ડો. શરદ ઠાકર: ...પણ શ્રદ્ધાની તસવીર કઈ રીતે મઢવી?



‘ત્યારે આજથી ભોજન સદંતર બંધ. માત્ર ફળો પર જ રહેવાનું. દૂધ-દહીં-છાશનીયે મનાઇ. ચાની તો સામેય નહીં જોવાનું. ભોજનમાં બંને ટાઇમ માત્ર બબ્બે કેળાં અને એક સફરજન. બોલો, આટલું થશે?’ એમણે પૂછ્યું. ડો. ત્રિવેદીએ હા પાડી. મરતા ક્યા નહીં કરતા! એ પછી કેન્દ્રની ડો. ત્રિવેદીને પીઠ ઉપર દિવેલની માલિશ કરી અપાઇ. પછી અપાયો ગરમ વરાળનો શેક.

‘ડોક્ટરસાહેબ, કેમ છો?’ ગત સપ્ટેમ્બર માસમાં આવો સવાલ પૂછતાં જેટલા ફોન કોલ્સ આવ્યા, તે તમામના જવાબમાં ડો. ત્રિવેદીએ આવું જ કહેવું પડ્યું, ‘મજામાં નથી, બીમાર છું.’ તરત જ સામેથી પ્રશ્ન ફેંકાય, ‘ડોક્ટરો પણ બીમાર પડે?’ ડો. ત્રિવેદી ચિડાઇને ઉત્તર આપતા, ‘ડોક્ટરો માંદા પણ પડે અને મરી પણ જાય.’ વાત સાચી હતી; જગતના મહાનમાં મહાન ડોક્ટરો પણ કબરમાં દફન થઇ ગયા છે. ડો. ત્રિવેદી માંદા પડે એમાં શી નવાઇ!’

સોળમી સપ્ટેમ્બરે ડો. ત્રિવેદીની કમબખ્તીની શરૂઆત થઇ હતી. તેઓ ગયા હતા એક સંસ્થાની મુલાકાતે. આદિવાસી બાળકોના લાભાર્થે આર્થિક સહાય પહોંચાડવા માટે બસો કિ.મી. જવાના અને બસો કિ.મી. આવવાના, એક પૂરા ચારસો કિ.મી.નો પ્રવાસ ખેડ્યો. ગાડી મોટી અને આરામદાયક હતી, પણ રસ્તાઓ ખરાબ હતા. દેશના સૌથી વધુ વિકસિત રાજ્યનો એ કદાચ સૌથી વધુ અવિકસિત માર્ગ હતો.

ચોમાસું તાજેતરમાં જ પસાર થયું હતું, એટલે ઠેર ઠેર સડક પરથી ડામર અને કપચી ઊખડી ગયાં હતાં. મોટા મોટા ખાડા-ટેકરાઓમાં પછડાતાં, ઊંચકાતાં અને ‘ઉહ-આહ-આઉચ’ બોલતાં બોલતાં જ્યારે રાતના બાર વાગ્યે ડો. ત્રિવેદી ઘેર પાછા ફર્યા ત્યારે એમના શરીરની હાલત વોશિંગ મશીનમાં ફેરવી દેવાયેલાં ભીનાં વસ્ત્રો જેવી થઇ ગઇ હતી.

ગાડીમાં બેઠાં બેઠાં શરીરને જે પછડાટો લાગી એના કારણે બે પ્રકારની તકલીફો ઊભી થઇ, એક તો કમરમાં ટચકિયું થઇ ગયું અને બીજી તકલીફમાં હોજરી-આંતરડાંમાં સોજો આવી ગયો. કમરમાં એક ચોક્કસ જગ્યાએ સણકા ઉત્પન્ન થવા માંડ્યા. આખી રાત ઊંઘી ન શકાય, હાયપર એસિડિટીને મારવા માટે ડો. ત્રિવેદીએ બબ્બે ગોળીઓ ખાધી, પણ છેક સવાર સુધી ઊબકા આવતા રહ્યા.

સવારે ઊઠીને પહેલું કામ એમણે ઓર્થોપેડિક સર્જનને ફોન કરવાનું કર્યું, ‘મિત્ર, ઘરેથી નીકળીને તમારા નર્સિંગ હોમમાં જતી વખતે રસ્તામાં મારું ઘર પડે છે અને ઘરમાં પથારીમાં હું પડ્યો છું. મને જોતા જજો.’ડોક્ટર રાજેશભાઇ પાંચ જ મિનિટમાં આવી પહોંચ્યા. પૂછ્યું, ‘શું થયું છે?’જવાબમાં ડો. ત્રિવેદી વર્ણન કરી રહ્યા, ‘કમરના બે મણકા વચ્ચેથી નીકળતી સાયેટિક નર્વ દબાઇ ગઇ હોય તેવું લાગે છે. જમણા પગમાં મૂળથી છેક નીચે સુધી સળંગ ઝણઝણાટી જેવું થાય છે. વીજળીનો પ્રવાહ વહેતો હોય એવું અનુભવી શકાય છે.

આપણે એનેટોમી ભણતા હતા ત્યારે મડદાની ચીરફાડ કરીને સાયેટિક નર્વનો પ્રવાસમાર્ગ જાણી લેતા હતા, અત્યારે વગર ડિસેકશન કર્યે મને એ ચેતાનો સંપૂર્ણ માર્ગ પકડાઇ રહ્યો છે. કોઇ પણ સ્થિતિમાં હું સૂઇ શકતો નથી. પડખાં બદલું, ચત્તો થાઉં, ઊંધો પડું, દેડકાની પેઠે ચાર ‘પગ’ પર ઊંચો થઇને સૂવાનો પ્રયત્ન કરું, કમરની આસપાસ નાના-મોટા તકિયા ગોઠવું, પણ કશો જ ફરક પડતો નથી. પેલી ઝણઝણાટી મને સહેજ વાર માટેય જંપવા દેતી નથી.’

ડોક્ટરે બીજા ડોક્ટરને તપાસ્યા, પછી સલાહ આપી, ‘તમારું અનુમાન સાચું છે. ગાડીમાં ઊછળવાથી મણકાઓને માર પડ્યો છે. સાયેટિક નર્વ સ્ટીમ્યુલેટ થઇ ગઇ છે. થોડાક દિવસ પથારીમાં આરામ કરો અને પેઇન કિલર ગોળીઓ આરોગો. સારું થઇ જશે.’ ડો. ત્રિવેદીએ માથું ધુણાવ્યું, ‘પથારીમાં પડ્યા રહેવાનું શક્ય નથી. માથા પર કામનો પહાડ ઝળૂંબે છે અને પથારીમાં સૂવું તો કઇ પોઝિશનમાં સૂવું? રહી વાત પેઇન કિલર ગોળીઓની, તો તમને તો ખબર છે જ કે એસિડિટી એ મારી સૌથી જૂની અને વફાદાર બીમારી છે. જો એક પણ પેઇનકિલર ખાઇશ, તો તરત જ ઊલટીઓ ચાલુ થઇ જશે.’

‘તો એની સાથે એસિડિટીની ગોળીઓ પણ લેવાનું રાખો ને!’‘એ તો ચાલુ જ છે. ગઇ કાલ રાતથી રેનિટિડીન, ફેમોટિડીન, ડાઇજીન, રેબીપ્રેઝોલ, ડોમપેરડોન વગેરેનો નાસ્તો કરી રહ્યો છું. છેવટે મ્યુકેઇન જેલ પણ ગટગટાવી ગયો. પેટમાં આઇસક્રીમ અને ઠંડા દૂધ સિવાય કશું જ નાખ્યું નથી, તો પણ હોજરીમાં અંગારા પડ્યા હોય તેવું લાગે છે. આમાં ડાઇકલોફેનિક તો શું, પણ પેરાસિટામોલ લેવાનુંયે શક્ય નથી.’

ડો. ત્રિવેદીનો ખુલાસો સાંભળીને ઓર્થોપેડિક સર્જને હાથ ખંખેરી નાખ્યા. મિત્ર હોવાના કારણે એ સીધેસીધું એમ તો ન કહી શક્યા કે આપણી એલોપથીમાં આનાથી વધારે હવે કોઇ સારવાર નથી, પણ આ જ વાત એમની આંખોમાં વાંચી શકાતી હતી. એ આશ્વાસન આપીને ચાલ્યા ગયા.

ડો. ત્રિવેદી બીજા ત્રણ દિવસ અને ત્રણ રાત તરફડતા રહ્યા. કન્સલ્ટિંગ ચેરમાં પણ એ બેસી શકતા ન હતા. છતાં બેસવું પડતું હતું. અંતે એ થાકી ગયા, હારી ગયા. અચાનક એમના દિમાગમાં ઝબકારો થયો. કેટલાક મહિનાઓ પહેલાં એમના કોઇ મિત્રે એક કુદરતી ઉપચાર કરતા ચિકિત્સકનો પરિચય કરાવ્યો હતો. એ પતિ-પત્ની અમદાવાદના જ એક પરા વિસ્તારમાં એક નાનું, પણ સુંદર નિસર્ગોપચાર કેન્દ્ર ચલાવે છે. પતિ-પત્ની બંને ખૂબ ઉત્સાહી છે.

ક્લિનિક ઉપરાંત તેઓ એક નયનરમ્ય સામિયક પણ બહાર પાડે છે. જેમાં ગુજરાતના જાણીતા લેખકો આરોગ્ય વિષયક લેખો લખે છે. ક્યારેક આ દંપતી કુદરતી ઉપચારોથી સાજા થયેલા દર્દીઓને રજૂ કરતો કાર્યક્રમ પણ યોજે છે. ડો. ત્રિવેદી એક વાર આવા જ એક કાર્યક્રમમાં ટાઉન હોલ ખાતે હાજરી આપવા ગયા હતા, ત્યાં કેન્સરના દર્દીઓને પણ નિસર્ગોપચારથી ફાયદો થયો હતો તેવું તેમણે દર્દીઓના સ્વમુખે સાંભળ્યું હતું.

ડો. ત્રિવેદીએ ફોન જોડ્યો. નિસર્ગોપચાર કેન્દ્ર ચલાવતા સજજનને પોતાની તકલીફો વિશે વાત કરી, પછી શરત મૂકી, ‘જો એક પણ ગોળી કે કેપ્સ્યુલ વગર મારું દરદ મટાડી આપવાના હો તો હું આવું.’ સજજને હા પાડી અને ડો. ત્રિવેદી એમની પત્ની સાથે ગાડીમાં બેસીને નીકળી પડ્યા.

***

‘ખાવા-પીવામાં કડક નિયંત્રણો મૂકવા પડશે. જીભ પર સંયમ જાળવી શકશો?’ નિસર્ગોપચારકે પૂછ્યું.‘હા, ચક્રવર્તી રાજાની ભોજનશાળામાં બનેલાં વિશ્વશ્રેષ્ઠ વ્યંજનો પણ મને લલચાવી નહીં શકે.’ ડો. ત્રિવેદીએ વચન આપ્યું.‘ત્યારે આજથી ભોજન સદંતર બંધ. માત્ર ફળો પર જ રહેવાનું. દૂધ-દહીં-છાશનીયે મનાઇ. ચાની તો સામેય નહીં જોવાનું. ભોજનમાં બંને ટાઇમ માત્ર બબ્બે કેળાં અને એક સફરજન. બોલો, આટલું થશે?’ એમણે પૂછ્યું. ડો. ત્રિવેદીએ હા પાડી. મરતા ક્યા નહીં કરતા! એ પછી કેન્દ્રની એક યુવતીએ ડો. ત્રિવેદીને એક ટેબલ પર પડખાભેર સુવાડીને પીઠ ઉપર દિવેલની માલિશ કરી આપી. એ પછી અપાયો ગરમ ગરમ વરાળનો શેક. તરત તો ખાસ ફરક ન જણાયો. ટચકિયું હજીયે ઊભું જ હતું.

નિસર્ગોપચારના જાણકાર સજજને જમણા પગના અંગૂઠા પાસે એક ચોક્કસ બિંદુ પર ચોક્કસ માત્રામાં દબાણ આપ્યું. પછી પૂછ્યું, ‘હવે વીજળીના ઝટકા ગયા?’ ખરેખર એક જ ક્ષણમાં ટચકિયું ગાયબ થઇ ગયું. આ એકયુપ્રેશરની કમાલ હતી.હવે પેટની ગરમી માટે કાળી માટીનો પ્રયોગ શરૂ થયો. ડો. ત્રિવેદીએ ગાંધીજીની આત્મકથામાં કાળી માટીના પ્રયોગો વિશે વાંચેલું હતું, પણ એમને વિશ્વાસ પડ્યો ન હતો. હવે પડ્યો. ભીની માટીની ઠંડકે એમની હોજરીની આગને ઘણે અંશે શાંત પાડી દીધી. પૂરા બે કલાક કેન્દ્રમાં ગાળ્યા પછી ડો. ત્રિવેદીએ વિદાય લીધી.

સાત દિવસનો કોર્સ હતો. ડો. ત્રિવેદી માટે આ અઘરું કામ હતું. એમનું રહેઠાણ અમદાવાદના એક છેડે અને નિસર્ગોપચાર કેન્દ્ર બીજા છેડે, પણ આ સારવારથી જે ફાયદો મળી રહ્યો એ ચમત્કારિક હતો એટલે ડોક્ટર ટકી રહ્યા. ટચકિયું તો બે જ દિવસમાં ભાગી ગયું હતું, પણ એસિડિટી માટે સાત દિવસ લાગી ગયા. આપણું શરીર પંચતત્વોનું બનેલું છે. એમાં જો કોઇ પ્રકારની ગરબડ થાય તો પંચતત્વો વડે જ મટાડી શકાય છે આ વાત પહેલી વાર ડોક્ટરની નજર સામે આવી ગઇ. એમને ફળો સાથેના ઉપવાસ એટલા બધા ભાવી ગયા અને ફાવી ગયા કે ચાર-પાંચ દિવસને બદલે પૂરા એકવીસ દિવસ કાઢી નાખ્યા.

અત્યારે ડો. ત્રિવેદી કોઇ જાતવાન અશ્વની જેમ ઊછળે છે, કૂદે છે, લાંબા પ્રવાસો ખેડે છે અને રાત પડ્યું પથારીમાં શાંતિથી ઊંઘી શકે છે અને પોતાના ડોક્ટર મિત્રોને કહે છે : ‘ક્યારેય તમારા દર્દીને એવું ન કહેશો કે આ રોગ માટે માત્ર આ જ સારવાર છે. જ્યાં તમારી ચિકિત્સા પદ્ધતિનો ડેડ એન્ડ આવી જતો હોય, ત્યાં શક્ય છે કે અન્ય સારવાર પદ્ધતિના રસ્તાઓ હજુ ખુલ્લા પડ્યા હોય. મર્યાદા માનવીની હોઇ શકે, જ્ઞાનની નહીં.’

(સત્યઘટના)

Comments