સંબંધોની આરપાર- મિતવા ચતુર્વેદી
આજે રચિતા અને નિકુંજની દસમી મેરેજ એનિવર્સરી હતી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં, બધી જ વાતે સુખી સંસાર હતો. નિકુંજ રચિતાને ખૂબ જ ખુશ રાખતો હતો. તેમને દુઃખ માત્ર એટલું જ હતું કે સુખમય દાંપત્યજીવનનું ફળ એમને નહોતું મળ્યું એટલે કે તેમને કોઈ સંતાન ન હતું. નિકુંજને બિઝનેસ ટૂર માટે બહારગામ જવાનું થયું, તેથી તે રચિતાને તેના પિયરે મૂકી આવ્યો.
આટલું ન ભૂલશો
- ક્યારેય પાર્ટનરની સાથે ભૂલથી પણ વિશ્વાસઘાત કરશો નહીં.
- ભુલાઈ ગયેલા સંબંધોને ફરીથી તાજા કરવાની ભૂલ ન કરવી.
- કોઈ પણ બાબતે મૂંઝાયા વગર પાર્ટનર સાથે વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ.
- લગ્નેતર સંબંધો સુખી સંસારને ઉજાડે છે.
પિયરમાં આવીને રચિતા પોતાનું બધું જ દુઃખ ભૂલી જતી. તેના ઉદાસ ચહેરા પર ફરીથી સ્મિત રેલાતું. એક દિવસ રચિતા પોતાના ઘરની નજીકના ગાર્ડનમાં ટહેલવા માટે નીકળી. થોડી વાર ચાલીને તે ગાર્ડનમાં બાંકડા પર બેઠી હતી. એટલામાં જ ગાર્ડનમાં શરીરે હૃષ્ટ-પૃષ્ટ અને દેખાવે સ્માર્ટ યુવક પ્રવેશ્યો. તેના પર નજર પડતાંની સાથે જ રચિતાના માનસપટલ પર તેનો ભૂતકાળ તરવરવા લાગ્યો. તે યુવાનનું નામ અનિલ હતું. તેઓ સ્કૂલકાળથી જ એકબીજાંને સારી રીતે ઓળખતાં હતાં, પરંતુ મિત્રતા છેક કોલેજમાં આવીને થઈ. ધીરે ધીરે બંનેનાં દિલમાં એકબીજા માટે લાગણીઓ બંધાઈ અને તેમની વચ્ચેનો મિત્રતાનો સંબંધને હવે પ્રેમસંબંધ બન્યો. બંનેએ એકબીજાંને સાથે જીવવા-મરવાના કોલ પણ આપી દીધા. બે યુવાન હૃદય વચ્ચેનો પ્રેમ ક્યારેય છુપાઈને રહી શકતો નથી. રચિતાના ઘરે જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેના ઘરના લોકોએ તેને કોલેજ છોડી દીધી અને અનિલને ખૂબ માર માર્યો, રચિતાના એકલા ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો અને તેના માટે યોગ્ય મુરતિયો શોધવા લાગ્યા. રચિતાએ શરૂઆતમાં ઘણી આનાકાની કરી, પરંતુ આખરે માતા-પિતાની આંખમાં આંસુ જોઈને તેમની લાગણીઓને વશ થઈને તેણે વડોદરાના બિઝનેસમેન નિકુંજ સાથે લગ્ન કરી લીધાં.
રચિતા બાંકડા પરથી ઊભી થઈને અનિલ પાસે ગઈ અને દબાતા સ્વરે કહ્યું,”કેમ છે અનિલ?, મજામાં!”
રચિતા સામું જોઈને ઉદાસ ચહેરા પર આછા સ્મિત સાથે અનિલે કહ્યું,”મધદરિયામાં જેનું વહાણ ડૂબી ગયું હોય, તે કેવી રીતે મજામાં હોઈ શકે!”
“મને માફ કરી દે અનિલ. હું મજબૂર હતી.' કહેતાંની સાથે જ રચિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને થોડી જ ક્ષણોમાં તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. પોતાના ખભાનો સહારો આપીને અનિલ રચિતાને સાંત્વના આપવા લાગ્યો. તેણે કોલેજના સમયની રમૂજ ક્ષણો યાદ કરાવીને રચિતાને આખરે હસાવી લીધી.
હવે દરરોજ તેમની વચ્ચેની મુલાકાતો વધવા લાગી. બહેનપણીના ઘરે જવાનું કહીને રચિતા અનિલના મિત્રના ખાલી પડી રહેલા ફ્લેટમાં તેને દરરોજ મળવા જતી. બંને હાથોમાં હાથ નાખીને જૂની યાદોને વાગોળવા લાગ્યાં. એકાંતમાં બે પ્રેમીપંખીડાંઓ મળે ત્યાર બાદ સીમાઓ ઓળંગી જવાય તે સ્વાભાવિક જ હતું. કેટલાંય સમય પછી રચિતાના પાનખર જીવનમાં વસંત આવી હતી. અનિલને ભેટીને તે કહેવા લાગી કે, 'મારા લગ્નને આજે ચાર-ચાર વર્ષ થયાં હોવા છતાં પણ સંતાન નથી, મેં ડોક્ટરને મળીને મારી બધી જ તપાસ કરાવી છે, મારામાં કોઈ ખામી નથી અને નિકુંજને તેનામાં કોઈ ખામી છે તે હું કહી શકતી નથી. શું તું આપણા પ્રણય સંબંધના ફળરૂપ મને એક સંતાન ન આપી શકે! આ વાતની કોઈને જાણ નહીં થાય અને વર્ષે, છ મહિને આપણે આ રીતે જ મળતાં રહીશું.' અનિલ રચિતાની વાત સાથે સહમત તો થયો અને કહ્યું, “હજુ થોડા સમય પછી, હમણાં જ તો આપણે મળ્યાં છીએ. મને મનભરીને પ્રેમ તો કરી લેવા દે.”
બસ આ જ ક્રમ ચાલતો રહ્યો. એક દિવસ રચિતાની ખાસ બહેનપણી દીપિકા તેને અનિલની સાથે ફ્લેટમાંથી બહાર નીકળતાં જોઈ ગઈ. દીપિકા એક દિવસ રચિતાને ઘરે મળવા ગઈ અને પોતે તેને અનિલની સાથે જોઈ છે તે જણાવીને આગળ વાત કરવા લાગી. રચિતાએ પોતાનું દુઃખ દીપિકાને જણાવ્યું. દીપિકાએ આખી વાત સાંભળીને રચિતાને કહ્યું, “તું જે કરી રહી છે તેનાથી તારો સંસાર ઉજડી જશે. જેને ક્યારેય દૂર ન કરી શકાય તેવું દુઃખ આવી પડશે. એના કરતાં તો તું તારા પતિ સાથે વાત કર અને તેમનો યોગ્ય ઈલાજ કરાવ.”
રચિતાને પોતાની ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો. તેણે અનિલની માફી માગીને, પોતાને હવે પછી ક્યારેય ન મળવાની વિનંતી કરીને નિકુંજના આવ્યા બાદ પોતાના સાસરે ચાલી ગઈ. તે નિકુંજને સાથે લઈને ડોક્ટરને ત્યાં ગઈ અને યોગ્ય ઈલાજ કરાવ્યો. દોઢ વર્ષ પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો
The best part is Nikunj forgiven Rachita.
ReplyDeleteumang.201078@gmail.com