Skip to main content
કાળ સામે હણહણે તે પ્રેમ છે, પાંગરે અરધી ક્ષણે તે પ્રેમ છે
કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારું થાય તે પહેલાં ચાલ્યો જતો. સુહાનાના સાસરીપક્ષના ચાર-પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા. ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા, ‘આજ પછી અમારી કુળવધૂના ઘરના આંટાફેરા બંધ કરી દેજે, નહીંતર...
‘અ રે, યાર, કુલદીપ! તું શાદી કર્યું નહીં કર લેતા? ઇતના હેન્ડસમ હૈ ફિર ભી...?’ ઇન્દ્રજિતે એના નવા-સવા મિત્ર બનેલા કાશ્મીરી યુવાનને પૂછ્યું. કુલદીપ મૂળ કાશ્મીરનો, પણ કેન્દ્ર સરકારની નોકરીમાં હોવાથી હાલમાં ગુજરાતમાં એનું પોસ્ટિંગ થયેલું હતું. ઇન્દ્રજિતનું એના કરતાં સાવ જ ઊલટું હતું. એ મૂળ ગુજરાતનો પણ ઇન્ડિયન આર્મીમાં જોડાયો હોવાથી એનું પોસ્ટિંગ કાશ્મીરની સરહદ પર થયેલું હતું.
કુલદીપ પોતાની ટેવ પ્રમાણ જવાબ આપતાં પહેલાં ખૂબ હસ્યો, પછી બોલ્યો, ‘તેરે સવાલ કા જવાબ બાદ મેં આપું છું, એ પહેલાં મારે દો બાત કહેવાની છે. એક તો યે કિ હું છ મહિનાથી ગુજરાતમાં રહેતા હૂં, માટે મારે ગુજરાતીમાં જ બોલના પડે. અને દૂસરી બાત એ કે તુમ તો જનમ સે હી ગુજરાતી છો, તબ હિન્દીમાં બાત કેમ કરે છે?’
આ કુલદીપની ટેવ હતી. કોઇપણ સવાલ એને પૂછવામાં આવે, એની પાસે ‘દો બાત’ કહેવા માટે તૈયાર જ હોય. કદાચ સરહદ પરના કાશ્મીરમાં જન્મ્યો હોવાના કારણે એને દરેક સિક્કાની બે બાજુઓ જોવાની આદત પડી ગઇ હોય એવું પણ હોઇ શકે.
ઇન્દ્રજિતે એની વાત સ્વીકારી લીધી, ‘કાન પકડું છું, યાર! પણ હવે મારા મૂળ સવાલનો જવાબ તો આપ! તું લગ્ન કેમ નથી કરી લેતો? જુવાન છે, હેન્ડસમ છે, આટલે દૂર અમદાવાદમાં એકલો છે, તને પત્ની અને બાળકોની કમી સાલતી નથી?’
‘ઇસમેં ભી મારે દો બાત કહેવાની છે. લગ્ન તો હું કરીશ જ, પણ ઇસકી જલદી નથી. હું કંઇ બુઢ્ઢો નથી થઇ ગયો અને દૂસરી બાત, જ્યારે તારા ઘરે આવું છું ત્યારે આ દોનોં બચ્ચે મને કેટલાં લાડ પ્યારથી વળગી પડે છે? તુમ જુએ છે ને? પછી મને બચ્ચાંઓની કમી કયોં મહેસૂસ થાય?’
ત્યાં જ કિચનમાંથી બે કપ ચા અને ગરમાગરમ સમોસા સાથે ઇન્દ્રજિતની પત્ની સુહાના પ્રગટ થઇ. એ સાથે જ કુલદીપ બોલી પડ્યો, ‘લો, અબ તો વાઇફની જરૂર પણ મહેસૂસ નહીં થાય, ભાભીજી ચાય ઔર નાસ્તા ખિલાતી હોય પછી બીવીનો ખર્ચ શા માટે કરવો?’
બંને મિત્રો પેટ પકડીને હસી પડ્યા, ક્યાંય સુધી હસતા જ રહ્યા. બંનેના ક્વાર્ટર્સ બાજુ-બાજુમાં હતા. દોસ્તી થઇ જવી સહજ હતી. ઇન્દ્રજિત કાયમ તો ઘરે ક્યાંથી હોય? પણ મોરચા પરથી છુટ્ટી લઇને જ્યારે ઘરે આવે ત્યારે દોસ્તીનો દોર જ્યાંથી અટકયો હોય ત્યાંથી ફરી પાછી ચાલુ થઇ જાય. એક-બે અઠવાડિયાની છુટ્ટી ખતમ થઇ જાય અને પાછા બોર્ડર પર પહોંચી જવાનો સમય આવી જાય ત્યારે ઇન્દ્રજિત કુલદીપના ખભા પર હાથ મૂકીને ભલામણ કરે, ‘કુલદીપ, મારી પત્નીનું ધ્યાન રાખજે, દોસ્ત!’ બહુ ઝડપથી શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરવાનું શીખી ગયેલો કુલદીપ જવાબ આપે, ‘આમાં પણ પાછી બે વાત છે. એક, તારી પત્નીનું ધ્યાન હું શા માટે રાખું? પણ બીજી વાત એ છે કે મારી પૂજય ભાભીનું ધ્યાન હું રાખવાનો જ છું ને! ગાંડા, આ બી કંઇ કહેવાની વાત છે?’ પછી બંને મિત્રો એકબીજાને ગર્મજોશથી ભેટી પડે.
ઇન્દ્રજિતની ગેરહાજરીમાં કુલદીપ રોજ એના ઘરની એક વાર તો અવશ્ય મુલાકાત લે જ. મોટાભાગે સાંજના સમયે, પણ કદીયે એ ઘરની અંદર ન જાય. બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ખુરસી નાખીને બેસે. બંને નાનાં બાળકો સાથે રમે. જોકસ સંભળાવે. હોમવર્ક કર્યું કે નહીં એવું પૂછીને ખખડાવે. પછી ચોકલેટ આપીને મનાવી લે. અંધારંુ થાય તે પહેલાં ત્યાંથી ઊઠીને ચાલ્યો જાય. જતાં-જતાં ‘દો બાતે’ અચૂક પૂછી લે, ‘ભાભીજી, બહારનું કંઇ કામ નથી ને? કોઇ બિલો ભરવાના હોય કે કશુંક લાવવાનું હોય તો મને કહી દો! અને બીજી વાત, કોઇ તમને પરેશાન નથી કરતું ને?’
‘ના, ભાઇ! કોઇ પરેશાની નથી.
તમારા જેવો દિયર હોય પછી મને શાની તકલીફ હોય?’ સુહાના ચાનો કપ અને ક્યારેક ભજિયાં તો ક્યારેક બટાકાપૌંઆ પીરસીને પછી કુલદીપને વિદાય કરે. આમાં થયું એવું કે સુહાના-ઇન્દ્રજિતનાં બંને બાળકો કુલદીપચાચુના હેવાયાં થઇ ગયાં. જો કોઇપણ કારણસર કુલદીપ સાંજના સમયે એમને રમાડવા ન જઇ શક્યો હોય તો નીલ અને મેઘના રડારોળ કરી મૂકે. ન હોમવર્ક કરે, ન ખાય-પીએ. રાત્રે એમને ઊંઘાડતાંયે સુહાનાના નાકે દમ આવી જાય. બીજા દિવસે ચાચુ આવે અને બમણી ચોકલેટો આપે ત્યારે બેય ટાબરિયાં રીસ છોડે ને રાજી થાય. છ-આઠ મહિના આમ નીકળી જાય, એટલામાં બોર્ડર પરથી ઇન્દ્રજિત રજાઓમાં પાછો ઘરે આવે. પાછી ‘ઇન્ડોર’ બેઠકો જામવાની ચાલુ થાય. ફરી પાછો ઇન્દ્રજિત એનો એ સવાલ પૂછે, ‘દોસ્ત, લગ્ન કેમ નથી કરી લેતો? આટલો હેન્ડસમ તો છે...’
‘એમાં બે વાત છે...’ કુલદીપ શરૂ કરે અને આખું ઘર હાસ્યના પ્રચંડ વિસ્ફોટથી હલબલિ જાય અને પછી એક દિવસ આખું શહેર ખળભળી ઊઠે એવા સમાચાર આવ્યા: ‘સરહદ પરથી ઘૂસપેઠ કરતાં આતંકવાદીઓ સામેની મૂઠભેડમાં ઇન્ડિયન આર્મીના જાંબાઝ સોલ્જર ઇન્દ્રજિત શહીદ થઇ ગયા છે.’
@@@
મરનારની અંત્યેષ્ટિ અને એ પછીના બે મહિના કેવી રીતે પસાર કર્યા એની જાણ માત્ર સુહાનાને હોઇ શકે. એ જીવતી લાશ બનીને હરતી-ફરતી રહી. સગાંવહાલાં પણ કેટલા દિવસો સાથે રહી શકે? બે મહિનામાં ઘર ખાલી થઇ ગયું. કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારંુ થાય તે પહેલાં ચાલ્યો જતો. એક દિવસ અમદાવાદમાં જ રહેતા સુહાનાના સાસરીપક્ષના ચાર-પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા. ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા, ‘આજ પછી અમારી કુળવધૂના ઘરના આંટાફેરા બંધ કરી દેજે, નહીંતર...’
કુલદીપ એમ તો ડરે તેવો ન હતો, પણ એ સાંજે ખુદ સુહાનાએ કહી દીધું, ‘આજ પછી તમે અમારે ત્યાં ન આવશો. મારા અને ઇન્દ્રજિતના બંને પરિવારોનો વિરોધ છે.’
‘એ માટે હું બે વાત કરી શકું.’ કુલદીપ એની આદત અનુસાર બોલી ગયો, ‘એક તો બે-ચાર દિવસમાં હું બીજે ક્યાંક રહેવા માટે ચાલ્યો જાઉં. અને બીજું, જેમ બને તેમ જલદીથી હું ટ્રાન્સફર કરાવીને બીજે શિફ્ટ થઇ જાઉં. ઠીક છે. હવે પછી આપણે ક્યારેય નહીં મળીએ.’ કુલદીપે ત્રીજા દિવસે રહેઠાણ બદલી નાખ્યું. નવા ઘરનું સરનામું પણ સુહાનાને ન જણાવ્યું. પણ ત્રણ દિવસ તો માંડ વીત્યા. ચોથા દિવસે ખુદ સુહાના કુલદીપની ઓફિસમાં જઇ ચડી. કુલદીપે આંખો ઢાળી દીધી, ‘હુકમ, ભાભીજી! તમારા ઘરે આવવા સિવાયનું બીજું કંઇ કામ હોય તો હુકમ કરો.’
‘એ જ તો કામ છે. તમારા વગર મને કશો જ ફરક નથી પડતો, પણ પેલાં બે ફૂલડાં મરવા પડ્યાં છે. ત્રણ દી’થી ખાતાં નથી. નીલને તો દવાખાનામાં દાખલ કરવો પડ્યો છે. તમારા વગર બેય છોકરાંવ સોરવાય છે. એક જ જીદ લઇને બેઠાં છે: ચાચુ આવીને ચોકલેટ આપે એ પછી અમે જમીશું. આવો છો ને મારી સાથે?’
‘આવું તો ખરો, ભાભીજી, પણ ક્યા નાતે આવું? તમારો સમાજ વાતો કરશે.’ કુલદીપની આંખો હજુ પણ ઝૂકેલી હતી.
સુહાના રડી પડી, ‘દિયરના નાતે ન આવો તો પતિના નાતે આવો, કુલદીપ! પ્લીઝ, મારા બાળકોના પ્રાણ બચાવી લો!’
પહેલીવાર કુલદીપે ‘ભાભીજી’ ન કહ્યું, નજર ઉઠાવીને કહ્યું, ‘ચાલ, સુહાના! આપણે સીધાં ઘરે જઇએ. પછી મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં. અને પછી મારા ઘરે.’ ચોવીસ કલાકમાં જ બે મોટા જીવ પરણી ગયા, બે નાના જીવ બચી ગયા. સુહાનાના શ્વસુરપક્ષને જાણ થઇ એટલે કોઇએ ફોન કરીને ધમકી આપી જોઇ, પણ હવેનો કુલદીપ જુદો હતો. કહી દીધું, ‘તમે મને મારવા માટે આવી શકો છો, પણ એમાં બે વાત શક્ય છે. કાં તો હું તમારું ડાચું ભાંગી નાખીશ, કાં તમારા હાથ-પગ તોડી નાખીશ.’
આ જવાબ પછી મોરચો તદ્દન શાંત થઇ ગયો. બે વર્ષ સુખેથી પસાર થઇ ગયા પછી એક રાતે સુહાનાએ ઇચ્છા વ્યક્ત કરી, ‘તમને એવું નથી થતું કે મારી કૂખેથી એક બાળક તમારું જન્મે?’
કુલદીપે મોં મચકોડીને જવાબ આપ્યો, ‘એમાં પણ બે વાત છે. એક, હું મારાં બાળકો માટે નહીં, પણ તારાં બાળકો માટે તને પરણ્યો છું. બીજી વાત, નીલ-મેઘના હવે મારાં પણ બાળકો છે જ ને?’‘
(પતિ-પત્ની હોવાના કારણે બંનેએ સંસારસુખ તો ભોગવ્યું જ, પણ ત્રીજું બાળક ન થવા દીધું. મેઘના હાલમાં અમેરિકામાં ભણી રહી છે અને નીલ આર્મીમાં જોડાયો છે. સત્ય ઘટના આવશ્યક ફેરફારો સાથે.)
Comments
Post a Comment
Thanx For Comment