ડૉ.શરદ ઠાકર: ઓ પાગલ! સિંકદરોએ બસ અહીંયાં જ ધૂળ ચાટી છે



અઢારમા વર્ષના ઉંબરે ઊભેલી પિયાસી સવારના સાત વાગ્યે સાઇકલ ઉપર બેસીને કોલેજમાં જવા નીકળી. આજે એને જરાક મોડું થઇ ગયું હતું, પણ એણે વિચાર્યું કે સાઇકલ જરાક તેજ ગતિથી ભગાવશે તો એ વધુ મોડી નહીં પડે. મુખ્ય રસ્તેથી જવાને બદલે આજે એણે ગલીઓનો સહારો લીધો. સારો એવો સમય બચી ગયો, પણ આખરે એણે મુખ્ય બજારના રસ્તા ઉપર તો આવવું જ પડ્યું. અહીં અચાનક અણધારી ઉપાધિ આવી પડી. રસ્તામાં કોઇક અણીદાર ચીજ પડી હશે, જે સાઇકલના પૈડાની નીચે આવી ગઇ. એક હળવો ફટાકડો ફૂટ્યો, પૈડામાં ‘પંકચર’ થયું અને સાઇકલ સહેજ લડખડાઇને ઊભી રહી ગઇ.

‘ઓહ, નો!’ બોલતી પિયાસીના ગોરા-ગોરા મુખ ઉપર મોતી જેવો પરસેવો ફૂટી નીકળ્યો. એણે ડાબા હાથના કાંડા પર બાંધેલી રસ્ટિ વોચમાં સમય જોયો. ગુલાબી પર્સમાંથી નાનકડો લેડીઝ રૂમાલ કાઢ્યો. કપાળ પરનાં મોતી લૂછ્યાં. હવે શું કરવું એના વિચારમાં એ પડી ગઇ. બજારમાં કેટલીક દુકાનો ખૂલી ગઇ હતી, કેટલીક હજુ બંધ હતી. દુકાનદારો ટગર-ટગર પિયાસીની હરક્તોને નિહાળી રહ્યા હતા. મોટા ભાગના પુરુષો આવી સિચ્યુએશનમાં પણ યુવતીનાં સૌંદર્યનું રસપાન કરવાનું ચૂકતા નથી, ખાસ તો જ્યારે એ યુવતી ખૂબસૂરત હોય તો. પિયાસી આવી જ એક ખૂબસૂરત છોકરી હતી. અત્યારે આ પરેશાનીમાં એ વધારે સુંદર દેખાઇ રહી હતી. આખરે કોઇ એક પુરુષના દિલમાં રામ વસ્યા, તે પોતાની દુકાન છોડીને એ પિયાસીને મદદ કરવા માટે આગળ આવ્યો. એ પૌરવ હતો.

પૌરવ તદ્દન ‘પ્રેક્ટિકલ’ માણસ હતો. કોઇપણ તાકીદની સ્થિતિમાં તાત્કાલિક શું થઇ શકે એ એને તરત સૂઝી આવતું હતું. અત્યારે પણ એવું જ બન્યું. ‘હું તમને કંઇ મદદ કરી શકું?’ પૌરવે કોઇપણ જાતની બનાવટી ઔપચારિકતા બતાવ્યા વગર સીધું જ પૂછી લીધું.પિયાસીએ માથું હકારમાં હલાવ્યું, પણ એની મૂંઝવણ તો ચાલુ જ હતી, ‘તમે શું કરી શકશો? કોલેજમાં જવાનું મોડું થાય છે... અને ટાયર તો સાવ જ બેસી ગયું છે... અહીં નજીકમાં ક્યાંય પંકચર રિપેરિંગની દુકાન પણ દેખાતી નથી.’

પૌરવ હસ્યો, ‘સાઇકલનું પંકચર સાંધવા માટે દુકાનો નથી હોતી, એ તો બાપડા ફૂટપાથ પર બેસનારા કરી આપે છે. અહીં પણ એવો માણસ પેલા ઝાડ નીચે બેસે છે, પણ એ આઠ વાગ્યા પછી આવે છે.’‘ઓહ્ નો! હવે હું શું કરું? આ સાઇકલ તમારી દુકાન પાસે મૂકીને રિક્ષામાં જતી રહું?’ પિયાસીએ પૂછતાં તો પૂછી લીધું, પણ પછી તરત એને સમજાઇ ગયું કે એને સૂઝેલો વિકલ્પ અર્થહીન છે. સૌરાષ્ટ્રના નાના (કે ઇવન મોટા) શહેરોમાં રિક્ષાવાળાઓ આટલા વહેલા કમાવાનું ચાલુ નથી કરતા. આ સમય તો ગાંઠિયા ને મરચાં ખાવાનો હોય છે.

પૌરવે આંખો ઝીણી કરી, ભવાં સંકોચ્યાં, જમણા હાથની આંગળીથી લમણા પર ટકોરા માર્યા, પછી ઉપાય બહાર પાડ્યો, ‘લેટ મી ડુ વન થિંગ! તમારી સાઇકલ અહીં જ મૂકી દો. હું મારી બાઇક ઉપર તમને કોલેજ સુધી પહોંચાડી દઉં છું. આઇ થિંક, તમારી કોલેજ લગભગ અગિયાર વાગ્યે છુટશે. તમે પાછાં આવશો, ત્યાં સુધીમાં તમારી સાઇકલ રિપેર થઇ ગઇ હશે.’

પિયાસી વિચારમાં પડી ગઇ, પણ વિચારવા માટે એની પાસે સમય જ ક્યાં હતો? અને સવાલ તો માત્ર એક જ હતો: ‘આવા તદ્દન અજાણ્યા યુવાન પુરુષની સાથે બાઇક ઉપર બેસીને મારાથી જવાય ખરું? કોઇ જુએ તો શું વિચારે? આ વાત ઘરે પપ્પા-મમ્મી સુધી પહોંચે તો...?’ પણ એનો જવાબ તરત જડી ગયો, ‘શું કરું? એ સમયે એ સ્થિતિમાં મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ ન હતો. જો હું ‘લિફ્ટ’ લેવાની ના પાડું તો મારે પહેલું લેકચર જતું કરવું પડે, જે મને હરગિજ પોસાય તેમ ન હતું.’

પિયાસીએ હા પાડી દીધી. સાઇકલ મૂકી દીધી. પૌરવની દુકાનમાં બીજો એક માણસ હાજર હતો, પૌરવે ‘બે મિનિટમાં આવું છું.’ એવું એને કહી દીધું, પછી નવી નવેલી દુલ્હન જેવી મોટરબાઇક ચાલુ કરી દીધી. પિયાસી મનમાં સંકોચાતી અને તનમાં સંકોરાતી બાઇક પર બેસી ગઇ. પૌરવ પોતે પણ ફાંકડો, મોજીલો યુવાન હતો. જીન્સ, ટી-શર્ટ, સ્પોર્ટ શૂઝ અને ટ્રેન્ડી ગોગલ્સમાં હીરો જેવો દેખાતો હતો. અને પિયાસી તો હિરોઇન જેવી હતી જ. એક જ બાઇક ઉપર આ બંનેને સાથે બેઠેલાં જોઇને રાહદારીઓ ઊભા રહી ગયા. એમની આંખો હરી-ભરી બની ગઇ. દરેકના મનમાં બોલાયા વિનાના પણ ઊગેલા શબ્દો આ જ હતા, ‘વાહ! ઇશ્વરે શું જોડી સરજી છે! જાણે એકમેક માટે જ ન ઘડાયાં હોય!’

પૌરવ પિયાસીને છેક કલાસરૂમના બારણા પાસે ઉતારીને પાછો વળી ગયો. સાડા અગિયાર વાગ્યે પિયાસી એની દુકાન પર પહોંચી ત્યારે સાઇકલ ટનાટન તૈયાર હતી. પિયાસીના બોલવામાં સાચી હૃદયપૂર્વકની કૃતજ્ઞતા ઝલકતી હતી, ‘થેન્કસ, પૌરવ! તમારા કારણે મારું ‘લેકચર’ બચી ગયું. બાય ધ વે, મારે તમને પંકચર રિપેરિંગના કેટલા રૂપિયા આપવાના છે?’ પૌરવે હસીને પૈસા લેવાની ના પાડી. પિયાસીએ જ્યારે વારંવાર આગ્રહ કર્યો, ત્યારે એણે કહી નાખ્યું, ‘ગમે ત્યારે એક કપ કોફી પીવડાવી દેજો.’

‘ગમે ત્યારે શા માટે? આજે જ કેમ નહીં?’ પિયાસીએ ઋણનો બોજ તાત્કાલિક ઉતારી દેવાની તત્પરતા દર્શાવી. પૌરવે પાછી એની બાઇક ચાલુ કરી. પિયાસી એની પાછળ બેસી ગઇ. આખા શહેરમાં એક જ શોપ હતી, કોફી કોર્નર. ત્યાં બેસીને કોફીના ઘૂંટ સાથે બંને જણાં વાતોની લજિજત પણ માણી રહ્યાં. પિયાસી જ્યારે સાઇકલ પર બેસીને પોતાના ઘરે પાછી ફરતી હતી ત્યારે એના દિમાગમાં પૌરવ માટે આ એક જ અભિપ્રાય ઘુમરાયા કરતો હતો, ‘છોકરો છે તો દિલચશ્પ!’ એ પછી પણ મુલાકાતો થતી રહી, નજરો ટકરાતી રહી, કોફી શોપના ખૂણાના ટેબલ પર ગરમ-ગરમ વરાળ છોડતાં આકર્ષણના ઘૂંટ પીવાતા રહ્યા. આખરે એક દિવસ ભરપૂર ફિલ્મી અંદાજમાં પૌરવે ગુલાબનું ફૂલ પિયાસીના હાથમાં ધરી દીધું અને પૂછી લીધું, ‘વિલ યુ મેરી મી?’

પિયાસીએ હા પાડતાં પહેલાં પૌરવને એનું ઘર, મા-બાપ, જ્ઞાતિ અને ભણતર વિશે આવશ્યક સવાલો પૂછી લીધા. પૌરવ આ પરીક્ષામાં ડિસ્ટિંકશન સાથે પાસ થઇ ગયો. પિયાસી બ્રાહ્નણ હતી અને પૌરવ વણિક હતો. પિયાસીનાં મમ્મી-પપ્પાને આ જ્ઞાતિભેદ માન્ય ન હતો. છેવટે એક દિવસ પિયાસીએ ઘરમાંથી ભાગીને પૌરવ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધાં. સવારે ઘરેથી નીકળેલી દીકરી રાત સુધીમાં પાછી ન આવી એટલે એનાં મમ્મી-પપ્પાએ એના નામનું કાયમ માટે નાહી નાખ્યું.

એક અધ્યાય સમાપ્ત થયો. પછી જે પૌરવ સાથેનો બીજો અધ્યાય શરૂ થયો તે કલ્પનાતીત હતો. ઊભી બજારમાં રૂપકડી દુકાન ધરાવતા પૌરવનું પોતાનું ઘર તો શહેરથી બહાર આવેલા ગરીબ સ્લમ વિસ્તારમાં હતું. દુકાનની માલિકી બીજાની હતી, એ તો ફકત પંદર સો રૂપિયામાં નોકરી કરતો હતો. એણે પોતાની જ્ઞાતિ પણ ખોટી જણાવી હતી. પિયાસી હતાશામાં કશું વિચારી શકે તે પહેલાં તો ‘હનિમૂન’ની રાતો પૂરી થઇ ગઇ હતી અને ‘સારા’ દિવસો શરૂ થઇ ચૂક્યા હતા. એ પિયરમાં પાછી ફરી શકે તેવીયે શક્યતા બચી ન હતી.

પાંચ વર્ષમાં પૌરવે ત્રણ બાળકો પેદા કરીને પોતાના પૌરુષનો પુરાવો (ખરેખર તો પરચો) આપી દીધો. દરેક બાળકના આગમન સાથે પિયાસીના ફરતે જે પીંજરું હતું એમાં સિળયાઓ ઉમેરાતા જતા હતા. છેવટે હદ આવી ગઇ, ત્યારે પિયાસીએ બળવો કરવો પડ્યો, ‘પૌરવ, તંે મને પ્રેમના નામે બરબાદ કરી નાખી. હમણાં ચાર-પાંચ મહિનાથી તો તું ઘરખર્ચ માટેના પૈસા પણ આપતો નથી. તું મને ક્યાંય ‘જોબ’ પણ કરવા દેતો નથી.

તને ભય છે કે જો હું પગભર થઇશ તો તારી જેલ તોડીને નાસી જઇશ... પ્લીઝ, આપણાં બાળકોના પાલન-પોષણ માટે થોડાક રૂપિયા તો...’ પૌરવ રાક્ષસના જેવું હસ્યો, ‘રૂપિયા જોઇતા હોય તો તારા બાપ પાસેથી લઇ આવ. એ ના શેનો પાડે? મારા પૈસા તો બિચારી, મુશ્કેલીમાં આવી પડેલી છોકરીઓને મદદ કરવામાં જ વપરાઇ જાય છે. આજકાલની છોકરીઓ હવે સાઇકલ પર બેસીને કોલેજમાં નથી જતી, હવે એમણે સ્કૂટી પર જવા માંડ્યું છે, એટલે મારે ખર્ચો પણ વધારે કરવો પડે છે.’ બીજા જ દિવસે પિયાસીએ પૌરવનું પ્રેમનગર છોડી દીધું. ત્રણેય સંતાનો સાથે જળાશયમાં ઝંપલાવી દીધું. બીજો અધ્યાય પણ ખતમ થઇ ગયો. 

Comments