મોનાર્કના મનમાં ચાલી રહેલું પ્રીત મિલનનું મંથન પ્રસ્વેદના બિંદુ બનીને કપાળ પર છવાઈ ગયું હોય તેમ દેખાઈ આવતું હતું. આજે તેના પલ્લવી સાથેના પ્રેમનો ફેંસલો થવાનો હતો. તેના પાંચ વર્ષ પુરાણા પ્રેમનો આખરી અંજામ લેવાનો હતો. તે લગભગ ૭ વર્ષથી બેંકમાં નોકરી કરતો હતો તેને પલ્લવી સાથે પરિચય બે વર્ષ બાદ થયેલો કે જ્યારે તે નવી નવી બેંકમાં જોડાઈ હતી. આ સમયે બંનેની ખુરશી પાસે રહેતી હતી. ઘણી વખત ક્લિયરિંગમાં પલ્લવીને ખબર ન પડતી ત્યારે મોનાર્ક તેને માર્ગદર્શન આપતો. આ રીતે બંને વચ્ચે સંબંધો સધાયા હતા. આ સંબંધે બંને પ્રેમ વચ્ચેનો સેતુ બાંધી, બંને હૈયા વચ્ચેની ખાધ પૂરી હતી.
મોનાર્ક શ્યામ, પરંતુ નમણો અને તેજસ્વી યુવાન હતો. તેની કામ કરવાની કળા અને આવડત ગમે તેને આકર્ષી શકે તેવી હતી. તેનો ધીમો અવાજ તેના શાંત સ્વભાવને અનુરૂપ બની તેના નિખાલસપણાને નવાજતો હતો. તેની માંજરી આંખો પલ્લવી માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલી.
આ ગુણોને આધીન અવતરી હોય તેમ પલ્લવી થોડી ગૌર અને મોટી આંખોવાળી હતી. તેના લાંબા કેશ તેની ચાલને વધુ સુમધુર બનાવતા હતા. આમ તો તેનો નટખટ સ્વભાવ મોનાર્કને સ્વભાવથી વિભિન્ન હોવા છતાં સ્વીકાર્ય હતો. કારણ તેની નિર્દોષતા વધારે પ્રેમ કરવા આગ્રહ કરતી હતી.
પ્રેમના પાંચ વર્ષ વીતવા છતાં કશો નિર્ણય લઈ શકતા ન હતા. મોનાર્કના ઘરના તેની પસંદગીને સ્વીકારવા તૈયાર હતા, પરંતુ પલ્લવીના સ્વજનો કોઈપણ સંજોગોમાં તેના વિચારની વાત માનવા તૈયાર ન હતા અને આજ સુધી મોનાર્ક અને પલ્લવીના જીવન સંગાથ માટેનો પ્રશ્ન બની રહ્યો હતો.
પલ્લવીની બદલી તે જ શહેરની બીજી બ્રાન્ચમાં બે વર્ષથી થઈ ગઈ હોવાથી તેઓ હંમેશાં મળી શકતા ન હતા, પરંતુ સાત-આઠ દિવસે તેઓ મળવાનો કાર્યક્રમ ગોઠવતા. આ આઠ દિવસના વીતેલા સમયની સંગાથે આ જ પલ્લવીને મળવા ઓફિસનો સમય પૂરો થતાં તેનું સ્કૂટર લઈ મોનાર્ક રવાના થયો. તેના દિમાગમાં બસ પલ્લવી અને પ્રેમના જ વિચારો ચાલી રહ્યા હતા. તે પલ્લવીની ઓફિસે પહોંચ્યો. તે તેની રાહમાં જ ઊભી હતી. મોનાર્કને જોતાં જ તેના આનંદનો પાર ન રહ્યો. બંને શહેરના તળાવના કિનારે બેસવા રવાના થયાં.
સડક પૂરી થતાં બંને તળાવના શાંત કિનારા તરફ ગયાં, ત્યાં નિરવ શાંતિ હતી. લોકોની કોઈ અવરજવર ન હતી. મોનાર્કે સ્કૂટર પાર્ક કર્યું. તળાવના કિનારે પાણીમાં પગ પલળે તે રીતે કાંઠા પર બંને બેઠાં.
મોનાર્કનું મન હંમેશની જેમ શાંત અને સ્થિર હતું. જ્યારે પલ્લવી આખરી નિર્ણય લેવા થનગની રહી હોય એમ વાત કરવા તત્પર હતી. તેણે મૌન તોડતાં કહ્યું, "શું મોનાર્ક કેમ ઉદાસ છે, હવે તો હું મળી ગઈ પછી શું વિચારે છે ?"
"પલ્લવી આપણે આ રીતે અઠવાડિયે અઠવાડિયે ક્યાં સુધી મળીશું ? હવે એકલતા એકતાને ઝંખે છે."
"મોનાર્ક હું તારી વાત સમજું છું, પણ શું થાય મારાં માતા-પિતા સંસારના ડરથી પોતાની આબરૂ સાચવવા તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે, આમાં હું શું કરું, તું જ કહે ને ?" પલ્લવી શાંત જળમાં કંકર ફેંકતા બોલી.
"પ્રીતના પ્રસાદમાં બે ર્મૂિતઓ અલગ રહે તે પૂજ્યતાને ક્યાં સુધી સ્વીકાર્ય રહેશે ? પલ્લવી, મારા સ્વજનો મારી પસંદગી સ્વીકારવા તૈયાર છે માટે તારા જ નિર્ણય પર આપણા જીવન મિલનનો આધાર છે. માટે તું કહે તેમ કરીએ, બીજું હું શું કરી શકું ?" મોનાર્કે જવાબ આપતાં કહ્યું.
"હું પણ એ જ વિચારું છું. હવે આ વિરહ અસહ્ય બન્યો છે, તારી જુદાઈ પણ હવે ડંખે છે, મને વિરહ હવે વ્યાકુળ અને વ્યથિત બનાવે છે." અશ્રુના બે બુંદ સરકાવતાં પલ્લવી બોલી. મોનાર્ક થોડી હિંમત આપતા બોલ્યો, "પલ્લવી, વિરહ છે તો પ્રેમની કિંમત છે. વિરહ વિના પ્રેમ પાંગળો છે. દુઃખ વગર જેમ સુખની અનુભૂતિ નથી થતી તેમ જુદાઈ વગર મિલનની અનુભૂતિ નથી થતી. વિરહ જ પ્રેમને સતેજ બનાવે છે અને બે પ્રેમીઓને નિકટ લાવે છે."
"પરંતુ ક્યાં સુધી મિલનના ઇન્તજારમાં રાચતા રહીશું ? માટે કહું છું, ચાલ આપણે આત્મત્યાગ કરી લઈએ, આ શાંત નીર આપણા તનને ડૂબાવવા ઇચ્છે છે, હવે આત્મત્યાગ સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી, કારણ આ સમાજ આપણા પ્રેમને ઓળખી શકશે નહીં, આમ તડપવું કરતાં આત્મવિલોપન કરી લેવું શું ખોટું છે ?" પલ્લવી બોલતાં બોલતાં લાલચોળ બની ગઈ તેનું શરીર ધ્રુજવા લાગ્યું.
"આત્મત્યાગ ? આત્મહત્યા ? આપઘાત એ ભ્રમણા છે, મૂર્ખાઈ છે, નબળાઈ છે, પ્રેમ સામેની હાર છે, હું આ લડાઈમાં હારવા નથી માગતો, જીતવા માગું છું અને જગતને બતાવવા માગું છું કે પ્રેમનું મૂલ્ય શરીર ત્યાગ કે આપઘાતમાં નથી, પરંતુ વિરહની વેદી પર અશ્રુબિંદુના અભિષેકથી પ્રેમને પાંગરવો તેમાં છે, જગત ભલે તિરસ્કારે, તેથી શું ? લગ્ન નહીં થવા દે એમ જ ને ? ભલે લગ્ન ન થાય, પરંતુ અવિવાહિત રહી આપણે નિરંતર મળીશું અને પ્રેમના પ્રતીક બની જગમાં જીવીશું. ક્યાં સુધી સમાજ આપણને નહીં અપનાવે, એક દિવસ થાકીને તેમણે પણ હાર સ્વીકારવી પડશે, તેણે પણ ઝૂકવું પડશે પ્રેમની સામે ?" પ્રેમની ભાષા સમજાવતા મોનાર્ક બોલ્યો.
પલ્લવી અનિમેષ નયને મોનાર્ક સામું જોતાં બોલી, "દિલ તો હવે ઝંખે છે સ્વપ્નો સાકાર કરવા, મનના ઉમંગને પૂર્ણ કરવા, શું નહીં થાય આશા પૂર્ણ આપણી ? ક્યાં સુધી આમ કુંવારા મળતા રહીશું ?"
"બસ, ક્યાં સુધી શું ? જીવનભર, વિરહમાં ક્યાંય વ્યતિત થઈ જશે જીવન ઉપરાંત પ્રેમના ઉદ્યાનમાં મિલનના છોડનો રોજ ઉમેરો થશે અને હંમેશ નીતનવા પ્રેમ-પુષ્પ ખીલવશે અને અંતરને ખુશ્બૂ આપશે. શું તને નહીં રૂચે આવી જિંદગી ? મોનાર્કે પૂછયું.
"શા માટે નહીં, તારું જીવન એ મારું જીવન, તારા વિચાર એ મારા વિચાર, સારું ત્યારે આત્મવિલોપન કરતાં હું પણ જુદાઈ અને મિલનના સંગમને આવકારું છું. આ ભવ તો શું સાત ભવ સુધી અવિવાહિત રહેવું પડે તો પણ શું ? હું અવિવાહિત રહેવા તૈયાર છું. જીવન ટૂંકાવવા કરતાં મને વિરહની વેદનામાં જ વધારે સુખ મળશે." પલ્લવી જીતના પ્રેમાનંદથી બોલી.
મોનાર્કે પ્રેમની જીત સાથે બોલતાં કહ્યું, "પલ્લવી, આપણને શરીર ત્યાગનો શો અધિકાર, આપણે દિલના માલિક તેને તૂટવા ન દઈએ, પરંતુ તનને ત્યજીને વાસનામાં જ ભટકવું છે ને ? એ કરતાં દૂર રહીને સાથે જીવન વિતાવવું શું ખોટું ?
હું આત્માને તોડવા નથી માગતો. અજર-અમર બનાવવા માગું છું અને સમાજને બતાવવા માગું છું કે પ્રેમ લગ્નથી નહીં, પરંતુ મિલનથી પણ થઈ શકે છે."
"મોનાર્ક તારા આદર્શને હું અપનાવું છું. તારા વિચારોએ મારી ભ્રમણા ભાંગી નાખી છે, હું આત્મવિલોપન કરતાં વિરહને અપનાવીશ,આપણે પ્રેમનાં પ્રતીક બનીને સંસારમાં રહીશું, ચાલ ઊભો થા, જગત આપણી રાહ જુએ છે." પલ્લવીએ મોનાર્કનો હાથ પકડીને ઊભો કરતાં બોલી.
બંને ઊભા થયા, ઘરે જવા રવાના થયા. સ્કૂટર સડક પર દૂર અદૃશ્ય થઈ ગયું. એ સમયે સૂર્યાસ્ત થઈ ગયો હતો. સાંજ ઢળી ગઈ હતી. સૂર્ય દૂર ક્ષિતિજમાં સમાઈ ગયો હતો. ચંદ્ર તેની તારાઓની સેના લઈ ગગનમંડળમાં આવવા નીકળી પડયો હતો. બંનેના પ્રેમ પર અમિપુષ્પ વરસાવતા હોય તેમ તારલાઓ ટમટમ બનીને ચમકી રહ્યા હતા. શીતળ ચાંદની તેને વધુ સાંત્વના અને ધીરજ આપતી હોય તેમ ફેલાતી જતી હતી. સડકો ઉપર ફરતા વાહનો ધીમે ધીમે ઓછા થતા જતા હતા.
આ વાતને આજે દસ વર્ષ પૂરાં થઈ ગયા છતાં હું જોઉં છું તો બંને અવિવાહિત છે છતાં એટલા જ પ્રેમ અને લાગણીથી મળે છે,વિચારોની આપ-લે કરે છે. સમય વિતાવવા છતાં પ્રેમમાં હજુ ઓટ આવી નથી. બંનેના આનંદિત ચહેરા સામે મળે છે ત્યારે થાય છે.
"શું પ્રેમ વિરહમાં ન પાંગરી શકે ? પ્રેમને વિરહથી ન જીતી શકાય કે પછી આત્મત્યાગથી જ તેની કિંમત ચૂકવી શકાય ?" આ સમયે મોનાર્કના શબ્દો પડઘા બનીને કાને પડતા હોય સંભળાય છે. "આત્મત્યાગ ? આત્મહત્યા ? આપઘાત એ ભ્રમણા છે, મૂર્ખાઈ છે, નામર્દાઈ છે અને પ્રેમ સામેની હાર છે, હું આ લડાઈમાં હારવા નથી માગતો, જીતવા માગું છું." જીતની લડાઈમાં મોનાર્ક સાથે પલ્લવી પણ જોડાઈ ગઈ છે. બંને દૂર હોવા છતાં સાથે જીવન જીવી રહ્યાં છે.
"યાર છે, પ્યાર છે, દિલ દરિયો મઝધાર છે બે કાંઠુ વહુ છતાં પ્યાસ પારાવાર છે
આવોને અમ આંગણે મળવાનો ઇંતજાર છે મિલન સાથે વેદનાની લાંબી વણઝાર છે."
Comments
Post a Comment
Thanx For Comment