બસ એક છેલ્લી વાર મારા પ્રેમ ખાતર મળી લે ...



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
હીર સૂરત શહેરમાં ઉછરેલી એક અલ્લડ અને બિન્દાસ્ત છોકરી છે. કોલેજ પૂર્ણ કર્યા બાદ માતા-પિતાની આજ્ઞાકારી પુત્રીની જેમ તેમણે પસંદ કરેલા યુવક - વિશ્વાસ શાહ સાથે તેણે લગ્ન કરી લીધાં. વિશ્વાસ બેંગ્લુરુની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો હતો.
લગ્ન બાદ આ નવદંપતિએ બેંગ્લુરુ જેવા ફાસ્ટ ફોરવર્ડ શહેરમાં પોતાની એક નાનકડી દુનિયાની શરૂઆત કરી. નવી નવી પરણીને સાસરે આવેલી હીર એક સામાન્ય યુવતી હતી, પણ ભગવાને તેને સુંદરતા આપવામાં કોઈ કમી રાખી નહોતી. ગુલાબની કળી જેવા હોઠ, લાંબી અણિયારી આંખો અને આકર્ષક શરીર સૌષ્ઠવ સાથે લાંબા કાળા વાળ તેની સુંદરતામાં ઓર વધારો કરતા હતા. તેમાંય વળી કોલેજ કાળ દરમિયાન જ તેની ડ્રેસિંગ સેન્સને કારણે કોલેજની યુવતીઓની ઈર્ષ્યાનું કારણ બનતી હીરે પોતાના આ ટેસ્ટને લગ્ન બાદ પણ જાળવી રાખ્યો હતો. વિશ્વાસ હીર જેવી રૂપાળી પત્ની મળવાથી ખુશ હતો.
એક દિવસે હીર તેના ઘરમાં બપોરે કામ પતાવ્યા બાદ આરામ કરી રહી હતી ત્યારે અચાનક તેના ફોનની રિંગ વાગી. અજાણ્યા નંબર પરથી આવેલો આ કોલ કોનો હશે, તે વિચાર સાથે તેણે હેલ્લો કહ્યું. સામે છેડે જે આવાજ આવ્યો તે સાંભળતાં જ તેના રોમરોમમાં એક નવી જ ચેતનાનો જાણે સંચાર થયો. ફોનમાંથી આવતા અવાજે કહ્યું, "હીર સોરી, તારા કરતાં મારી કરિયરને વધારે મહત્ત્વ આપીને હું કેનેડા પહોંચી ગયો છું. પણ આજેય તારી યાદ દિલમાં વસેલી છે. આજે પણ કોલેજકાળમાં તારી સાથે કરેલી ધિંગામસ્તી અને પ્રેમના એક એક શબ્દો મને યાદ છે. આજે મેં ઇચ્છેલી તમામ વસ્તુઓ મારી પાસે છે, પણ બસ એક તું નથી. બસ છેલ્લીવાર મારાં પ્રેમ ખાતર આવી જા...'
કોલેજના પ્રથમ વર્ષમાં જ હીર અને પ્રિયાંશ વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. કોલેજની બેસ્ટ જોડીનું નામ આવે ત્યારે એ લિસ્ટમાં આ બંને પ્રેમીઓના નામ વગર તે અઘુરું ગણાતું હતું. પ્રિયાંશ એક કૂટડો યુવાન અને ધનવાન માતાપિતાનું સંતાન એટલે ભણવામાં ખાસ ધ્યાન આપે નહીં. પિતાનો બિઝનેસ ફેલાયેલો હોવાથી વિદેશમાં જઈને બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા પ્રિયાંશના મનમાં હીર પહેલા દિવસથી જ વસી ગઈ હતી. બંનેએ એકબીજાંની સાથે લગ્ન કરીને એકબીજાંની સાથે જિંદગી ગુજારવાના વચનો આપ્યા હતા પણ પ્રિયાંશનાં મમ્મી-પપ્પાએ હીરને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દેતાં પ્રિયાંશ લાચાર થઈ ગયો. તે વિદેશ ચાલ્યો ગયો, હીરને મળ્યા કે કશું કહ્યા વિના જ. આજે આટલા સમય પછી તેનો અવાજ સાંભળીને તેના હૃદયમાં દફન થયેલી મહોબત ફરી જાગી ઊઠી હતી.
આજે આમ અચાનક પ્રિયાંશનો ફોન આવતાં હીર પણ ખુશ થવાની સાથે અસમંજસની સ્થિતિમાં પણ મુકાઈ ગઈ હતી. પ્રિયાંશના શબ્દોએ તેના સુખી સંસારના સરોવરમાં વમળો પેદા કરી દીધા હતા. શું જવાબ આપવો તેનો વિચાર કરે તે પહેલા જ ફોન મુકાઈ ગયો. હીર આ પરિસ્થિતિ અંગે ખુશ થવું કે દુઃખી તે નક્કી કરી શકી નહીં.
હવે પ્રિયાંશના ફોનનો સિલસિલો લગભગ રોજ શરૂ થઈ ગયો. પ્રિયાંશ વારંવાર તેને ફોન કરીને મળવાની જીદ કરતો રહેતો અને હીર આ પરિસ્થિતિમાં શું કરવું તેની વિમાસણમાં અટવાઈ જતી હતી. આખરે એક દિવસ વિશ્વાસે આવીને કહ્યું કે, તેને કંપનીના કોઈ કામથી ૧૫ દિવસ માટે બહાર જવાનું છે. પતિને સ્ટેશન પર વિદાય આપીને હીર જેવી ઘરમાં પ્રવેશી કે ફરીથી પ્રિયાંશનો ફોન આવતા તેણે તે ઘરમાં ૧૫ દિવસ સુધી એકલી હોવાનું જણાવ્યું. પ્રિયાંશે કહ્યું કે આ જ તક છે આપણે મળવાની. જિંદગી પ્રેમીઓને મળવાની તક વારંવાર નથી આપતી. હીરની ના છતાં તે ફલાઈટ પકડીને તાબડતોબ બેંગલુરુ આવી ગયો. આટલા વર્ષો બાદ તેઓ મળ્યાં. બંને પ્રેમીઓ જાણે ફરીથી પોતાની કોલેજની મસ્તીમાં ખોવાઈ ગયા. તન-મનથી એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં. હીરને શરૂઆતમાં થોડો સંકોચ થયો પણ પછી તે પણ પ્રિયાંશની બાહોમાં પોતાના હોંશ ખોવા લાગી. હીરે પ્રિયાંશ વિશે કોઈને ખબર ન પડે એની તમામ તકેદારી રાખી હતી, પણ પાપ કંઈ છૂપું ન રહ્યું. પંદર દિવસ પછી વિશ્વાસ ઘરે આવ્યો ત્યારે તેને આવકારી રહેલી હીરને પ્રેમથી આલિંગન આપવાને બદલે સણસણતો તમાચો મારી દીધો. ડખાઈ ગયેલી હીર કોઈ બચાવ કરે એ પહેલાં તો વિશ્વાસે ડિવોર્સ પેપર તેના તરફ ફેંકીને તેમાં હસ્તાક્ષર કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો. હીરને પોતાની ભૂલનો અહેસાસ થયો પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
આટલું ન ભૂલશો
* પોતાના સુખી સંસારમાં ક્યારેય ત્રીજી વ્યક્તિને પ્રવેશવા ન દો.
* ભૂતકાળના સંબંધને ભૂલથી પણ લગ્ન પછી ફરી જીવંત થવા ન દેવા.
* જીવનસાથી સાથે ક્યારેય વિશ્વાસઘાત ન કરો.
* લાગણીના ક્ષણિક આવેગમાં દોરાયા પહેલા તેનાં દુષ્પરિણામનો વિચાર કરો.

Comments