ડો.શરદ ઠાકર: કેમ કે બીજી તરફ મારો ઉદય પણ એ જ છે



 
‘હું બહાર જાઉં છું. અડધા કલાકમાં પાછો આવી જઇશ.’‘હવે ક્યાંય નથી જવું, બેસને ઘરમાં! સાંજ તો પડી ગઇ.’‘આખો દિવસ ઘરમાં જ હતો ને? વરસાદના કારણે! હવે જરાક પગ છુટ્ટો કરી આવું.’ પતિએ પુરુષ-સહજ ઇચ્છા વ્યક્ત કરી.‘ચાલતો જાય છે?’‘ના, બાઇક લઇને.’‘ત્યારે એમ કહે ને કે બાઇકના પૈડાં છુટ્ટા કરી આવું! ભલે જઇ આવ, પણ જલ્દી પાછો આવી જજે. તને ભાવતાં મિક્સ ભજીયાં બનાવાની છું. ગરમાગરમ ખાવાની ઇચ્છા હોય તો મોડું ના કરતો!’ પત્નીએ સ્ત્રી સહજ ટકોર કરી.આવો સંવાદ કોના ઘરમાં નથી ભજવાતો હોતો?! કોઇ ને કોઇ તબક્કે દરેક પતિ-પત્ની વચ્ચે આવી વાતચીત થતી રહેતી હોય છે. શિખર અને શાલ્વી વચ્ચે પણ થઇ.

સુરત શહેરમાં બની ગયેલી સત્ય ઘટના છે. શિખર અડધા કલાકમાં પાછો ફરવાનો વાયદો કરીને ઘરેથી નીકળ્યો, પણ પછી એ ક્યારેય એ જ હાલતમાં પાછો ન આવ્યો. વરસાદથી ભીના થયેલા ડામરના રસ્તા ઉપર એની ‘બાઇક’ લપસી ગઇ, શિખર ફેંકાઇ ગયો, એનું માથું ફૂટપાથના પથ્થર સાથે જોરથી અફળાયું. શ્રીફળ વધેરાતી વખતે થાય છે તેવો અવાજ સંભળાયો. ખોપરીની કાચલી ફૂટી ગઇ. પછીનો ઘટનાક્રમ સમજી શકાય તેવો છે.

હો-હા, ધમાલ, લોકોનું દોડી આવવું, પોલીસને ફોન કરવો, બેભાન થઇ ગયેલા શિખરને જનરલ હોસ્પિટલમાં લઇ જવો, આ બધું દરેક રોડ એક્સિડેન્ટમાં બનતું રહે છે એમ આ કિસ્સામાં પણ બની ગયું.શિખરના ખિસ્સામાંથી એનો મોબાઇલ ફોન મળી આવ્યો. પોલીસ કોન્સ્ટેબલે ગમે તે નંબર લગાડી દીધો. પૂછ્યું ‘આ નંબરવાળો યુવાન બેહોશીની હાલતમાં દવાખાનાના ખાટલામાં સૂતો છે. એના ઘરવાળાને જાણ કરો.’

જેનો નંબર લગાડવામાં આવ્યો હતો એ મિત્રે શાલ્વીને ફોન કરવાને બદલે રૂબરૂ એના ઘરે જઇને વાત કરી. આઘાત ગમે તેટલી હળવાશથી આપવામાં આવે તો પણ એ આઘાત જ રહે છે. શાલ્વીના હોશકોશ ઊડી ગયા. ભજીયાં ભજીયાંના ઠેકાણે રહ્યાં. ઘોડિયામાં નાનકડો પુત્ર સૂતેલો હતો એને સૂતેલો મૂકીને એ ઊઘાડા પગે નીકળી પડી. શિખરના મિત્રની સાથે ગાડીમાં બેસીને દવાખાને પહોંચી ગઇ. ઘર અને દીકરાનો હવાલો ભલા પાડોશીઓએ સંભાળી લીધો.

કલાકની અંદર સગાં-સંબંધીઓનું ટોળું જમા થઇ ગયું. શિખરના પપ્પા ખમતીધર હતા અને સાસરી પક્ષ પણ સમૃદ્ધ હતો. માત્ર પૈસેટકે જ નહીં, સંબંધોની કરન્સીમાં પણ બંને પક્ષો સમૃદ્ધ હતા. જેણે-જેણે આ સમાચાર સાંભળ્યા તે બધા દોડી આવ્યા. ખિસ્સામાં દસ-વીસ હજાર રૂપિયાની થોકડી અને જરૂર પડે તો રક્તદાનની તૈયારી સાથે દોડી આવ્યા. અને કેમ ન આવે? જુવાન માણસની જિંદગીનો સવાલ હતો.

શિખર માત્ર ચોવીસ વર્ષનો હેન્ડસમ, હોનહાર અને મળતાવડો પુરુષ હતો. દુશ્મન જેવો શબ્દ તો એના શબ્દકોશમાં પણ ન હતો, જીવનમાં તો હોય જ ક્યાંથી? શાલ્વી ફક્ત એકવીસ વર્ષની ખૂબસૂરત નમણી સ્ત્રી હતી. બંનેના પ્રેમલગ્ન હતા અને લગ્ન પછીનો પ્રેમ હતો. લગ્નજીવનને હજુ એક જ વર્ષ પૂરું થયું હતું. સંસારના સાગરકાંઠે બેસીને હજુ તો બંને જણાં છબછબિયાં કરતા હતા, ત્યાં અકસ્માત નામનો મગરમચ્છ અચાનક આવી ચડ્યો અને શિખરને ખેંચી ગયો.

શિખરના પિતાએ અને શ્વસુરે ડોક્ટરોના પગ પકડી લીધા, ‘પૈસાનો પહાડ ખડકી દઇશું, પણ શિખરને બચાવી લો! જરૂર પડે તો એને ખાનગી નર્સિંગ હોમમાં શિફ્ટ કરી દઇએ. તમે જો કહેતા હો, તો ચાર્ટર્ડ પ્લેનમાં એને મુંબઇ લઇ જઇએ. એ શક્ય ન હોય તો મુંબઇના સર્વશ્રેષ્ઠ ન્યૂરોસર્જનને અહીં બોલાવી લઇએ. પણ શિખર બચવો જોઇએ.’

ટીમના વડા ડોક્ટરે માથું હલાવ્યું, ‘બીજું બધું શક્ય છે, એક છેલ્લી માગણીને છોડી દઇએ તો! શિખરનું મગજ મૃત્યુ પામ્યું છે. એનું હૃદય ધબકે છે. પણ એ પાછો જીવિત થાય એવી જરા પણ શક્યતા નથી. હી ઇઝ બ્રેઇન ડેડ!’પછી ડોક્ટરે સાદી, સરળ ભાષામાં એમને આ ‘દિમાગી મૃત્યુ’ વિશે વિગતવાર સમજ આપી. સ્વજનો શોકના સાગરમાં ડૂબી ગયા. શાલ્વી આ બધી ગતિવિધિથી અજાણ હતી. એ તો ખાધા-પીધાં વગર પતિનો હાથ પકડીને આઇ.સી.યુ.માં બેસી રહી હતી.

પાગલની જેમ કોમામાં સરી પડેલા શિખરને ઉદ્દેશીને બોલ્યા કરતી હતી, ‘તું પાછો આવ ને! અડધા કલાકનું કહીને ઘરેથી ગયો હતો. મોડું કરીશ તો ભજીયાં ઠંડા પડી જશે. પછી તને નહીં ભાવે...’ચાર દિવસ આમને આમ નીકળી ગયા. શિખરના પિતા સનતભાઇ અને શાલ્વીના પપ્પા જનકભાઇએ સંયુક્ત નિર્ણય લઇ લીધો. ડોક્ટરને કહી દીધું, ‘અમે આશા છોડી દઇએ છીએ. તમે સપોર્ટ સિસ્ટમ હટાવી શકો છો.’

ડોક્ટરે કહ્યું, ‘તમારો નિર્ણય મારા સર-આંખો પર! પણ હવે મારી બીજી એક વિનંતી છે. હું તમને કંઇક કહેવા માગું છું. ધ્યાન દઇને સાંભળજો...’

‘‘‘

અમદાવાદની પ્રખ્યાત કીડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો.. એચ.એલ.ત્રિવેદી સાહેબનો ફોન મધરાતે રણકી ઊઠ્યો. અઢાર-અઢાર કલાકના તનતોડ કામથી થાકીને ગાઢ નીંદરમાં પોઢેલા એંશી વર્ષના આ તબીબે રિસીવર ઊઠાવ્યું, ‘હેલ્લો! ડો.. ત્રિવેદી સ્પિકિંગ. તમે કોણ...?’સામા છેડેથી ક્ષમાયાચના સાથેનો અવાજ આવ્યો, ‘આઇ એમ એ ન્યૂરોસર્જન ફ્રોમ સુરત. અમારી પાસે એક પેશન્ટ છે. હી ઇઝ બ્રેઇન ડેડ. એની બંને કીડનીઓ તંદુરસ્ત છે. મેં પેશન્ટનાં સગાંને ‘મોટીવેટ’ કર્યા છે. તમે કિડની-દાન લેવા માટે ડોક્ટરોની ટીમને મોકલી આપશો? સર, હું જાણું છું કે તમે અત્યારે ઊંઘતા હશો.

મધરાતનો સમય છે, તમને જગાડતાં મને ખૂબ જ...’‘નેવર માઇન્ડ, ડોક્ટર! હું આ કામ માટે તો જીવું છું. આપણી એક રાતની ઊંઘ બગાડીને જો બે માણસોની જિંદગી બચાવી શકાતી હોય તો હું રોજ રાતે ખલેલ પામવા તૈયાર છું.’ કલાક પછી કીડની ઇન્સ્ટિટ્યૂટની મોબાઇલ વેન સુરતની દિશામાં નીકળી પડી. ટ્રાન્સપ્લાન્ટ સજર્યન ડો.. પ્રાંજલ મોદી, બીજા એક સજર્યન, બે એનેસ્થેટસ્ટિ્સ, ચાર નર્સ બહેનો અને સાથે વાઢકાપનાં સાધનોનાં ડ્રમ્સ. રાતભરનો એકધારો પ્રવાસ પતાવીને સાડા ત્રણ કલાકમાં સુરત પહોંચી ગયા. પહોંચીને ડો.. પ્રાંજલે કહ્યું, ‘કમ ઓન! લેટ અસ મૂવ સ્ટ્રેઇટ ઇન ટુ ધ થિયેટર. જેટલું જલદી કામ થાય એટલું બહેતર રહેશે.’

પણ સુરતના ડોક્ટરે છેલ્લું વિઘ્ન જાહેર કર્યું, ‘યંગ મેન! હજુ એક છેલ્લી વિધિ બાકી છે. પેશન્ટના બધાં સગાં-વહાલાં તો માની ગયાં છે, પણ એની પત્ની હજુ આખીયે વાતથી અજાણ છે. એનો પતિ પ્રત્યેનો પ્રેમ જોઇને અમારામાંથી કોઇની હિંમત નથી ચાલતી કે એને...’‘પણ એને જણાવવું તો પડશે જ. પત્નીની લેખિત સંમતિ વગર એનાં પતિને મૃત્યુની ગોદમાં સૂવડાવી દેવો તે કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે. એ કામ કોઇકે તો કરવું જ પડશે.’

બહુ અઘરું કામ હતું. સાવિત્રીને કોણ સમજાવે કે તારા સત્યવાનને હવે યમરાજના હાથમાં સોંપી દે? છેવટે શાલ્વીનાં પપ્પા અને સસરાએ આ જવાબદારી સ્વીકારી લીધી. સનતભાઇ અને જનકભાઇ કાગળ-પેન લઇને આઇ.સી.યુ.માં ગયા. બહાવરી બની ગયેલી શાલ્વીને માત્ર એક જ સવાલ પૂછ્યો, ‘બેટા, તને અમારામાં વિશ્વાસ છે? તો આ કાગળમાં તારી સહી કરી આપ!’શાલ્વીએ ચૂપચાપ સહી કરી આપી. સવાલ પૂછ્યો, પણ એનો એ જ, ‘શિખરને કહો ને કે ભજીયાં ઠંડા થઇ જશે. એ પાછો ક્યારે આવશે?’

‘ક્યારેય નહીં, દીકરી!’ બંને વડીલો ભાંગી પડ્યા, ‘આ જો! તેં એના ડેથ વોરન્ટ ઉપર સહી કરી આપી છે. શિખર કોઇ સંજોગોમાં બેઠો થઇ શકવાનો નથી. એટલે અમે એનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કરી લીધો છે. તું જો સંમત ન હોય તો હજુ પણ આ કાગળ ફાડી નાખીએ...’એકવીસ વર્ષની ભરયુવાન સ્ત્રીએ એક ક્ષણમાં માયા સંકેલી લીધી.

શિખરની પ્રેમિકા જગદંબાનો અવતાર બની ગઇ. શિખરના કપાળ ઉપર આખરી ચુંબન ચોડીને એ ઊભી થઇ ગઇ, ‘પપ્પાજી! પિતાજી! તમે વડીલો છો. તમે જે કરતાં હશો તે યોગ્ય જ હશે. હું ના પાડનાર કોણ?’ડો.. પ્રાંજલ શિખરની બંને કીડનીઓ લઇને સાડા ત્રણ કલાકનો થાક ઓઢીને અમદાવાદ આવ્યા. સુરતમાં એક જુવાન આથમી ગયો હતો, પણ અમદાવાદમાં બે જિંદગીઓ નવપલ્લવિત થવાની પ્રતીક્ષા કરતી હતી.‘

(સત્ય ઘટના)

Comments