આપણે બંને સમદુખિયાં સુખી થઈ શકીએ એમ છીએ..



સંબંધોની આરપાર - મિતવા ચતુર્વેદી
મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા અનિકેતની ટ્રાન્સફર સુરત શહેરમાં થઈ હતી. તેને કંપનીના કામથી વારંવાર વિદેશ જવાનું થતું, તેથી સારા અને સુરક્ષિત વિસ્તારના એક એપાર્ટમેન્ટના ચોથા માળે એક ઘરમાં અનિકેત અને તેની પત્ની રુચા રહેવા આવ્યાં. આશરે ત્રીસ વર્ષનો અનિકેત દેખાવે ઠીક છતાં આકર્ષક યુવાન હતો, પરંતુ તેની પત્ની રુચા ખૂબ જ હાઈ-ફાઈ યુવતી હતી. કોઈ પણ પુરુષ તેને મોહી જાય તેવું રૂપ. તે હંમેશા સ્લિવલેશ, સ્કર્ટ વગેરે જેવાં શોર્ટ કપડાં પહેરતી. કોઈ બાબતે રોકટોક નહીં અને ખુલ્લા વિચારો ધરાવતાં.
તેમના પડોશમાં નિલેશ અને કવિતા રહેતાં હતાં. નિલેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. નિલેશ દેખાવે સ્માર્ટ અને હેન્ડસમ યુવક હતો. તે પોતાના જેવી જ હાઈ-ફાઈ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ તેની પત્ની કવિતા સીધી સાદી, સાડી પહેરનારી ગૃહિણી હતી. તે હંમેશાં ઘરનાં કામોમાં વ્યસ્ત રહેતી. ફિલ્મ જોવાનો કે ફરવાનો કોઈ ખાસ શોખ નહીં.
બંને યુગલો વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ અને થોડા જ સમયમાં ઘર જેવા સંબંધો થઈ ગયા. રવિવાર તથા રજાના દિવસોમાં કવિતા ઘરકામમાં જ વ્યસ્ત રહેતી, જ્યારે અનિકેત, રુચા અને નિલેશ સાથે બેસીને કેરમ, પત્તાં અને ચેસ રમતાં, ફિલ્મો જોતાં. બસ આ જ રીતે આનંદ, મજાથી સમય વીતી રહ્યો હતો.
અનિકેતને કંપનીના કામથી ત્રણ અઠવાડિયાંની લંડનની ટૂરમાં જવાનું થયું. અનિકેત સઘળી જવાબદારી નિલેશ-કવિતાને સોંપીને લંડન ગયો. નિલેશને અઠવાડિયામાં શનિ, રવિ રજા રહેતી. રુચા અને નિલેશે આખા બે દિવસ સાથે વિતાવ્યાં હતાં. રુચા રાત્રે મોડેથી સૂતી, જ્યારે કવિતા કામકાજ કરીને થાકીને સૂઈ જતી. રુચા અને કવિતાના કહેવાથી નિલેશ રુચાના ઘરે તેને કંપની આપવા જતો. ધીરે ધીરે તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ. સંબંધોની સીમારેખા ધીરે ધીરે ભૂંસાવા લાગી. નિલેશનું મન પહેલેથી જ રુચા જેવી યુવતી માટે ઝંખતું હતું. રુચા માટે પણ પતિવિયોગ અસહ્ય બની ગયો હતો. બંનેનાં મનમાં એકબીજા પ્રત્યેની લાગણીઓ આકાર લઈ રહી હતી. પ્રેમભરી નજરે નિલેશે કહ્યું, ‘રુચા, તું ખૂબ જ સુંદર યુવતી છે. હું તારા જેવી સ્માર્ટ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ...’
‘બધાંના નસીબમાં દરેક પ્રકારનાં સુખ હોતાં નથી, મારા નસીબમાં પણ કેટલાંક દુઃખ લખ્યાં જ છે ને!’ રુચાએ નિલેશને કહ્યું.
‘જો તું ઇચ્છે તો આપણે સમદુખિયાં સુખી થઈ શકીએ એમ છીએ.’ કહીને નિલેશે પોતાના હાથ ફેલાવ્યા અને રુચા તેના બાહોપાશમાં સમાઈ ગઈ. નિલેશ રુચાના ગુલાબની પાંખડી જેવા મુલાયમ હોઠનું રસપાન કરવા લાગ્યો અને રુચા સંપૂર્ણ રીતે નિલેશને વશ થઈ ગઈ. હવે આ જ તેમનો નિત્યક્રમ બની ગયો હતો.
પોતાનું કામ જલદી પૂરું થતાં અનિકેત રુચાને સરપ્રાઇઝ આપવા તેને જાણ કર્યાં વગર જ બીજાં જ અઠવાડિયે ફ્લાઇટમાં ઘરે આવી પહોંચ્યો. રાતના સાડા બાર વાગ્યા હતા. નિલેશે પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો. બેડરૂમમાં આછી લાઇટનો પ્રકાશ ફેલાયેલો હતો. અનિકેતે બેડરૂમના દરવાજાની નજીક જઈને જોયું તો રુચા અને નિલેશ બંને એકબીજાના બાહોપાશમાં હતાં. અનિકેતને પોતાની સામે ઊભેલો જોઈને બંને સફાળાં ઊભાં થઈ ગયાં. નિલેશ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો અને રુચા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રુચા પગે પડીને અનિકેતની માફી માગવા લાગી. સમય જતાં અનિકેતે રુચાની આ ભૂલ તો માફ કરી દીધી, પરંતુ રુચાને હજુ પણ પોતાની આ ભૂલનો ડંખ રહ્યાં કરે છે. આજે બંને અમદાવાદમાં સુખેથી રહે છે.  

Comments