તારે મેરજ કરવા નહોતાં, પણ કરવા પડ્યાં છે... આઇ એમ રાઇટ! વાસંતી ચબરાકિયાં સ્વરે બોલી પછી ધીમું ધીમું હસવા લાગી.
વાતની શરૂઆત કેમ અને ક્યાંથી કરવી તેની અવઢવમાં આલાપ અને વાસંતી એકબીજા સામે જોતાં રહ્યાં... પણ વાસંતીથી સહેવાયું નહીં. તે બોલી: તું શું કહેવા માગે છે તે મારી સમજમાં આવતું નથી અને... વાસંતી આગળ બોલે તે પહેલાં તેની વાત વચ્ચેથી કાપીને આલાપ ભાવુકતાથી બોલ્યો: સમજમાં આવે છે પણ વિશ્વાસ બેસતો નથી... આમ જ કહેવું છે ને! વાસંતીએ સાથળ પર હાથ પછાડ્યા.
તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તે તાડૂકીને બોલી: ના, મારે એમ નથી કહેવું... તો પછી પ્રોબ્લેમ શું છે?... આલાપ જે સ્ટાઇલથી બોલ્યો તેની સામે વાસંતી વિસ્ફારિત નજરે ક્યાંય સુધી જોતી રહી. પછી વાતને ઉડાવતી હોય એમ બોલી: તારા મનમાં બધું ડર્ટી ડર્ટી ભર્યું છે. આઇ હેવ નો પ્રોબ્લેમ... ઘડીભર સન્નાટો છવાઇ ગયો. બંને એકબીજા સામે આંખો તાણતાં રહ્યાં. સિટી બસ સ્ટોપ પર ચોક્કસ અંતર રાખીને બેઠાં છે. ચારે બાજુ ભીડ અને કોલાહલનો કોઇ પાર નથી. બેસીને શાંતિથી વાત થઇ શકે તેવી સ્થિતિ નથી.
પ્રેમીજન માટેનું આ સ્થળ જ નથી, પણ સમજપૂર્વક અહીં બેસવું પસંદ કર્યું છે કારણ કે જાહેરમાં કોઇને શંકા ન જાય. આમ છતાં ભીડની વચ્ચે પણ એકાંત શોધી લીધું છે. જોકે હવે સ્થળ-કાળનો કોઇ સંકોચ રહ્યો નથી. જોનારની આંખો પહોળી થઇ જાય તેવાં વરવાં દ્રશ્યો જાહેરમાં જોવા મળે છે. આલાપના મનમાં ફફડાટ અને સળવળાટ છે. તે વધુ મૂંઝાતો કે ગૂંચવાતો જાય છે. વાસંતી સઘળું જાણે છે છતાંય તેનું કોઇ રિએકશન નથી તે ચિંતાનો વિષય છે. વળી પોતાને છાતી ઠોકીને ભારપૂર્વક કહેવું છે, હું હજુ પણ તને એટલી જ ચાહું છું અને ચાહતો રહીશ, પણ વાસંતી કહે છે કે, મને કોઇ પ્રશ્ન નથી પછી આ વાતને ચોળીને ચીકણું કરવાની શું જરૂર? આ હળવાશથી કહ્યું કે કડવાશથી તે સમજાયું નહીં.
તારે મેરજ કરવા નહોતાં, પણ કરવા પડ્યાં છે... આઇ એમ રાઇટ! વાસંતી ચબરાકિયાં સ્વરે બોલી પછી ધીમું ધીમું હસવા લાગી. વળી આલાપના મનમાં પારેવા જેવો ફફડાટ પેઠો. વાસંતીની વાત પરથી કશું નક્કી થઇ શકતું નહોતું. તેથી આલાપે એકદમ કહી જ દીધું: હું તને દિલથી ચાહું છું અને કોઇ સંજોગોમાં છોડવા માગતો નથી.
વાસંતી આલાપના ચહેરા પર ઉપસતા આકારને મનથી માપતી અને તાગતી રહી. આ ઘસાયેલી અને ચવાયેલી કેસેટ વરસોથી આમ જ વાગતી રહી છે. પરણી ગયેલો પ્રેમી ભૂતપૂર્વ બની ગયો હોવા છતાં અભૂતપૂર્વ બનવાનો મરિણયો પ્રયાસ કરતો હોય છે. વળી પોતે સાચો છે, માત્ર મજબૂરીના લીધે જ પરણ્યો છે... બાકી મારી પ્રીત અખંડ અને અતૂટ છે આવું કહેવાનું, ઠસાવવાનું અને એમ ફસાવવાનું નવું નથી પણ આજકાલ આ બિહામણા રૂપે બહાર આવી રહ્યું છે.
સમાજ જીવનમાં કેન્સરની જેમ વકરી કે પ્રસરીને અનેકના જીવનને બરબાદ કરી રહ્યું છે. મનગમતા પાત્ર સાથે મેરેજ થાય તો વેલ એન્ડ ગુડ. સંસારનો કંસાર મીઠો અને મધુરો લાગે, પણ દરેક વ્યક્તિ માટે એવું ક્યાં શક્ય છે! વળી એ પણ એટલું જ સાચું છે કે, સો ટચના સોના જેવું પ્રિયપાત્ર પતિ કે પત્ની તરીકે સફળ થાય અને નિષ્ફળ પણ જાય! કોઇ ગેરંટી નથી. ઘણાંના સારા, ઉત્તમ અને ખરાબ અનુભવો પણ છે.
સમસ્યા તો ત્યાં સર્જાય છે કે પરણ્યા પછી પણ આવા સંબંધો છોડવાના બદલે ચાલુ રાખવામાં આવે છે. આમાં કોઇ યુવતી ભલે ગમે તે કહે, કોઇપણ કારણો આગળ ધરે અથવા તો સાવધાની સાથે ચાલતી અને ઉપયોગ કરતી હોય પણ અંતે વેઠવાનું તો તેના ભાગે અને ભોગે જ આવતું હોય છે. આ નર્યું સત્ય છે. કારણ કે આ બંધાઇ ગયેલા બચકામાં ગંધાઇ ગયેલી સમાજ રચનામાં કોઇ પુરુષ વંઠે તો લોકોને બહુ વાંધો હોતો નથી પણ કોઇ સ્ત્રી સહેજ પણ આડાઅવળી થાય તો ચારેબાજુ ઊહાપોહ મચી જાય, જાણે સમાજને સ્વસ્થ રાખવાનો એકલી સ્ત્રીનો જ ઇજારો હોય! વાસંતીએ કટાક્ષ કરતી હોય એમ કહ્યું: હવે કશું કહેવાનું છે!? વાસંતીનું આમ કહેવું આલાપને ઠીક ન લાગ્યું. તે થોડો અકળાયો. વાસંતી, મને સમજવાની કોશિશ કર.
હવે વાઇફ મારી ફરજ છે અને તું મારી ગરજ છે. વાસંતી થોડી ઢીલી પડી. કશું સૂઝતું કે સમજાતું નથી. આગળ વધી શકાય એમ નથી અને પાછા વળવું મુશ્કેલ છે. કાંઠે બેસી રહે તો તરસે રહે અને અંદર ઊતરે તો ડૂબી મરે તેવી સ્થિતિ છે. આજે અનેક યંગસ્ટર્સ આવી સ્થિતિનો સામનો કરે છે અથવા તો મન મારીને પણ આવું સહન કરે છે.
સવાલ તો સામાજિક વ્યવસ્થાનો છે. આ વ્યવસ્થાને હવે પકડી રાખવી પોસાય તેમ નથી અને સાવ છોડી દેવામાં સાર નથી, કારણ કે આપણે હજુ વચલા વાંધામાં છીએ. છતાંય ઘણા યંગસ્ટર્સ આ જડબેસલાક ચોકઠાની બહાર કૂદીને પણ નીકળી ગયા છે. વસ્ત્ર જીર્ણ થાય તો તેને બદલવું પડે. અહીં સાંધવાથી ચાલે તેવું નથી. વાસંતી અને આલાપનાં મન મળી ગયાં છે. માત્ર તન જ જુદાં છે. તેથી છુટ્ટા પડવું પાલવે તેમ નથી, પણ આલાપે મેરજ કરી લીધા છે. તેમાં તેની મજબૂરી હતી. તેમ તેનું કહેવું છે.
વાસંતીએ કહ્યું: પ્લીઝ, મને સમય આપ હું વિચારીને કહીશ. ત્યાં જ વાતને સાંધો મારતાં કહ્યું: આમાં કંઇ વિચારવા જેવું નથી, બસ તું અને હું એકબીજાને ચાહીએ છીએ! વાસંતીને થયું કે પોતે કહે, હા એકબીજાને ચાહીએ છીએ બસ આટલું જ ને! પણ આલાપની અપેક્ષા હજુ પહેલાં જેવી જ છે તેથી તે મૂંઝવણ સાથે સમસમીને ઊભી થઇ ગઇ. પણ પોતે કંઇ હા-ના કરશે તો તુરંત જ આલાપ કહેશે, તારા વગર જીવી નહીં શકું! રીતસરનો ગળે પડશે. અને આમ તારી સાથે સંબંધ રાખું તો ત્રીજા પાત્રનું શું!? વાસંતીને ખુદને જ સમજાતું નથી કે આમાં શું કરવું? જીવનમાં અમુક નિર્ણયો દિલથી, અમુક દિમાગથી અને ઘણા નિર્ણયો દિલ અને દિમાગને સાથે રાખીને કરવાના હોય છે. વ્યક્તિએ જાતે વિવેકભાન રાખવું કે કેળવવું પડે. કોઇની ઉછીની સમજ ન ચાલે.
બંને છુટ્ટાં પડ્યાં. આલાપ વાસંતીને ભીડની વચ્ચે ઓગળી જતી જોઇ રહ્યો. આમ જ મળતાં રહીશું અને આ મેગા સિટીમાં ક્યાં કોઇને ખબર પડવાની છે!
એકાદ વીક પછી વાસંતી સામેથી મળી અને કહ્યું, આપણે ક્યાંક સારી જગ્યાએ મળીએ, જ્યાં તું ઇચ્છે એમ થઇ શકે! આલાપ માટે તો આખા જગતની ખુશી તેની મુઢ્ઢીમાં કેદ થઇ ગઇ. થયું કે હવે તો બેઉ હાથમાં લાડવા! તેણે હાઇવે પરની એક હોટલમાં રૂમ બુક કરાવી વાસંતીને બોલાવી લીધી.
તેને આમ શણગારમાં જોઇ આલાપની આંખો ચાર થઇ ગઇ. તે બે ડગલાં સામે ચાલીને વાસંતીને ભેટવા ગયો ત્યાં વાસંતીએ લપસણા લહેકા સાથે તેને રોકતાં કહ્યું: હાં, હાં, અધીરા ન થાવ, આ બધું તમારા માટે જ છે! રૂમમાં જતાં પહેલાં વાસંતીના આગ્રહથી હોટલના ગાર્ડનમાં બંને બેઠાં. થોડી વાતો પછી વાસંતી બોલી: હા, હવે બોલો. મારો પ્રેમ અખૂટ અને અતૂટ છે...! કેમ? મારા પર વિશ્વાસ નથી...! આલાપ આમ કંઇ બોલે તે પહેલાં ત્યાં ઝાડ પાછળ ઊભેલી તેની વાઇફ એકદમ સામે ધસી આવી... તેને જોઇ આલાપ તો જાણે પંચધાતુનું સ્ટેચ્યુ... અને સામે વાસંતી મરક મરક હસતી હતી.
Comments
Post a Comment
Thanx For Comment