ડો. શરદ ઠાકર: ભૂલનો સ્વભાવ છે કે દોષ બીજાનો કહે



 
ડો. સાગઠિયા પ્રમાણમાં નવાસવા ડોક્ટર હતા. જનરલ સર્જન. એક અગત્યના ઓપરેશનમાં વ્યસ્ત હતા. રાજપીપળા બાજુની એક આદિવાસી મહિલાને છેલ્લા છએક માસથી પેઢુમાં દુખાવો રહ્યા કરતો હતો. સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો તો ગભૉશયની પાછળના ભાગમાં પેટના પોલાણમાં કશુંક માલૂમ પડ્યું હતું. એ શું હતું એની ચોક્કસપણે ખાતરી થતી ન હતી.આ ઘટના વીસેક વરસ પહેલાંની છે, ત્યારે સોનોગ્રાફીનું યંત્ર અને સોનોલોજિસ્ટનું કૌશલ્ય આજના જેવું વિકાસ પામેલું ન હતું.

‘મંગાભાઇ, તારી ઘરવાળીના પેટનું ઓપરેશન કરવું પડશે.’ ડો. સાગઠિયાએ બને એટલા ઓછા શબ્દોમાં ગંભીર સ્થિતિનું બયાન કર્યું.‘ઓપરેશન?’ મંગાજી ભડક્યા, ‘સાયેબ, મું એમ કવ છું કે મારી બૈરીનું એક વાર તો પેટ ચિરાઇ જ્યું છે. આ બીજી વાર એમનું?’ ડો. સાગઠિયા હસી પડ્યા, ‘ભાઇ, તું તો સાવ ભોળો રહ્યો. તારી વાઇફનું પહેલું ઓપરેશન તો સુવાવડ વખતે થયેલું છે. એના પેટમાં બાળક હતું ને સુવાવડ થતી ન હતી એટલે પેટ ચીરીને લેવું પડ્યું હતું. આ વખતનું ઓપરેશન જુદી જાતનું છે.

મંગાએ અંગૂઠો મારી આપ્યો. ડોક્ટરે એની વહુ કાળીને ટેબલ ઉપર લેવડાવી. એનેસ્થેટસ્ટિ ઇન્જેકશન માર્યું અને ઓપરેશન શરૂ થયું. ડો. સાગઠિયાએ પેટ ઉપર ઊભો ચીરો મૂકીને પેટની દીવાલના એક પછી એક પડ ‘ડિસેકટ’ કરવા માંડ્યાં. આંખના પલકારામાં પેટ ખોલી નાખ્યું. અંદર હાથ નાખીને તપાસ કરવા માંડી કે રિપોર્ટમાં બતાવેલી જગ્યામાં ખરેખર શું છે!ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે કાળીના પેટમાં ગભૉશયની પાછળની પોલી જગ્યામાં એક કાપડનો ડૂચો રહેલો હતો.

એમને આંચકો તો લાગ્યો, પણ એ પળ વારમાં સમજી ગયા કે આ શું બન્યું હતું! કાળીનું જ્યારે સિઝેરિયન થયું હશે ત્યારે એ ડોક્ટરની ગફલતથી કે સરતચૂકથી ‘સર્જિકલ મોપ’ નામનો એક કપડાનો ટુકડો અંદર રહી ગયો હશે. સામાન્ય કદના હાથરૂમાલ જેવડો આ ટુકડો બધા ડોક્ટરો, બધાં ઓપરેશનોમાં લગભગ વાપરતા જ હોય છે. એક નહીં, પણ એકથી વધારે (ક્યારેક તો પાંચ, દસ કે પંદર) ટુકડાઓની પણ જરૂર પડતી હોય છે.

જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે ડોક્ટર એની નર્સને સૂચના આપે છે, ‘હું પેટમાં મૂકેલા ‘મોપ’ એક પછી એક કાઢતો જાઉં છું ને તને આપતો જાઉં છું. એ કેટલા છે એ ગણીને કુલ કેટલા મૂકેલા એનો તાળો તું મેળવી લેજે. ખાસ ધ્યાન રહે કે એકાદ ‘મોપ’ પણ દરદીના પેટની અંદર રહી ન જાય.’જગતભરના તમામ ડોક્ટરો આ બાબતમાં સાવચેત હોય છે, તેમ છતાં દર વરસે - બે વરસે આવી બેદરકારીના કિસ્સાઓ કાન ઉપર અથડાતા રહે છે.

ડો.સાગઠિયાએ પણ કાળીના પેટમાંથી કપડાનો ભુલાઇ ગયેલો ટુકડો સાવધાનીપૂર્વક બહાર ખેંચી કાઢ્યો. આશ્ચર્ય એમને પોતાને પણ થતું હતું કે સિઝેરિયન દરમિયાન છુટી ગયેલો આ ડૂચો ચાર-સાડા ચાર વરસ લગી કાળીના પેટમાં રહી શી રીતે શક્યો? (જોકે મેં પોતે એક દર્દીના પેટમાં સત્તર વર્ષ પહેલાં રહી ગયેલો ‘મોપ’ ઓપરેશન કરીને કાઢેલો છે. જેણે એ ભૂલ કરેલી તે ડોક્ટર તો મૃત્યુ પામી ચૂક્યા હતા.)

ડો. સાગઠિયાએ ઓપરેશન થિયેટરમાં કામ કરતી આયાને આદેશ આપ્યો, ‘મોંઘી, જા બહાર જઇને કાળીના વરને લઇ આવ.’ મોંઘી ગઇ અને મંગાજીને લઇને ઓ.ટી.ના કાચના બનેલા દ્વાર પાસે લઇ આવી. ડો. સાગઠિયા લોહીથી ખરડાયેલા ગ્લોવ્ઝવાળા હાથ સાથે એની પાસે ગયા. હાથમાં ‘મોપ’ હતો એ બતાવીને કહ્યું, ‘મંગાજી, તારી કાળીના પેટમાં આ કપડાનો ડૂચો હતો.

સિઝેરિયન વખતે ડોક્ટરની ભૂલને કારણે અંદર રહી ગયો હતો. સારું થયું કે તું મારી પાસે આવ્યો. મેં મોટું ઓપરેશન કરીને તારી ઘરવાળીને બચાવી લીધી છે. લે, આ ડૂચો પેલા ડોક્ટર પાસે લઇ જઇને એને બતાવજે!’મંગાજી સ્તબ્ધ. એને એટલું તો સમજાઇ ગયું કે પેલા ‘દાગતર’થી ભૂલ થઇ ગઇ હતી. એના કારણે કાળીનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો, પણ આ ડૂચાને ફેંકી દેવાને બદલે એ ડોક્ટરને દેખાડવાનો શો અર્થ એ એને સમજાતું ન હતું.

એ ડો. સાગઠિયાએ સમજાવ્યું, ‘તને પૈસા મળશે. એ ડોક્ટરને તું કોર્ટમાં કેસ કરવાની ધમકી આપજે. એ ડરી જશે. પછી તું જેટલા રૂપિયા માગીશ એટલા એ તને આપી દેશે. જરૂર પડે તો હું સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપવા આવીશ, પણ એક વાર એને ખબર પાડી દે.’મંગાજીના ગળે વાતનો કોળીયો ઊતરી ગયો. એણે પ્લાસ્ટિકની કોથળીમાં એ ગંધાતો ડૂચો મૂકી દીધો. કાળીને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી. એની ચાકરી કરવા માટે મંગાજીએ એની પાસે રહેવું જરૂરી હતું એટલે અત્યારે તો બીજું કંઇ બન્યું નહીં, પણ અઠવાડિયા પછી કાળીને રજા આપવામાં આવી, ત્યારે મંગાજી એને સાથે લઇને સીધો જ રિક્ષામાં બેસીને પેલા ગાયનેકોલોજિસ્ટ પાસે પહોંચી ગયો.

ગાયનેકોલોજિસ્ટનું નામ ડો. રાજ્ઞેશ શુક્લ. એમના વિસ્તારમાં ખૂબ મોટું નામ અને ખૂબ સારું કામ. ધીકતી પ્રેક્ટિસ. અત્યારે પણ ત્રીસ-ચાલીસ દર્દીઓ પ્રતીક્ષાકક્ષમાં બેઠેલા હતા. મંગાજી બારણાંને ધક્કો મારીને કન્સલ્ટિંગ રૂમમાં ઘૂસી ગયા. ડો. શુક્લ ડઘાઇ ગયા, પણ આગંતુકના તેવર જોઇને મામલો પારખી ગયા. હાથ ઉપરની સ્ત્રીદર્દીને સમજાવીને રવાના કરી દીધી. પછી મંગાજીને પૂછ્યું, ‘શું છે, ભાઇ? આ રીતે બૂમાબૂમ કેમ?’‘રાડો ના પાડું તો શું કરું? તમે તો મારી બૈરીને મારી નાખવા જ ઊભા થ્યા’તા. આ કપડું તમે જ એના પેટમાં છાંડી મેલ્યું’તું ને? આજે આટલા વરહે સાગઠિયાસાહેબે કાઢી આલ્યું! હું ખર્ચના કૂવામાં ઊતરી જયો. ઇના હાટુ કોણ જવાબદાર?’ડો. સાગઠિયાએ બારીક નજરે મંગાજીની સામે જોયું. પછી કાળીને નીરખી લીધી.

યાદશક્તિની સ્પ્રિંગને સારી પેઠે ખેંચી જોઇ, પણ કશુંય યાદ ન આવ્યું. આટલા બધા દર્દીઓ હોય ત્યાં ચાર-સાડા ચાર વરસ પહેલાંનો ચહેરો યાદ ક્યાંથી આવે?એમણે નમતું જોખી દીધું, ‘ભાઇ, જે થયું તે ખૂબ જ ખોટું થયું. મને તારી પત્નીનો ‘કેસ’ યાદ નથી આવતો, પણ તારે જુઠ્ઠું બોલવાનું કોઇ કારણ નથી. મારા કારણે તારી ઘરવાળીને સહન કરવું પડ્યું માટે હું ગુનેગાર છું. બોલ, તને કેટલા રૂપિયા આપું તો તું મને માફી આપશે?’મંગાજી રંગમાં આવી ગયા, ‘ચાલીસ હજાર તો સાગઠિયાસાહેબે લીધા છે. એ મને આલી દો! બાકી તમે જે આલશો એ હું લઇ લઇશ.’

ડો. શુક્લે એમની નર્સને બોલાવીને સૂચના આપી, ‘તું મારા ઘરે જા અને મારી વાઇફ પાસેથી દોઢ લાખ રૂપિયા લઇ આવ! હું એને ફોન કરી દઉં છું. બી ક્વિક.’ નર્સ રવાના થઇ ગઇ.અત્યાર સુધી ચૂપ રહેલી કાળી આ બધો તાલ જોયા કરતી હતી, એને લાગ્યું કે હવે એનો બોલવાનો સમય થઇ ગયો છે. એણે મંગાજી તરફ જોઇને કહ્યું, ‘તમે આટલા હારુ મને આંઇ લઇ આવ્યા? આ સાયેબ તો ભગવાન જેવા છે, જોતા નથી? કેટલી બધી બાઇયુંનાં ઓપરેશન એમના હાથે થાય છે! હજુ સુધી કોઇ કેસ બગડ્યો નથી.’

‘પણ તારો કેસ બગડ્યો ઇનું શું?’‘ઇનું કારણ છે. સાયેબને ખુદને યાદ નહીં હોય, પણ મને છે. તમે તો હાજર નૌતા. હું મારા પિયરમાંથી સુવાવડ માટે આંઇ આવેલી. ખૂબ રાહ જોયા પછી દાગતરે મને ઓપરેશન માટે અંદર લીધી. શીશી સૂંઘાડી, પણ મારું અડધું શરીર ભાનમાં હતું. મને હંધુય હંભળાતું હતું. સાયેબ હજુ તો અડધા ઓપરેશને માંડ પહોંચ્યા હશે, ત્યાં કોઇએ બારણું ધમધમાવ્યું.

નર્સે ખબર આલ્યા. કો’ક કહેવા આવ્યું’તું કે સાયેબનાં બા છેલ્લા શ્વાસે હતાં. સાયેબ એક મિનિટ તો થડકી ગ્યા, પણ પછી કહી દીધું કે મારી માને એટલું કે’જો કે તમારો દીકરો કોઇના ઓપરેશનમાં છે. એ પૂરું કર્યા પછી જ! એ પછી રડતી આંખે એમણે મારું ઓપરેશન પૂરું કર્યું હતું. કદાચ એટલે જ આ કપડું અંદર રહી ગ્યું હશે. હું તમને કવ છું, જો આ દેવના દીધેલા રૂપિયાને તમે હાથ લગાડ્યો, તો મને મરતી ભાળો.’

ડો. શુક્લને પૂરી ઘટના યાદ આવી ગઇ. એ દિવસે એમના માતૃશ્રીનું અવસાન થયું હતું. રડતી આંખે ને ધૂંધળી નજરે એ ન તો છેલ્લી વાર બાને જોઇ શક્યા, ન તો કાળીના પેટમાં છુપાઇ ગયેલું કપડું જોઇ શક્યા! એક સારા ડોક્ટરની ભૂલ જરૂર હતી, પણ સદ્ભાગ્યે એક સારી દર્દી એમને સમજી શકી હતી.

(સત્યઘટના)(શીર્ષકપંક્તિ: ધૂની માંડલિયા)

Comments