ડો.શરદ ઠાકર: આ હાથ થયા છે તલપાપડ



 
સાડી ખેંચી કાઢવાની જરૂર નથી, તારાં કપડાં એ ઉતારી નાખશે. તું એક કામ કર, માત્ર દ્રુમાની સાડીનો પાલવ ખેંચી બતાવ! તોયે તું ભાયડો!

‘મા રા નામનો અર્થ તમે જાણો છો?’ દુર્ગેશે પૂછ્યું.‘ના.’ ઓમી, બિરજુ, કલ્લુ, ડેની અને જયુએ એક સાથે નકારમાં ડોકાં હલાવ્યાં.‘બસ, ત્યારે...’ દુર્ગેશના અવાજમાં પડકાર ફેંકવાની ફાવટ અને પડકાર ઝીલવાનું ઝનૂન છલકાઇ ઊઠ્યાં, ‘ભવિષ્યમાં ક્યારેય મને એવું તો કે’તા જ નહીં કે આ કામ તારાથી નહીં થઇ શકે. મારાથી બધું થઇ શકે.’

‘પહેલા તારા નામનો અર્થ તો કરી બતાવ.’ બિરજુ જ્ઞાનપ્રાપ્તિના મૂડમાં હતો. આમ તો એ આખીયે ટોળકી પાનના ગલ્લા પાસે ઊભી રહેતી તમાકુ-ટોળકી હતી. મસાલો એમની મા હતી, પાન એમનો પિતા હતો અને ગુટખા એમને મન ગોડફાધર. એમનું જનરલ નોલેજ કાથો, ચૂનો અને સોપારી આ ત્રણ જ વિષયો પૂરતું સીમિત હતું. દુર્ગેશ જેવા નામનો અર્થ જાણવો તે એમને મન કોર્સ બહારનો સવાલ હતો, પણ વાતની ચડસાચડસીમાં દુર્ગેશે આવો પ્રશ્ન પૂછી નાખ્યો એટલે જવાબ જાણવાની તાલાવેલી તમામમાં જાગી ઊઠી. ‘દુર્ગ એટલે કિલ્લો.

દુર્ગેશ એટલે કિલ્લાનો માલિક, પતિ, ઇશ્વર, વિજેતા.’ દુર્ગેશે મરઘાની પેઠે ગળું ફુલાવ્યું, ‘મેં ભલભલા મજબૂતમાં મજબૂત કિલ્લાઓને સર કર્યા છે, આ દ્રુમા તો એમની આગળ નાનકડી કિલ્લી કે’વાય. કિલ્લીયે નહીં, કિલ્લાની કાંગરી માત્ર! એને જીતવી એ તો મારે મન...’‘બસ, બસ, બસ.’ કલ્લુએ દુર્ગેશની વિજયકૂચને વચમાં જ અટકાવી દીધી, ‘આ દ્રુમાને તું હજુ ઓળખતો નથી. એ હમણાં પંદર જ દિવસ પહેલાં આપણી કોલેજમાં આવી છે ને એટલે. બાકી જે કોલેજમાં એ પહેલાં ભણતી હતી ત્યાં એની આતંકવાદી જેવી ધાક હતી. આમ બધી રીતે એ સીધી ને સરળ, પણ જો કોઇ છોકરાએ એને છેડવાની હિંમત કરી તો મામલો ખલ્લાસ! દ્રુમાના સેન્ડલનું માપ કોલેજના તમામ મજનૂઓ જાણી ચૂક્યા છે.’

આ માહિતી સાંભળીને દુર્ગેશ વિચારમાં પડી ગયો. પોતાની કોલેજમાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ દુર્ગેશથી ડરતી હતી. એની પાસે હિંમત હતી, છટા હતી, બાપકમાઇનો પૈસો હતો અને આપકમાઇની આવડત પણ હતી. એ ધારે તે છોકરીની પાસે જઇને ઊભો રહી જતો, જમણો હાથ લાંબો કરીને પૂછી લેતો: ‘મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ?’આજ સુધી એક પણ છોકરી એવી નહોતી નીકળી જેણે શરમાઇને, મુસ્કુરાઇને એનો હાથ પોતાના હાથમાં પકડી ન લીધો હોય, પણ આજે પહેલીવાર મિત્રો ભેગા મળીને દુર્ગેશને ડરાવી રહ્યા હતા.

દુર્ગેશ થોડો-ઘણો ડરી પણ ગયો. વિચારીને એણે નિર્ણય બદલ્યો, ‘અચ્છા, તો પછી બીજો કોઇ પડકાર ફેંકો. હું દ્રુમાને પ્રપોઝ કરવાનું માંડી વાળું છું, પણ બીજું કંઇક સુઝાડો! એને ગુલાબનું ફૂલ આપી આવું? એના પર્સમાં મારા નામથી લખેલું વેલેન્ટાઇન કાર્ડ મૂકી આવું? એના કમીઝમાં બરાબર વચ્ચે ભરાવેલી પેન લઇ આવું? બોલો, યારો, કુછ તો બોલો!’‘સાલ્લો મરવાનો થયો છે.’ આ અભિપ્રાય બહુમતીથી નહીં, પણ સવૉનુમતીથી જાહેર કરવામાં આવ્યો. પછી મિત્રો ગહન વિચારમાં પડી ગયા કે દુર્ગેશને એવું તે કેવું કામ સોંપવું જે એને માર ખવડાવે તેવું અઘરું ન હોય અને જીતી જવાય એટલું સહેલું પણ ન હોય!‘મળી ગયું.’

જયુએ અચાનક ચપટી વગાડી, ‘મને એક ફાંકડો વિચાર આવ્યો છે. આવતી કાલે આપણી કોલેજની છોકરીઓ ‘સાડી-દિન’ મનાવવાની છે. દ્રુમા પણ આવતી કાલે સાડી ધારણ કરીને આવશે. દુર્ગેશ માટે પડકાર એ છે કે...’‘અરે, બોલી નાખ ને, યાર! તું કહે તો એની સાડી ખેંચી કાઢું.’ દુર્ગેશ આવેશમાં ભાન ભૂલીને દુ:શાસનના પાઠમાં આવી ગયો.

જયુ હસ્યો, ‘સાડી ખેંચી કાઢવા સુધી જવાની જરૂર નથી, તારાં ખુદનાં કપડાં એ ઉતારી નાખશે. તું એક કામ કર, માત્ર દ્રુમાની સાડીનો પાલવ ખેંચી બતાવ! તોયે તું ભાયડો!’‘બસ, ત્યારે આવતી કાલે ટી.જી.બી.માં ડિનર આપવાની તૈયારી કરી રાખજો. આ મરદ મૂછાળો ધોળા દિવસે બધાના દેખતાં એ પરીની સાડીનો પાલવ...’ દુર્ગેશે પડકાર સ્વીકારી લીધો.

આવતી કાલ અને ધોળા દિવસની આડે આજની રાત અને કાળું અંધારું બાકી હતું. જેમ-જેમ સમય વીતતો ગયો, તેમ દુર્ગેશની હિંમત જવાબ દેવા લાગી. કાલે જો આ માથાફરેલી છોકરી પોતાને લાફો ઠોકી દે તો અત્યાર સુધી જમાવેલી ધાક ધૂળમાં મળી જાય! એવું કંઇક બહાનું શોધી કાઢવું જોઇએ કે જેનાથી પડકાર ઝીલ્યો પણ કહેવાય અને દ્રુમા ગુસ્સે પણ ન થાય. બહુ વિચાર કર્યા પછી એવો ઉપાય દુર્ગેશને જડી ગયો.

સવારે અગિયાર વાગ્યે એણે મિત્રોને એક ઝાડ નીચે ઊભા રાખ્યા. પોતે વીસેક ગજ દૂર ગોઠવાઇ ગયો. બાઇક પર એવી રીતે બેસી રહ્યો જાણે કોઇ મિત્રની વાટ જોતો હોય. થોડી જ વારમાં દ્રુમા આવતી દેખાઇ. ચાર-પાંચ દાસીઓ જેવી સહેલીઓની વચ્ચે કોઇ રાજકુંવરી જેવી એ શોભી રહી હતી. ઘેરા લીલા રંગની સાડીમાં એ વનશ્રી જેવી ખૂબસૂરત લાગી રહી હતી.જેવી એ દુર્ગેશની બાજુમાંથી પસાર થઇ કે તરત જ દુર્ગેશે કહ્યું, ‘એક્સકયુઝ મી!’‘યસ?’ દ્રુમાએ પ્રશ્નસૂચક નજર એની તરફ ફેંકી. દુર્ગેશે હાથમાં આવેલો મોકો તત્કાળ ઝડપી લીધો.

‘તમારી સાડી ખરેખર ખૂબ સરસ છે. કેટલામાં ખરીદી?’ આટલું પૂછીને એણે હવામાં લહેરાતો પાલવ પકડી લીધો. જાણે સાડીનું પોત તપાસતો હોય એવી સહજતાથી એ પાલવને પકડી રહ્યો.દ્રુમાએ પળનાયે વિલંબ વગર એક સણસણતો તમાચો દુર્ગેશના ગાલ ઉપર જડી દીધો. પછી તમાચા કરતાંયે વધુ તેજ શબ્દો તણખાની જેમ હવામાં વેરી દીધા, ‘મને તું સાડીની દુકાન સમજી બેઠો છે? હું શું નાની કીકલી છું કે તારી મુરાદ ન સમજું? આ કોલેજનો સમય, સેંકડોની હાજરી, પેલા ઝાડ નીચે ઊભેલા તારા ટપોરી મિત્રો અને તારો પોતાનો જૂનો ટ્રેક રેકોર્ડ. મને બધું સમજાય છે. ગેટ લોસ્ટ અધર વાઇઝ...’‘પ... પ... પણ મેં કર્યું છે શું? તારી ચામડીને તો સ્પર્શ પણ નથી કર્યો. આ પાલવ તો નિર્જીવ છે. એને હાથ લગાડ્યો એમાં છેડતીનો સવાલ જ ક્યાં આવે છે? હું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ.’ દુર્ગેશે ધરાશયી થતા આબરૂના કિલ્લાને ટેકો આપવાની આખરી કોશિશ કરી.

દ્રુમાએ આંખોમાંથી આગ વરસાવી, ‘તું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ? તો હું અદાલતમાં ફરિયાદ કરીશ. હું જ્યારે મજનૂઓને મારવાની હિંમત ધરાવું છું, ત્યારે સ્ત્રી-સન્માનના કાયદા વિશેની સમજ પણ રાખું છું. સાડીનો પાલવ તને નિર્જીવ લાગે છે ને? સારું! તારા માથા પરના વાળ પણ નિર્જીવ છે અને હાથ-પગના નખ પણ! શું હું એને ખેંચી કાઢું? શું એ હિંસા નહીં ગણાય? તને એ વાતની ખબર નથી કે કાયદાની નજરમાં તેં મારો પાલવ ખેંચ્યો એને ‘ઇન્ડિસેન્ટ એસોલ્ટ’ ગણવામાં આવે છે.

કોઇ પણ સ્ત્રીનો પાલવ માત્ર બે જ પુરુષો ખેંચી શકે છે, એક એનો પતિ અને બીજો એનો પુત્ર. એ સિવાય આ અધિકાર એના પિતાને કે ભાઇને પણ નથી હોતો. જો હું અદાલતમાં જઇશ તો તું જેલભેગો થઇ જઇશ. ગેટ લોસ્ટ!’દુર્ગેશ નીચી મૂંડી કરીને ચાલ્યો ગયો. આજ સુધીમાં સર કરેલા તમામ સ્ત્રી-કિલ્લાઓ માટેનું સંચિત અભિમાન આજે પાણી-પાણી થઇ ગયું. સેંકડો છોકરા-છોકરીઓની નજર સામે થયેલા અપમાનમાંથી બહાર આવવા માટે એની પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો. એ રસ્તો પણ દ્રુમાનાં વાક્યોમાંથી જ એને સાંપડ્યો હતો.

છ મહિના પછી કોલેજના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા પૂરી થઇ ગઇ. દુર્ગેશના અત્યાગ્રહને માન આપીને એના ધનાઢÛ અને સજજન પિતા મર્સિડીઝ કારમાં બેસીને દ્રુમાના ઘરે જઇ પહોંચ્યા. બે હાથ ફેલાવીને કન્યારત્નની માગણી મૂકી. બે હાથ જોડીને દીકરાના અપરાધ બદલ ક્ષમા યાચી. દ્રુમાના પપ્પાએ દ્રુમાને પૂછીને આ સંબંધને લીલી ઝંડી આપી દીધી.સુહાગરાતે વરરાજા દુર્ગેશે પોતાની નવોઢાના પાનેતરનો છેડો પકડીને પૂછ્યું, ‘પાનેતર સરસ છે. કેટલામાં પડ્યું?’‘એક દુર્જનને મારેલા એક લાફામાં અને એક સજજનની સાથે ફરેલા ચાર ફેરામાં પડ્યું છે.’ પાનેતરમાં પદમણી જેવી લાગતી દ્રુમા પતિને વળગી પડી.

Comments