રાઘવજી માધડ: મારા દિલના દરવાજે ટકોરા મારજો...

સધ્યસ્નાતા ષોડ્સી જેવી પવૉ ટુવાલ વડે ભીના વાળને કોરા કરતી આર્જવ પાસે આવીને ઊભી રહી. તેને એષણા હતી કે પોતાની ભીની અને માદક સુગંધથી વહિ્વળ થઇ આર્જવ ગુલાબી ગાલ પર તસતસતું એક ચુંબન ચોડી દેશે, પણ તેને પવૉની હાજરીનો જ ખ્યાલ નહોતો. તે મોબાઇલમાં વ્યસ્ત હતો. થોડી નવાઇ સાથે પવૉએ પૂછ્યું: ‘શું જુઓ છો, મારા મોબાઇલમાં!?’ આર્જવ ચમક્યો. ચોરી કરતો માણસ રંગે હાથ પકડાઇ જાય પછી દયામણા ને લજામણા મોંએ જુએ એમ પવૉ સામે જોયું. આર્જવ પાસે પાંગળો બચાવ કરવા સિવાય કાંઇ નહોતું. તેથી કહ્યું: ‘ના...ના તું કહે છે એવું નથી.’

‘તો પછી કેવું છે?’ આમ કહી પવૉ ધબ્ દઇને સોફા પર ફસડાઇ પડી. પછી છાતીમાં સલવાયેલા ડૂસકાને ખાળતાં બોલી: ‘તમારા વાણી, વર્તન પરથી મને સઘળું સમજાઇ ગયું છે.’છેલ્લા ઘણા સમયથી શંકાની સોંય આમ ભોંકાયા કરતી હતી. પવૉ જ્યાં જોબ કરે છે ત્યાં લેન્ડલાઇન પર પણ આર્જવનો ફોન આવતો. 

મોબાઇલ પર કોઇ વાત કરવાના બદલે સીધું જ પૂછે, તું ક્યાં છો? શું કરે છે? કેમ, તારી બસ હજુ નથી આવી!? આ બાજુમાં અવાજ કોનો સંભળાય છે... આવા શુષ્ક અને વાહિયાત સવાલો શું કરવા પૂછે છે... તે પવૉને સમજાઇ ગયું હતું. છતાં તે જતું કરીને સાચો જવાબ આપી દેતી, પણ આજે તો સાવ ઉઘાડું પડી ગયું હતું. મોબાઇલની ડિટેઇલ જોતાં બંને સામસામે આવી ગયાં હતાં.

પવૉ અને આર્જવ વચ્ચેના સ્નેહસંબંધને, વડીલોએ માન્યતાની મહોર મારી લગ્ન કરાવી આપ્યાં હતાં. તે વખતે ઉકેલી ન શકાય તેવી સમસ્યાઓ હતી છતાંય હલ થઇ હતી. ત્યાં આ યુવાદંપતીએ બીજી સમસ્યાને જન્મ આપ્યો! શંકા વિષકન્યાની સગીબહેન છે. તે જેના સંસર્ગમાં આવે તેનો સત્યાનાશ કર્યા વગર પગ વાળીને નિરાંતે બેસતી નથી. પવૉએ પોતાને પ્રેમ કર્યો તેમ બીજાને તો નહીં કરતી હોય ને...!!? આવું વારંવાર આર્જવના દિમાગમાં અકારણ ઉદ્ભવ્યા કરે છે. પવૉ દિવસભર વંટોળની વચ્ચે અટવાતી રહી. 

રાત્રિએ બેડરૂમમાં આર્જવને કહ્યું: ‘અજુ! મારે મારા પરની શંકાનું સમાધાન કે નિરાકરણ કરવું જરૂરી છે કે કેમ? અને સમાધાન ક્યાં સુધી ટકે તેની મને ખબર નથી પણ આવી રીતે સાથે ન જ રહી શકાય તેની મને ખબર છે!’‘મારી પરી!’ આર્જવ પ્યારથી તેને પરી કહેતો હતો: ‘તું શું બોલે છે તેનો તને ખ્યાલ છે!?’‘હા...’ પવૉ વેદનાગ્રસ્ત સ્વરે બોલી: ‘કારણ કે મેં મારાં મમ્મી-પપ્પાને આવી શંકાભરી સ્થિતિમાં, મરતાં હોય એમ જીવતાં જોયાં છે. પ્લીઝ... મારે એવું જીવન નથી જીવવું!’બેડરૂમની ચારેય દીવાલો સ્તબ્ધ થઇ આ સઘળું સાંભળતી હતી.

સોરી... કહી આર્જવ પડખું ફરીને સૂઇ ગયો. પણ પવૉ રાતભર પડખાં ઘસતી રહી. પવૉ દરરોજ કરતાં થોડી વહેલી ઊઠી. ઝડપથી પરવારી લીધું. આર્જવને થોડી નવાઇ લાગી. છતાં અબોલ રહ્યો. પણ પવૉએ જ વાતને છેડી: ‘અજુ! વિષનાં બીજ હવે ઊગ્યાં વગર નહીં રહે...’‘હા, તો તેનું શું કરવાનું?’ આર્જવ થોડી ઉગ્રતાથી બોલ્યો: ‘તારી પાસે છે કોઇ ઉકેલ!??’‘હા તેનો ઉકેલ છે...’ પવૉ ગંભીરતાથી બોલી: ‘હું આત્મખોજ કરું, મારા પ્રત્યે શંકા જાગી તે માટે અને તમે શંકાનાં સાચાં કારણો શોધવાનો પ્રયત્ન કરો...!’ આર્જવ ગુસ્સો ગળી જઇને નાટકીય અદાથી બોલ્યો: ‘મને કબૂલ છે આપની આ અણમોલ સલાહ...!’ 

‘ત્યાં સુધી તમારી પરીને અહીંથી ઊડી જવાની રજા આપશો.’પવૉનું આમ કહેવું સાંભળી આર્જવના હોશકોશ ઊડી ગયા. તે કોઇ સ્ટેચ્યુની માફક પવૉ સામે જોઇ રહ્યો. જતાં-જતાં પવૉએ કહ્યું: ‘હા, શંકાનું ખાલી સમાધાન નહીં પરંતુ નિરાકરણ થાય તો મારા દિલના દરવાજે ટકોરા મારજો... તમારી આ પરી હાજર થઇ જશે...!’ ઘરના ઉઘાડા દરવાજાને આર્જવ એમ જ જોતો રહ્યો... 

Comments