બોલતો પોપટ



મારી કલ્પના
કંકાવટી નામે એક નગરી હતી. તેમાં ભીમદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા ખૂબ પરાક્રમી અને બળવાન હતો. તેના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી. પ્રજા રાજાને ખૂબ માન આપતી હતી.
એક વાર રાજાજી શિકાર કરવા માટે જંગલમાં ગયા અને શિકારની શોધમાં તે ખૂબ દૂર નીકળી ગયા. અને ત્યાં પક્ષીઓનો કલરવ સાંભળીને આમતેમ જોવા લાગ્યા. એવામાં તેમની નજર એક બોલતા પોપટ પર પડી. રાજાને જોઈને પોપટ બોલ્યો કે, “આવો આવો, પધારો...”
આવો બોલતો પોપટ જોઈને રાજાને ખૂબ જ કૌતુક થયું. તેમને વિચાર આવ્યો કે જો આવો પોપટ મારા મહેલમાં હોય તો કેવું સરસ લાગે! બસ પછી તો રાજાજીએ પોતાને ગમી ગયેલા બોલતા પોપટને કેદ કરવાનું વિચારી લીધું. તેમણે સૈનિકોને બોલાવીને આદેશ આપ્યો કે, “આ બોલતા પોપટને પાંજરામાં પૂરી ગમે તેમ કરી મારા મહેલમાં લઈ આવો.” સૈનિકોએ પોપટને હેરાન કરીને, જાળમાં નાખીને કેદ કરી લીધો અને તેને પકડીને રાજમહેલમાં લઈ ગયા.
પોપટે પોતાને છોડી મૂકવા ખૂબ વિનવણી કરી, પરંતુ કોઈએ તેની વિનવણી કાને ન ધરી.   રાજા પોપટને મનાવવા માટે સારું સારું ખાવાનું આપતો, પણ પોપટને તો જંગલનાં ઝાડનાં મીઠાં ફળ જ યાદ આવતાં હતાં. ધીરે ધીરે રાજાનો પ્રેમભાવ જોઈ પોપટ ખુશ રહેવા લાગ્યો. એ રાજાની સાથે વાતો કરવા લાગ્યો અને મહેલમાં આરામથી રહેવા લાગ્યો.
એક દિવસની વાત છે. પડોશી દેશના રાજાએ કંકાવટી નગરી પર ચઢાઈ કરીને રાજા ભીમદેવને બંદી બનાવી લીધો. ભીમદેવના પ્રધાનને પણ આ વાતની જાણ ન હતી. કોઈ કારણસર રાજાએ તેને બીજા રાજ્યમાં મોકલ્યો હતો. જ્યારે પ્રધાન પાછો આવ્યો ત્યારે પોપટે પ્રધાનને બધી વાત કરી અને કહ્યું, “પ્રધાનજી આપણા રાજાને પડોશી રાજાએ બંદી બનાવી લીધા છે. ગમેતેમ કરીને આપણા રાજાજીને મુક્ત કરાવો.”
પ્રધાન એકલા યુદ્ધ કરી શકે તેમ નહોતા, તેથી પોપટ વિચારવા લાગ્યો કે મારા રાજાને છોડાવવા માટે હું તેમની શી મદદ કરી શકું?પોપટને રાજાના મિત્રો યાદ આવ્યા. તે ઊડતો ઊડતો ભીમદેવના મિત્રરાજાઓ પાસે ગયો તેણે તેમને ભીમદેવની મદદ કરવાની વાત કરી. રાજાના મિત્રો પોતપોતાનું સૈન્ય લઈને ભીમદેવની મદદ કરવા માટે આવી પહોંચ્યા. પ્રધાને આ બધા રાજાઓ અને તેમના સૈન્યને લઈને ભીમદેવને છોડાવવા માટે પડોશી રાજ્યના રાજા પર ચઢાઈ કરી. ભીમદેવના મિત્રરાજાઓનું સૈન્ય મોટું અને બળવાન હતું તેથી તે યુદ્ધમાં જીતી ગયા અને ભીમદેવને મુક્ત કરાવ્યા. રાજા ભીમદેવે પોતાના મિત્રો અને પોપટનો આભાર માન્યો.
આ રીતે પોપટની ચતુરાઈથી પ્રધાને પોતાના રાજાને મુક્ત કરાવ્યા. રાજા પોપટની મદદથી મુક્ત થઈ ગયા. પોપટે રાજાને મુસીબતમાંથી બચાવ્યા તેથી રાજા પોપટ પર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે પોતાને મદદ કરનાર પોપટને પાંજરામાંથી મુક્ત કરી દીધો
બોધ : - મુક્ત ગગનમાં વિહરનારાં પંખીઓને કેદ કરવાં જોઈએ નહીં. એમના ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ.

Comments