ડૉ.શરદ ઠાકર: જોડી તો બીજી મળી જશે, પણ ભાઇ ક્યાંથી મળશે?



 
લવ રાતો-પીળો થઇ ગયો. ‘એ કુશને તો આજે હું માર્યા વગર નહીં છોડું. બદમાશ, જ્યારે હોય ત્યારે મારાં કપડાં ચડાવીને ભાઇબંધો ઉપર રુઆબ છાંટવા નીકળી પડે છે. માત્ર કપડાં જ શા માટે? મારા બૂટ, મારાં નવાં ધોયેલાં મોજાં, મારો પર્ફ્યુમ છાંટેલો સ્વચ્છ હેન્કી બધું જ લુચ્ચો તફડાવી જાય છે, પણ આજે એની ખેર નથી. રાત્રે આવવા દે એને ઘરે, પછી વાત છે...

લવ પોતાનાં શર્ટ-પેન્ટની નવી સિવડાવેલી જોડી શોધતો હતો, ન જડી. ઘરમાં જેટલી ખીંટીઓ હતી એ બધી જોઇ વળ્યો. દરેક ખીંટી ઉપર જેટલાં કપડાં લટકતાં હતાં તે બધાં જ ફંફોસી વળ્યો. કબાટમાં ગડી વાળીને મૂકેલાં વસ્ત્રોની થપ્પીઓ વીંખી નાખી. નાનાભાઇ કુશનાં કપડાં પણ ઊથલાવી નાખ્યા. છેલ્લે તો એણે મમ્મીનાં કપડાં પણ ફેંદી નાખ્યાં. બરાબર આ ટાંકણે જ એની નાની બહેન આવી ચડી. ભાઇની ત્રસ્ત હાલત જોઇને હસી પડી, ‘આ શું કરો છો, મોટાભાઇ? બહાર જવા માટે કયો ચણિયો, બ્લાઉઝ ને સાડી પહેરવા એ નક્કી કરી રહ્યા છો કે શું?’‘ચૂપ, ચિબાવલી! અત્યારે મારી કમાન છટકેલી છે. મારે બહાર એક અગત્યના કામે જવું છે... અને મારાં નવાં પેન્ટ-શર્ટ જડતાં નથી.’

‘તો બીજાં પેન્ટ-શર્ટ પહેરી લો ને! આ કંઇ દિવાળી થોડી છે કે નવાં જ કપડાં પહેરવાં પડે?’‘તું... તું... ચૂપ મરીશ? આજે ભલે દુનિયાને માટે દિવાળી ન હોય, પણ મારે મન તો દિવાળી જ છે.’ લવથી બફાઇ ગયું.‘કેમ, મોટાભાઇ, એવું તે શું છે આજે? કોઇ ખાસ વાત છે?’‘હા... ના... હા...!’ લવને પોતાને જ ભાન ન હતું કે તે શું બોલી રહ્યો છે, પછી એણે વાતને સમેટી લીધી, ‘મારે અત્યારે કોઇકને મળવા જવાનું છે. ખૂબ અગત્યની મીટિંગ છે, એના માટે જ મેં મોંઘાં પેન્ટ-શર્ટ સિવડાવ્યા છે, પણ મારું નસીબ જ ખરાબ છે. ખરે ટાણે જ કપડાં અર્દશ્ય થઇ ગયાં. આજે સવારે જ ઇસ્ત્રી કરીને અહીં મૂક્યાં હતાં.’ લવ બોલ્યે જતો હતો અને સાથે-સાથે કબાટના ઉપરના ખાનાનો ખૂણે-ખૂણો તપાસ્યે જતો હતો.

‘મોટાભાઇ, તમે ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટની તો વાત નથી કરતા ને?’ બહેન લમણા પર જમણા હાથની તર્જની મૂકીને પૂછી રહી. ‘હા, એ જ! એ જ! તે જોયાં છે? ક્યાં છે? લવ ઊછળી પડ્યો.’‘એ તો કુશભાઇ પહેરીને બહાર ગયા છે. તમે આવ્યા તેની દસ જ મિનિટ પહેલાં. એવા હેન્ડસમ લાગતા હતા ને! મેં તો ટોક્યા પણ ખરા ‘કોઇની નજર લાગશે, મોં ઉપર મેશનું ટપકું કરીને જજો!’ એવું કીધું. કુશભાઇ ખુશ થઇ ગયા. મારા ગાલ પર હળવી ટપલી મારીને ચાલ્યા ગયા.’લવ રાતો-પીળો થઇ ગયો. ‘એ કુશને તો આજે હું માર્યા વગર નહીં છોડું. એણે ભલે તને હળવી ટપલી મારી હોય, પણ હું એના ગાલ ઉપર હથોડા જેવો ટપલો મારીશ.

બદમાશ જ્યારે હોય ત્યારે મારાં કપડાં ચડાવીને ભાઇબંધો ઉપર રુઆબ છાંટવા નીકળી પડે છે. માત્ર કપડાં જ શા માટે? મારાં બૂટ, મારાં નવાં ધોયેલાં મોજાં, મારો પર્ફ્યુમ છાંટેલો સ્વચ્છ હેન્કી બધું જ લુચ્ચો તફડાવી જાય છે, પણ આજે એની ખેર નથી. રાત્રે આવવા દે એને ઘરે, પછી વાત છે...’નાની બહેન તો મોટાભાઇનો ગુસ્સો ભાળીને ડરીને નાસી ગઇ. લવ હતાશ થઇને હીંચકા પર બેસી પડ્યો. આજની આ ઘટના કંઇ પહેલી વારની ન હતી. છેલ્લાં અઢાર-અઢાર વર્ષથી એ નાનાભાઇની બદમાશીઓ સહન કરતો આવ્યો હતો, પણ આજે તો હદ થઇ ગઇ.

લવ કંઇ એટલો મોટો ન હતો અને કુશ કંઇ એટલો નાનો ન હતો. બંને જોડિયા ભાઇઓ હતા. બેઉંના જન્મ વચ્ચે અઢાર જ મિનિટનું અંતર, પણ પ્રચલિત માન્યતાથી વિપરીત જોડિયા ભાઇઓ હોવા છતાં બંનેમાં કોઇ વાતની સમાનતા ન હતી. લવ ગોરો પણ શરમાળ અને અંતર્મુખી હતો, જ્યારે કુશ વાને જરા શામળો પણ તરવરિયો અને બહિર્મુખી હતો.

ખુદ મમ્મી અનેક વાર કુશને ઠપકો આપતાં કહી ચૂકી હતી, ‘શીખ! શીખ!’ તારા મોટાભાઇ પાસેથી કંઇક તો શીખ! શાળામાંથી એના માટે એકપણ ફરિયાદ નથી આવતી અને તારી બાબતમાં ફરિયાદ ન આવી હોય એવો એક દિવસ ખાલી જતો નથી. અત્યારે જો આવો છે, તો મોટો થઇને તો તું કેવોયે થઇશ! મોટો થઇને કુશ વધારે ભરાડી થયો. કુશને તમે અસંસ્કારી ન કહી શકો, પણ એનામાં શાંતિ, ધીરજ, વિવેક, ભણવામાં ચીવટ જેવા સદગુણો તો ગેરહાજર જ હતા. એની સરખામણીમાં લવ એટલે તમામ સદગુણોનો સરવાળો.

પરિણામે સહન કરવાનું હંમેશાં લવના ભાગમાં જ આવતું હતું. શાળામાં હતા ત્યારે લવ આખું વરસ અભ્યાસમાં રચ્યો-પચ્યો રહે અને કુશ રખડતો ફરે. પછી પરીક્ષામાં લવની ઉત્તરવહીમાંથી ચોરીઓ કરે. પરિણામે માકર્સ એના જેટલા જ લઇ આવે. ક્યારેક તો કુશના માકર્સ લવ કરતાંયે વધારે હોય, કારણ કે એના અક્ષરો વધુ સુંદર હતા. કોલેજમાં ગયા ત્યાં પણ કુશ નામનું પૂછડું લવની પાછળને પાછળ જ રહ્યા કરે. મમ્મી-પપ્પા બંનેને ચાર-ચાર જોડી કપડાં સીવડાવી આપે, પણ કુશ ખાનગીમાં લવને સળી કરે, ‘ભાઇ, તારે તો ચાર જ જોડી પેન્ટ-શર્ટ છે, મારા માટે તો જો... એંહ... આઠ જોડ કપડાં છે.’‘ખોટ્ટાડા! મને મૂર્ખ શા માટે બનાવે છે? તારા માટે પણ ચાર જ જોડી બનાવડાવ્યાં છે ને?’ લવ ભોળા ભાવે પૂછી બેસતો.

કુશ આંગળી ચિંધીને લુચ્ચુ હાસ્ય વેરતો, ‘આ તારા ચાર જોડ કપડાં છે એ પણ મારાં જ છે ને! થઇ ગયા ને આઠ?’કુશ માત્ર આવું આવું બોલીને જ બેસી નહોતો રહેતો, પોતાની ધમકીને એ અમલમાં પણ મૂકી બતાવતો હતો. લવ કંટાળી ગયો હતો એનાથી, પણ એ લાચાર હતો. જ્યારે પણ એ કુશની સાથે વાક્યુદ્ધમાં ઊતરવાની કોશિશ કરતો, એની મમ્મી એને વારી લેતી, ‘બેટા, એને માફ કરી દે.’ કુશ જેવો છે તેવો, પણ તારો નાનો ભાઇ છે. કાલ સવારે અમે આ દુનિયામાં હોઇએ કે ન હોઇએ, પણ તારે એનું ધ્યાન રાખવાનું છે.

લવ તરત જ મમ્મીની વાત માની લેતો અને કુશને માફ કરી દેતો, પણ આજે તો કુશે હદ વટાવી દીધી હતી. લવનો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો હતો. એની આંખોમાં બંધાતું જતું નાજુક સપનું કુશે પોતાની બદમાશી વડે વેરવિખેર કરી દીધું હતું.આજે જિંદગીમાં પહેલીવાર લવ કોઇ છોકરીને ‘પ્રપોઝ’ કરવા માટે મળવાનો હતો. એની સાથે ભણતી અનાર છેલ્લાં બે વરસથી એને ગમતી હતી. એની સાથે સામાન્ય વાતચીત કરવાનો સંબંધ પણ હતો.

આજે લવે નક્કી કરી લીધું હતું કે કોલેજના નાટકના ‘રિહર્સલ’ વખતે પોતે લાગ જોઇને અનારને એકાંતમાં મળશે અને કહેશે કે- ‘અનાર, તું મને ગમે છે.’ આ પ્રસંગ માટે ખાસ એણે કીમતી વસ્ત્રો સિવડાવ્યાં હતાં, છેલ્લા પંદર દિવસથી એ ડાયલોગ ડિલિવરીની નવી-નવી રીતો વિચારી રહ્યો હતો અને આજે જ્યારે આ મહાપ્રસંગનું મુહૂર્ત આવીને ઊભું હતું ત્યારે કુશની અવળચંડાઇએ આખો ખેલ બગાડી નાખ્યો હતો.

એને ખાસ ચીડ એ વાત ઉપર ચડી હતી કે પોતાનાં નવાં કપડાં પહેરીને કુશ બીજે ક્યાંય નહીં ગયો હોય, પણ નાટકનું રિહર્સલ જોવા જ ગયો હશે. ત્યાં અનાર કુશે પહેરેલાં પેન્ટ-શર્ટ જોઇ લેશે, એટલે આવતી કાલે જ્યારે લવ એ જ કપડાં પહેરીને અનારની સામે આવશે ત્યારે પેલી તો એવું જ માનશે કે આણે નાનાં ભાઇનાં કપડાં પહેર્યાં છે! શીટ! આવવા દે એ કુશિયાને મારા હાથમાં! આજે તો એની ધોલાઇ કર્યા વિના છોડું જ નહીં ને!રાત પડી. કુશ આવ્યો. નવાં કપડાંમાં સિનેમાના હીરો જેવો શોભી રહ્યો હતો. ઘરમાં દાખલ થતાં જ લવે એને પડકાર્યો, ‘ક્યાં ગયો હતો?’

નાટકના રિહર્સલમાં... ‘કુશ જવાબ પૂરો કરે તે પહેલાં જ લવે એક જોરદાર તમાચો એના ગાલ ઉપર જડી દીધો. કુશ હેબતાઇ ગયો, ‘મ...મ... મોટાભાઇ! પૂરી વાત તો સાંભળો! હું તમારાં નવાં કપડાં એટલા માટે પહેરીને ગયો હતો... કારણ કે મારે અ...અ...અનારને આજે ‘પ્રપોઝ’ કરવાનું હતું. ભાઇ, અનાર મને ખૂબ ગમે છે. જો એ ન મળે તો હું જીવી નહીં શકું. આજે મેં મારું દિલ એની આગળ ખોલી નાખ્યું. એ પણ મને આ કપડાંમાં જોઇને બોલી ગઇ- ‘તું ખરેખર આજે હેન્ડસમ લાગે છે.’ મોટાભાઇ, શું કહું તમને? મારો તો એની સાથે મામલો ફિટ થઇ ગયો...’લવનો હાથ ફરી વાર હવામાં ઊંચો થયો.

એ કુશના ગાલ પર તમાચાનો વરસાદ કરવા જતો હતો, પણ ત્યાં જ એની મમ્મી ધસી આવી. બંને ભાઇઓને ઝઘડતાં જોઇને એણે લવનો હાથ ઝાલી લીધો, ‘બસ, બેટા! ગુસ્સો થૂંકી નાખ! ગમે તેવો છે તોયે આ તારો નાનો ભાઇ છે. આખરે વાત તો એક જોડ કપડાંની જ છે ને? તું બીજી કરાવી લેજે. ભાઇ ખાતર આટલું બલિદાન આપી દે, બેટા!’લવે તરત હાથ પાછો ખેંચી લીધો, ‘ભલે, મમ્મી! જોડી તો બીજી મળી જશે, પણ ભાઇ ક્યાંથી મળશે? બલિદાન આપી દઉં છું, બસ!’ પછી કોઇ ન સાંભળી શકે તેમ બબડી ગયો: ‘નાનું હોય કે મોટું, બલિદાન આપી દઉં છું.’

(શીર્ષક પંક્તિ: મુકુલ ચોકસી) 

Comments