અમદાવાદની હ્રદયદ્રાવક સત્યઘટના, વાંચી તમે પણ થઇ જશો દિગ્મૂઢ

મેડમ તમારા ગાડીના કાચની કિંમત કરતાં બાળક વધુ કીમતી છે : ચલો તમે કાચ નખાવી લો અમે ખર્ચો આપવા તૈયાર છીએ
 
મેરિયટ હોટેલ અને સેટેલાઇટ પોલીસ મથકની ગલીમાં ઊભેલી સિલ્વર રંગની હોન્ડા સિટીકાર પાસે ઊભેલી મહિલા તાડુકી ‘ કિસને મેરી કાર કા કાંચ તોડા કિસકી હિંમત હુઇ એ કરને કી વો સામને આયે મૈં ઉસકો દેખ લુંગી’ ત્યારે સામે એક યુવક આવ્યો કે જેના હાથમાંથી લોહી ટપકતું હતું. તે બોલ્યો ‘ મેડમ અમે તમારી ગાડીનો કાચ  તોડીને અંદર ગૂંગળાઇ રહેલા તમારા સંતાનને બહાર કાઢ્યું છે. કેમકે અમને કાચ કરતાં બાળકની જિંદગી વધુ કિંમતી લાગી. જો તેમ છતાં તેમને તમારી ગાડીના કાચની પડી હોય તો સામેજ કાચની દુકાન છે તમારી કારનો કાચ નંખાવી દો અમે પૈસા ચૂકવી દઇશું’ યુવકનો જવાબ સાંભળી આજુ બાજુ વાળા લોકોએ પણ મહિલા સામે ઘૃણાથી જોયું.

સવારે સાડા અગિયારે વાગ્યા હશે..! મેરિયટ હોટેલની ગલીમાં સાંઇબાબાના મંદિર  પાસે એક હોન્ડા સિટીકાર આવીને થોભી. કારમાંથી પાંત્રીસેક વર્ષની રૂઆબદાર મહિલા નીચે ઉતરી, જોકે તેનું બેએક વર્ષનું સંતાન કારમાંજ બેઠું હતું. તે મહિલા નજીકની દુકાનમાં ખરીદી કરવા ગઈ.... દસેક મિનિટ બાદ તે પરત આવી ત્યારે કારનો દરવાજો ખોલવા માટે ચાવી શોધવા લાગી પરંતુ ચાવી ન મળી. તેણે અંદર જોયું તો ગાડીમાંજ ચાવી રહી ગઇ હતી અને ગાડી સેન્ટ્રલ લોક થઇ ગઇ હતી. ગાડીમાં રહી ગયેલા બાળકની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ હતી. તેણે તુરંત જ દુકાનદારને પોતાના બાળકનું ધ્યાન રાખવાનું કહી ચાવી લેવા નીકળી ગઈ.

દરમિયાનમાં ગાડીમાં બેઠેલું બાળક ગૂંળામણ થતાં તે રડવા લાગ્યું અને ગીયર હલાવતાં ગાડી ત્યાંથી હાલવા લાગી. ત્યારેજ ત્યાં ઊભેલા યુવકોની નજર ગાડી પર પડી. જોકે ગાડી પાંચેક ફૂટ ચાલીને અટકી ગઇ. પરંતુ ગાડી પાસે દોડી આવેલા ત્રણેક યુવાનોએ જોયું તો તેમાં બેઠેલું દોઢેક વર્ષનું ક્યૂટ બાળક ગૂંગળામણથી રડી રહ્યું હતું થોડીજ વારમાં તેને વોમિટિંગ શરૂ થઈ ત્યારે બહાર ઊભેલા યુવકોએ બાળકને બચાવા એક યુવકે હાથ પર રૂમાલ વીંટીને કારના પાછળના કાચ પર મુક્કા મારી કાચ તોડી નાંખ્યો. બાળકને બહાર કાઢયું. ત્યારે બાળકના જીવમાં જીવ આવ્યો યુવકોએ બાળકને પાણી પિવડાવતાં તેને થોડી કળ વળી. બાળક દુકાનદારને સોંપી યુવકો ત્યાંથી ચાલ્યા ગયા.

ત્યારેજ બાળકની માતા તેની સાસુ સાથે દોડતી દોડતી ત્યાં પહોંચી. ત્યાં ગાડીને કાચ તૂટેલો જોઇ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તે કાચ તોડનારને જોઇ લેવાની ધમકીઓ ઉચ્ચારવા લાગી. ત્યારેજ તેની સામે આવેલા યુવકે નમ્રતાથી કહ્યું કે મેડમ અમે કાચ તોડ્યો છે. કેમકે કાચ કરતાં તમારા બાળકની જિંદગી વધુ કિંમતી હતી માટે અમે કાચ તોડીને તેને બચાવી લીધો. જોકે તેમ છતાં તેમને વાંધો હોય તો અમે તમારી કારને નવો કાચ નખાવી આપવા તૈયાર છીએ. યુવકની વાતો સાંભળી ત્યાં ટોળે વળેલા તમામે સાસુ-વહુ સામે ઘૃણાપૂર્વક જોતાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. આ ઝઘડામાં પોતાના દીકરાને ભૂલી ગયેલી મહિલા દુકાનમાં પહોંચી ગઇ અને પુત્રને ચુમી લીધો.

લોક ના થાય તે માટે શું ધ્યાન રાખવું

જો કારમાં બાળકને બેસાડી કારમાંથી ઉતરો તો બારીના કાચ એક ઇંચ ખુલ્લા રાખો.ગાડીમાં ક્યારેય ચાવી ન ભૂલવી જો કારમાં ચાવી ભૂલી જાઓ અને સેન્ટ્રલ લોક થાય તો ગભરાઇને દોડધામ કરવાને બદલે ક્વોટર ગ્લાસ તોડી નાંખવો અને અંદર હાથ નાંખી દરવાજો ખોલી નાંખવો. - ચિંતન શાહ, સેન્ટ્રલ લોકિંગ નિષ્ણાંત

Comments