ડૉ. શરદ ઠાકર: થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ તું


તમે કેટલા સારા છો, નહીં? તમે મારા પપ્પા જેવા છો એટલે જ હું તમારામાં વિશ્વાસ મૂકી રહી છું. બાકી આ જમાનામાં...

છેલ્લા ચાર કલાકથી મૂશળધાર વરસાદ ખાબકી રહ્યો હતો. ફોરેસ્ટ ઓફિસર ઘેઘૂર રાણાએ એની અઢાર વરસની નોકરીમાં આવો વરસાદ ક્યારેય જોયો ન હતો. જંગલની મધ્યમાં આવેલા વનખાતાના કોટેજ હાઉસમાં બારી પાસે ઊભા રહીને એ બબડ્યા, ‘વરસાદ ચાર કલાક સુધી લગાતાર વરસ્યા કરે છે એ નવી વાત નથી, પણ આટલા સમયમાં આટલું બધું પાણી આકાશમાંથી ઠલવાય એ આજે પહેલીવાર જોવા મળ્યું.

લાગે છે કે સાતેય દરિયા આજે સામટા આ જંગલ માથે ઊંધા થઇને ઠલવાઇ રહ્યા છે!’ ચારે બાજુ પાણી-પાણી હતું, ઠંડક હતી, પાંદડે-પાંદડે ભીનાશ હતી. આવી ભીની મોસમમાં એકલા રસિક પુરુષને બીજું શું સાંભરે? ઘેઘૂરે ઇન્ટરકોમનું બઝર દબાવ્યું. રિસેપ્શન ઉપર ઓર્ડર સંભળાવ્યો, ‘એક પ્લેટ ભજિયાં. એક સોડા અને એક બાઉલ ભરીને આઇસ કયુબ્ઝ. જરા જલદી મોકલાવજે, બિફોર ધ રેઇન સ્ટોપ્સ...’

વીસ મિનિટમાં નોકર બધું આપી ગયો. ઘેઘૂરે બેગમાંથી વ્હીસ્કીની બોટલ બહાર કાઢી. મોટો પટિયાલા પેગ બનાવ્યો. પછી બાઉલમાં હતા એટલા આઇસ કયુબ્ઝ ગ્લાસમાં ભરી દીધા. શરૂઆત એક-બે ભજિયાંથી કર્યા પછી એણે વ્હીસ્કીનો ગ્લાસ હાથમાં લીધો, હવામાં ઊંચો કર્યો, ‘ચીઅર્સ! ચીઅર્સ ફોર ધ વિમેન ઇન માય લાઇફ! જેટલી સ્ત્રીઓ મારી જિંદગીમાં આવી ગઇ એમના માટે અને જેટલી સ્ત્રીઓ હજુ આવવાની બાકી છે તે બધાંને માટે ચીઅર્સ!’ પછી એણે શરાબનો પહેલો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો, પછી બીજો, પછી ત્રીજો...! ઘેઘૂર રાણા આડત્રીસ વરસનો રંગીન-મિજાજી પુરુષ હતો.

પરણેલો હતો, બાળ-બચ્ચાં પણ હતાં, જે શહેરમાં રહેતાં હતાં. ઘેઘૂર દિવસ-રાત જંગલો ખૂંદતો રહેતો હતો. એના રક્તનું લેબોરેટરી-પરીક્ષણ જો કરવામાં આવે તો એના બુંદ-બુંદમાં શરાબ જોવા મળે. એના મગજનો સીટી-સ્કેન રિપોર્ટ કઢાવવામાં આવે તો દિમાગના કોષે-કોષમાં નરી કામવાસના જોવા મળે. કોઇપણ સ્ત્રીને એ જ્યારે પહેલીવાર મળતો કે જોતો, ત્યારે ઘેઘૂર રાણાના મનમાં શરીરસુખ માણવાના જ વિચારો જન્મતા હતા, નારીમાં ભવાનીનું શક્તિસ્વરૂપ રહેલું છે એ વાત એ કદીયે સ્વીકારતો જ નહીં. પરિણામે એ પુરુષ મટીને હિંસક પશુ બની ગયો હતો, જ્યારે ભૂખ લાગતી ત્યારે એ શિકાર કરી લેતો હતો. અત્યારે પણ એને ભૂખ લાગી હતી.

આ કોટેજનું એકાંત, આ ભીની મોસમ, આ ધોધમાર વરસાદ અને ઉપરથી આ શરાબનો નશો. ‘સાલી, આ વ્હીસ્કીની બાટલીયે હવે સ્ત્રીની ઉઘાડી કાયા જેવી લાગવા માંડી છે...’ કહીને એણે માથું ઝટકાવ્યું. રતીભાર નશો ઓછો થયો, એણે જોયું કે વ્હીસ્કીની બોટલ હવે બોટલ જેવી જ દેખાવા લાગી હતી. એ લથડિયાં ખાતો બારી પાસે ગયો. બહાર તો બધું જળબંબાકાર હતું. બંધ કાચમાંથી ભાગ્યે જ એકાદ ફૂટના અંતર જેટલું જોઇ શકાતું હતું. એ બારી પાસે ઘડીક વાર બેસી રહ્યો.

ત્યાં જ એક પ્રકાશનો શેરડો અને મશીનની ઘરઘરૉટી બારીની બરાબર સામે આવીને ઊભાં રહી ગયાં. ઘેઘૂરે આંખો ચોળી. ગાડીનું બારણું ઉઘાડીને એક નારી દેહ નીચે ઊતર્યો. ઘેઘૂરે ફરીથી માથું ઝટકાવ્યું. નશો રતીભાર જેટલો ઓછો તો થયો, પણ આ વખતે નારીની દેહાકૃતિ હજુયે ત્યાંની ત્યાં જ હતી.

‘વાહ! આ તો આકડે મધ લાગે છે, એ પણ મધમાખીઓ વગરનું. વાહ, ભગવાન! તું ખરો કરુણાનિધાન છે. મારે અત્યારે જેની સખત જરૂર હતી એ જ ચીજ તેં મોકલી આપી. થેન્ક યુ, મિ. ગોડ! થેન્ક યુ વેરી મચ!’ પછી ઘેઘૂર બારી પાસેથી ઊભો થયો ને ઓરડાની બહાર નીકળ્યો. એના પગ લથડતા હતા, એની ઉપર એણે કાબૂ મેળવી લીધો. વરસોથી એ શરાબપાન કરતો આવ્યો હતો, એ અનુભવ અત્યારે કામમાં આવ્યો.

લોબીમાંથી પસાર થતી વખતે એ ગણગણી રહ્યો: ‘તુંજે ઝમીં પે બુલાયા ગયા હૈ મેરે લિયે...’ પ્રવેશદ્વાર પાસે આવીને એણે જોયું તો પગથિયાં પાસે એક જળતરબોળ અપ્સરા ઊભેલી હતી. હજુ થોડી વાર પહેલાં જ જાણે એ સિતારાઓની વચ્ચે રહેતી હતી! ઘેઘૂર સાવધ થઇ ગયો. ‘આ શિકારને હાથમાંથી છકટી જવા ન દેવાય.’ એવું વિચારીને એણે જાળ બિછાવવા માંડી.

‘યસ, વ્હોટ’સ ધ પ્રોબ્લેમ? મે આઇ હેલ્પ યુ?’ એણે પૂછ્યું. છોકરીએ માથું હલાવ્યું, ‘યસ, આઇ નીડ સમ હેલ્પ, સર! હું નીકળી હતી મારી હોસ્ટેલમાંથી ઘરે જવા. વચમાં આ જંગલ આવે છે, પણ અચાનક વરસાદ તૂટી પડ્યો. બે કલાકનો રસ્તો ચાર કલાકનો થઇ ગયો અને લાગે છે કે હવે તો ગાડી આગળ જઇ શકશે જ નહીં. સાંજ ઢળ્યા પછી... જંગલમાં ભૂલા પડી જવાય... અને રખેને કાર બગડે તો...? સર, કેન આઇ હેવ એ શેલ્ટર ફોર ટુનાઇટ?’

ઘેઘૂર રાણા નીરખી રહ્યો આ જળપરીને. રૂંવે-રૂંવેથી પાણી ટપકી રહ્યું હતું. માથાના વાળ જળચર નાગણની જેમ વળ ખાઇને ખભા પર પડેલા હતા. એના અર્ધપારદર્શક સલવાર-કમીઝ પાણીમાં પલળીને સંપૂર્ણ પારદર્શક બની ગયાં હતાં. ઘેઘૂરે હોઠો પર જીભ ફેરવી લીધી, ‘વ્હાય નોટ? વ્હાય નોટ? ફોલો મી...’ ઘેઘૂર એ ભીનાં સૌંદર્યની પોટલીને લઇને પોતાના કોટેજમાં આવ્યો. બારણું જાણી જોઇને ઉઘાડું રાખ્યું, જેથી છોકરીને શંકા ન પડે.

‘શું નામ છે તમારું?’‘પ્યાસ.’ છોકરી બોલી, ‘તમે મને ‘તું’ કહીને વાત કરો ને, સર! હું તો તમારી દીકરી જેવડી છું. ઘેઘૂર હસ્યો. ‘વાત તો એની સાચી છે.’ એ બબડ્યો,’ એ લાગે છે અઢારની અને હું છું આડત્રીસનો. પણ ઉંમરની સાથે સંબંધને શી લેવાદેવા, હેં?’ પ્યાસ ધ્રૂજતી હતી. ઘેઘૂરે એને બાથરૂમની દિશા બતાવી આપી, ‘ત્યાં જઇને કપડાં બદલી નાખ. નહીંતર શરદી થઇ જશે. મારો નવો જ નાઇટડ્રેસ છે એ ચાલશે. જરાક મોટો તો પડશે પણ... તું પાછી આવ ત્યાં સુધીમાં હું તારા માટે હોટ કોફી મગાવી લઉં છું.’

પ્યાસ કપડાં બદલીને બહાર આવી ત્યાં સુધીમાં કોફી આવી ગઇ હતી. કોફીના ઘૂંટ ભરતાં-ભરતાંયે એણે એક-બે વાર પૂછી લીધું, ‘તમે કેટલા સારા છો, નહીં? તમે મારા પપ્પા જેવા છો એટલે જ હું તમારામાં વિશ્વાસ મૂકી રહી છું. બાકી આ જમાનામાં...’ અચાનક એની આંખો ઘેરાવા માંડી. એનું શરીર શિથિલ પડી ગયું. કોફીનો ખાલી મગ એની આંગળીઓમાંથી સરકી ગયો. પ્યાસ ઢળી પડી.

‘એક્સેલન્ટ!’ ઘેઘૂર ઊભો થઇ ગયો. ખિસ્સામાંથી એક કાચની શીશી કાઢીને એને ચૂમી લીધી, ‘વાહ, કેટામિન! તું તો કમાલની દવા છે. જાણકારો તને અમસ્તી કંઇ ‘રેપ ડ્રગ’ તરીકે નથી ઓળખતા!’ ઘેઘૂરે પ્યાસની બેહોશ કાયા પોતાની બે મજબૂત ભુજાઓમાં ઊંચકી લીધી. એને પથારીમાં સુવાડી દીધી. હવે એણે મુખ્ય દ્વાર વાસી દીધું.

પછી ઘેઘૂર પ્યાસને ચૂમવા માટે એના દેહ ઉપર ઝૂક્યો. ત્યાં જ એની નજર પ્યાસની ડોકમાં રહેલા સોનાના લોકીટ ઉપર પડી. એ ચમકી ગયો. ચેઇન ભલે નવી હોય તેવી લાગતી હતી, પણ આ લોકીટ જૂનું દેખાતું હતું. જૂનું પણ અને જાણીતું પણ! કંપતી આંગળીઓ વડે ઘેઘૂરે લોકીટ હાથમાં લીધું. હૃદયના આકારમાં બનાવાયેલા લોકીટને એણે ચોક્કસ રીતે દબાવ્યું તો એ બે ભાગમાં ઊઘડી ગયું. અંદરની તરફ એક ખાનામાં પુરુષનો ફોટો હતો, બીજા ખાનામાં એક સ્ત્રીનો. પુરુષ અજાણ્યો હતો, પણ સ્ત્રી...?!

‘ઓહ્ નો! આ તો એ જ લોકીટ છે. ઝાકળનો ફોટો તો જ્યાંનો ત્યાં જ છે, પણ મારો ફોટો...!’ ઘેઘૂર પથારીમાંથી હટીને ઊભો થઇ ગયો. એને ઝાકળ યાદ આવી ગઇ. અઢાર વરસ પહેલાં એને પાલવ ભરીને પ્રેમ કરતી હતી એ ઝાકળ. ઘેઘૂરે એનેય શિકાર તો બનાવી જ દીધી હતી, પણ પછી એ એને ચાહવા લાગ્યો હતો. એક દિવસે ઝાકળે ઘેઘૂરને બીજી સ્ત્રીની સાથે રંગે હાથ પકડી પાડ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર એ એની જિંદગીમાંથી ચાલી ગઇ. છેલ્લે છુટાં પડતી વખતે ઝાકળ ગર્ભવતી હતી એટલું ઘેઘૂરને યાદ હતું.

એ બેહોશ પ્યાસના રૂપાળા ચહેરાને ધ્યાનથી નીરખી રહ્યો, ‘એ જ છે! આ એની માનું રૂપ લઇને જન્મી છે, પણ આ એની આસમાની આંખો, આ એનાં કાનનો વળાંક, આ... અરે! આ જમણા હાથમાં પાંચને બદલે છ આંગળીઓ... આ બધું મને દેખાયું કેમ નહીં?’ એ પ્યાસને વળગીને રડી પડ્યો, ‘મને માફ કરી દે, બેટા! હું બહુ મોટા પાપમાંથી બચી ગયો છું. હવે પછી હું ક્યારેય કોઇની સાથે આવું નહીં કરું... પ્યાસ, આંખો ખોલ, બેટા! તું મારી દીકરી જેવી નથી, પણ મારી દીકરી જ છે...’

Comments