રાઘવજી માધડ: પૂજા પ્રેમની હોય પાત્રની નહીં!

મોબાઇલના રિંગટોનથી ખલેલ પડી. ગૌતમ ઊભો થઇ બે ડગલાં ચાલી તેમાં રત થઇ ગયો. અર્ચનાને બરાબરનું લાગી આવ્યું. તે એકદમ ઊભી થઇ ગઇ અને ભારે રીસ સાથે કહ્યાં વગર જ ચાલવા લાગી.

હું પ્રેમની પૂજારણ છું તે હકીકત છે પણ... આગળ બોલવું છે તે અંતરથી ગમતું નથી છતાંય અર્ચના બોલી: તું મને સમજવામાં ભૂલ કરી ગયો. સામે કશો જ પ્રતિભાવ આપ્યા વગર ગૌતમ તેની ક્રિયામાં વ્યસ્ત રહ્યો. ધૂળમાંથી કાંકરાઓ લઇ તળાવના પાણીમાં ફેંકતો હતો.થોળ ગામના તળાવના કાંઠે બંને બેઠાં છે. એક-બે આવાં પ્રેમીપંખીડાંઓને બાદ કરતાં નીરવ અને નર્જિન છે. બાજુના વૃક્ષની ડાળી પર બે પક્ષીઓ ચાંચમાં ચાંચ પરોવીને પ્રણય ગોષ્ઠીમાં ગળાડૂબ છે. સરસ મજાનો પવન વાઇ રહ્યો છે. બહોળું એકાંત છે. મનભરીને ગોઠડી થાય તેવી રમણીય જગ્યા છે. આમ છતાં બંનેના મનમાં અજંપો અને ઉકળાટ ભારોભાર ભર્યા છે. એકાંત સહેવાયો ન હોય તેમ અર્ચના વાતને શાંત પાડવાના ઇરાદે સમજાવટથી બોલી: હું જ્ઞાતિનાં બંધનો તોડી સમાજના સામે પૂર ચાલી છું, કશી જ પરવા નથી કરી. 

ગૌતમે ડોકનો ઝાટકો મારીને અર્ચના સામે જોયું. છતાંય અર્ચનાએ વાત ચાલુ રાખતાં કહ્યું: જે સમસ્યાનો ઉકેલ આપણા હાથમાં ન હોય તેને પકડીને પંપાળે રાખવાનો કોઇ અર્થ નથી. છોડી દેવાની, છુટ્ટી મૂકી દેવાની, જે થાય તે થવા દેવાનું... આમ કહેવામાં અર્ચનાની મક્કમતા અને દ્રઢ મનોબળની પ્રતીતિ થયા વગર રહેતી નહોતી. આ બાબતે તો ગૌતમને પણ હા પાડ્યા વગરનો વિકલ્પ નહોતો. છતાંય અહમ્નો ઇજારો એકલો રાખીને બેઠો હોય તેમ બોલ્યો: આપના ઉપકાર બદલ આભાર! ટોણો માર્યો તે અર્ચનાને હૃદયની આરપાર ઊતરી ગયો. બરાબરનું લાગી આવ્યું. 

ત્યાં મોબાઇલના રિંગટોનથી ખલેલ પડી. ગૌતમ ઊભો થઇ બે ડગલાં ચાલી તેમાં રત થઇ ગયો. અર્ચનાને બરાબરનું લાગી આવ્યું. પોતાની હયાતીનું હડહડતું અપમાન છે. બીજું કે મારાથી શું છુપાવવાનું હશે તે આમ દૂર જવું પડ્યું...! તે એકદમ ઊભી થઇ ગઇ અને ભારે રીસ સાથે કહ્યાં વગર જ ચાલવા લાગી... આજની આ બહુ મોટી વિટંબણા છે. જેને મળવા આવ્યા છીએ, સમય લઇને સામે બેઠા છીએ છતાંય તેની સરેઆમ અવગણના કરી મોબાઇલમાં ચોંટી જવું! અર્ચનાને આમ પાસે ન જોતાં ગૌતમના હોશકોશ ઊડી ગયા. બેબાકળો થઇ ગયો. બાજુમાં જ લપસી પડાય તેવું તળાવ અને તેનું ઊંડું પાણી છે... લાશ સિવાય કશું હાથમાં ન આવે, પણ અર્ચનાને ઊંચી પાળી પર ચાલી જતી જોઇ ગૌતમના જીવમાં જીવ આવ્યો. 

ગુસ્સા સાથે પગ પછાડતો તે પણ પાછળ ચાલવા લાગ્યો. ગૌતમ એક હોનહાર યુવાન છે. અભાવો વચ્ચે ઊછર્યો છે. ગરીબીને હાડોહાડ અનુભવી છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તે વાતને સમજી જીવનમાં ઉતારી છે. ગાંધીજી, વિવેકાનંદ, સોક્રેટિસ...ને ખૂબ વાંચ્યા છે. તેના માટે ડૉ. આંબેડકર રોલમોડેલ છે, કારણ કે ડૉ. આંબેડકરને અભ્યાસ કરવા માટે જે સંઘર્ષ કરવો પડ્યો તેવો ભાગ્યે જ કોઇને કરવો પડ્યો હશે. અનેક મુશ્કેલીઓ અને વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ અભ્યાસ કરી પરદેશમાંથી વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી. ‘આત્મદીપો ભવ’ સ્વયં પ્રકાશિત થયા વગર અંદર કે આસપાસનું અંધારું દૂર ન થાય. 

તેઓ કહેતા, શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે જે કોઇ પીવે છે તે ગર્જના કર્યા સિવાય રહેતા નથી. હા, કોઇને પચે અને કોઇને ન પણ પચે. ઉચ્ચશિક્ષણ અને કડી મહેનતના લીધે ગૌતમ આજે સારી પોસ્ટ પર છે. ગૌતમના આ વિકાસમાં અર્ચનાનો હાથ અને સાથ રહ્યો છે. ચકમક ઝરવામાં આ મુદ્દો પણ એટલો જ જવાબદાર છે. પાળી પરથી નીચે ઊતરી અર્ચના ઝાડના છાંયે ઊભી રહી. અહીંથી સિટીમાં જવા માટે કોઇ સગવડ નથી તેથી રાહ જોયા વગર છુટકો નહોતો. ગૌતમે પાસે આવી કાળઝાળ નજરે સામે જોયું. અર્ચનાના મનમાં થયું કે, માત્ર નાગના જેવો ફૂંફાડો માર્યો તેના કરતાં તીરછી નજરે મને ત્રોફી હોત તો ન્યાલ થઇ જાત. આવા સંબંધોમાં માત્ર સવાલો થાય છે પણ સંવાદ થતો નથી. એકાદ હેતાળવી નજર પણ સંવાદ સમાન હોય છે.

પહેલાં બંને હજારો કિલોમીટર દૂર હતાં છતાંય શ્વાસોશ્વાસમાં હોય તેવી અનુભૂતિ થતી. અત્યારે ગાડીમાં સાથે છે છતાંય દૂર હોય એવું લાગે છે. અર્ચનાએ વાતની શરૂઆત કરતાં કહ્યું: તે સમયની તારી સ્થિતિને જાણતી હતી અને આજે પણ તારી વ્યસ્તતાને સમજું છું. પણ... અંદરથી અને બહારથી બધું તૂટતું અને છુટતું જાય છે. સંઘર્ષો વેઠી, સામે પૂર ચાલી જે દુનિયા રચી છે તે નષ્ટ થઇ જશે. અર્ચના ભીના સાદે બોલી: પછી આપણે એક યંત્ર કે રમકડાં હોઇશું. જોરથી ગાડીનાં ગીયર બદલવામાં ગૌતમનો ગુસ્સો પ્રગટતો હતો. અર્ચના સંદર્ભ સાથે બોલી: ડૉ. આંબેડકરસાહેબ બંધારણને આખરી રૂપ આપવામાં અતિ વ્યસ્ત હતા. રાષ્ટ્રપપતિને વચન આપ્યા મુજબ નિયત સમયમાં તે આપી દેવાનું હતું. 

વળી મોટી ઉંમર, રોગગ્રસ્ત શરીર, સામાજિક સંઘર્ષ... આવી સ્થિતિ વચ્ચે પણ પોતાની ભાવપિત્ની ડૉ. શારદા કબીરને પ્રેમપત્રો લખ્યા છે. ડૉ. બી. આર. આંબેડકર સંવિધાનના ઘડવૈયા, રાજકીય અને સામાજિક નેતા તો હતા જ પણ સૌપ્રથમ એ ઉત્તમ અને સંવેદનશીલ માણસ હતા. તેમણે એક પ્રેમપત્રમાં લખ્યું હતું કે આપણે પ્રેમને પણ અંકુશમાં રાખતા શીખવું જોઇએ. મને લાગે છે કે તું એમાં કમજોર પડે છે. હું જાણું છું કે તું હવે વધુ જુદાઇ સહી શકતી નથી. હું પણ એકાકીપણાથી સાવ થાકી ગયો છું. હું તને પામવા વ્યાકુળ છું પણ મને થોડો સમય આપ. વિશ્વાસ કર, હું તારા ધૈર્યની પરીક્ષા નહીં લઉં... ગૌતમ મૌન થઇને સાંભળતો હતો.


એસ.જી.હાઇવે આવતાં અર્ચનાએ ગાડી રોકવા કહ્યું. ઠંડું લઇએ, પછી ઘેર મૂકી જઇશ. અર્ચનાએ ભારપૂર્વક ના પાડી. પછી નીચે ઊતરીને કહ્યું: જેને જોડતા વર્ષો લાગે તેને તોડતા કાચી મિનિટ થાય... તાપના લીધે અકળામણ થતાં તે ત્રસ્ત થતી હોય એમ બોલી: ડૉ. આંબેડકર જેવા અનેક મહામાનવ પણ પ્રિયપાત્ર સાથે સંવાદ સાધવાનો સમય કાઢતા...! અર્ચનાના કહેવા સામે કોઇ દલીલ થઇ શકે તેમ નહોતી.,પણ જો તું આપણા સંબંધને આમ વિખેરી નાખવા ઇચ્છતો હો તો મને પણ ખંખેરી નાખતા વાર નહીં લાગે! નાછુટકે ગૌતમે બોલવું પડ્યું: ‘એવું નથી પણ... અર્ચના પારોઠ ફરતાં પૂર્વે ગરદનનો ઝટકો મારીને બોલી: જે હોય તે... બાકી પૂજા પ્રેમની હોય પાત્રની નહીં...! પછી હોઠ પછાડીને બોલી: આ વાત સમજવાનો તારી પાસે હવે સમય હોય તો વિચારજે...! ગૌતમ ફાટી આંખે અર્ચના સામે તાકી રહ્યો. 

Comments