બૂરાની સોબત બૂરી



એક ખેતર વચ્ચે લીમડાનું ઝાડ હતું. ઝાડના થડમાં એક દર, એમાં સાપ રહે. ઝાડ પર એક માળો. તેમાં કબૂતર-કબૂતરી રહે. સાપ અને કબૂતરો વચ્ચે ભાઈબંધી. એક વાર કબૂતરે ક્યાંકથી મરી ગયેલી ચકલી લાવી સાપને આપેલી ત્યારથી દોસ્તી થઈ ગયેલી. બંને રોજ મળે ને સુખદુઃખની વાતો કરે. દિવસના સમયે કબૂતરો ગામ ભણી ચણ ચણવા ઊપડી જાય તે સાંજના સમયે પાછા ફરે.
હવે કબૂતરી થોડા દિવસમાં ઈંડાં મૂકવાની હતી. એટલે માળો સરસ તૈયાર કરી દીધો હતો.
એક સાંજે કબૂતરો ઘેર પાછા ફર્યાં ત્યારે પોતાના માળા પર કાગડો- કાગડીને બેઠેલાં જોયાં. પોતાના ઘરે મહેમાન આવેલા જોઈ કબૂતરી કહે, 'આવો કાગડાભાઈ! આવો કાગડીબહેન. આજે અમારે ઘેર ભૂલા પડયાં કે શું?'
તરત જ કાગડો કહે, 'એ શું બોલ્યાં? ભૂલા અમે નથી પડયાં. ભૂલા તો તમે પડયાં લાગો છો.'
આ સાંભળી કબૂતરનું જોડું નવાઈ પામ્યું. છતાં કબૂતર ઠંડક રાખી કહે, 'કાગડાભાઈ, આ માળો અમે બાંધ્યો છે, તેથી અમારું ઘર કહેવાય. તમે અમારા મહેમાન કહેવાઓ.'
પણ કાગડો ખંધો હતો. તે બોલ્યો, 'આ તો અમારો માળો છે. જાવ..જાવ.. ગળે પડવા ક્યાંથી આવ્યાં?'
કબૂતરાં કાગડા-કાગડીની બૂરી દાનત સમજી ગયાં. કાગડાઓએ અંચઈ કરી પોતાનો માળો પચાવી પાડયો હતો. બિચારાં કબૂતરાં લડવાની તાકાત ક્યાંથી લાવે? એમણે બીજી ડાળી પર રાત ગાળી. સરખી ઊંઘ પણ ન આવી. ક્યાંથી આવે? થોડા દિવસોમાં કબૂતરી ક્યાં ઈંડાં મૂકશે એની ચિંતા હતી.
સૂરજ ઊગ્યો. કાગડાઓએ કા...કા... કરી સવાર બગાડી. ઉપલી ડાળીએ રહી કબૂતરાંએ જોયું. માળામાં ઈંડાં મૂક્યાં હતાં. કબૂતરો કાગડા-કાગડીએ શા માટે આમ કર્યું તેનું કારણ સમજી ગયાં. કાગડાએ માળો કરવાની ઝંઝટમાં પડયા વિના જ પોતાનું ઘર કરી લીધું હતું.
કબૂતરોને પોતાનો ભાઈબંધ સાપ સાંભર્યો. તેમને થયું કે સાપને આપણું દુઃખ કહીએ. કદાચ એ કોઈ રસ્તો કાઢશે.
આમ વિચાર કરી કબૂતરો નીચે ઘાસમાં ગયાં. સાપના દર પાસે બેઠાં. ઘૂ..ઘૂ.. અવાજ કરી સાપને બહાર બોલાવ્યો. સાપ આવ્યો. કહે, 'આમ વહેલી સવારમાં મને શીદ સંભાર્યો?'
કબૂતરી કહે, 'દુઃખમાં મિત્રને જ યાદ કરવો પડેને!' ને પછી એમણે બધી વાત કહી. આ સાંભળી સાપ પણ થોડી વાર વિચારમાં પડી ગયો ને પછી બોલ્યો,
'કબૂતરભાઈ, મને એક ઉપાય સૂઝે છે.'
'કહોને સાપભાઈ!' કબૂતર બોલ્યું.
'હું એ ઝાડ પર જઈશ. એટલે તેઓ માળો છોડી ઊડી જશે. પછી તમે નિરાંતે માળામાં રહેજો.'
કબૂતરોને આવી નઠારી વાત ન ગમી. પણ એ સિવાય અન્ય રસ્તો સૂઝતો ન હતો. છેવટે તેઓ કબૂલ થયાં.
બપોરે કબૂતરો ઊંચી ડાળે બેઠાં હતાં. નીચેની ડાળે માળામાં કાગડો-કાગડી બેઠાં હતાં. એટલામાં સાપ આવતો દેખાયો. એને જોતાં કાગડો-કાગડીએ કા...કા... કરી કકળાટ કરી મૂક્યો. બંનેએ સાપને ચાંચો મારવા માંડી. તોય સાપ માળા સુધી આવી ગયો ને ઈંડાં ખાઈ નીચે જતો રહ્યો.
કબૂતરો મૌન બની આ જોઈ રહ્યાં. કાગડો-કાગડી હવે પસ્તાવા લાગ્યાં. માળો છોડી બીજે જવા તૈયાર થયાં. જતાં જતાં કબૂતરોને પણ કહેતાં ગયાં, 'અહીં રહેવામાં મજા નથી. સાપ એનો બૂરો સ્વભાવ છોડશે નહીં.'
ને કાગડો-કાગડી ઊડી ગયાં. કબૂતરો ફરી પોતાના માળામાં આવી ગયાં.
થોડા દિવસો પછી કબૂતરીએ ચાર સુંદર ઈંડાં મૂક્યાં. આ ખુશીના સમાચાર સાપને પણ આપ્યા.
એક દિવસ સાપની દાનત બગડી. કબૂતરો ઉપર બેઠાં હતાં ત્યાં સાપ ઉપર આવતો દેખાયો. કબૂતરે પૂછયું, 'સાપભાઈ, આજે આમ ઉપર કેમ?'
'મને ભૂખ લાગી છે. ઈંડાં ખાવાં છે.' સાપે કહ્યું.
સાપને મોંઢે આ વાત સાંભળી કબૂતરો ડઘાઈ જ ગયાં. ઈંડાં તો પોતાનાં બચ્ચાં કહેવાય. મા-બાપ પોતાને હાથે પોતાનાં બાળકોનો ભોગ કઈ રીતે આપે? કબૂતરોએ ઘણી આજીજી કરી તોય સાપ ન માન્યો. એટલે કબૂતર કહે, 'ભલે, જેવી તમારી મરજી. લ્યો ખાવ.'આમ કહી કબૂતરો ઊડીને બીજી ડાળે જતાં રહ્યાં.
સાપ માળા સુધી પહોંચ્યો. તેની જીભ ઈંડાં ખાવા લપકારા મારતી હતી. તેણે માળામાં મોં નાખ્યું. પણ આ શું? એમાં ઈંડાં ન હતાં. સાપ નવાઈ પામી કબૂતરો સામે જોવા લાગ્યો. કબૂતરો હસ્યાં.
કબૂતર કહે, 'સાપ ભૈ, અમને ખબર હતી કે તમે અમારાં ઈંડાં ખાવા આવશો. કાગડા-કાગડીએ આ વાત અમને કરી હતી. તે રાતે અમે એમના પર વિચાર કર્યો. એ પછી અમે દૂર બીજા ઝાડ પર માળો બનાવ્યો ને ત્યાં જ અમે ઈંડાં મૂક્યાં છે. અહીં તો અમે તમારી કસોટી કરવા જ આવ્યાં હતાં. આજથી અમારી ને તમારી કિટ્ટા...!' આમ કહી બંને જણ ફરરર કરતાં ઊડી ગયાં.

Comments