રાઘવજી માધડ: યુવતીની આંખો અને સ્ટાઇલ જોઇ તે સમજી ગયો...

પોતાની કવોલીસ ગાડીમાં યુવતીને બેઠેલી જોઇ રણવીર ચોંકી ગયો. તેણે ત્વરિતગતિએ નજરનો પીછડો ફેરવી લીધો. ગાડી પોતાની જ હતી અને અંદર બિન્ધાસ્તપણે પાછલી સીટમાં યુવતી બેઠી હતી તે નગ્ન સત્ય હતું. રણવીરના પગતળે જમીન સરકવા લાગી. શરીરે પરસેવો છૂટી ગયો... હવે શું કરવું તે તેના માટે એક ભયાનક મૂંઝવણ થઇ પડી.

યુવતીએ હવે મોં પરનો દુપટ્ટો હટાવી લીધો હતો. પર્સમાં રાખેલા સૌંદર્ય પ્રસાધન દ્વારા ચહેરાને સજાવી લીધો હતો. વાળને પણ સરખા કરી લીધા હતા અને અંતે પૂનમના ચાંદ જેવું મોં નીખરી આવ્યું હતું. જે પહેલી નજરે જ આંખોમાં વસી જાય તેવું હતું. તેણે આંખોને નચાવી, મોં મલકાવીને કહ્યું: ‘ચલીયેના... દેર કર્યું કરતે હો!’

રણવીર ફરી એક વખત હેબતાઇ ગયો. ખરેખર આ શું છે? અને શું થવા જઇ રહ્યું છે!? આ સ્થિતિનું સર્જન કરનાર જ જવાબ આપી શકે તેમ હતો. જિંદગીના પથ પર ઘણી ઘટનાઓ ધારી અને અણધારી ઘટતી હોય છે અને આમ પણ આફત ક્યારેય મુહૂર્ત કઢાવીને આવતી નથી. કોઇપણ સમયે તે ત્રાટકે છે. માણસની કસોટી આફતગ્રસ્ત સ્થિતિમાં થતી હોય છે. તમે ધૈર્ય ધરી કુનેહથી કામ લઇ, વપિરીત સંજોગોમાં પણ વણકલ્પેલી મુસીબતનો સફળતાપૂર્વક સામનો કરી શકો તેમાં જ યૌવનનું સામથ્ર્ય નિહિત હોય છે. ઘણા યુવાનો આવી કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થઇ જતા હોય છે.

રણવીર ટેક્સી ડ્રાઇવર છે. એક જમીન દલાલને લઇને અમદાવાદ આવ્યો હતો. તે એસ. જી. હાઇવે પર પસાર થતાં ગાડી સાઇડ કરી મેઇક વોટર માટે ઊભો રહ્યો હતો. પેશાબ કરીને પાછો ફર્યો ત્યાં ગાડીમાં યુવતીને જોઇ! પણ યુવતીની નશીલી આંખો અને બોલવાની સ્ટાઇલ જોઇ રણવીર સઘળું સમજી ગયો. તેનામાં થોડી હિંમત આવી પણ નવતર મૂંઝવણ મનમાની કરવા લાગી. છતાંય તે આક્રોશ સાથે બોલ્યો: ‘પૂછ્યા વગર આમ બેસી જવાનું!?’

એસ.જી. હાઇવેના અમુક વિસ્તારમાં આવી સેક્સ વર્કર ઊભી રહેતી જોવા મળે છે. તેને ગાડીમાં બેસાડી ગ્રાહકો લઇ જતા હોય છે. રણવીરને ગ્રાહક સમજી તે ગાડીમાં બેસી ગઇ હતી. આમ જુઓ તો કોઇનો દોષ નહોતો. છતાંય પ્રવાહી કે લપસણી પરિસ્થિતિ પેદા થઇ હતી.

આ પાંચેક મિનિટના સમયમાં બંનેએ એકબીજાને જોઇ લીધાં હતાં. રણવીર ફૂટડો અને સોહામણો યુવાન હતો. પળાર્ધમાં યુવતીને તે ગમી ગયો હતો. થયું કે આવો મનગમતો ગ્રાહક ક્યાંથી? નહીંતર તો પૂછડા વગરના નરપશુઓ દામ દઇને દેહને ખરીદી લે. પછી તે જેવી પશુતા આચરે તે મૂંગા મોંએ, નિર્જીવ જણસની માફક સહન કરવાની, મનેકમને પણ ભોગવી લેવાની.

વેશ્યાવૃત્તિ કે પ્રવૃત્તિ એ કોઇ નવી બાબત નથી. વિવિધ સ્વરૂપે ચાલી આવતી ખાનગી છતાંય જગજાહેર બાબત છે. જેનો ભોગ અને ઉપભોગ કરનારા લોકો આપણી વચ્ચે રહેનારા અને વસનારા છે. પુરુષોમાં યુવાનો જ નહીં પણ આધેડ અને ઉંમરથી વૃદ્ધ એવા લોકોની સંખ્યા નાની-સૂની નથી. આમ પણ આવી બાબતોમાં વૃદ્ધ અને આધેડ પુરુષની આક્રમકતા ભારે ખતરનાક હોય છે. વળી સેક્સ સ્કેન્ડલ જ્યારે ન્યૂઝમાં ચમકે છે ત્યારે તેમાં એકપણ ડોશીમા જોવા મળતાં નથી. બધી જ યુવતીઓ હોય છે. 

હા, દલાલરૂપે કોઇ માસીબા કેમેરામાં કેદ થાય તો વાત જુદી છે. પણ ચિંતાપ્રેરક અને ચોંકાવનારી બાબત એ છે કે આમ રોડ પર ઊભી રહેતી યુવતીઓમાં કોઇ કાયદેસરની ધંધાદારી હોતી નથી. જેમ અવનીના અમૃત સમાન દૂધને વેચવા માટે દૂધવાળાને ઘેર ઘેર જવું પડે છે પણ દારૂમાં એમ નથી બનતું. બંધાણી લોકો ગમે ત્યાંથી તેને શોધી લે છે. ત્યારે આવી યુવતીઓને રોડ પર કે જાહેર સ્થળોએ ફિલ્ડિંગ ભરવી પડે છે. સવાલ એ સતાવે છે કે ક્યાંક નોકરીના બહાને ઘેરથી નીકળી જવું અથવા તો પોતાના મોજશોખને સંતોષવા આમ દેહ ધરીને પોકેટમની મેળવી લેવા, એવું તો નહીં હોય ને!? 

રણવીર ગ્રેજ્યુએટ યુવક છે. નોકરીની કતારમાં ઊભા રહેવાના બદલે બાપુકો ધંધો સ્વીકારી લીધો છે. ડ્રાઇવર તરીકેના અનુભવે તેણે વિચાર્યું કે આમ રોડ પર ઊભા રહેવું ઠીક નથી. તત્કાલ નિર્ણય કરીને પૂછ્યું: ‘ક્યા લેના હૈ!?’‘ફાઇવ હન્ડ્રેડ!’ યુવતીએ કહ્યું.

કશી જ આનાકાની કર્યા વગર રણવીરે ગાડી સ્ટાર્ટ કરી. ગાડીની ગતિ સાથે રણવીરનું મન પણ ગતિ કરવા લાગ્યું. સામે ચાલીને આવ્યું છે, ભાણામાં પીરસાયું છે તો આરોગી લેવામાં કશો જ વાંધો નથી. 

તેણે મિરરમાં જોયું તો યુવતીનો ચહેરો લોભામણો અને લલચામણો લાગ્યો. શરીરની નસેનસમાં લોહી ઊકળવા અને ઊછળવા લાગ્યું. તેજીલા તોખારની માફક તન હણહણવા લાગ્યું. એક યુવાનને જે થવું જોઇએ તે બધું જ તેને થયું. અને ગમ્યું પણ ખરું. ત્યાં મોબાઇલ રણક્યો. રિંગટોન: ‘અગર તુ મીલ જાયે તો જમાના છોડ દેંગે હમ...’ કોઇ પાર્ટીની વધીઁ હશે એમ સમજીને રણવીરે મોબાઇલ ઉપાડ્યો... સામે નાની બહેન હતી. તે કહેતી હતી: ‘ભાઇ! મારા મોબાઇલમાં બેલેન્સ કરાવવાનું છે.’ રણવીર કાચી મિનિટમાં ઠરી ગયો. ગાડી સાવ ધીમી પડી ગઇ. તેણે ગરદન ફેરવીને પાછળ જોયું. બે-પાંચ ક્ષણ યુવતી સામે જોતો રહ્યો. થયું કે આ યુવતી પણ કોઇની બહેન હશે, કોઇની દીકરી હશે...

- ગાડીને કોઇ ગેસ્ટહાઉસમાં લેવાના બદલે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી વાળી લીધી અને ગોતા ચોકડી ઘુમાવીને મૂળ જગ્યાએ ઊભી રાખી. અંદર બેઠેલી યુવતી બારીકાઇથી નિરીક્ષણ કરી રહી હતી. રણવીરના મોં પર બદલાયેલા ભાવને તે પામી ગઇ હતી. ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાંની પાંચસોની નોટ યુવતી સામે ધરીને કહ્યું: ‘લે... આ તારી રકમ!’ યુવતીનો હાથ ન લંબાયો પણ આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં! 

Comments