મારી આંખોની કીકીમાં સમાયેલી... વહાલી અમી



 
કોનો વાંક?

કોલેજકાળના પ્રેમીઓ દેવાશિષ અને અમી પોતાની ચાહતનો એકરાર કરી શકતા નથી. બંને છુટા પડે છે અને બીજે પરણી જાય છે. વર્ષોના વહાણાં વાય છે. દાર્જિલિંગમાં દેવાશિષની મુલાકાત અમી અને તેના પરિવાર સાથે થાય છે ત્યારે તે અમીની પુત્રી જોઇને અવાક કેમ થઇ જાય છે?

દાર્જિલિંગની આલીશાન હોટલના ગાર્ડનમાં આવેલા રજવાડી હિંચકા પર હું ધીમે ધીમે ઝૂલતો હતો અને ચારે બાજુ કુદરતે પાથરેલાં અદમ્ય સૌંદર્યનું પાન કરી રહ્યો હતો. ફૂલોનો-પમરાટ, પંખીનો કલરવ. હવામાં ફેલાયેલી લાજવાબ તાજગી. સૂર્યદેવના આગમનની છડી પુકારી રહ્યા હતા અને આકાશમાં અદ્ભુત લાલી પ્રસરી ગઇ હતી પણ તેનાથી વધુ લાલી દાર્જિલિંગની પહાડી-યુવતીઓના ગોરા-ગોરા ગાલમાં ચમકતી હતી.

ત્યાં જ એક બહું જ ચીર-પરિચિત ચહેરો નજર સામેથી પસાર થઇ હોટલમાં દાખલ થઇ ગયો. મારું મન એકદમ ઝૂમી ઊઠયું... અરે આ... આ તો અમિતા મારી વહાલી અમી અમી... અમી દિલમાં મીઠો ઘંટનાદ થવા માંડયો અને અનેક ખાટી-મીઠી યાદોના ઢગ નીચે દબાઇ રહેલી અમીની યાદની આંધી સમગ્ર દિલમાં ફેલાવા માંડી અને ૨૦ વર્ષ જૂની દિલમાં કંડારાયેલી છબીએ ચંદન જેવી સુગંધ પ્રસારવા માંડી.

હું અને અમી એસ.એસ.સી.માં સાથે ભણતાં. પણ ભાગ્યે જ હમારી વચ્ચે વાતોનો સેતુ બંધાતો. મને તેનો આકર્ષક ચહેરો અને લાંબા લાંબા વાળ જોવા હંમેશા ગમતા. શરૂ શરૂમાં તો તે મારા પ્રત્યે ધ્યાન નહોતી આપતી પણ વેકેશનમાં સાઉથ ઇન્ડિયાની ટુરમાં અમે સાથે થઇ ગયા અને એક દિવસ ઊટીના ગાર્ડનમાં મારું ધ્યાન ગયું તો અમી અનિમેષ નયને મને નિહાળી રહી હતી. હું પણ ટગર ટગર તેને નિહાળતો રહ્યો. બસ તેની આંખોનું અમી પીતો રહ્યો.

ત્યારબાદ એકમેકને અનિમેષ નયને જોઇ રહેવું એ અમારો નિત્યક્રમ થઇ ગયો. સ્કૂલમાં અમારા ટાઉનમાં, અમારા ઘરમાં બધાને જ અમારી વચ્ચે પાંગરી રહેલા પ્રેમની જાણ થવા માંડી હતી.

એસ.એસ.સી. બાદ કોલેજમાં ભણવા હું સુરત જતો રહ્યો અને અમી ગામની નજીકની કોલેજમાં ભણતી રહી. વેકેશનમાં અમે મળતાં પણ તે માત્ર દૃષ્ટિથી, બોલવાનો વ્યવહાર કદી બંધાતો નહોતો. હું છેલ્લા વર્ષમાં ભણતો હતો. મારી પરીક્ષા પૂરી થઇ ગઇ એટલે વેકેશનમાં હું ચીખલી ગામમાં રહેવા આવ્યો હતો. એક દિવસ હિંમત કરી મેં અમીને ચિઠ્ઠી લખી નાખી અને હાથોહાથ મારો પ્રેમપત્ર અમીને આપી આવ્યો. પત્રના શબ્દેશબ્દ મારી નજર સામે આજે પણ તરવા લાગ્યા.

મારી આંખોની કીકીમાં સમાયેલી... વહાલી અમી.

મધમાખીમાંથી ટપકતા મધ કરતાં કંઇ ગણી વધુ મીઠાશ તારા નામમાંથી અને તારી આંખોમાંથી ઝરે છે. રણમાં વર્ષાની બુંદ જેટલી શાતા આપે તેનાથી વધુ તારી એક દૃષ્ટિથી મારા-તપતા દિલમાં ઠંડક થાય છે. આપણો પ્રેમ લોકોથી છૂપો નથી પણ આજ સુધી આપણે એકમેકનો સ્પર્શ તો શું પણ થોડી મિનિટો વાતો પણ નથી કરી... પણ હા અમી આંખોથી કલાકો સુધી આપણે બંનેએ બહુ જ વાતો કરી છે કદાચ પ્રેમની આ જ સાચી પરિભાષા હશે.

બહુ જ હિંમત કરી આ પત્ર તને લખું છું. મને પૂરો વિશ્વાસ છે કે તું મને જરૂર ચાહે છે પણ તારા શબ્દોમાં તારા મુખે જ હું તે સાંભળવા તડપું છું. તો આ પત્ર મળે દિન ત્રણમાં તું જવાબ જરૂરથી આપજે અને હા તું જવાબ નહીં આપે તો હું માની લઇશ કે તું મને પ્યાર નથી કરતી. માત્ર મારા મનનો ખોટો ભ્રમ હતો. ત્યારબાદ હું કદી તારું નામ નહીં લઉં... સદાને માટે હું તને ભૂલી જઇશ... મારું તને આ વચન છે... અમી. લિ. તારો જ દેવાશિષ

ત્રણ-દિવસ ગયા, ત્રીસ દિવસ ગયા, અરે ત્રણ વર્ષ પસાર થઇ ગયાં, ના તેનો જવાબ આવ્યો, ના તે રૂબરૂ મળવા આવી. ધીમે ધીમે મારા દિલમાં તેના માટેની નફરત વધવા માંડી. હું ગ્રેજ્યુએટ થઇ સરસ નોકરીએ લાગ્યો અને સુરતમાં ઠરીઠામ થયો. અનેક સ્ત્રી મિત્રો પણ વધવા માંડી અને અમીની યાદો પર નવા-નવા થર ઝામવા માંડયા. એક દિવસ ગામથી પપ્પાનો ફોન આવ્યો... તું તુરત ઘરે આવી જા... અગત્યનું કામ છે.

પપ્પા બહુ જ ઉદાર ફોરવર્ડ નેચરના માનવી હતા. તેમણે મને પ્રેમથી કહ્યું, 'બેટા, અમે જાણીએ છીએ કે તું અને અમી વર્ષોથી એકમેકને પ્રેમ કરો છો અને એટલે જ તેના પિતાએ અમી માટે તારો હાથ માગ્યો છે. બસ તારી હા થઇ જાય એટલે વિવાહની તારીખ નક્કી કરી દઇએ.’ મારા દિલમાં તોફાન મચી ગયું. શું જવાબ આપું? મને ખબર પડી હતી કે બે ત્રણ જગ્યાએ અમીના લગ્નની વાતો ચાલી હતી, પણ કદાચ યોગ્ય છોકરો મળ્યો નહીં હોય એટલે અમીનો અહંકાર ઓગળી ગયો હશે અને કદાચ એટલે જ હવે હું સારો લાગવા માંડયો હોઇશ.

મારા મનમાં છુપાયેલા-ઘવાયેલા અહંકારે કહ્યું, 'મારા પ્રેમને લાગણીને તેણે ઠોકર મારી હતી. મારા પ્રેમના-એકરારનું તેણે અપમાન કર્યું હતું. હવે શા માટે મારે તેની સામે નમવું જોઇએ?’ મારા અભિમાનભર્યા ક્રોધિત મને પપ્પાને આ સંબંધ માટે સ્પષ્ટ ના કહેવા કહી દીધું. સૌને બહુ જ નવાઇ લાગી પણ દબાણ કોઇએ કર્યું નહીં.

થોડા દિવસો બાદ મને ખબર પડી કે મુંબઇના કોઇ કરોડપતિ હીરાના વેપારી સાથે અમીનાં લગ્ન થઇ ગયાં. હું પણ દેવિકા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો અને સુખથી સુરતમાં રહેવા લાગ્યો. અમી પછી મારી જિંદગીમાં ઘણી સ્ત્રી-મિત્રો આવી અને ગઇ પણ જ્યારે અમીની યાદનું તોફાન ઉમટે ત્યારે નાની-મોટી યાદોની બધી જ નૌકા તે સૈલાબમાં ડૂબી જતી. અમીને હું કદી ભૂલી શક્યો નહોતો અને આજે આમ અચાનક દાર્જિલિંગની ખુશનુમા સવારે તેણે દેખા દઇ, મારા સમગ્ર મન અને તનને પુલકિત કરી દીધું. બીજા દિવસે સવારે હું ફરી ગાર્ડનમાં બેઠો રહ્યો અને થોડી વારમાં અમી હોટલના પગથિયાં ચડતી દેખાઇ.

મેં ધીમેથી બૂમ પાડી. 'અમી...’ અને તેની ધારદાર નજર મારા પર પડી. ૨૦ વર્ષ બાદ હજુ પણ તેની નજરમાં મારા દિલને હચમચાવી નાખવાની તાકાત હતી. તેણે હળવું સ્મિત વેર્યું અને મારી પાસે ગાર્ડનના હીંચકા પર આવી બેસી ગઇ. થોડી મિનિટો સુધી મૌન છવાઇ ગયું. પછી આમતેમ વાતો થઇ. ત્યારબાદ વર્ષોથી મારા મનમાં ઘૂંટાતો સવાલ મેં સીધો જ પૂછી નાખ્યો, 'અમી આપણે ૨૦ વર્ષ બાદ ફરી મળીએ છીએ. હજુ પણ એક પ્રશ્ન સતત અનેક વર્ષોથી ઉધઇની જેમ મને અંદર-અંદરથી ખાઇ રહ્યો છે. અમી આપણા લગ્ન નહીં થઇ શક્યા તેના માટે કોણ જવાબદાર... તું કે હું...?’

થોડીવાર મૌન છવાઇ રહ્યું. અમીની આંખમાંથી અશ્રુ વહેવા માંડયાં. તેણે દૂર દૃષ્ટિ કરી અને બહુ જ નરમાશથી રૂંધાયેલા અવાજે કહ્યું, 'દેવાશિષ... તું મારા હસબન્ડ અને મારી ડોટર દેવરેખાને કદી મળ્યો છે...?’

'નહીં-કદી-નહીં’ મેં જવાબ આપ્યો. 'તો તેઓ બંને સામેથી આવી રહ્યા છે, તું તે બંનેને ધારી-ધારીને નજીકથી નિરખી લેજે... કદાચ તારા પ્રશ્નનો જવાબ તને મળી જશે.’ અમીએ દેવરેખા અને સુદેશ તેના પતિ સાથે મારો પરિચય કરાવ્યો. સુદેશ દેખાવમાં ઘણો જ સામાન્ય લાગતો હતો પણ દેવરેખા ઓહકમાલની છોકરી અત્યંત સ્વરૂપવાન સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા જેવી.

ત્રણે હોટલમાં ચાલ્યાં ગયાં પણ હું વિચારતો જ રહી ગયો. મારા પ્રશ્નનો ઉકેલ મળવા કરતાં વધુ ગુંચવાયો. આખી રાત હું સૂઇ નહીં શક્યો. સવારે વહેલા ઊઠી અમીની રાહ જોતો કડકડતી ઠંડીમાં હું ગાર્ડનમાં બેઠો રહ્યો. અમી થોડી વહેલી આવી.આજે તે સુંદર ગુલાબના ફૂલ જેવી ખીલેલી લાગતી હતી. તેણે સીધું જ પૂછ્યું, 'જવાબ મળ્યો દેવુ...?’

'નહીં અમી હું તો વધુ ગૂંચવાયો’

'તું હજુ બુધ્ધુનો બુધ્ધુ જ રહ્યો. દેવુ તે દેવરેખાની આંખ, એની ભ્રમર તેનું સ્મિત જોયું?’

'હા અદ્ભુત છોકરી છે... અમી બિલકુલ તારા પર પડી છે.’

'ના દેવાશિષ... મારા પર નહીં પણ તે તેના બાપ પર ગઇ છે. એટલે બિલકુલ તારા પર અમી અત્યંત આત્મવિશ્વાસથી બોલી.’

'શું વાત કરે છે અમી?’ હું લગભગ ચીસ પાડી ઊઠયો... તે સો ટકા અશક્ય છે..

'આપણે ૨૦ વર્ષ બાદ પ્રથમવાર આજે મળીએ છીએ. મેં જિંદગીમાં કદી તારા શરીરનો સ્પર્શ પણ કર્યો નથી. પછી પછી તે શક્ય જ કેવી રીતે બની શકે?’

'દેવાશિષ મેં લગ્ન ભલે સુદેશ સાથે કર્યાં હશે અને સ્વાભાવિક છે શારીરિક સંબંધ પણ તેની સાથે ઘણી વાર બંધાયો હશે પણ ભગવાન સાક્ષી છે મારા મનમાં સતત તારું રટણ રહેતું. હું સતત તારી હાજરી મહેસૂસ કરતી હતી.’ અમીના સ્વરમાં સચ્ચાઇનો રણકો હતો. હું થોડી વાર મૌન રહ્યો. ગળામાં ડૂમો ભરાઇ ગયો અને આંખમાં પાણી છતાં સ્વસ્થ થતાં કહ્યું, 'પણ અમી આ કારણથી દેવરેખા કદાચ મારી માનસપુત્રી કહેવાય મારા સગી પુત્રી તો ન કહેવાય ને...?

અમી જવાબ આપવાની તૈયારી કરતી હતી ત્યાં જ સુદેશ અને દેવરેખા દૂરથી આવતાં દેખાયાં અને તે ઝપાટાભેર હોટલના દરવાજા તરફ વળી ગઇ. જતાં જતાં કહેતી ગઇ,'દેવુ અમે આજે ગોહાટી જવાના છીએ. કાલે સાંજે પાછા આવી જઇશું. તું રોકાજે ભાગી નહીં જતો તારી ટેવ પ્રમાણે.’

હું લગભગ ડઘાઇ ગયો. અવાક થઇ ગયો. ઊઠીને ક્યારે હું મારી રૂમમાં દાખલ થયો તેનો મને ખ્યાલ પણ નહીં રહ્યો પણ મારી પત્ની દેવકીના પ્રશ્ને મને ચોંકાવી નાખ્યો. 'કોણ હતી-ગાર્ડનમાં?’

'કોણ... કોણ...? હા તે તો મારી કોલેજની મિત્ર હતી.’ લોચા મારતા મેં કહ્યું.

'ખોટું નહીં બોલ દેવાશિષ... તે અમી હતી ને...? દેવકીએ રણકતા સ્વરમાં પૂછ્યું.’

'હું ફરી ચોંક્યો... તું ક્યાંથી ઓળખે અમીને?’

'ત્રણ ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં આ ઉંમરે માણસ તેના પ્રથમ પ્રેમને મળવા જ દોડી શકે દેવુ. તારી પ્રથમ પ્રેમિકા અમી હતી તે વાત જગજાહેર છે.’

હું ક્લીન બોલ્ડ થઇ ગયો. કેવી કેવી શક્તિઓ હોય છે સ્ત્રીઓમાં હું ગણગણ્યો. અમી અને દેવરેખાની રાહ જોવાની એક એક પળ મને એક એક યુગ જેવી લાગવા માંડી. મને ક્યાંયે ચેન પડતું નો’તું હું મારા બેડમાં વહેલી રાત્રે સૂતો હતો અને દેવકી મારા પગના તળિયામાં ગલીપચી કરતી હતી. હું જોરથી ચિલ્લાઇ ઊઠયો અને પડખું ફર્યો તો ચોંકી ઊઠયો અમી તું અત્યારે મારા રૂમમાં? 'ગભરાઇશ નહીં દેવુ તારી પત્ની નીચે ટી.વી. જોઇ રહી છે અને મને વિશ્વાસ છે કે તે સિરિયલ પૂરી થયા પહેલાં નહીં આવે.’ 'અમીને મેં વિનવણીના સૂરમાં કહ્યું, 'અમી તું હવે મને તડપાવ નહીં મને હાર્ટ એટક આવી જશે. જલદી કહે કે દેવરેખા મારી પુત્રી કઇ રીતે?’

'દેવુ, તું સુરમાને ઓળખે છે?’ અમીએ પૂછ્યું.

'હાં હાં બરાબર... તારી ખાસ બહેનપણી સુરતમાં ગાયનેકોલોજિસ્ટ છે તે જ ને?’ મેં વાક્ય પૂરું કરતાં કહ્યું. 'હું તેને ઘણીવાર મળ્યો છું અમી.’

'સુરમાને, હું પણ કાયમ મળતી રહી છું. તે સુરતમાં ર્વીયબેંક ચલાવે છે. મારા કહેવાથી તેણે બે વાર તારા સ્પર્મનું દાન તારી પાસે કરાવ્યું હતું અને તારા એ બીજનું મેં મારા ગર્ભાશયમાં રોપણ કરાવ્યું હતું. દેવાશિષ મારા દેવું અને તેનું જ મીઠું મધુરુ ફળ એટલે જ આપણી દેવરેખા.’ અમીની આંખમાંથી સંતોષ અને પ્રેમ વહેતો હતો. હું આશ્ચર્યચકિત આનંદવિભોર થઇ ગયો. અમીની સૂઝ હિંમતને દાદ આપવા વગર રહી નહીં શક્યો.

અમીએ ગળગળા ભીનાશ નીતરતા અવાજે કહ્યું, 'પુરુષનો પ્રેમ પાણીના પરપોટા જેવો ક્ષણિક હોય છે. જ્યારે સ્ત્રીના પ્રેમમાં દરિયા જેવી વિશાળતા અને અમાપ ઊંડાઇ હોય છે. તું સ્ત્રીની લજ્જા મર્યાદા ના સમજી શક્યો? તારા પત્રનો જવાબ ન આપ્યો એવી નાનકડી વાતનો તેં રાઇનો પર્વત બનાવી દીધો? અને મારા લગ્નના વિધિસરના પ્રસ્તાવને તેં ઠુકરાવી દીધો. મારી આંખમાંથી સતત વહેતાં લાગણીના વહેણને,એકરારને તું વાચી ના શક્યો દેવાશિષ?’

અમીની આંખમાંથી સતત આંસુની ધારા વહેતી હતી. ધ્રુજતા ગળગળા સાદે તેણે ઉર્મેયું, 'આ જનમે તો તારા અંશને મેળવી મેં સંતોષ માન્યો છે પણ આવતા જનમે હું કોઇ પણ સ્વરૂપમાં તને જરૂર મળીશ... ફરી મારા પ્રેમને ઠુકરાવવાની ભૂલ નહીં કરતો દેવાશિષ...’

Comments