી ક્યારનીયે કરી લીધી છે.’ ત્યાગ સંયતપણે બોલી ગયો. તાજુબીને મજા ન આવી. એને જે લાગણીનો ફુવારો કે આનંદનો ઉછાળ જોવાની અપેક્ષા હતી તે ફળીભૂત થઈ નહીં. આના કરતાં વધુ પ્રબળ પ્રતિભાવ તો કોલેજના પ્રાધ્યાપકો અને એની સાથે ભણતાં છોકરા-છોકરીઓ તરફથી જોવા મળ્યો હતો.

આવું જ બીજી વાર પણ બન્યું. ટેબલટેનિસની રમતમાં તાજુબી યુનિવર્સિટી ચેમ્પિયન બની. વિજેતાની ટ્રોફી લઈને એ સીધી ત્યાગની પાસે દોડી ગઈ. વધામણી ખાધી. જવાબમાં ત્યાગે મોટું બગાસું ખાધું.‘કેમ, તું રાજી ન થયો?’ તાજુબી માંડ આટલું પૂછી શકી. ‘ઠીક છે.’ ત્યાગે સળીથી દાંત ખોતરતાં જવાબ આપ્યો, ‘આ તો એક રમત છે.

એક જીતે ને બીજું હારે અને આખી યુનિવર્સિટીમાં ટેબલ ટેનિસ રમનારી કુલ છોકરીઓ હોય કેટલી? વીસ? ત્રીસ? પચાસ? એમાં તું સહેજ સારું રમતી હોય એટલે પહેલો નંબર આવી જાય. એમાં વળી કહેવાય યુનિવર્સિટી ચેમ્પિયન! ગોળી માર ને એ વાત ને! મને તો એ વાતની ખુશી છે કે તું મારી જીવનસાથી બનવાની છે. તારા સિવાય મને બીજી કોઈ વાતમાં રસ નથી.’

ત્રીજી વાર જ્યારે આવો પ્રસંગ આવ્યો ત્યારે તાજુબીએ ત્યાગને સમાચાર જ ન આપ્યા. કોલેજના અંતિમ વર્ષનું પરિણામ જાહેર થયું અને એને ગોલ્ડ મેડલ મળ્યો એ વાતની એણે ત્યાગ આગળ વધામણીયે ન ખાધી. બંને જણ બગીચાના એકાંતમાં મળ્યાં. ત્યાગ સાંભળતો રહ્યો, તાજુબી આડીઅવળી વાતો કરતી રહી. એના ખોળામાં યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હતું અને હાથમાં સુવર્ણચંદ્રક. પૂરો એક કલાક પસાર થઈ ગયો, પણ ત્યાગે એને પૂછ્યું સરખું નહીં કે આ શું છે!

‘મારું ભણવાનું પૂરું થયું.’ તાજુબીએ વાત કાઢી. ત્યાગે ખાલી ‘હં’ કહીને સાંભળ્યા કર્યું. તાજુબીએ ઉમેર્યું, ‘હું વિચારું છું કે ક્યાંક સારી ‘જોબ’ મળે તો સ્વીકારી લઉં.’ થોડી વાર પછી વળી કહ્યું, ‘એક પ્રાઈવેટ ઓફિસમાં પુછાવ્યું છે. જો સામેથી ‘કોલ’ આવશે તો ઈન્ટરવ્યૂ માટે જઈ આવીશ.’ એ બોલતી ગઈ, બોલતી ગઈ અને બોલતી ગઈ. જવાબમાં ‘હં’, ‘હં’ અને માત્ર ‘હં’ જ મળતું રહ્યું. આખરે અકળાઈને એણે પૂછી લીધું, ‘તું કેમ આવું કરે છે? મારી કોઈ પણ વાતમાં રસ જ નથી બતાવતો.’

‘પણ હું તારામાં તો રસ બતાવું છું ને?’ ત્યાગે સહજતાથી કહી દીધું. આ જવાબ રોમેન્ટિક હતો, પણ એ બોલવાનો અંદાજ સાવ શુષ્ક હતો.તાજુબી દલીલ ન કરે તો સ્ત્રી શાની? ‘આને મારામાં રસ લીધો કે’વાય? તારી ભાવિ પત્ની નોકરી કરે કે ન કરે એના જેવી મહત્વની વાતમાં તારો કોઈ મત જ ન હોય?’

‘હોય ને! પણ તું હજુ ક્યાં મારી પત્ની બની ગઈ છે? અત્યારે તો એ બાબતનો નિર્ણય તારાં મમ્મીપપ્પાએ કરવાનો હોય ને?’ ત્યાગનો જવાબ સાંભળીને તાજુબીએ કલ્પનામાં માથાના વાળ ખેંચ્યા. કોઈ જુવાન પુરુષ આટલી હદે ‘નોર્મલ’ હોઈ શકે ખરો? આવી ‘નોર્મલ’ તો રસોઈ પણ ન ભાવે. પુરુષ તો જરાક નમકીન હોવો જોઈએ. સારું છે કે ત્યાગના સ્વભાવ વિશે અત્યારથી ખબર પડી ગઈ છે, લગ્ન પછી જાણ થઈ હોત તો બીજો કોઈ રસ્તો બચ્યો ન હોત. પપ્પાને કહીને સગાઈ વિશે કશુંક વિચારવું પડશે. ત્યાગના ઠંડા વર્તનથી તાજુબીનો રસ એનામાંથી ઊડી ગયો.

‘‘‘

બીજા દિવસે અણધારી ને આઘાતજનક ઘટના બની ગઈ. તાજુબી એક પ્રાઈવેટ કંપનીના માલિકને નોકરી માટે મળવા ગઈ. માલિક યુવાન અને રસિક હતો. તાજુબીને પ્રશ્નો પૂછવાને બદલે એને નીરખવામાં એને વધુ રસ પડ્યો. થોડાક દ્રિઅર્થી સવાલ પૂછ્યા પછી એણે મુદ્દાનો પ્રશ્ન ફેંક્યો, ‘પગાર કેટલો જોઈશે?’

‘તમને યોગ્ય લાગે તે આપજો.’ તાજુબીએ વિનમ્રતાથી જવાબ આપ્યો. માલિક ઊભો થઈને દીવાલમાં જડેલી ‘સેઈફ’ પાસે ગયો. સ્ટીલનું બારણું ખોલ્યું. અંદર કરન્સી નોટોનાં બંડલો પડેલાં હતાં, એ બતાવીને એ ખલનાયકના જેવું હસ્યો, ‘મેરી જાન! યે સબ તુમ્હારા હી સમજો. કામ જો મૈં ચાહૂં વો, રૂપયૈ જો તુમ ચાહો...’ આટલું કહીને એ તાજુબીની દિશામાં આગળ વધ્યો. પહેલા જ કોળિયે માખી આવી એનાથી તાજુબી ડઘાઈ ગઈ.

ગભરાટમાં અને સ્વબચાવમાં એણે ટેબલ ઉપર પડેલું કાચનું મોટું, વજનદાર પેપર વેઈટ ઉપાડીને બોસની દિશામાં ફેંક્યું. પેલો બચવા માટે અવળું ફરી ગયો. કાચનો બોમ્બગોળો સીધો એની ખોપરીના પાછલા નાજુક ભાગ ઉપર વાગ્યો. તે જ ક્ષણે એનો શ્વાસ બંધ થઈ ગયો. એ ધમાકા સાથે જમીનદોસ્ત થઈ ગયો.

અદાલતમાં પબ્લિક પ્રોસિકયુટરે તદ્દન મૌલિક રજૂઆત કરી : ‘મિ. લોર્ડ! આરોપી બદચલન, બેકાર અને મહત્વાકાંક્ષી યુવતી છે. એ મરનારની ઓફિસમાં નોકરી માટે ગઈ, પણ ત્યાં ખુલ્લા લોકરમાં પડેલી બેસુમાર દોલત જોઈને એની દાનત બગડી. એણે મરનારને બદનામ કરવાની ધમકી આપી અને સબૂત ઊભા કરવા માટે છેડતી અને મારામારીનું નાટક રચ્યું. એમાં એના હાથે ખૂન થઈ ગયું...’ સાંયોગિક પુરાવાઓ અને વકીલની દલીલો. ઈરાદા વગરના ખૂનનો અપરાધ સાબિત થઈ ગયો.

તાજુબીની ઉંમર અને અન્ય પાસાંઓને ધ્યાનમાં લઈને જજસાહેબે ચાર વર્ષની જેલની સજા ફરમાવી દીધી. શહેરભરમાં હાહાકાર મચી ગયો. અખબારોના અહેવાલોના કારણે તાજુબી અને એના પરિવારની બદનામી થવામાં કશું બાકી ન રહ્યું. એના પપ્પા આર્થિક રીતે એટલા સધ્ધર ન હતા કે મોંઘો વકીલ રાખી શકે અને ઉપલી અદાલતમાં ‘અપીલ’ કરે.

ચાર વર્ષનો જેલવાસ ભોગવીને જ્યારે તાજુબી બહાર આવી ત્યારે એ ઓળખી શકાય તેવી રહી ન હતી. રૂપ આથમી ગયું હતું, વાળ રુક્ષ થઈ ગયા હતા, ચામડી ગોરી હતી એને બદલે મેલી લાગવા માંડી હતી. સૌથી મોટો ફરક એ વાતનો પડ્યો હતો કે ઉત્સાહથી થનગનતી એક અપ્સરા હતાશાની નિર્જીવ પૂતળીમાં ફેરવાઈ ગઈ હતી. એને સૌથી મોટી ચિંતા એ થતી હતી કે એના જેવી કલંકિનીનો હાથ હવે કોણ ઝાલશે!

‘‘‘

તાજુબી જેલમાંથી છુટીને ઘરે આવી એ પછીના બીજા જ દિવસે ત્યાગ અને એનાં મમ્મીપપ્પા તાજુબીનાં માબાપને મળવા માટે આવ્યાં. ત્યાગે જ વાત શરૂ કરી, ‘લગ્નનું મુહૂર્ત ક્યારે જોવડાવવું છે? સગાઈને પાંચ વર્ષ થવા આવ્યાં.’તાજુબીનાં મમ્મીપપ્પા રડી પડ્યાં. તાજુબી માંડ આટલું પૂછી શકી, ‘તમે મજાક તો નથી કરતા ને? જગત તો મને ખૂની તરીકે...’‘મને એની સાથે કશી જ લેવાદેવા નથી. દુનિયા તો આજે તમને એવોર્ડ પણ આપી શકે અને આવતી કાલે જેલમાં પણ મોકલી આપે! મને એમાં રસ નથી, મને ફક્ત તારામાં રસ છે. હું એકવચની પુરુષ છું. મને એટલી જ ખબર છે કે મેં તને પરણવાનું વચન આપ્યું હતું.’ત્યાગ બોલતો હતો સાવ ‘નોર્મલ’ રીતથી, પણ કોણ જાણે કેમ તાજુબીને આજે આ પુરુષ અતિશય ‘નમકીન’ લાગી રહ્યો હતો.

(જવલ્લે જ જોવા મળે તેવી એક સત્યઘટનાના આધારે. ઘણા બધા ફેરફારો સાથે.)‘ 

Comments