રાઘવજી માધડ: મેં કોઇને આમ પ્રેમ કર્યો નથી...

‘મેં કોઇને પ્રેમ તો શું, પ્રપોઝ પણ કર્યું નથી. મને ડર લાગે છે કે હું મેરેજ લાઇફમાં સફળ થઇશ નહીં. 

ઋતુઓની મહારાણી વસંતનો પ્રેમાળ પદરવ પ્રસરી રહ્યો છે. પ્રિયજનને પ્રપોઝ કરવાનું કે ઇજન આપવાનું નિમિત્ત પૂરું પાડનાર વેલેન્ટાઇન્સ ડે તેના પગે ઘૂઘરા બાંધી થનગની રહ્યો છે. આવા વહાલપભર્યા વખતે મૃદંગ તેની મૂંઝવણ લઇને આવ્યો છે. કહે છે: ‘મારા માટે આ મોટી મૂંઝવણ છે, શું કરવું તે સૂઝતું નથી.’

પ્રશ્ન હંમેશાં પહાડ જેવો લાગે છે. પણ મક્કમ નિર્ધારસાથે કદમ ઉપાડો તો તે પહાડ નહીં પણ રાઇ જેવો લાગશે.મૃદંગ એમ.એસસી. થયેલો યુવાન છે. સુરતની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેને સારી સેલરી, સિક્યોરિટી અને જોબ સેટિસ્ફેકશન છે. તેથી મમ્મી-પપ્પા મેરેજ કરવાનું કહે છે. પણ મૃદંગે આજ સુધી કોઇ યુવતી સામે આંખ ઉપાડીને જોયું નથી. લવ કે એવા કોઇ લફરાના કવરેજ એરિયામાં પ્રવેશ કર્યો નથી. 

તેનું એક જ ધ્યેય હતું અને તેમાં સફળ થયો, હાંસલ કરી શક્યો. જીવનની ધ્યેય પ્રાપ્તિ કરવા જે મહેનત કરવી પડે તે કરવી જ જોઇએ. પણ એનો અર્થ એ નથી કે જીવનના તાલને તોડી નાખવો! બાળપણમાં તોફાન, કિશોરાવસ્થામાં ધીંગામસ્તી કે યુવાપણાની અલ્લડાઇ... બટ્ નેચરલ. આ ગતિમાં ક્ષતિ આવવી ન જોઇએ.

‘મેં કોઇને પ્રેમ તો શું, પ્રપોઝ પણ કર્યું નથી. મને ડર લાગે છે કે હું મેરેજ લાઇફમાં સફળ થઇશ નહીં. મારા લીધે સામેના પાત્રનું જીવન બગડશે...’ મૃદંગે મનનો ભાર ઓછો કરતાં કહ્યું.પ્રેમ આમ તો સુવાસ જેવો છે. સુવાસ વ્યક્તિના તન-બદન પર વેલીની માફક વીંટળાઇ વળે છે. છતાંય જગ્યા રોકતી નથી. તેનો ભાર પણ લાગતો નથી. તેમજ કોઇપણ પ્રકારના બંધનમાં બાંધતી નથી. અને પ્રત્યેકપળે અહેસાસ કરાવે છે કે હું તમારા શ્વાસમાં છું, આસપાસ છું!

‘મૃદંગ! આ તારો માત્ર ને માત્ર કાલ્પનિક ભય છે.’ મેં કહ્યું: ‘ભાઇ! પ્રેમની પાઠશાળા હોતી નથી, સગાઇનો એવો કોઇ સિલેબસ નથી અને નથી હોતી લગ્નજીવનની તાલીમ... આ બધું જોઇ, જાણી અને અનુભવવાનું હોય છે. અનુભવ મોટો ગુરુ છે.’

મૃદંગ મંદમંદ હસવા લાગ્યો. વાસંતી વાયરા જેવું તેનું આમ વહેતું સ્મિત ખરેખર મનભાવન હતું. સહેજ ભીનો વાન, આછી ને ઓછી દાઢી-મૂછ. મોં પર અપાર ભોળપણ. કોઇપણને કારણ વગર વહાલ ઊપજે એવો યુવાન!
મૃદંગની સાથે જ કામ કરતી યુવતીને તે ગમી ગયો છે એટલું જ નહીં, મનમાં વસી પણ ગયો છે. સ્માઇલ આપવું, કોઇ બહાનું શોધીને વાતો કરવી અને લંચ બોક્સમાં પાર્ટનરશિપ કરવી... આ બધું જ કરવા છતાં યુવતી, મૃદંગને પોતાનો કરવા સફળ ન થઇ. તેથી તેણે મને-કમને મોં મૃદંગથી ફેરવી લીધું હતું.

‘સર! એ યુવતી હવે મારી હાંસી ઉડાવે છે, ધુત્કારે છે અને કટાક્ષ કરવાની એક પણ તક છોડતી નથી.’ મૃદંગે મોં બગાડીને કહ્યું: ‘દિવસભર આ ત્રાસ અને રાતે ઘેર આવું તો મમ્મી-પપ્પા કહે હવે છોકરી ક્યારે પસંદ કરવી છે?...’ હું ખરેખર કંટાળી ગયો છું.

મેં તેને સમજાવતાં કહ્યું: ‘તને આવું ફિલ થાય છે તેનો અર્થ સ્પષ્ટ છે કે તારામાં પ્રેમ, લાગણી, સંવેદના સાબૂત છે. તું કાલ્પનિક ભય મનમાંથી કાઢી નાખ.’ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું: ‘દોસ્ત! ચિંતા છોડ... મઝાની વસંતઋતુ છે. વસંતના આગમનથી નવોન્મેષ અને તાજગીસભર વાતાવરણ રચાવા લાગ્યું છે. માનવમન પ્રફુલ્લતા અનુભવી રહ્યું છે. અને તેમાં પાછો આવતીકાલે વેલેન્ટાઇન્સ ડે છે! પણ વસંતને નકારવા જેવી નથી, તેની તન-મન પર ઓછી અસર નથી.’

મેં સીધો જ સવાલ કર્યો: ‘મૃદંગ! એ યુવતી તને ગમે છે!?’ જવાબ આપવાના બદલે તે શરમાઇને નજર ફેરવી ગયો. ‘એ યુવતી તારી વાઇફ બને તો, લાઇફમાં કશો વાંધો આવે ખરો!?’ મારું આમ કહેવું સાંભળી મૃદંગ ધડાકાભેર ઊભો થઇને આક્રોશ સાથે બોલ્યો: ‘આવું તો મેં સ્વપ્નમાં વિચાર્યું નથી...!’

‘પણ તો વિચારી લેને...’ મેં હસતાં હસતાં કહ્યું: ‘વેલેન્ટાઇન્સ ડે પ્રેમને પ્રગટ કરવાનું નિમિત્ત છે. કોઇ યુવતીને તમે ખરા દિલથી એમ કહો કે, તું મને ગમે છે... પછી તે યુવતી તેને ગમતું બધું જ તમારા સામે ધરી દેશે.’ ‘પણ હવે તો...’‘કશું જ મોડું થયું નથી. આવતીકાલે સરસ મજાનું કાર્ડ એ યુવતીને ભેટ આપજે.’ ‘પછી...!?’ તે બોલ્યો. તો મેં કહ્યું: ‘પછીનું એ યુવતી પર છોડી દેને!’ 

Comments