ડો. શરદ ઠાકર: તું જરા જો લૂછ મારી લાગણીનાં અશ્રુઓ



 
‘શું થયું? ઊંઘ નથી આવતી?’ કાવેરીએ પથારીમાં તરફડતાં પતિને પૂછ્યું. આમ તો આ સમય ઊંઘવા માટેનો હતો જ નહીં, ઊંઘવાનું તો રાતે હોય. આ તો દિવસનું ટાણું હતું, પણ નવરાત્રિના એ નવ દિવસ દરમિયાન આવું જ ચાલવાનું હતું. કબીરે બંને હાથ વડે બેય લમણાં દબાવીને ત્રસ્ત ચહેરા સાથે જવાબ આપ્યો, ‘ઊંઘ તો ખૂબ જ આવે છે. ચચ્ચાર રાતના ઉજાગરા છે, પણ આ માથાનો દુખાવો જંપવા દેતો નથી. ઓહ! ખોપરી જાણે હમણાં જ ફાટી જશે એવું લાગે છે!’કબીરની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની.

કાવેરીની વય પચીસની. આજથી પાંચેક વર્ષ પહેલાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. કાવેરી ખાધેપીધે સુખી ઘરની દીકરી હતી. કબીર સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો યુવાન. એનાં માબાપ ગામડામાં રહે. કબીર કોલેજમાં ભણે, પેઇંગ ગેસ્ટ બનીને રહે અને મ્યુઝિકલ બેન્ડમાં સાઇડ રિધમ વગાડીને પોતાનો ખર્ચ કાઢી લે. તક મળે તો બે-ચાર ફિલ્મી ગીતો ગાઇ પણ નાખે. એની ગાયકી અને સાઇડ રિધમ બજાવવાની અદા ઉપર કાવેરી કુરબાન થઇ ગઇ.

એક દિવસ કોલેજમાંથી છુટ્યા પછી સીધી જઇને કબીરની સાથોસાથ ચાલવા માંડી. સાથે ભણતાં હતાં માટે વાતચીતનો સંબંધ તો હતો જ. કબીરે પૂછી લીધું, ‘કાવેરી નદી, હવે તમારો પ્રવાહ જમણી દિશામાં વાળી લો! તમારું ઘર એ તરફ છે. મારે આ તરફ જવાનું છે.’‘જાણું છું, પણ આજે મોમ-ડેડીની સાથે ચોખવટ કરીને આવી છું. પરણીશ તો કબીર જોડે. એ લોકોએ વિરોધ કર્યો છે. બસ, આ નદીને માટે પર્વત તરફ જતી દિશા હવે બંધ થઇ ચૂકી છે, હવે તો ડાબા હાથ પર આવેલો દરિયો એ જ મારી મંજિલ અને એ જ મારી દિશા.’

‘પણ આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં તારે મને પૂછવું તો હતું!’‘પહેલાં ન પૂછ્યું તો શું થઇ ગયું? હવે પૂછું છું. જુના જમાનામાં સ્ત્રી પાણીની હેલ ભરીને માથા પર મૂકીને પોતાના ઇચ્છિત પુરુષના ઘરના બારણે જઇને ઊભી રહી જતી હતી. પૂછવા માટે રોકાતી ન હતી, માત્ર ટહેલ નાખતી હતી : ‘મારી હેલ ઉતારો, રાજ!’ જો પેલો પુરુષ ‘મર્દ’ હોય તો એ પુરુષ મટીને મોર બની જતો અને હેલની સાથે ઢેલને પણ ઘરમાં લઇ લેતો હતો, પણ જો એ કાયર હોય તો એવા કાગડાના ઘરમાં જીવતરને ચિંથરું કરી દેવાને બદલે સ્ત્રી સીધી કૂવામાં પડીને મોતને વહાલું કરતી હતી.’

‘હું કાયર નથી, કાવેરી! હું મર્દ છું, પણ મજબૂર છું. તારા માથા પરની હેલ ઉતારવાને તો આખી કોલેજના યુવાનો વલખે છે, પણ તારાં જેવી પત્નીને પાળવા-પોષવા માટે જે હોવી જોઇએ તે હેસિયત મારામાં નથી.’‘હું તારી પાસેથી હિંમતની અપેક્ષા રાખું છું, હેસિયતની નહીં. આપણે શપથ લઇશું કે સુખમાં-દુ:ખમાં જીવીશુંયે સાથે અને મરીશું પણ સાથે.’ કબીર સમજી ગયો કે કાવેરી એના પિયરનો માર્ગ બંધ કરી દઇને એની પાસે આવી હતી. બીજો કોઇ રસ્તો બચ્યો ન હતો. એણે કાવેરી માટે જિંદગીનાં કમાડ ખોલી નાખ્યાં. એ વર્ષ કોલેજનું અંતિમ વર્ષ હતું. એ પછી બંનેએ નોકરીઓ સ્વીકારી લીધી. આછી-પાતળી આવક હતી અને મબલખ મોટી ચાહત હતી. વધારાની કમાણી માટે કબીરનું ગાવા-બજાવવાનું ચાલું હતું.

આજે પાંચ વર્ષ થઇ ગયાં એમનાં લગ્નને. પહેલા જ વર્ષના અંતે એક દીકરો જન્મ્યો. મોગરા જેવો શ્વેત અને પારિજાત જેવો પવિત્ર. જન્મ વખતે જરાક તકલીફ ઊભી થઇ, પણ બધું છેવટે થાળે પડી ગયું. જન્મ્યા પછીના ત્રીજા દિવસે દીકરાને ‘ફિઝિયોલોજિકલ જોન્ડિસ’ થઇ ગયો. આમ તો આ એક સ્વાભાવિક ઘટના ગણાય, પણ આ કેસમાં કમળો જરા હદ વટાવી ગયો. બાળકને ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવું પડ્યું, લોહી બદલવું પડ્યું. ખર્ચો વધી ગયો. પણ દીકરો બચી ગયો. ભલે કરજ થઇ ગયું.

દેવું ભરવા માટે કબીરે મહેનત વધારી દીધી. મ્યુઝિકના કાર્યક્રમો ક્ષમતા બહારના સ્વીકારવા માંડ્યા. એમાં એની ખાસ નજર નવરાત્રિના તહેવાર પર ઠરી જતી હતી. નવેનવ રાત્રિઓ દરમિયાન એ રાતભર જાગતો, બેન્ડ વગાડતો, ગાતો અને ખેલૈયાઓને નચાવતો રહેતો, બદલામાં તગડી રકમ રળી લેતો હતો. પછી દિવસભર એ ઊંઘતો રહેતો હતો. દીકરો ચાર વર્ષનો થવા આવ્યો ત્યાં સુધીમાં કબીરે સારી એવી આર્થિક પ્રગતિ કરી લીધી.

ક્યારેક કાવેરી એનું ધ્યાન દોરતી, ‘આપણા વિશ્રામના સ્કૂલ ટીચર ફરિયાદ કરતાં હતાં કે ‘એ કોઇનું કહ્યું માનતો નથી, એનામાં જરા શિસ્ત અને આજ્ઞાપાલનના ગુણો વિકસાવો. મને પણ લાગ્યા કરે છે કે આપણે જ્યારે એની સાથે વાત કરતાં હોઇએ છીએ ત્યારે વિશ્રામ ટગર ટગર જોયા કરે છે.’‘એવું તને ક્યારથી લાગે છે?’‘છ-આઠ મહિનાથી. એ પહેલાં તો એ નાનો હતો, એટલે મેં બાળક સમજીને, વાતને હળવાશમાં ગણી લીધી હતી.’બીજા જ દિવસે કબીર-કાવેરી એમના લાડલાને લઇને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસ્યા પછી જે નિદાન કર્યું એ કોઇ બોમ્બવિસ્ફોટ કરતાં કમ ન હતું. ડોક્ટરે કહ્યું, ‘તમારો દીકરો બહેરો છે.’

પ્રારંભિક આઘાતની કળ વળ્યા પછી કાવેરીએ પૂછ્યું, ‘પણ એ વાતની અમને આજ લગી ખબર કેમ ન પડી?’ડોક્ટર પણ સર્વજ્ઞ તો ન હોય ને. એમણે તર્ક કર્યો ‘શક્ય છે તમારું ધ્યાન ન ગયું હોય! શક્ય છે કે એના જન્મ પછી તરત જ કમળો લાગુ પડ્યો હતો એમાં બિલિરુબીનનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું હોય, એની અસર બાળકના મગજના કોષો ઉપર પડી હોય.

ભલે થોડાક જ કોષો એની લપેટમાં આવી ગયા હોય, પણ એ જ ભાગમાં ધ્વનિને સાંભળવાનું કેન્દ્ર આવેલું હોય. શક્ય છે અવાજ વહન કરવા માટેની ચેતા (ઓડિટરી ખર્ચ) ઉપર માઠી અસર પડી હોય! આ બધું અડાબીડ જંગલ છે, શક્યતાઓનું જંગલ! આપણે કારણોની કચકચમાં નથી પડવું, પરિણામ તપાસીએ તો એક જ વાત સામે આવે છે : વિશ્રામ બહેરાશનો ભોગ બની ચૂક્યો છે.’

બીજા એક નિષ્ણાત ડોક્ટરે એવું પણ કહ્યું કે વિશ્રામ બોલી શકે છે, માટે એ જન્મથી બહેરો નહીં જ હોય. પછીથી આ તકલીફ ઊભી થઇ હશે. જે હોય તે, પણ પારિજાતના પુષ્પ માટે પ્રગતિની તકો હવે ધૂંધળી બની જતી હતી. કાવેરીએ ફળફળતો નિસાસો મૂક્યો, ‘હે ભગવાન! મને તો હતું કે હવે એક રૂમ-રસોડાનો ફ્લેટ લઇશું. આ તો પાછાં દવાખાનાનાં ચક્કરો, દવાના કાગળો અને પૈસાનું પાણી! ક્યાંથી લાવીશું નાણાં?’‘તું રડીશ નહીં, હું બેઠો છું ને. આ વખતની નવરાત્રિમાં વધુ મહેનત કરીશ. તું દીકરાને લઇને ડોક્ટરો પાસે જવાનું ચાલુ રાખ!’ કબીરે હતાશ થયા વગર કહી દીધું.

ચોથી નવરાત્રિએ એના માથાના દુખાવાએ માઝા મૂકી દીધી. આખો દિવસ કબીર ઊંઘી ન શક્યો. એને કોણ સમજાવે કે આ દુખાવો થાકનો કે ઉજાગરાનો નહીં, પણ લોહીના ઊંચા દબાણના કારણે હતો.પાંચમી રાતે એ ડ્રમ ઉપર દાંડી ઠોકતો હતો, ત્યાં જ ઢળી પડ્યો. મગજની લોહીની નસ ફાટી ગઇ. કબીર બેભાન થઇ ગયો. કાર્ડિયોલોજિસ્ટના આઇસીયુના અને મેડિસિન્સના પહાડ જેવાં બિલો ભર્યા પછી કબીર બચી તો ગયો, પણ એના અડધા દેહમાં પેરેલિસિસ થઇ ગયો. છેલ્લા છ માસથી એ પથારીમાં છે. દિવસની નોકરી અને રાતની સુરીલી કમાણી હવે બેસૂરી બની ગઇ છે. કાવેરી સંજોગોના ઝંઝાવાત સામે એકલી ઝઝૂમી રહી છે. અત્યારે એણે બે બાળકોને સાચવવાનાં છે, સાજાં કરવાનાં છે.

છેલ્લામાં છેલ્લા બ્રેકિંગ ન્યૂઝ : શહેરના નિષ્ણાત તબીબે કહી દીધું છે કે વિશ્રામને હિયરિંગ મશીનની જરૂર છે. સાંભળવા માટેનું યંત્ર મોંઘું આવે છે. સસ્તામાં સસ્તું પંદરેક હજાર રૂપિયાનું, સારું ખરીદવા જાવ તો ચાલીસ-પચાસ હજારનું! ઘરમાં પડેલો કબીર આંખના ઇશારાથી પત્નીને પૂછે છે, ‘આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવીશ?’કાવેરીની આંખોમાં આંસુ ઊભરાય છે. એ આંસુના રેલામાંથી રચાતો એક સવાલ મને વંચાય છે. એક ખામોશ પિતા અને રડતી માતા પૂછે છે : ‘અમારો વિશ્રામ તો બધીર છે, પરંતુ શું તમે બધાં પણ સંવેદના-બધીર છો?

આપણે શું કરી શકીએ? ચાલો, પોતપોતાની ચામડીમાં ટાંકણી ભોંકી જોઇએ, ખબર તો પડે કે દેહની સપાટી પર મઢાયેલી છે તે સ્કિન છે કે સનમાઇકા?

(શીર્ષકપંક્તિ : ‘બેફામ’)

Comments