સમી સાંજનો સમય. ડૉ.. મનીષ જોશી એમના ક્લિનિકમાં બેસીને બાળકોને તપાસી રહ્યા હતા. ત્યાં અચાનક ખળભળાટ મચી ગયો. પાંચ-સાત જણાનું ધાડું એક પાંચેક વર્ષના બાળકને ઊંચકીને ક્લિનિકમાં ધસી આવ્યું. બાળકને એના પિતાએ ઊંચકેલું હતું. મમ્મીનો તો જાણે જીવ જ ઊડી ગયો હતો. બાકીના માણસો અડોશી-પડોશીઓ હતા. મદદ કરવા કરતાં મદદ કરવાનો ડોળ વધુ કરતા હોય એવા લોકોની એક ખાસ જમાત હોય છે. એ બધા જમાત-એ-દંભના આજીવન સભ્યો હતા.
ડૉ.. જોશી પિડિયાટ્રિશિયન હતા. હોશિયાર હતા અને અનુભવી પણ. દસ વર્ષની પ્રેક્ટિસે એમને એટલું તો શીખવી જ દીધું હતું કે નાનકડા બાળકને લઇને જ્યારે પાંચ-સાત માણસો આ રીતે ધસી આવે, બાળક એના પિતાના બંને હાથોમાં ચત્તું સૂતેલું હોય અને એનું શરીર આંચકી ખાતું હોય ત્યારે નિદાન શું હોઇ શકે?
બહારના વેઇટિંગ રૂમમાં ઘણાં બધાં દર્દીઓ મોજુદ હતા. બબ્બે કલાકથી પોતાનો વારો ક્યારે આવે એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આ ટોળું એ બધાને બાજુમાં રાખીને અંદર ઘૂસી ગયું, તેમ છતાં કોઇએ વિરોધ ન કર્યો. કેમ કે પરિસ્થિતિ જ ગંભીર દેખાઇ રહી હતી. ડૉ.. જોશીએ બાળકને તપાસવા માટેના ટેબલ ઉપર સૂવડાવ્યું. જે નિદાન પકડાઇ ગયું હતું એની પુષ્ટિ કરવા માટે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, સાથે સાથે તપાસવાનું પણ ચાલું જ હતું, ‘શું નામ છે બાબાનું?’
‘ડોક્ટર સાહેબ, નામ તો પિનાક છે, પણ ઘરમાં પિન્કુ... પણ સાહેબ, નામ પછી પૂછજો. પહેલાં એને ટ્રિટમેન્ટ તો આપો...’ બાળકનો પિતા જુવાન હતો પણ બિનઅનુભવી હતો. એની ચિંતાનો પાર ન હતો.
‘પિન્કુને તાવ આવતો હતો?’
‘હા, સાહેબ! ત્રણ દિવસથી તાવ હતો, અમને એમ કે ફેમિલી ડોક્ટરની દવાથી સારું થઇ જશે. અત્યારે અચાનક એને ખેંચ આવી અને એના મોંઢામાંથી ફીણ... પણ સાહેબ, તમે સમય ન બગાડૉ... જલદી...’
ડૉ.. જોશી જરા પણ સમય બગાડી જ નહોતા રહ્યા. એ સમજી ગયા હતા કે પિનાકને તાવના કારણે જ આંચકી આવી હતી. ત્રણ-ત્રણ દિવસથી તાવ હતો, પણ યોગ્ય નિદાન અને સાચી સારવાર ન મળવાથી તાવ વધી ગયો અને ગરમી દિમાગ પર ચડી ગઇ એટલે ખેંચ ચાલુ થઇ ગઇ. આમાં ચોખ્ખી બેદરકારી પિનાકના મમ્મી-પપ્પાની જ ગણાય. થોડીક અણસમજ પણ કારણભૂત ખરી. મા-બાપને એટલી ખબર પણ ન પડે કે નાનું છોકરું તો કૂમળી કળી જેવું ગણાય. યોગ્ય માવજત ન લો તો આ કળી ફૂલ બનતાં પહેલાં જ ખરી પડે.
ડૉ.. જોશીએ ડિસ્પોઝેબલ સિરિંજ અને નીડલ કાઢ્યાં. બે ઇન્જેકશનો લીધાં. તાવ માટે ફેબિનિલ અને ખેંચ માટે ડાયઝીપાસ. બંને ઇન્જેકશનો આવી તાકીદની સ્થિતિમાં ભારે અસર કરી બતાવે છે. ડોક્ટરે પિન્કુના હાથમાં દેખાતી ઝીણી નસ પકડીને ધીમે-ધીમે, એક પછી એક બંને ઇન્જેકશનો મારી દીધાં. દવાનું કામ પૂરું થયું, દુવાનું કામ શરૂ થયું.
ડૉ.. જોશી બંનેમાં શ્રદ્ધા રાખનારા માણસ. એટલે મનમાં ને મનમાં ઇશ્વરને પ્રાર્થી રહ્યા, ‘ભગવાન! હું જાણું છું કે આ લોકો મારી પાસે ખૂબ જ મોડા આવ્યા છે. બાળક મૃત્યુના દ્વાર પર પહોંચી ગયું છે. ત્યાંથી એને પાછું વાળી લાવવું મુશ્કેલ કામ છે. પણ મારી પ્રાર્થના ફક્ત એટલી જ છે કે મેં આપેલાં ઇન્જેકશનોની અસર શરૂ થાય એટલો સમય તું આપજે!’
ઇશ્વરે એટલો સમય ન આપ્યો. કદાચ ડૉ.. જોશીએ કરેલી પ્રાર્થના ઇશ્વરના કાન સુધી પહોંચી શકે એટલો સમય પિન્કુએ જ ન આપ્યો. હજુ તો ડોક્ટર એનાં પોપચાં ખોલીને તપાસવા જાય, એટલામાં જ પિન્કુના શરીરે એક છેલ્લો અને જોરદાર આંચકો ખાધો, મોંમાંથી ફીણના ગોટા નીકળ્યા અને પછી હવામાં ઊછળેલો દેહ ટેબલ પર પાછો પછડાયો.
ડૉ.. જોશીની નિરાશા એમના શબ્દોમાં છલકાઇ ગઇ, ‘આઇ એમ સોરી! હું તમારા દીકરાને બચાવી ન શક્યો. જો તમે સહેજ વહેલા આવી ગયા હોત...’ હવે પેલી પડોશીઓની લુખ્ખા-બ્રિગેડ મેદાનમાં ઊતરી આવી. એક ઊંચા, હટ્ટાકટ્ટા જુવાને ડોક્ટરના ટેબલ ઉપર જોરથી મુઠ્ઠી પછાડીને ત્રાડ નાખી, ‘ડોક્ટર! હવે બહાનાં ન કાઢો! તમે જ પિન્કુને મારી નાખ્યો છે. અમે તો એને જીવતો લઇને આવ્યા’તા. પણ તમે ઇન્જેકશનો માયાઁ એ સાથે એનું પ્રાણપંખેરું ઊડી ગયું. જો આવડત ન હોય તો દવાખાનું શું કામ ખોલીને બેઠા છો? આ તે દવાખાનું છે કે બાળકોને મારી નાખવાની દુકાન?’
‘ભાઇ, એવું ન બોલો, તમે સમજવાની કોશિશ કરો!’ એકચ્યુલી ડૉ.. જોશી દુ:ખી તો હતા જ એમાં પેલા જુવાનની રાડારાડ સાંભળીને જરા ગભરાટમાં આવી ગયા, એના કારણે અવાજ જરા થોથવાઇ ગયો. બસ, પૂરું થઇ ગયું. પેલા લોકો માથા પર ચડી બેઠા. પિન્કુના પપ્પા જયેશભાઇને પણ ખાતરી થઇ ગઇ કે ડોક્ટરની ભૂલને કારણે જ પિન્કુનું મૃત્યુ થયું છે.
બે સ્ત્રીઓ હતી એમણે રડારોળ મચાવી મૂકી અને પાંચ પુરુષો હતા એમણે ક્લિનિકમાં તોડફોડ શરૂ કરી દીધી. ડૉ.. જોશીનું ટેબલ ભાંગી નાખ્યું. એમને બેસવાની રિવોલ્વિંગ ખુરશીની ગાદી ફાડી નાખી. દીવાલ પર ગોઠવેલું કિંમતી પેઇન્ટિંગ ખેંચીને જમીન પર પછાડીને તોડી નાખ્યું. પડદો ખેંચી કાઢ્યો. વજનકાંટો ભાંગી નાખ્યો. રૂમની એક દીવાલ ડેકોરેટિવ ગ્લાસની બનેલી હતી એ ફોડી નાખી. આશરે સાઠથી સિત્તેર હજારનું નુકસાન કરીને પિન્કુની લાશને ઊંચકીને બધા ચાલ્યા ગયા.
બહારના વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દી બાળકોએ રડવાનું ચાલુ કરી દીધું. પિન્કુના પપ્પા જતાં જતાં મોટેથી બોલતા ગયા, ‘આ ડોક્ટરને કંઇ જ આવડતું નથી. ડફોળ છે ડફોળ! ગધેડાએ મારા પિન્કુને મારી નાખ્યો છે, તમે ચેતી જાવ, નહીંતર તમારા બાળકોને પણ એ મારી નાખશે.’બહાર બેઠેલા તમામ લોકો કંઇ બેવકૂફ ન હતા, પણ ભાંગફોડ, ઘાંટાઘાંટ અને પિન્કુના મૃત્યુથી ડઘાઇ ગયેલા હોવાથી એ બધા જ લોકો ક્લિનિક છોડીને ચાલ્યા ગયા.
સાવ સાચી ઘટના. નાના શહેરની મોટી ઘટના. ડૉ.. જોશીએ ખુદ ફોન કરીને મને આ વર્ણન સંભળાવ્યું છે. એ દિવસ પછી એમની પ્રેક્ટિસ લગભગ ભાંગી પડી. માંડ દસ ટકા જેટલા દર્દીઓ એમને વફાદારીપૂર્વક વળગી રહ્યા. બાકીના નેવું ટકા નવા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ત્યાં વળી ગયા.
ડૉ.. જોશીએ નસીબ જોડેનું સમાધાન સ્વીકારી લીધું. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજ’ એ પંક્તિઓ યાદ કરીને એ ખામોશી ઓઢી લેતા.
***
ચાર વર્ષ પછીની વાત. મેઘલી રાત. એના એ જ જયેશભાઇ અને એ જ એમનાં પત્ની પલ્લવીબહેન. બાળક અલગ પણ ઘાત પાછી એની એ. પિનાકના અવસાન બાદ અઢી વર્ષે બીજો દીકરો જન્મ્યો. એ દોઢ વર્ષનો થયો ત્યારે એને પણ તાવ આવ્યો. ત્રણ દિવસ સુધી ફેમિલી ડોક્ટરની દવા લીધા કરી. અચાનક અડધી રાતે એનું શરીર ખેંચાઇ ગયું.
તાબડતોબ પડોશીઓને ભેગા કર્યા. એક પંચાતીયાની ગાડી માગી લીધી. ટીન્કુને લઇને ડૉ.. કમલેશ ત્રિપાઠીના ક્લિનિક પર જઇ પહોંચ્યા. ‘ક્લિનિક’ ખુલ્લું હતું. પણ ડોક્ટર હાજર ન હતા. પટાવાળાએ માહિતી આપી, ‘સાહેબ તો માઉન્ટ આબુ ગયા છે, ત્રણ દિવસની આધ્યાત્મિક સાધના માટે. બીજા કોઇ ડોક્ટર પાસે બાબાને લઇ જાવ!’
જયેશભાઇ ગાળ બબડીને પાછા ગાડીમાં ગોઠવાયા. બીજા ડોક્ટરમાં તો પેલા ‘આવડત વગર’ના ડૉ.. જોશી જ બચ્યા હતા! એમણે પિન્કુને તો ‘મારી નાખ્યો’, હવે ટીન્કુને પણ?! સૌથી મોટો સવાલ એ હતો કે ડૉ.. જોશી પોતે આ કેસ હાથમાં લેવા માટે તૈયાર થશે ખરા?
પલ્લવીબહેને સાડલાનો છેડો ખેંચીને અડધો ચહેરો ઢાંકી દીધો. જયેશભાઇએ માથા ઉપર જાણે વરસાદથી બચવા માટે પહેરી હોય હોય તેમ ‘હેટ’ પહેરી લીધી. પહોંચ્યા જોશી સાહેબને ત્યાં. સાહેબ બીજા કોઇ ઇમરજન્સી કેસ માટે આવેલા જ હતા. એમણે ટીન્કુની હાલત જોઇને પહેલા એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નિદાન સ્વયંસ્પષ્ટ હતું. એમણે સિરિંજ-નીડલ અને બે ઇન્જેકશનો લીધાં. વારાફરતી બંને ઇન્જેકશનો ટીન્કુને મારી દીધા.
આશ્ચર્ય! દસેક મિનિટમાં ટીન્કુને રાહત થવા માંડી. ખેંચ તો તરત જ બંધ થઇ ગઇ હતી. બે દિવસના હોસ્પિટલાઇઝેશન પછી ટીન્કુ દોડીને ઘરે ગયો. જયેશભાઇ શરિંમદા હતા. ડૉ.. જોશીએ એમને સમજાવ્યા, ‘મેં ટીન્કુને એ જ બે ઇન્જેકશનો આપ્યાં, જે પિન્કુને આપ્યા હતા. ફરક બે જુદા જુદા શરીરો દવા પ્રત્યે કેવી પ્રતિક્રિયા દર્શાવે છે તેનો છે. અને તમે બાળકને કેવી હાલતમાં લઇને આવો છો એ વાતનો છે. તમારા ઊલ્લુના પઠ્ઠાઓ જેવા પડોશીઓને એટલું કે’જો કે ડિગ્રી ધરાવતો કોઇ ડોક્ટર ક્યારેય ડફોળ હોતો નથી. ડફોળ તો તમારા જેવા લોકો હોય છે, જે કશું જ સમજ્યા વગર દવાખાનામાં તોડફોડ કરી મૂકે છે.’
જયેશભાઇ ઝૂકી પડ્યા, ‘ડોક્ટર સાહેબ, તમે તો ભગવાન છો.’
ડૉ.. મલક્યા, ‘ના, ભાઇ! હું માત્ર માણસ છું.’‘
(સત્ય ઘટના)

Comments
Post a Comment
Thanx For Comment