ડો. શરદ ઠાકર: ...તમે માનશો? સંબંધોમાંય એક ખાલીપો હોય છે

એક દિવસ સાહિલે હેવાનિયતની હદ વટાવી દીધી. એ ધડકનને એક તાંત્રિક પાસે લઇ ગયો. કહ્યું, ‘તારે મેડા પર આવેલી તાંત્રિક બાબાની ઓરડીમાં જવાનું છે. એ જેમ કહે તેમ તારે કરવાનું છે. વિરોધ ન કરતી. હું અહીં નીચે બેઠો છું.’ પણ બાબાએ તો બારણું બંધ કરીને બળાત્કાર-વિધિ શરૂ કરી દીધી. 

શ્રાવણ મહિનાની નમતી બપોર. હું બંધ આંખે ધ્યાનસ્થ ઋષિની જેમ વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. વરસાદ વરસાવી ન શકે તેવા વાંઝિયાં વાદળો કારણ વગરનો ઉકળાટ અને બાફ પ્રસરાવી રહ્યાં હતાં. એવામાં બહારથી મારી પત્ની આવી અને એણે એક પત્ર મારા હાથમાં મૂક્યો, ‘લો, કુરીઅરવાળો આપી ગયો. હું નીચે જ હતી, એટલે લઇ આવી.’ પછી પરબીડિયાનું વજન જોઇને એણે ઉમેર્યું, ‘કોઇ વાચકનો પત્ર લાગે છે. મને તો અંદરથી વાર્તાની સુગંધ આવી રહી છે.’

પત્ની તો લાલચનો ટુકડો ફેંકીને રસોડામાં જતી રહી, પણ હું યોગીઅવસ્થા ત્યાગીને ફરી પાછો દુન્યવી વાતોનો દુકાનદાર બની ગયો. કવર ફોડ્યું. બંને બાજુએ લખાયેલા આઠ ફૂલસ્કેપ પાનાં દરમાંથી નીકળતા સાપની જેમ બહાર નીકળી આવ્યાં. સંબોધન જતું કરું તો પત્રની શરૂઆત ‘જય જીનેન્દ્ર’ થી કરવામાં આવી હતી. પછી લખ્યું હતું, ‘આપ સમજી ચૂક્યા હશો કે હું જૈન છું. મારું નામ ધડકન શાહ. નવું નામ લાગે છે ને? મારા પપ્પાએ પાડ્યું હતું. પપ્પાને હું ખૂબ વહાલી હતી. પણ એ તો મને બહુ નાની મૂકીને ચાલ્યા ગયા....’

ઉકળાટ વધી ગયો. વાદળો ભલે વધ્યા ન હતા. આ કંઇ પહેલી વારની ઘટના ન હતી કે કોઇ યુવતી પત્ર લખીને એની પીડા ઠાલવતી હોય. ભારતની કોઇ પણ નારીનાં જિંદગીરૂપી વસ્ત્રને જો નિચોવવામાં આવે તો એમાંથી સુખ, સેક્સ અને પ્રેમનાં તો માંડ બે-ચાર ટીપાં ઝરશે, બાકી જે ધાર વહેશે તે દુ:ખ, અત્યાચાર અને આંસુઓના રેલાઓની જ હશે. ધડકને તો શરૂઆત જ એનાથી કરી હતી. આઠ પાનાંમાં જે જિંદગી વીંટળાયેલી હતી તે મારા શબ્દોમાં આવી હતી.

ધડકન રૂઢિચુસ્ત, સંસ્કારી જૈન પરિવારમાં જન્મેલી ભીનેવાન પણ નમણો ચહેરો ધરાવતી છોકરી હતી. અત્યારે એ પાંત્રીસ વર્ષની છે, પણ એ જ્યારે બાર-તેર વર્ષની જ હતી, ત્યારે એના પપ્પા ગુજરી ગયા. મમ્મી એના આઘાતમાં પાગલ થઇ ગઇ. અત્યાર સુધી લાડકોડમાં ઉછરેલી ધડકનને ચા બનાવતાં પણ આવડતું ન હતું. હવે અચાનક એનાં નાજુક ખભા પર ઘરના ચાર જણાની બે ટંકની રસોઇ બનાવવાની જવાબદારી આવી પડી. 

સવારે વહેલા ઊઠીને પાણી ભરવાનું, નાનાં ભાઇ-બહેન માટે દૂધ-નાસ્તો તૈયાર કરી આપવાનો, કપડાં-વાસણ, ઘરની સાફસફાઇ, પાગલ માની સારસંભાળ અને પછી રસોડું સંભાળવાનું. નિયત સમયે શાળામાં જવાનું તો ખરું જ. અને સાંજે પાછા આવ્યા પછી એ જ કામોનું એકશન રિપ્લે. વધારામાં નાના ભાઇને હોમવર્કમાં મદદ કરવાની. અને પછી રાતનું વાળું, ઠામ-વાસણ, પથારી અને સૌથી છેલ્લે નવકારમંત્ર બોલીને ઊંઘી જવાનું. કુમળા હાથે ધોયેલા ઓશીકાના કવર ઉપર એનું થાકેલું માથું ઢળે એ પછી રાત ક્યારે ખતમ થઇ જાય એની ખબર ન પડે. તનને તોડી નાખે ને મનને મારી નાખે એવા થાકની તોલે આવી શકે તેવી એક પણ ‘સ્લીપિંગ પિલ’ જગતમાં હજુ સુધી શોધાઇ નથી.

દિવસો મહિનાઓમાં ઓગળી ગયા. મહિનાઓ વર્ષોમાં ડૂબી ગયા. ધડકન ગ્રેજ્યુએટ થઇ ગઇ. નાનો ભાઇ કમ્પ્યૂટર વર્ક શીખી ગયો. ઘરમાં પગાર નામનો પ્રાણવાયુ આવવો શરૂ થયો. આઘાતથી ગાંડી બની ગયેલી મા આ નવા સુખની લહેર થઇને પાછી ડાહી થવા માંડી. એક દિવસ એણે જ દીકરીને કહ્યું, ‘ધડકન, તું હવે જુવાન થઇ ગઇ, તારા માટે મુરતિયો શોધવો પડશે.’ ધડકન શરમાઇ ગઇ. એને ખબર ન હતી કે આ એનાં માટે સુખની અંતિમ ક્ષણ હતી.

નાતીલામાંથી કોઇકે એક છોકરો દેખાડ્યો. ધડકન અને છોકરો એક વાર મળ્યા, સગાઇ નક્કી થઇ ગઇ. બંને પરણી ગયા. ધડકને વિચાર્યું, ‘છોકરો ત્રેવીસ વર્ષનો છે, હું એકવીસની. એ આટલી નાની ઉંમરમાં જ ધંધામાં સારી રીતે સેટ થઇ ગયો છે. એના પરિવારમાં એ એકલો જ છે. મા-બાપ મરી ગયા છે. તો પછી મારા નસીબમાં તો ઘર અને વર બે જ સંભાળવાના છે ને!’

લગ્ન કરીને ધડકન સાસરીમાં આવી. ‘હનિમૂન’નું નશીલું ઘેન ઊતર્યું. ત્યારે એને ખબર પડી કે એનો પતિ સાહિલ તો એક ફૂટી કોડી પણ કમાતો ન હતો. રોજ સવારે જમીને ઘરની બહાર નીકળી જાય ને સાંજે થાક્યો-પાક્યો ઘરે આવે. ધડકનને એમ કે કામકાજને કારણે પતિદેવ થાકતા હશે. એ બિચારી પતિનો થાક ઊતારવા માટે સાંજે ચા, રાત્રે ભોજન અને મધરાતે પોતાની જાત પીરસી દે! એમાં ને એમાં એ ગર્ભવતી બની ગઇ. નવ મહિનાને અંતે દીકરી જન્મી. 

બિઝનેસમાં ગળાડૂબ સ્વામીનાથને સમાચાર મળ્યા, એટલે એ નર્સિંગ હોમમાં દોડી આવ્યા. પહેલો જ પ્રતિભાવ આ હતો, ‘મારે તો દીકરો જોઇતો હતો, તેં તો પથરો જણ્યો!’ ધડકન રડી પડી. ‘હજુ સુધી તમે કમાણીનો એક પણ રૂપિયો મારા હાથમાં મૂક્યો નથી.’ એક દિવસ પતિનો સારો મૂડ જોઇને ધડકને વાત કાઢી, ‘ઘરખર્ચના પૈસા તેમજ અનાજ-પાણી મારા મમ્મી મોકલાવે છે. 

તમારી કમાણી જાય છે ક્યાં?’ સાહિલનો મૂડ તરત જ બગડી ગયો, ‘હું તો ઢગલામોંઢે કમાતો હતો, પણ તારા પગલાં અપશુકનિયાળ સાબિત થયા. તું આવી ત્યારથી ઘરમાં લક્ષ્મી ટકતી જ નથી.’ધડકનને એમ કે દીકરીનો જન્મ થયો એટલે પતિ નારાજ છે, એણે ભગવાનનું નામ લઇને ફરી પાછી ગભૉવસ્થા ધારણ કરી. દુખિયારીની પ્રાર્થના ફળી. આ વખતે એણે દીકરાને જન્મ આપ્યો. પ્રાર્થના ફળી, પણ અવદશા ન ફરી.

એક દિવસ સાહિલે હેવાનિયતની હદ વટાવી દીધી. એ ધડકનને એક તાંત્રિક પાસે લઇ ગયો. કહ્યું, ‘તારે મેડા પર આવેલી તાંત્રિક બાબાની ઓરડીમાં જવાનું છે. એ જેમ કહે તેમ તારે કરવાનું છે. વિરોધ ન કરતી. હું અહીં નીચે બેઠો છું.’ ધડકનનાં મનમાં એમ કે મેડા પર કોઇક વિધિ કરવાની હશે. પણ બાબાએ તો બારણું બંધ કરીને બળાત્કાર-વિધિ શરૂ કરી દીધી. ધડકને ખૂણામાં પડેલો લાકડાનો ધોકો ઊઠાવ્યો અને તાંત્રિક બાબાના મસ્તક ઉપર પ્રહાર-વિધિ કરીને એ દાદર ઊતરી ગઇ.

સાહિલ ભયંકર હદે ધૂંધવાયો, ‘મેં નહોતું કહ્યું? તું છો જ અપશુકનિયાળ પગલાંની! ઘરમાં બે પૈસા આવે જ ક્યાંથી?’ એ પછી ધડકને પતિનું ઘર કાયમને માટે છોડી દીધું. મમ્મીનાં ઘરે આવી ગઇ. વકીલ દ્વારા નોટિસ મોકલી આપી. પરસ્પરની સંમતિથી બેયના ડિવોર્સ થઇ ગયા. સાત જન્મોનો સંબંધ સાતમા વર્ષે પૂરો થયો.

એ પછી એક તરવરિયો, સોહામણો અને માત્ર ત્રીસ જ વર્ષનો યુવાન ધડકનના જીવનમાં પ્રવેશ્યો. પૂરો ભૂતકાળ ભણી લીધા પછી એણે હાથ લંબાવ્યો, ‘હું તને ચાહું છું. મારી સાથે લગ્ન કરીશ? જિંદગીમાં ક્યારેય તને દુ:ખી નહીં થવા દઉં.’‘પણ હું પાંત્રીસ વર્ષની છું. બે સંતાનોની માતા છું. મારું વજન પંચોતેર કિલોગ્રામ છે. આન્ટી જેવી દેખાઉં છું. તમે મારાથી પાંચ વરસે નાના છો, પણ ફિટનેસના કારણે પચ્ચીસના હો તેવા લાગો છો.’

‘નો પ્રોબ્લેમ, આન્ટી! પ્રેમને કોઇ ઉંમર નથી હોતી અને સંબંધને કોઇ વજનનો ભાર નથી લાગતો. તું મારી સાથે લગ્ન કરીશ?’ ‘હજુ પૂરી વાત તો સાંભળ! મારે ત્રીજું સંતાન નહોતું જોઇતું, માટે મેં ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવી નાખ્યું છે. હું તને બાળક નહીં આપી શકું.’તે હસ્યો, ‘આ બે બાળકો છે તે મારા જ છે ને! મારો પ્રશ્ન હજુ એ જ છે, તું મારી સાથે લગ્ન કરીશ?’ ધડકને જિંદગીમાં બીજી વાર શરમાઇને પાંપણો ઝૂકાવી દીધી. બંને પરણી ગયાં. અહીં આ લાંબા પત્રના સાડા સાત પાનાં પૂરા થાય છે.

‘‘‘

અંતમાં ધડકને લખ્યું છે, ‘સર, તમને પ્રશ્ન થશે કે આ તો મારી વ્યથાકથા છે. પણ હવે તમને સાચી વાત જણાવું છું. હું અને મારો નવો પતિ તમારા કન્સલ્ટિંગ રૂમમાં આવી ચૂક્યા છીએ. કદાચ તમને યાદ નહીં હોય. મેં કહ્યું હતું કે, ‘સર, મારે મારા પતિથી પણ એક સંતાન જોઇએ છે. એના માટે મેં ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવેલું તે નળીઓ ફરીથી ખોલાવી નાખેલી છે. બે વર્ષ થયા, પણ પરિણામ મળતું નથી. 

તમે સલાહ આપેલી કે અમારે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે પ્રયત્ન કરવો જોઇએ અથવા અમારા બે સંતાનોથી સંતોષ માની લેવો જોઇએ. સર, હું તમને ફરીથી મળવા માગું છું. મારે તમને એક સવાલ પૂછવો છે, મારી ઉંમર, મારું વજન, બે બાળકો આ બધું જ ભૂલીને જે પુરુષે મારી સાથે પ્રેમલગ્ન કર્યા એને હું એક સંતાન પણ ન આપી શકું? અમારી પાસે ટેસ્ટ ટ્યૂબ બેબીની સારવાર કરાવવા જેટલા રૂપિયા નથી. તો તમે અમને કોઇ જ રસ્તો ચિંધી ન શકો?’

હું પત્ર પૂરો કરીને બબડી લઉં છું, ‘આવ, બહેન! તું જરૂર મારી પાસે આવ! તારે ટેસ્ટ ટ્યૂબ બેબીની સારવાર તો કરાવવી જ પડશે. હું પોતે એ નથી કરતો, પણ તને માર્ગદર્શન જરૂર પૂરું પાડીશ. ઓછામાં ઓછા ખર્ચે સૌથી ઉત્તમ ટ્રીટમેન્ટ ક્યાં થઇ શકે છે તે હું પણ વિચારી રાખું છું. આપણે પ્રયત્ન તો કરી જોઇએ! ત્રીજું આવે તો ટોળી, નહીંતર બેની જોડી તો છે જ ને!

(સત્ય ઘટના)

Comments