રાઘવજી માધડ: મનમંદિરમાં સ્નેહની ઝાલર વાગતી રહેશે...

લક્ષ્મી! તું આ રાજકારણમાં ક્યાંથી આવી!??’ મારા અણગમાને પામી તે થોડીવાર અબોલ રહી પછી હોઠ ભીંસીને ઘસાતા અવાજે બોલી: ‘જીવવાને કોઇ કારણ નહોતું તે પછી રાજકારણમાં આવી!’

કોલેજ કન્યા કે અલ્લડ યુવતી જેવી લક્ષ્મી બિન્ધાસ્તપણે બગીચામાં ઊભી છે. જિન્સ-ટીશર્ટ પહેર્યાં છે. હાથમાં મોબાઇલ છે અને ખભામાં પર્સ ઝુલાવતી પ્રતીક્ષા કરી રહી છે. મેં તેની ઉરાઉર-જઇને, નવાઇથી કહ્યું: ‘લક્ષ્મી! તારા તો રૂપ-રંગ બદલાઇ ગયાં છે!’ મોંઘેરી મિરાત જેવું મરકલું કરી લક્ષ્મીએ કહ્યું: ‘જેવો દેશ તેવો વેશ. બાકી ગામડે તો ડ્રેસ કે સાડી જ પહેરું છું!’સાવ સામાન્ય ગ્રામીણ પરિવારની લક્ષ્મી ગ્રેજ્યુએટ છે અને ગામની સરપંચ છે. આશ્રમ શાળામાં અભ્યાસ કર્યો છે, છાત્રાલયમાં રહી છે તેથી ભણતરના સાથે તેનું જીવન ઘડતર થયું છે, તે વાણી, વર્તન, વ્યવહારની સાથે પહેરવેશની પણ એટલી જ કાળજી રાખે છે.

‘આમ ટીકી ટીકીને શું જોઇ રહ્યા છો...’ તે સ્ત્રી સહજ છણકો કરીને બોલી: ‘મને ભાળી જ ન હોય તેમ...’ લક્ષ્મીનો આ મીઠો ટહુકો અને લટકો અમારા મસૃણ સંબંધની સાબિત માટે પૂરતો હતો. સામાન્ય વાત કરીને અમે બંને લોન પર લાંબા પગ કરીને બેઠાં.

મેં સીધો જ સવાલ કર્યો: ‘લક્ષ્મી! તું આ રાજકારણમાં ક્યાંથી આવી!??’ મારા અણગમાને પામી તે થોડીવાર અબોલ રહી પછી હોઠ ભીંસીને ઘસાતા અવાજે બોલી: ‘જીવવાને કોઇ કારણ નહોતું તે પછી રાજકારણમાં આવી!’યુવાવર્ગ રાજકારણમાં આવે તેમાં કશું ખોટું નથી. કાદવમાં પણ કમળ ખીલે છે તે હકીકત નકારી શકાય તેમ નથી. પણ અહીં લક્ષ્મીની વાત જરા જુદી છે, તેની કરમકથની સાંભળવા જેવી છે...

લક્ષ્મીના સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું. તેમાં ઘણા છોકરાઓ તો સાવ ઢગલાના ઢ જેવા છતાંય બાંધછોડ કરીને લગ્ન કર્યા. પણ પરણ્યાના બીજા જ દિવસે ન કહેવાય કે ન સહેવાય એવી સમસ્યા સર્જાણી-ઘરમાં સેનિટેશનની કોઇ સગવડતા જ નહીં. એક નવોઢા લજજા સાથે ભારોભાર શરમ-સંકોચ અનુભવતી હોય... તેને દેહધાર્મિક ક્રિયા માટે અવાવરુ અને સાવ ખૂલ્લી જગ્યામાં બેસવાનું! સ્ત્રીની આ વ્યથા કે વિષમ સ્થિતિને સમજવા જાત અનુભવ પણ ઓછો પડે. 

લક્ષ્મીએ સવાલ કર્યો તો ઘર છોડવું પડ્યું. પિયરમાં પાછી આવી તો જાણે મસાણેથી મડદું પાછું આવ્યું!? માતમ છવાઇ ગયો. હવે જવું ક્યાં? પણ મરવું જ હોય તો જીવવાનો અખતરો શું કરવા ન કરવો? જીવન છે એટલે સવાલો છે. ભલે બધા જ સવાલોના જવાબ ન જડે પણ ક્યાંક સમાધાન તો ચોક્કસ મળે. બાકી હારી-ભાગી જવું, આપઘાત કરવા પ્રેરાવું તે નરી કાયરતા છે.

‘લક્ષ્મી!’ મેં અધીરાઇથી કહ્યું: ‘આપણે મૂળ વાત પર આવીએ તો...’‘આપ મારો હાથ ગ્રહી જીવનભર સાથ આપવા માગો છો, પત્ની બનાવવા ઇચ્છો છો... આ વાત કહેવાના છોને!?’ આમ કહી લક્ષ્મી ન સમજાય તેવું હસવા લાગી.પિયરમાં પાછી આવ્યા પછી લક્ષ્મીની સ્થિતિ સાગરમાં ભટકતી નાવિકવહિોણી નાવ જેવી હતી. શું કરવું તે સૂઝતું નહોતું. તેમાં સરપંચની ચૂંટણી અને એ પણ સ્ત્રી અનામત. એક સાવ ઘરેલુ સ્ત્રીને બિનહરીફ ચૂંટાવાની રમત ચાલી. 

સ્ત્રીનું માત્ર નામ જ હોય વહીવટ બીજા કરે... લક્ષ્મીને થયું કે અવાજ ઉઠાવવાનું કામ કોઇકે તો કરવું પડશે, હું નહીં કરું તો કોણ કરશે! લક્ષ્મીએ સરપંચની ઉમેદવારી નોંધાવીને જાણે રૂિઢઓ, જડતા, માન્યતા અને પરંપરાના એરિયામાં આગ લાગી! પણ લક્ષ્મી તમામ પડકારોને પહોંચી વળી. અનેક પ્રકારના સંઘર્ષમાં ઊતરવું પડ્યું, જીવસટોસટની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પણ પગલે પગલે પડકાર ઝીલીને સારું પરિણામ મેળવી શકી. ગામ વિકાસનાં કાર્યો કરી, સૌનાં દિલ જીતી લીધાં. ટૂંકમાં સ્ત્રીના સામથ્ર્યનો સ્વીકાર થયો.

‘તારી આ પ્રગતિ માટે અભિનંદન! પણ મારું એમ કહેવું છે. યુવાની ચાલી જશે, જીવન વેડફાઇ જશે. હજુ મોડું નથી થયું.’ લક્ષ્મીએ કહ્યું: ‘જીવન સફળ થશે કે વેડફાઇ જશે, વહેલું થયું કે મોડું... એ તો અનુભવે ખબર પડે.’ વાક્યુદ્ધમાં ઊતરવું ન હોય તેમ ક્ષણભર અબોલ રહીને બોલી: ‘સઘળું છોડીને અહીં આવું, સમર્પિત થાવ એવું ઇચ્છો છોને!’ મારા પ્રત્યુતરની અપેક્ષા વગર જ આગળ કહ્યું: ‘પણ હવે શક્ય નથી. 

કારણ કે આખું ગામ મને ચાહે છે, હું ગામને ચાહું છું... એ મોટો પરિવાર છોડી, એકલામાં ક્યાં અટવાઉં!’ મેં મારા ભાથામાં હતું તે છેલ્લું તીર છોડતાં કહ્યું: ‘સૌના તે કોઇના નહીં લક્ષ્મી! સઘળું વાતોમાં સારું લાગે, વાસ્તવિકતામાં નહીં.’‘એ પણ અનુભવવું પડે ને...’ હસીને કહ્યું: ‘હજુ તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઝંપલાવવાનું છે. હા, મારા મનમંદિરમાં તમારા આ સ્નેહની ઝાલર વાગતી રહેશે. સઘળું છોડીને ચાલ્યા આવો. તમારા માટે દ્વાર ખુલ્લા છે.’ સૂરજ આથમી ગયો હતો પણ રોશનીનો ઉજાસ ઊઘડવા લાગ્યો હતો.

Comments