ગુજરાતની સત્યઘટના: પટેલ યુવતીની કહાની હચમચાવી મૂકશે



  

દેવકીની નજર સામે સ્વયં વાસુદેવો ગર્ભસ્થ દિકરીઓને ટૂંપો દે છે!


ગર્ભગૃહના અંધકાર કરતાં અપેક્ષાઓ વધુ કાજળઘેરી!


તમે એને સમજાવોને... પપ્પા... એ તમારું માનશે... એટલું બોલતાં બોલતાં તો એની પાંપણો પર ઝળુંબી રહેલું ભર્યુંભર્યું વાદળ ગાજવીજ સાથે તૂટી પડ્યું. અશ્રુધારા અને ડૂસકાંઓ વચ્ચે જાણે સ્પર્ધા શરૂ થઇ. હા... બેટા... હું એને ફોન કરું છું... પણ તું રડ નહીં.. દીકરા... છાની રહી જા... જો... બધું સરસ થઇ જશે. શાંત થઇ જા.... પણ પપ્પા... તમે એને આજે જ કહો... પ્લીઝ.. બોલતાં બોલતાં એણે વધુ એક ડૂસકું નાખ્યું... એણે કહ્યું... પપ્પા... આજે.... મમ્મી હોત... તો... એ   બોલતાં બોલતાં અટકી ગઇ... બાકીના શબ્દો ડૂસકાંઓમાં ખોવાઇ ગયા...


ફોનના બન્ને છેડે ક્ષણેક સ્તબ્ધતા છવાઇ ગઇ... એક એવા સંબંધનો ઉલ્લેખ થઇ ગયો કે, પિતા અને દીકરી બન્ને એક્સાથે ચૂપ થઇ ગયાં. પછી એણે જ ઉમેર્યું... સોરી... પપ્પા... હું તમને... હર્ટ કરવા નહોતી માંગતી... પણ... પપ્પાએ કહ્યું ઇટ્સ ઓકે બેટા... હું સમજું છું... પણ તું ચિંતા ન કર... હું વિકાસ સાથે વાત કરું છું...એણે ફોન મૂક્યો.એને થયું કે એનાથી અનાયાસે જ મમ્મીનો ઉલ્લેખ થઇ ગયો ? કે એના મનના કોઇ અંધારા ખૂણામાં પડેલી હૃદયદ્રાવક સત્ય ઘટના સહજ રીતે જ જીભની સપાટી પર આવી ગઇ...?


વૈશાખી એનું નામ. શિક્ષિત સંસ્કારી પટેલ જ્ઞાતિના કુટુંબની મોટી દીકરી. ૧૩-૧૪ વર્ષની સમજણી થઇ અને ત્યારે એને પહેલી વાર ખ્યાલ આવ્યો કે મમ્મી-પપ્પા વચ્ચે કોઇ એકાદ બાબત એવી છે કે, જેને લીધે તેમના વચ્ચે હંમેશાં એક તણાવ રહે છે. ક્યારેક મમ્મી કલાકો સુધી રડે છે. ક્યારેક અચાનક મમ્મી-પપ્પા સાથે બહાર જાય. બન્ને જાય ત્યારે ખુશખુશાલ હોય અને પરત આવે ત્યારે બન્ને ઉદાસ હોય.વૈશાખી માટે આ બધા કોયડા ઉકેલવા અઘરા હતા.


એ ક્યારેક નિર્દોષ ભાવે પૂછતી કે મમ્મી તું રડે છે કેમ ? પપ્પા તને કંઇ બોલ્યા ? મમ્મી એને પ્રેમથી એના માથે હાથ ફેરવતી અને ઊંડો નિસાસો નાંખતી.ક્યારેક માતા બે-ત્રણ દિવસ ઘરે નહોતી આવતી. એ નિર્દોષ ભાવે પિતાને પૂછતી તો પિતા કહેતા કે, તારા નાનાને ત્યાં ગઇ છે...એકવાર એવું થયું કે, પપ્પાએ મમ્મી નાનાને ત્યાં ગઇ છે, બે એક દિવસમાં આવી જશે એમ કહ્યું... અને એ સાંજે જ નાનાનો ફોન આવ્યો. પપ્પા હતા નહીં એટલે વૈશાખીએ ફોન લીધો... નાના સાથે લાડભરી વાત કર્યા પછી એણે કહ્યું મમ્મીને આપોને મારે એની સાથે લડવું છે...


એ આ વખતે પણ અમને લઇને ના ગઇ એની સાથે... નાનાએ કહ્યું... મમ્મીને... ? પણ એ અહીં ક્યાં છે...? પહેલીવાર વૈશાખીને લાગ્યું કે દાળમાં કંઇ કાળું છે... મમ્મી નાનાને ત્યાં ગઇ એવું કહેવાય છે ત્યારે એ ખરેખર નાનાને ત્યાં ગઇ જ નહોતી...!!લગભગ ૧૪ વર્ષની ઉંમરે પહોંચેલી વૈશાખીને હવે ઘણું બધું સમજાવા માંડ્યું હતું. એણે એક દિવસ મમ્મી-પપ્પા વચ્ચે ચાલતી ગુસપુસ સાંભળીને એ સડક જ થઇ ગઇ. મમ્મી ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહી હતી ... અને પપ્પા એને સમજાવતા હતા... ક્યારેક ગુસ્સે થઇ જતા હતા... એણે આંકડા મેળવવાનો પ્રયત્ન કર્યો અને એ સાથે એની સામે સમાજનો એક નગ્ન ચહેરો સામે આવ્યો.


વૈશાખીની બે ફોઇઓ અને દાદી ઇચ્છતાં હતાં કે વૈશાખીની મા ત્રીજા સંતાન તરીકે દીકરો જણે. પહેલા બન્ને સુવાવડ વખતે બે દીકરીઓ આવી ત્યારે જ ઘરમાં જાણે માતમનો માહોલ છવાયો હતો. પહેલી વખત તો વૈશાખીના જન્મને આનંદથી વધાવી લેવાયો... પરંતુ બીજી વખત વૈદેહી આવી ત્યારે જાણે ઘર પર આફત તૂટી પડી. કુટુંબનો એકનો એક દીકરો હોવાને નાતે વંશવેલો આગળ વધારવાની જાણે વૈશાખીના પિતાને ફરજ પડાઇ રહી હતી.


વૈશાખીની માતા ત્રીજીવાર સગભૉ હતી ત્યારની વાત છે. આ એ સમયની વાત છે કે, જ્યારે ગર્ભના જાતિ પરીક્ષણ પર પ્રતિબંધનો કાયદો નહોતો આવ્યો. સોનોગ્રાફી કરવાના આગ્રહને આખરે વૈદેહીની માતાએ સ્વીકારવો પડ્યો. તબીબે જ્યારે કહ્યું કે ‘‘દીકરી...’’ એ સાથે જ જાણે પતિ સહિત તમામ સાસરિયાંની એ અણમાનીતી બની ગઇ. ત્રીજીવારની ગભૉવસ્થા દરમિયાન દીકરીનો જ ગર્ભ રહેવા પાછળ જાણે વૈશાખીની માતા એકલી જ જવાબદાર હોય !


મમ્મીએ ભારે વિરોધ કર્યો પરંતુ આખરે નણંદો અને સાસુનું ધારેલું થયું. એણે ગર્ભપાત કરાવવો પડ્યો. વૈશાખીની માતાના જીવનમાં દેવકીની જેમ સાત-સાત સંતાનોની ગર્ભમાં જ હત્યાનો જાણે શાપ લખાયો હતો.અનેક સાધુસંતોના આશીર્વાદ, દોરા, ધાગા, પીર, દરગાહ, મંદિર, બાધા જેવા અનેક અનેક પ્રયોગો પછી પણ કમનસીબીએ હતી કે વૈશાખીની માતા દર વખતે સગભૉ થતી અને સોનોગ્રાફીનો રિપોર્ટ આવતો - દીકરી.


પટેલ કુટુંબ હોવાના કારણે ‘‘પૈઠણ’’ના જંગી ખર્ચાઓના દ્રષ્ટિકોણથી વિચારતા આ પરિવાર માટે વંશ આગળ વધારવો પણ એટલો જ જરૂરી હતો અને એટલે દર વખતે વૈશાખીની નાદુરસ્ત સગભૉ માતાને તબીબના હવાલે કરાતી અને ગર્ભપાત કરાવી નંખાતો.ક્યારેક એને અશક્તિને કારણે બે-ત્રણ દિવસ દવાખાને જ રાખવી પડે એવા સંજોગો ઊભા થયા ત્યારે ત્યારે વૈશાખી-વૈદેહીને કહેવાયું કે, તેમની માતા નાના-નાનીને ત્યાં ગઇ છે.


વૈશાખી માટે કુમળી વયે પણ આ બધું આઘાતજનક અને અસહ્ય હતું પણ એ ભાંગી તો ત્યારે પડી કે જ્યારે ‘‘દીકરો’’ જણવાની જીદ પૂરી કરવા પિતાએ વધુ એક તક લેવાનું વિચાર્યું. સાતમી વારનો ગર્ભપાત વૈશાખીની માતા માટે જીવલેણ નીકળ્યો. એક કુટુંબે ભેગા થઇ દીકરો મેળવવાની ઘેલછામાં રીતસર એક મહિલાનો જીવ લીધો હતો. લગભગ ૧૫-૧૬ વર્ષની થઇ ગયેલી વૈશાખી માટે આ ખૂબ જ મોટો આઘાત હતો. એક દિવસ તક મળતાં જ એણે પિતાને રીતસર ધમકાવી સાફ-સાફ શબ્દોમાં કહી દીધું કે, મારી માતાના અકાળે અને અપમૃત્યુ માટે તમે અને માત્ર તમે જ જવાબદાર છો.


વૈશાખીના પિતા પાસે દીકરીના શબ્દો સાંભળી લેવા સિવાય કોઇ રસ્તો નહોતો. આજે વૈશાખી ‘‘ફિઝિયોથેરાપિસ્ટ’’ થઇને એને મનગમતા યુવક સાથે પ્રેમલગ્નથી જોડાઇ છે. મહિના પહેલાં જ જમાઇએ તેઓ દાદા બનવાના છે એવા શુભ સમાચાર વૈશાખીના પિતાને આપ્યા છે. બીજી દીકરીને પણ વિદેશ ભણવા મોકલીને એકલવાયું જીવન વ્યતીત કરી રહેલા વૈશાખીના પિતાના જીવનમાં ઘણાં વર્ષો બાદ નવો ઉત્સાહ-ઉમંગનો દરિયો ઘૂઘવાયો છે. ત્યાં તો વૈશાખીએ આજે ફોન કરી ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં કહ્યું કે, પપ્પા ડોક્ટરને બતાવવાના બહાને મને દવાખાને લઇ જવાઇ અને કાયદાની ઉપરવટ જઇ મારો સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો છે.


મારા ગર્ભમાં દીકરી ઉછરી રહી છે એવું જાણતાં જ મારાં સાસરિયાં મને ગર્ભપાત કરાવવાનું કહી રહ્યાં છે. તમારા જમાઇ પણ હવે તેમની સાથે સૂર મેળવવા લાગ્યા છે... પપ્પા તમે એને સમજાવોને... એ તમારી વાત માનશે... પપ્પા મારે બાળક જોઇએ છે... દીકરો કે દીકરી એ મારા માટે ગૌણ છે.. પ્લીઝ પપ્પા..લાચાર પિતા ફોન પકડીને ઊભા હતા ત્યારે પાછળ દીવાલ પર ટાંગેલી તસવીરમાં વૈશાખીની માતા સુખડના હાર વચ્ચેથી પણ જાણે અશ્રુ સારી રહી હતી. ગઇકાલે આખા વિશ્વે જ્યારે મધર્સ ડે ઉજવ્યો ત્યારે અલબત્ત થોડા સમય અગાઉની પરંતુ આ સત્યઘટના આમીરખાનના ‘‘સત્યમેવ જયતે’’ની પાશ્વભૂમિમાં અત્રે પ્રસ્તુત કરી છે.

Comments